અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક ટ્રાયલમાં દોષી જાહેર, શું હવે ચૂંટણી લડી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
એક ઐતિહાસિક ચુકાદામાં ન્યૂયૉર્કની કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને હશ મની મામલામાં દોષિત જાહેર કર્યા છે.
અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ એ એવા પહેલા રાષ્ટ્રપતિ કે પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે કે જેઓ કોઈ ગુનામાં દોષી સાબિત થયા હોય. એટલા માટે અમેરિકાની દૃષ્ટિએ આ ચુકાદો ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે.
પૂર્વ રાષ્ટ્રપતિ સિવાય પણ કોઈ મોટા પક્ષના નોમિની હોય અને દોષિત જાહેર થયા હોય એવા પણ ટ્રમ્પ પ્રથમ વ્યક્તિ છે.
આ મામલામાં સજા 11 જુલાઈના રોજ સંભળાવવામાં આવશે.
ટ્રમ્પે આ ચુકાદાને શરમજનક અને ધાંધલીભર્યો ગણાવ્યો છે.
અમેરિકાના ઇતિહાસમાં આવું પહેલી વાર બની રહ્યું છે જ્યારે કોઈ વર્તમાન અથવા તો પૂર્વ રાષ્ટ્રપતિ સામે કોઈ અપરાધિક મામલામાં કેસ ચાલ્યો હોય અને તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હોય.
અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડનનું પ્રચાર અભિયાન ચલાવનાર ટીમે આ નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું છે કે, "કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી."
ટ્રમ્પ ક્યા મામલામાં દોષી જાહેર થયા?

ઇમેજ સ્રોત, REUTERS
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પર 2016માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પોર્ન સ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે પૈસા આપવા બદલ (હશ મની) અને એ વાત છુપાવવા બદલ કેસ ચાલી રહ્યો હતો. એ સિવાય પોતાના કારોબારી રેકૉર્ડમાં હેરફેર સહિત તેમના પર કુલ 34 આરોપો હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે 2016માં એક ઍડલ્ટ સ્કેન્ડલથી બચવા માટે ઍડલ્ટ ફિલ્મ સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા આપ્યા હતા. ટ્રમ્પને એ વાતનો ડર હતો કે આ સ્કેન્ડલથી તેમનું રાષ્ટ્રપતિ બનવાનું સ્વપ્ન અધુરૂં રહી શકે છે. ઔપચારિક આરોપોમાં એમ કહેવાયું હતું કે ટ્રમ્પની સંસ્થામાં આ ચૂકવણીની એન્ટ્રી પણ ખોટી રીતે બતાવવામાં આવી હતી. આ ચૂકવણી ચેકથી થઈ હતી અને તેને કાયદાકીય સેવા લેવા બદલ ચૂકવણી કરવામાં આવી હતી એ રીતે દર્શાવવામાં આવ્યું હતું.
સ્ટૉર્મી ડેનિયલ્સે એવો દાવો કર્યો હતો કે તેમણે ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા અને ટ્રમ્પના વકીલે 2016ની ચૂંટણી પહેલાં તેમને ચૂપ રહેવા માટે એક લાખ ત્રીસ હજાર અમેરિકી ડૉલર આપ્યા હતા.
ફરિયાદીઓએ એવો દાવો કર્યો હતો કે ટ્રમ્પના અંગત વકીલ માઈકલ કૉહેને આ ચૂકવણી કરી હતી અને પછી તેને લીગલ ફી તરીકે દર્શાવી હતી.
'હશ મની'ની ચૂકવણી એ અમેરિકી કાયદાઓ પ્રમાણે ગેરકાયદેસર ઠરતી નથી પરંતુ કોર્ટમાં ફરિયાદીઓએ એ વાતને આધાર બનાવી હતી કે ટ્રમ્પે આ ચૂકવણીને જે રીતે દર્શાવી એ અયોગ્ય હતું.
ટ્રમ્પે દસ્તાવેજોમાં હેરફેર કરવાના પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા છે. તેમણે સ્ટૉર્મી ડેનિયલ્સ સાથેના યૌન સંબંધોની વાતને પણ નકારી છે.
ટ્રમ્પ પર ચુકાદા પછી ડિસ્ટ્રીક્ટ ઍટોર્નીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Manhattan District Attorney Office
મેનહટન ડિસ્ટ્રીક્ટ ઍટોર્ની ઍલ્વિન બ્રેગે આ ચુકાદા પછી પત્રકાર પરિષદને સંબોધી હતી અને કહ્યું હતું કે, "આ મામલો એક પૂર્વ રાષ્ટ્રપતિ પર ચાલી રહ્યો હતો. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારનો મામલો પહેલાં બન્યો નથી. મેં અને મારી ટીમે એ આ કેસને એ જ રીતે હૅન્ડલ કર્યો છે કે જે રીતે અમે કોઈ અન્ય આરોપીમાં કર્યું હોત."
તેમણે કહ્યું હતું કે, "અમે કોઈના ડર કે કોઈની તરફેણ વગર તથ્યો અને કાયદાઓને સ્પષ્ટપણે અનુસર્યા છે અને આ ચુકાદો આપ્યો છે."
જોકે, આ મામલામાં ટ્રમ્પને કેટલી સજા થશે કે તેમને જેલમાં મોકલવામાં આવશે કે કેમ તે અંગે તેમણે ઉત્તર આપ્યો ન હતો અને કહ્યું હતું કે આ મામલે સજાનું એલાન 11 જુલાઈના રોજ થશે અને કોર્ટમાં જ એ દિવસે તેઓ આ અંગે બોલશે.
તેમણે કોર્ટના જ્યુરીનો આભાર માન્યો હતો અને અમેરિકાની 'અસાધારણ' ન્યાયવ્યવસ્થાના વખાણ કર્યા હતા.
ડેમોક્રેટ્સે ચુકાદાને આવકાર્યો, ટ્રમ્પના સહયોગીઓએ નિંદા કરી

