હત્યાકેસમાં સજા પામેલા કેદી કેવી રીતે પોતાનો કેસ જાતે લડી 12 વર્ષે નિર્દોષ છૂટ્યા?

અમિત ચૌધરી મેરઠ વકીલાત

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

    • લેેખક, શાહબાઝ અનવર
    • પદ, બીબીસી માટે, મેરઠથી

23 સપ્ટેમ્બર, 2023નો દિવસ હતો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની જિલ્લા અને સત્ર અદાલતમાં બીજા દિવસોની સરખામણીએ થોડો અલગ માહોલ હતો.

એક મામલામાં કોર્ટના ચુકાદાનો સૌને ઇંતેજાર હતો. આ કેસના ચુકાદા પર ત્યાં હાજર આરોપીની બાકીની જિંદગીનો આધાર હતો.

ત્રીસ વર્ષીય અમિત ચૌધરી આરોપી હતા. હત્યાના એક મામલામાં તેઓ આરોપી હતા અને તેઓ પોતાનો જ કેસ લડી રહ્યા હતા, એટલે કે કોર્ટમાં વકીલ તરીકે તેઓ પોતે જ દલીલ કરી રહ્યા હતા.

ચુકાદો આવ્યો અને અમિત ચૌધરીએ રાહતનો શ્વાસ લીધો. કોર્ટે તેમને તમામ આરોપોમાં નિર્દોષ જાહેર કર્યા.

હવે આ કેસની અપીલ પર હાઇકોર્ટમાં સુનાવણી થશે. અરજદારનું કહેવું છે કે તેઓ આ કેસ લઇને હાઇકોર્ટમાં જશે.

અમિત ચૌધરી શું કહે છે?

અમિત ચૌધરી મેરઠ વકીલાત

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

તેમના જણાવ્યા પ્રમાણે જિલ્લા કોર્ટમાં નિર્દોષ સાબિત થવું એ જરાય સરળ ન હતું. તેઓ બે વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા હતા અને પછી તેમને જામીન મળ્યા હતા.

જેલમાંથી બહાર આવીને તેમણે તેમનો અભ્યાસ આગળ વધાર્યો. ત્યારબાદ કાયદાની ડિગ્રી મેળવી અને તેઓ વકીલ બન્યા.

અમિત કહે છે, “12 ઑક્ટોબર, 2011ના રોજ એક પોલીસ કર્મચારીની હત્યાના આરોપમાં 17 લોકો સામે મુઝફ્ફરનગર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. મારી પણ એ જ મામલમાં ધરપકડ કરવામાં આવી હતી. નિર્દોષ હોવા છતાં પણ હું બે વર્ષ 4 મહિના અને 16 દિવસ જેલમાં રહ્યો.”

12 વર્ષ પછી સપ્ટેમ્બર 2023ના રોજ કોર્ટે અમિત ચૌધરી સહિત 12 આરોપીઓને આ મામલે છૂટકારો આપી દીધો. એક આરોપી નીટુને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી. એ દરમિયાન ચાર આરોપીઓના મૃત્યુ પણ થઈ ગયા હતા જેમાંથી બે લોકો તો ષડયંત્ર રચનાર મુખ્ય લોકો હતા.

અમિત જણાવે છે કે, “પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે મેં વકીલાતનો અભ્યાસ કર્યો, દલીલો કરી અને ભગવાને પણ મારો સાથ આપ્યો. મારા એક અન્ય વરિષ્ઠ વકીલ જુલકરણ સિંહ પણ હતા. જેમની સાથે હું દલીલો કરતો હતો અને કોર્ટમાં હું મારો પક્ષ મૂકતો હતો.”

કોર્ટે આપેલા ચુકાદા અંગે અમિત જણાવે છે કે, “ફરિયાદી પક્ષ પોલીસ કર્મચારીની હત્યા અને હથિયાર લૂંટવાના ષડયંત્રને ગુનો સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યો છે.”

