ગુજરાતમાં વાસણ ધોવાથી બ્રિટનમાં માસ્ટરશૅફ સુધી પહોંચનાર સંતોષ શાહની કહાણી

ઇમેજ સ્રોત, SANTOSH SHAH/TWITTER
- લેેખક, ગની અંસારી
- પદ, બીબીસી ન્યૂઝ નેપાળી
UKના માસ્ટરશૅફ કૉમ્પિટિશનમાં ભાગ લઈ નામના મેળવનારા સંતોષ શાહની સફર દક્ષિણ નેપાળના કરજન્હા ગામના એક ગરીબ પરિવારથી શરૂ થઈ હતી.
તેઓ ખૂબ નાની ઉંમરે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. લગ્ન બાદ તેમના મોટા ભાઈઓ પણ પરિવારથી અલગ થઈ ગયા હતા. તેમનાં માતાએ તેમને ભાવનાત્મક ટેકો તો આપ્યો છતાં તેઓ નાણાકીય દૃષ્ટિએ તો સંતોષ પર જ આધાર રાખતાં હતાં.
તેમની પાસે ગુજરાન ચલાવવા માટે કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓ બ્રેડ અને પોલિથિનના વેચાણ થકી આશરે દિવસના 14 રૂપિયા રળવા લાગ્યા.
તે સમયે તેઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. તેમણે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પરીક્ષા આપી તો ખરી, પરંતુ તેઓ ત્રણ વિષયોમાં નાપાસ થયા. તેમને લાગ્યું ભાગ્યે ફરીવાર તેમની સાથે દગો કર્યો છે, કારણ કે તેઓ પોતાના પિતાને તો પહેલાંથી જ ગુમાવી ચૂક્યા હતા.

ગુજરાતની એક હોટલમાં વાસણ ધોનાર

ઇમેજ સ્રોત, SANTOSH SHAH
15 વર્ષની ઉંમરે ઘરની જવાબદારી સંતોષના માથે આવતાં તેઓ પણ ગામના અન્ય લોકોની જેમ કમાવા માટે ગુજરાત જતા રહ્યા. પરંતુ તેમની પાસે કોઈ કૌશલ્ય કે શૈક્ષણિક લાયકાતના પુરાવા નહોતા.
તેઓ પોતાની સફરને યાદ કરતાં કહે છે કે, "મને કહેવામાં આવ્યું કે મારી પાસે કોઈ કૌશલ્ય ન હોવાની સ્થિતિમાં મને વાસણ ધોવાનું અને સાફસફાઈનું કામ મળી શકશે. આ કામમાં રોજિંદી કમાણી સાથે ભોજન પણ સામેલ હતું. મને આનાથી સારી કોઈ રોજગારી મળવાની નહોતી તેથી હું ત્યાં જવા માટે તૈયાર થઈ ગયો."
ગુજરાતમાં તેમને વાસણ ધોવાની નોકરી મળી. તેમને પ્રતિ માસ તે કામના 900 રૂપિયા મળતા હતા. પોતાના ગામડે બ્રેડ અને પોલિથિન વેચીને માસિક લગભગ 370 રૂપિયાની આવક કરતાં તો આવક સારી હતી.
100 રૂપિયા પ્રતિમાસ ભાડા તરીકે ચૂકવી 800 રૂપિયા બચાવીને તેઓ ખુશ હતા. એક સાથે 30-40 શૅફને, માથે લાંબી ટોપી અને વ્હાઇટ ડ્રેસ સાથે કામ કરતાં જોવું તેમના માટે તે સમયે ખૂબ આશ્ચર્યજનક વાત હતી. જ્યારે તેમને ખબર પડી કે શૅફને પ્રતિમાસ 16 હજાર રૂપિયા મળે છે, ત્યારે તેમના મગજમાં એક શૅફ બનાવાનો ખ્યાલ આવ્યો. આમ, અભાવના વાતાવરણમાં ઉછરેલા સંતોષે એક સ્વપ્ન જોયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક દિવસ તેઓ હિંમત કરીને ઍક્ઝિક્યુટિવ શૅફ સરોજ દાસની ઑફિસમાં ગયા. એ દિવસને યાદ કરતાં તેઓ કહે છે કે, "હું શૅફ તરીકે કામ કરવા માગું છું, મહેરબાની કરીને મને એક તક આપો."
આ સાથે જ તેમણે શૅફ બનવા માટે કોઈ પણ કામ પાર પાડવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. સરોજ દાસે તેમને બીજા જ દિવસથી પોતાના મદદનીશ શૅફ તરીકે જોડાવા કહ્યું. તેમણે બેકિંગ અને લોટ બાંધવાના કામથી શરૂઆત કરી.

