48 વર્ષ જેલમાં ગાળનારા કેદીની કહાણી જે નિર્દોષ જાહેર થયા પણ જીવલેણ બીમારી સાથે

ઇમેજ સ્રોત, DOUG HOKE/THE OKLAHOMAN/USA TODAY NETWORK
- લેેખક, મેડલિન હેલ્પર્ટ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના ઓક્લાહોમાના ન્યાયાધીશે એક કેદીને નિર્દોષ જાહેર કર્યો છે. હત્યાના આરોપસર છેલ્લાં 48 વર્ષથી જેલમાં રહેનારા આ કેદી હવે મુક્ત છે. અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય માટે એક નિર્દોષ વ્યક્તિએ સજા ભોગવી હોય તેવી આ અમેરિકાની પહેલી ઘટના છે.
70 વર્ષના ગ્લિન સિમન્સના કેસમાં જુલાઈ મહિનામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટને જાણવા મળ્યું કે તેમના કેસમાં નિર્ણાયક પુરાવા તેમના બચાવ વકીલોને સોંપવામાં આવ્યા ન હતા. તે પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
ગત સોમવારે કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીએ જણાવ્યું હતું કે નવી કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા નથી.
મંગળવારે એક આદેશમાં જજ એમી પાલુમ્બોએ સિમન્સને નિર્દોષ જાહેર કર્યા હતા.
ઓક્લાહોમા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ જજ પાલુમ્બોએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, "આ અદાલત સ્પષ્ટ અને ખાતરીપૂર્વકના પુરાવાઓના આધારે માને છે કે જે ગુના માટે ગ્લિન સિમન્સને દોષિત ઠેરવાયા હતા અને જેલની સજા કરાઈ હતી તે ગુનો સિમન્સે નથી કર્યો."
ન કરેલા ગુના માટે કેવી રીતે સજા થઈ?

ઇમેજ સ્રોત, NEWS9, OKLAHOMA CITY KWTV
ઍસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર સિમન્સે આ નિર્ણય પછી પત્રકારોને કહ્યું, “આ દૃઢતાનો એક પાઠ છે. કોઈને એવું ના કહેવા દો કે આવું ના થઈ શકે, કારણ કે આવું ખરેખર થઈ જ શકે છે.”
1974માં ઓક્લાહામા શહેરમાં એક દારૂની દુકાનમાં લૂંટ દરમ્યાન કેરોલિન સુ રોજર્સની હત્યાના આરોપમાં ગ્લિન સિમોન્સ 48 વર્ષ એક મહિનો અને 18 દિવસ સુધી જેલમાં રહ્યા છે.
તેઓ 22 વર્ષના હતા જ્યારે તેમને અને સહ-આરોપી ડોન રોબર્ટ્સને 1975માં દોષિત ઠેરવવામાં આવ્યા અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૃત્યુદંડ પર અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને કારણે બાદમાં આ સજાને આજીવન કેદમાં બદલી દેવાઈ હતી.
ગ્લિન સિમન્સે તેમની નિર્દોષ હોવાનો દાવો જાળવી રાખ્યો હતો અને કહ્યું હતું કે તેઓ હત્યાના સમયે તેમના વતન લ્યુઇસિયાનામાં હતા.
મંગળવારે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતાં સિમન્સ હસ્યા. ગ્રે રંગના હૂડ સ્વેટર અને ફેડોરામાં સજ્જ મૃદુ-ભાષી સિમન્સે પાછળથી પત્રકારોને કહ્યું કે તેઓ "લાંબા, લાંબા સમયથી" આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા.
"જે થયું તેને ફેરવી તો નથી શકાતું. પરંતુ આ ઘટનાની જવાબદારી હોઈ શકે છે," તેમણે કહ્યું.
તેમની ભાવનાત્મક સ્થિતિ વિશેના સવાલનો જવાબ આપતા તેમના વકીલ જોસેફ નોરવુડે બીબીસી ન્યૂઝને કહ્યું: "સ્વાભાવિક રીતે જ આ ઉત્સાહજનક બાબત છે."
નોરવુડે ગુરુવારે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, "જેની સાથે તમારે કોઈ લેવાદેવા નથી તેને માટે 50 વર્ષ સુધી જેલમાં બંધ રહેવાનો વિચાર એ વ્યક્તિની માનસિક સ્થિતિ માટે સૌથી ખરાબ બાબતોમાંનો એક છે."
પરંતુ જ્યારે સિમન્સને મુક્ત કરાયા ત્યારે તેમને ચોથા સ્ટેજનું કૅન્સર હોવાનું નિદાન થયું હતું.
નોરવુડે કહ્યું, "તેમને સ્વતંત્રતા મળવી, તેમનું માન પાછું મળવું, તેમનું નિર્દોષ હોવું આ બધું અનેક ભાવનાઓનું સંમિશ્રણ છે.”
વધુમાં તેમણે જણાવ્યું કે સિમન્સ હવે તેમની કીમોથેરાપીને સારી રીતે પ્રતિસાદ આપી રહ્યા છે અને તેમનું "સ્વાસ્થ્ય સુધારા" પર છે.
"તો આ સફર સારી રહી."
સિમન્સ હાલમાં લિવર કૅન્સર સામે લડી રહ્યા છે. તેમના GoFundMe અનુસાર તેમના ગુજરાન ખર્ચ અને તબીબી સારવારને આપવા તેમણે આશરે 2,00,000 ડૉલર ભેગા કર્યા છે.
એક સાક્ષીએ અન્ય શંકાસ્પદોને ઓળખ્યા હતા, તે સહિત તમામ પુરાવાઓ બચાવ પક્ષના વકીલોને આપ્યા ન હોવાનું જાણવા મળતાં જિલ્લા અદાલતે જુલાઈમાં તેમની સજા રદ હતી.
સિમન્સ અને રોબર્ટ્સને આંશિક રીતે એક કિશોરીના નિવેદનના આધારે દોષિત ઠેરવાયા હતા. જેને આ લૂંટની ઘટના સમયે માથાના પાછળના ભાગમાં ગોળી વાગી હતી.
નેશનલ રજિસ્ટ્રી ઑફ ઍક્સોનરેશન્સે કહ્યું હતું કે કિશોરીએ પોલીસની પૂછપરછ સમયે અન્ય કેટલાક લોકો તરફ પણ ઇશારો કર્યો અને પછી પોતાનાં જ કેટલાંક નિવેદનોનું ખંડન કર્યું.
2008માં રોબર્ટ્સને જામીન પર મુક્ત કરાયા હતા.
ઓક્લોહામામાં ખોટી રીતે સજા ભોગવનારાઓને 1,75,000 ડૉલર સુધીનું વળતર મળવાપાત્ર છે.