વકીલ જુલકરણ સિંહે કહ્યું છે કે, “23 સપ્ટેમ્બરે આવેલા કોર્ટના ચુકાદામાં અમિત ચૌધરી સહિતા 12 લોકોને આ મામલામાં નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.”

લડાઈ હજુ પણ શરૂ રહેશે

આ કેસમાં ફરિયાદી પક્ષના સરકારી વકીલ કુલદીપ કુમારે બીબીસીને જણાવ્યું કે આ કેસમાં આગળ અપીલ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, “જુઓ, આ મામલો થોડો જૂનો થઈ ગયો છે, તેથી હું વધુ કહી શકું તેમ નથી, પરંતુ સરકારે આ મામલે અપીલ સ્વીકારી લીધી છે, હવે આ મામલો હાઈકોર્ટમાં ચાલશે.”

મામલો શું હતો?

અમિત ચૌધરી મેરઠ વકીલાત

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ઇમેજ કૅપ્શન, અમિતના છૂટકારા પછી મોં મીઠું કરાવી રહેલા તેમના માનેલા માતા

12 ઑક્ટોબર, 2011ના રોજ શામલી જિલ્લાના પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એક પોલીસ કર્મચારી કૃષ્ણપાલ સિંહની હત્યા કરવામાં આવી હતી. તેમના હથિયારો પણ લૂંટી લેવામાં આવ્યા હતા.

અમિતે બીબીસીને કહ્યું, "મારી બહેન એ જ ગામમાં રહે છે. મુખ્ય કાવતરાખોરોમાંનો એક નીટુ મારી બહેનનો દિયર હતો. હું તે દિવસે ગામમાં તેની સાથે હતો, કદાચ એટલે જ આ મામલામાં મારું નામ પણ સામેલ કરી દેવામાં આવ્યું."

તેમણે કહ્યું, "જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મને એવા કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો જેના વિશે મને કોઈ જાણકારી ન હતી. નીટુ સાથે મારો ક્યારેય કોઈ સંબંધ નહોતો."

ઘટના બની તે સમયે અમિતની ઉંમર 18 વર્ષની આસપાસ હતી. ઘટનાના થોડા દિવસ પહેલા જ શામલીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો.

અમિત કહે છે, "નવા શામલી જિલ્લાની જાહેરાત પહેલા આ જગ્યા મુઝફ્ફરનગર જિલ્લામાં આવતી હતી."

12 વર્ષનો સંઘર્ષ

જેલ ગયા પહેલાની અમિતની તસવીર

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ઇમેજ કૅપ્શન, જેલ ગયા પહેલાની અમિતની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમિત ચૌધરી બાગપત જિલ્લાના કિરઠલ ગામના વતની છે. તેમના પિતા ખેતીકામ કરે છે અને માતા ગૃહિણી છે.

અમિત કહે છે, “2009માં મુઝફ્ફરનગરની કૉલેજથી મેં બારમું ધોરણ પાસ કર્યું હતું. પછી હું બડૌતથી બી.એ. કરી રહ્યો હતો. ત્યાં જ આ ઘટના બની અને મને જેલમાં મોકલી દેવામાં આવ્યો.”

14 માર્ચ,2014ના રોજ અમિતને જામીન મળ્યા અને તેઓ જેલમાંથી બહાર આવ્યા.

અમિત જણાવે છે કે, “બહાર આવ્યા બાદ મેં સૌથી પહેલા મારો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ 2020 સુધીમાં મેં મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાંથી એલએલબી અને એલએલએમનો અભ્યાસ કર્યો. 2019માં મારું મેરઠ જિલ્લા અદાલતમાં વકીલાત માટે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હતું. કોર્ટે પરવાનગી આપી એટલે મેં મારા જ કેસમાં દલીલો આપવાનું ચાલુ કર્યું.”

અમિત કહે છે કે તેના પર હત્યાનો આરોપ લાગ્યા પછી તેના સગા-સંબંધીઓએ પણ તેની સાથે સંબંધો તોડી નાખ્યા.