કામની સાથે રસોઈકામમાં ડિગ્રી

ઇમેજ સ્રોત, SANTOSH SHAH
પાંચ મહિના બાદ તેઓ ગુજરાતમાં જ અન્ય એક હોટલમાં જોડાયા. આ હોટલમાં જ કૅટરિંગનું કામ શીખવવાની સંસ્થા પણ હતી. તેમણે આવી હોટલમાં શૅફ બનવા માટેની પ્રક્રિયા અંગે વરિષ્ઠોને પૂછ્યું. જ્યારે તેમણે આવી હોટલમાં શૅફ બનવા માટે શિક્ષણ આવશ્યક હોવાની વાત કરી ત્યારે સંતોષના મનમાં ભણવાની ઇચ્છા જાગૃત થઈ.
તેઓ એ સમયને યાદ કરતાં કહે છે, "મેં મારા મૅનેજરને મારા કામના કલાકો ઘટાડી મારા ભણવા માટે વ્યવસ્થા કરવા અંગે વાત કરી. આ માટે હું મારા પગારમાંથી અમુક કપાત કરાવવા પણ તૈયાર હતો."
હોટલના મૅનેજર સંતોષની વિનંતીનો અસ્વીકાર ન કરી શક્યા કારણ કે તેઓ તેમની કામ પ્રત્યેની નિષ્ઠાથી વાકેફ હતા. તેમણે સંતોષને મંજૂરી આપી દીધી. સંતોષે કામની સાથોસાથ દોઢ વર્ષનો ડિપ્લોમા પૂર્ણ કર્યો. શિક્ષણ અને અનુભવ મેળવીને સંતોષે ફાઇવ સ્ટોર હોટલમાં ઉચ્ચ પદ માટે અરજી કરી અને તેમને પસંદ કરી લેવાયા.
કામ કરતાં કરતાં તેમને ખબર પડી કે રસોઈકામની આવડત સાથે સારું અંગ્રેજી બોલતા આવડવું ઉચ્ચ પદ મેળવવા માટે ખૂબ જરૂરી છે.
એ સમયે તેમની આવક સારી હતી અને તેઓ ગામડે તેમનાં માતાને પૂરતાં નાણાં મોકલાવી રહ્યા હતા. અંગ્રેજી શીખવા માટે નાણાકીય અવરોધો હવે તેમના માર્ગમાં નહોતા.
તેઓ તે અંગે વાત કરતાં કહે છે કે, "મેં એક એક કલાક માટે ત્રણ જુદી જુદી સંસ્થાઓમાં અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. મેં, હું જે શીખતો તે એકથી બીજી જગ્યાએ ઉપયોગમાં લાવવાનું શરૂ કર્યું. કોઈ પણ ભાષા શીખવા માટે તેનો વધુમાં વધુ મહાવરો કરવો એ જરૂરી છે."
ધીરે ધીરે તેઓ અંગ્રેજી સમજવા અને અંગ્રેજીમાં અન્યોની વાતોનો જવાબ આપવાનું શીખી ગયા.

ઇમેજ સ્રોત, SANTOSH SHAH
સંતોષે અન્ય એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યું અને ઍક્ઝિક્યુટિવ શૅફ તરીકે પસંદગી પામ્યા. તેઓ આ સમય વિશે વાત કરતાં કહે છે કે, "સાત વર્ષની અંદરોઅંદર જ મારા હાથ નીચે 70 લોકો કામ કરવા લાગ્યા. તે સમયે મારો પગાર 40 હજાર હતો. આ 2006-07ની વાત છે."
આ જવાબદારીની સાથે તેઓ અન્ય કૌશલ્યો પણ હાંસલ કરવા લાગ્યા. જેમ કે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે મેનુ તૈયાર કરવા માટે ઍક્ઝિક્યુટિવ શૅફને કૉમ્પ્યૂટર આવડવું જરૂરી છે ત્યારે તેમણે કૉમ્પ્યૂટરની ટ્રેનિંગ લેવાનું પણ શરૂ કર્યું. તેમણે આ જ હોટલમાં ત્રણ વર્ષ સુધી ઍક્ઝિક્યુટિવ શૅફ તરીકે કામ કર્યું.
જ્યારે તેમના મગજમાં વિદેશ જવાનો વિચાર આવ્યો ત્યારે તેમણે ઓવરસીઝ એજન્સીઓનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું. સંતોષે કોઇમ્બતૂરની એક એજન્સીને બે લાખ રૂપિયા આપ્યા પરંતુ પાછળથી ખબર પડી કે તે એજન્સી ફ્રોડ હતી.
તેમણે પૈસા તો ગુમાવ્યા પરંતુ વિદેશગમનની પોતાની ઇચ્છા નહીં. અંતે તેઓ વર્ષ 2009માં મોન્ટેનીગ્રો પહોંચી ગયા. જોકે, એક વર્ષ એક ફાઇવ સ્ટાર હોટલમાં ત્યાં કામ કર્યા બાદ તેઓ ભારત પરત ફરી આવ્યા.
તેમણે ગુજરાત આવીને ફરીથી એક ફાઇવ સ્ટાર હોટલમાં ઍક્ઝિક્યુટિવ શૅફ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
પોતાના જીવનના ટર્નિંગ પૉઇન્ટ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "મેં વિદેશમાં મેળવેલા પોતાના અનુભવો શૅર કરવા માટે એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું. જેને ભારતના ઘણાં મીડિયા સંસ્થાનો દ્વારા સારું કવરેજ મળ્યું."
આ સમાચાર જોઈને લંડનના એક ગુજરાતી રેસ્ટોરાંના માલિકે તેમને ફોન કર્યો અને લંડન જવાની તેમની ઇચ્છા વિશે તેમને પૂછ્યું. તેમણે એ જ રાત્રે સંતોષને મિટિંગ માટે બોલાવ્યા. રાતના 11 વાગ્યે પોતાની ફરજ પૂરી કરીને તેઓ મોટરસાઇકલ પર બે કલાક સુધી મુસાફરી કરીને પોતાના લંડનપ્રવાસ અંગેની ચર્ચા કરવા માટે પહોંચ્યા.