ઇમેજ સ્રોત, REUTERS
ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અને ટ્રમ્પના અતિશય કડક ટીકાકારોએ આ ચુકાદાને આવકાર્યો છે અને કહ્યું છે કે અંતે ન્યાય થયો છે.
કૅલિફોર્નિયાના પ્રતિનિધિ એડમ સિફે ઍક્સ પર લખ્યું હતું કે, "આજે અમેરિકાના બાર સામાન્ય નાગરિકોએ એક પૂર્વ રાષ્ટ્રપતિ સામે લડાઈ લડીને તેમને દોષી જાહેર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અનેક અવરોધો ઉભા કરવાની કોશિશો વચ્ચે પણ અંતે ન્યાયનો વિજય થયો છે."
વૉશિંગ્ટન ડીસીથી બીબીસી સંવાદદાતા કેટી કેએ આપેલી માહિતી અનુસાર, બાઇડનનો ચૂંટણીપ્રચાર સંભાળી રહેલા લોકોનું કહેવું છે કે ટ્રમ્પ ભલે દોષિત ઠર્યા હોય પરંતુ તેઓ માને છે કે તેમને હરાવવાનો એકમાત્ર રસ્તો બેલેટ બૉક્સ છે.
આ ચુકાદાથી બાઇડનની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમને નવેમ્બરમાં જીત મળશે તેવી આશા વધી છે.
તો બીજી તરફ ટ્રમ્પના સહયોગીઓ અને સમર્થકોએ આ ચુકાદાને 'પોલિટિકલ વિચ હંટ' ગણાવતા તેની નિંદા કરી છે.
કૉંગ્રેસવુમન માર્જોરી ટેલર ગ્રીને લખ્યું છે કે, "બનાના રિપબ્લિકમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે એ તમને દેખાતું નથી."
ટ્ર્મ્પના અન્ય એક સહયોગી મૅટ ગેટ્ઝ પણ આ વાતનું સમર્થન કરતાં ઍક્સ પર લખે છે કે, "આ ચુકાદો એક ભ્રષ્ટ રીતે ચાલેલી ટ્રાયલ બાદ આવેલો ખોટો ચુકાદો છે. ભ્રષ્ટ જજ અને ભ્રષ્ટ ડિસ્ટ્રીક્ટ ઍટોર્નીએ મળીને આપેલો આ ચુકાદો છે. અમે આજ પછી વધુ મજબૂતાઈથી ટ્રમ્પ સાથે ઉભા છીએ."
શું ટ્રમ્પ હવે ચૂંટણી લડી શકશે?

ઇમેજ સ્રોત, RealDonaldTrump/X
દોષિત જાહેર થયા બાદ પણ ડૉનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે યથાવત રહી શકે છે.
અમેરિકી બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવા માટે અપેક્ષિત ન્યૂનતમ પાત્રતાઓ ખૂબ સામાન્ય છે. જેમ કે, ઉમેદવાર ઓછામાં ઓછો 35 વર્ષનો હોવો જોઈએ, જન્મથી જ અમેરિકાનો નાગરિક હોવો જોઈએ, અને અમેરિકામાં ઓછામાં ઓછો 14 વર્ષ રહ્યો હોવો જોઈએ.
ગુનાહિત રેકૉર્ડવાળા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકી શકે તેવો કોઈ કાયદો અમેરિકામાં નથી. જેલમાં બંધ વ્યક્તિ પણ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે.
જોકે, આ ઐતિહાસિક ચુકાદા પછી તેની અસર કેટલી પડશે તેનું હાલ અનુમાન લગાવી શકાય તેમ નથી. તેનાથી ટ્રમ્પના ચૂંટણી અભિયાન પર કેટલી અસર પડશે એ સ્પષ્ટ નથી.
ડૉનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે. આ ચુકાદા પછી તેમનો પ્રચાર અભિયાન સંભાળી રહેલી ટીમે તેમને 'રાજકીય બંદીવાન' તરીકે રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે આ ચુકાદા પછી લોકોએ મોટી સંખ્યામાં તેમને દાન આપ્યું છે.