તેઓ કહે છે, “જામીન મળ્યા બાદ જ્યારે હું ગામમાં આવ્યો ત્યારે લોકો અનેક પ્રકારના સવાલો ઊઠાવતાં હતા, મારા વિશે અનેક પ્રકારની વાતો કરતા હતા. મારા નજીકના લોકો પણ મારાથી દૂર થઈ ગયા. એટલે મેં ગામ છોડી દેવાનો નિર્ણય કર્યો.”

“હું ગુડગાંવ જતો રહ્યો અને એક નાનકડો રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યો. હું પોતાને નિર્દોષ સાબિત કરવા માંગતો હતો.”

વરિષ્ઠ વકીલ વંદના ઑબેરોય

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ઇમેજ કૅપ્શન, વરિષ્ઠ વકીલ વંદના ઑબેરોય

ગુડગાંવમાં અમિતે એક મહિલા વકીલ વંદના ઑબેરોય પાસે મુન્શી તરીકે કામ કર્યું હતુ.

અમિત જણાવે છે કે ત્યાંથી જે પૈસા મળતા તેનાથી ખાવા-પીવાની સગવડ પણ નહોતી થઈ શકતી.

તેઓ જણાવે છે કે, “મારા ઘરથી ઓફિસ લગભગ ચાર કિલોમિટર દૂર હતી. હું ત્યાં રોજ ચાલીને જ જતો હતો. મારી પાસે એટલા પૈસા ન હતા કે હું મારું ભાડું પણ ભરી શકું.”

બીબીસીએ ગુડગાંવ જિલ્લા ન્યાયાલયમાં વરિષ્ઠ વકીલ વંદના ઑબેરોય સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, “અમિતે મારી પાસે 2015માં કામ કર્યું હતું. મને એ સમયે ખ્યાલ ન હતો કે તેઓ આર્થિક તંગી વેઠી રહ્યા છે. નહીંતર મેં તેમની જરૂર મદદ કરી હોત.”

મિત્રોએ કરી મદદ

અમિત તેમના મિત્રો સાથે

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે અમિત આ જ કૅમ્પસમાં રહેતા હતા.

અમિતના એક સંબંધી પણ અહીં એમએસસીનો અભ્યાસ કરતા હતા. તેમની વિનંતી પર પ્રશાંત કુમાર નામના તેમના એક જુનિયરે અમિતને મદદ કરી.

અમિત કહે છે, "પ્રશાંત અને અન્ય કેટલાક મિત્રો દર તારીખે કોર્ટમાં જતા પહેલા મારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ મૂકતા હતા."

પ્રશાંતે બીબીસીને કહ્યું, "અમિત લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે, હું તેનો સાક્ષી છું."

તેનો મિત્ર વિવેક કહે છે, "હું પોતે એક વિદ્યાર્થી હોવાને કારણે અમિતને વધારે મદદ કરી શક્યો ન હતો. પણ આજે હું તેને છૂટકારો મળ્યો એટલે ખુશ છું."

અમિત ચૌધરીના જુનિયર પ્રિયંકા તોમરે બીબીસીને કહ્યું, "મેં કહ્યું હતું કે જો અમિત ચૌધરીને કોર્ટ નિર્દોષ જાહેર કરશે તો હું પાર્ટી આપીશ. હવે એ સમય આવી ગયો છે."

ભવિષ્ય તરફ ધ્યાન

અમિત પોતાના ભૂતકાળને ભૂલાવીને હવે ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

તેઓ કહે છે, “હું વકીલાતના વ્યવસાયને અપનાવીને મારા જેવા લોકોનો અવાજ બનવા માંગું છું. તેથી જે રીતે નિર્દોષ હોવા છતાં પણ હું કાયદાની જાળમાં ફસાઈ ગયો એ રીતે કોઈ બીજો વ્યક્તિ નિર્દોષ ન ફસાય.”

અમિત ચૌધરી હવે આગળ ક્રિમિનલ જસ્ટિસમાં પીએચડી કરવા માંગે છે.