ગુજરાતથી લંડન સુધીની સફર

ઇમેજ સ્રોત, SANTOSH SHAH/TWITTER
મધરાતે એક વાગ્યે આ ગુજરાતી મહાશયના ઘરે પહોંચી તેમણે પોતાના પ્રમાણપત્રો બતાવ્યાં. આ ગુજરાતી મહાશયે સંતોષને લંડન માટે વિઝાની અરજી કરવા માટે અમુક નાણાં આપ્યાં. સંતોષે પણ બીજા જ દિવસે વિઝા મેળવવા માટે અરજી કરી દીધી.
સંતોષને અરજી કર્યાના સાત દિવસમાં જ લંડનની વર્ક પરમિટ મળી ગઈ. તેઓ પોતાની માતાને મળવા ગુજરાતની હોટલમાંથી રાજીનામું આપીને નેપાળના સિરાહા પહોંચ્યા.
તેઓ કહે છે કે, "હું વર્ષ 2010ના અંત ભાગમાં લંડન પહોંચ્યો." પરંતુ લંડનમાં આવતાંવેંત તેમને એક કડવો અનુભવ થયો.
તેઓ તે અંગે વાત કરતાં કહે છે કે, "રેસ્ટોરાંના માલિક તેમને લંડન લઈ આવ્યા છે એવું જણાવીને તેમનો પગાર કાપી લેતા. અને કામનું ભારણ પણ વધુ હતું. ઉપરાંત તે રેસ્ટોરાં એક ઢાબા જેવું હતું. મારે ભોજન બનાવવાનું અને વાસણ ધોવાનું કામ પણ કરવું પડતું. મને ખૂબ ખરાબ લાગતું."

ઇમેજ સ્રોત, SANTOSH SHAH
પરંતુ આ અનુભવો છતાં તેઓ પ્રગતિના પંથે આગળ વધતા રહ્યા. તેમણે વર્ક પરમિટ બદલાવવા માટે છ હજાર પાઉન્ડનો ખર્ચ કર્યો. એ જ સમય દરમિયાન તેમને મૂળ ભારતીય મિશલિન સ્ટાર શૅફ અતુલ કોછર સાથે કામ કરવાની તક મળી.
આ અનુભવ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "મેં તેમની સાથે ત્રણ વર્ષ સુધી કામ કર્યું. તેમનાં રેસ્ટોરાંમાં ફ્રેન્ચ ટેસ્ટવાળી ભારતીય વાનગીઓ પીરસવામાં આવતી હતી. ત્યારે મારા મનમાં ખ્યાલ આવ્યો કે અતુલ જેનાથી પ્રભાવિત થયા છે તે વાનગીઓ બનાવતા શીખવું. "
ત્યાર પછી તેમણે ફ્રેન્ચ શૅફ રેમન્ડ બ્લૅન્ક સાથે એક વર્ષ સુધી કામ કર્યું.
લંડનમાં સિનેમન ગ્રૂપ બાદ તેઓ લલિત હોટલમાં ઍક્ઝિક્યુટિવ શૅફ તરીકે જોડાયા. ત્યાંથી તેઓ ફરીથી સિનેમન ગ્રૂપમાં જોડાયા. તેઓ તે સમય અંગે યાદ કરતાં કહે છે કે, "વિબેક સિંઘ, જેઓ રેસ્ટોરાંના માલિક હોવાની સાથે એક ખ્યાતનામ શૅફ પણ છે, તેઓ મને ખૂબ સહાય અને સ્વતંત્રતા પૂરી પાડતા."

નેપાળી વાનગીઓને પ્રસિદ્ધિની જરૂર

ઇમેજ સ્રોત, SANTOSH SHAH
પાંચ વર્ષના કઠોર પરિશ્રમ થકી સંતોષ UKના માસ્ટરશૅફમાં કોમ્પિટિશનમાં પહોંચ્યા છે. પરંતુ તેઓ કહે છે કે હવે તેમનો ધ્યેય નેપાળી વાનગીઓને પ્રસિદ્ધ કરવાનો છે ના કે UK માસ્ટરશૅફ સ્પર્ધા જીતવાનો.
સંતોષ ગર્વભેર જણાવે છે કે, "નેપાળી વાનગીઓમાં એવી કંઈક અનોખી વાત છે જે અંગે બહારની દુનિયાને ખબર નથી. મેં સ્પર્ધામાં પણ આ અંગે કહ્યું હતું આ બરાબર નથી."
તેઓ વધુમાં કહે છે કે, "મને ભારતીય વાનગીઓ બનાવવામાં 20 વર્ષનો અનુભવ છે. જો આ સ્પર્ધાનું ટાઇટલ જીતવું મારી પ્રાથમિકતા હોત તો મેં નેપાળી વાનગીઓને ન પસંદ કરી હોત."
તેઓ કહે છે કે થોડા ઇનોવેશન સાથે નેપાળી વાનગીઓને વિશ્વમાં નવા સ્તરે લઈ જઈ શકાય છે.
સ્પર્ધાના ક્રિટિક્સ રાઉન્ડમાં ટોમ પાર્કર અને ગ્રેસ ડેન્ટ પાસેથી હકારાત્મક પ્રતિક્રિયા મેળવીને સંતોષ ઉત્સાહિત છે. તેમણે નેપાળી અંદાજમાં કચાલુનાં પાન અને ભાંગ અને તિમુર (એક પ્રકારની કાળા મરી)ના સૉસ સાથે ઑક્ટોપસની ડિશ બનાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ જણાવે છે કે ગ્રેસ ડેન્ટે તેમની વાનગીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે માસ્ટરશૅફમાં પહેલી વખત સુંદર રીતે રજૂ કરાયેલ વાનગી બનાવવામાં આવી છે. તેઓ કહે છે કે, "મને ગર્વ છે કે મેં મારા દેશ અને વાનગી માટે કંઈક કર્યું છે." તેમણે અન્ય વાનગીઓ સાથે જલેબી અને તૂંબડાનું અથાણું રજૂ કર્યું હતું.
સંતોષ વિચારે છે કે, "કેમ નેપાળી ભોજનને વિશ્વ કક્ષાએ નામના નથી મળી?"
તેઓ આ પ્રશ્નનો જાતે જવાબ આપતાં કહે છે કે, "કારણ કે અમને અમારી વાનગીઓમાં વિશ્વાસ નથી. અમે એવું નથી કહેતા કે તે અદ્ભુત છે. અમે હંમેશાં તેને ઓછું કરીને આંકલન કરીએ છીએ."
અમે અમારી વાનગીઓને કંઈક આવું કહીને ઓછી આંકીએ છીએ કે, "સૂકવેલી શાકભાજી, સૂકવેલું ભેંસનું માંસ અને બકરાનાં આંતરાડાં કોણ વિદેશમાં કોણ ખાય છે? અમે 'ધિડો'ને ગરીબોનો ખોરાક માનીએ છીએ. અમે અમારાં ભોજનને ઓછું કરીને આંકીએ છીએ."

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ દાવો કરે છે કે કેટલીક નેપાળી વાનગીઓ અને તેની રેસિપી ફ્રેન્ચને ટક્કર આપી શકે છે. "ફ્રેન્ચ વાનગીઓમાં ટાર્ટર નામથી માંસની વાનગીઓ છે, અને અમારી પાસે કચીલા છે. અમે તેમની પાસેથી તે નથી શીખ્યા. તે અમારી ખુદની વાનગી છે. અમારી પાસે ફ્રેન્ચ વાનગીઓ કરતાં વધુ વાનગીઓ છે."
નેવારી સમુદાયના તરાઈ અને યોમારી વિસ્તારોમાં નેપાલી શેરપા અને બગીતા દ્વારા બનાવાતું બાફેલાં બટેટાંનું ખાસ સૂપ અને થારુની વાનગીઓના પોતાની અલગ અલગ વિશેષતાઓ અને સ્વાદ છે.
તેઓ પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે, "ફૂડ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ ગાળ્યાં બાદ પણ મેં નેપાળી ભોજન વિશે કેમ ન વિચાર્યું.?"

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












