લલિત ઝા કોણ છે જેમને સંસદમાં દેખાવોના 'માસ્ટર માઇન્ડ' ગણાવાઈ રહ્યા છે

લલિત ઝા

ઇમેજ સ્રોત, ANI

સંસદમાં બુધવારે ચાર પ્રદર્શનકારીઓએ સદનની અંદર અને પરિસરમાં 'કલર્ડ સ્મોક' (રંગીન ધુમાડો) છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યાં. આ ઘટનાના 'માસ્ટર માઇન્ડ' લલિત ઝાને ગણાવાઈ રહ્યા છે.

લલિત ઝાએ ગુરુવારે ખુદ પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કરી દીધું. આ સમગ્ર મામલે આ છઠ્ઠી ધરપકડ છે. અને પોલીસે અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરી છે.

બુધવારે જ્યારે લોકસભામાં શૂન્યકાળ ચાલી રહ્યો હતો ત્યારે જ મુલાકાતી ગૅલેરીમાંથી બે વ્યક્તિ, હૉલમાં કૂદી ગઈ અને એક નાનકડા ડબ્બામાંથી પીળા રંગનો ધુમાડો છોડવા લાગી. આ સાથે જ તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યાં.

આ પ્રદર્શનકારીઓ સ્પીકરની ખુરશી સુધી જવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં પરંતુ વચ્ચમાં જ તેમને સાંસદોએ ઝડપી પાડ્યા.

એ જ સમયે પરિસરની બહાર અમોલ શિંદે અને નીલમ નામનાં બે પ્રદર્શનકારીઓ લગભગ આવું જ કાર્ય કર્યું. તેમણે પણ પીળા રંગનો ધુમાડો છોડ્યો અને 'તાનાશાહી બંધ કરો'નાં સૂત્રોચ્ચાર કર્યાં.

આ ચારેય વ્યક્તિને તો પોલીસે ઘટનાસ્થળ પર જ પકડી લીધી પણ આ ષડયંત્રના 'માસ્ટર માઇન્ડ' ગણાવાતા લલિત ઝાની ધરપકડ ગુરુવારે મોડી રાત્રે થઈ.

એનડીટીવીના રિપોર્ટ અનુસાર 32 વર્ષના લલિત મૂળત: બિહારના રહેવાસી છે પણ ટીચર તરીકે કોલકાતામાં નોકરી કરે છે.

પોલીસનું કહેવું છે કે લલિત ઝા સ્વતંત્રતા સેનાની ભગત સિંહથી પ્રેરિત હતા.

લલિત 'નીલાક્ષ આઇચ' નામના એક એનજીઓમાં જનરલ સેક્રેટરી છે.

જ્યારે બુધવારે પ્રદર્શનકારીએ સંસદ પરિસરમાં પીળા રંગનો ધુમાડો છોડ્યો તો લલિતે તેનો વીડિયો બનાવ્યો અને તેને એનજીઓના સંસ્થાપકને મોકલતી વખતે મૅસેજમાં જણાવ્યું કે - "તેઓ સુરક્ષિત છે."

'એક ટીચર જે શાંત સ્વભાવના હતા'

સંસદ
ઇમેજ કૅપ્શન, સંસદમાં દેખાવો કરનારા પાંચ ચહેરા

સમાચાર ઍજન્સી પીટીઆઈ સાથે વાત કરતા લલિત ઝાએ જૂના પાડોશીને જણાવ્યું કે તેઓ કોલકાતાના 'બડા બજાર' વિસ્તારમાં સ્થાનિક બાળકોને ભણાવતા હતા.

પાડોશીઓએ જણાવ્યું, "ઝા શાંત સ્વભાવના હતા અને પોતાના કામથી કામ રાખતા હતા. બે વર્ષ પહેલાં જ તેમણે આ વિસ્તાર છોડી દીધો હતો"

તેમના એક પાડોશીએ કહ્યું "તેમને અમે શિક્ષક તરીકે ઓળખતા હતા. થોડાં વર્ષો પહેલાં તેઓ આ વિસ્તારમાં આવ્યા હતા, એકલા જ રહેતા હતા, તેઓ લોકો સાથે ખૂબ ઓછી વાત કરતા હતા."

"ક્યારેક ક્યારેક મારી દુકાન પર ચા પીવા આવતા હતા. તેઓ ખૂબ લો પ્રોફાઇલ રહેતા હતા. એક દિવસ અચાનક તેઓ અહીંથી જતા રહ્યા અને પછી ક્યારેય પાછા ન ફર્યા. "

તેમના એક અન્ય પાડોશીએ પીટીઆઈને જણાવ્યું કે લલિત ઝાના પિતા એ વિસ્તારમાં વૉચમેનની નોકરી કરતા હતા. લલિત બે વર્ષ પહેલાં ઉત્તર 24 પરગનાના બાગુઈઆઈટી જતા રહ્યા હતા.

આત્મસમર્પણ પહેલાં નષ્ટ કર્યા ટેકનિકલ પુરાવા

સંસદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સંસદના દેખાવોના કેસમાં એક આરોપી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આત્મસમર્પણ કરતાં પહેલાં ગુરુવારની સવારે લલિત ઝાએ બધા જ ટેકનિકલ પુરાવા નષ્ટ કરી દીધા.

જ્યારે પોલીસે સંસદની ઇમારતમાંથી ચાર લોકોની ધરપકડ કરી તો લલિત પણ ત્યાં ઉપસ્થિત હતા. પણ તેઓ કોઈ રીતે બચીને ભાગી ગયા હતા.

અખબારે પોલીસ સૂત્રો તરફથી લખ્યું છે, "રાત્રે અંદાજે 11.30 વાગ્યે તેઓ બસથી રાજસ્થાનના કુચામન સિટી પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત પોતાના સાથી મહેશ સાથે થઈ."

"મહેશ પણ આ ગતિવિધિમાં સામેલ થવા માગતા હતા. પણ તેમનાં માતાએ રોક્યા તેથી તેઓ સામેલ ન થઈ શક્યા. મહેશ 'ભગત સિંહ ફૅન પૅજ' નામના એક ફેસબુક ગ્રૂપ મારફતે લલિત ઝા અને અન્ય લોકો સાથે જોડાયા હતા."

"તપાસમાં સામે આવ્યું કે મહેશ, પોતાના પિતરાઈ ભાઈ કૈલાશની સાથે લલિત ઝાને એક ઢાબા પર લઈ ગયા અને ઢાબાના માલિક પાસેથી એક રૂમ લીધો. ઢાબાના માલિક મહેશને ઓળખતા હતા અને તેમણે મહેશને એક રૂમ આપી દીધો."

"ગુરુવારે સવારે ઝાએ આ બન્નેની મદદથી ફોન સહિત ટેકનિકલ પુરાવા નષ્ટ કરી દીધા. ત્યાર બાદ મહેશ અને લલિત ઝા કૈલાશને એ કહીને બહાર નીકળ્યા કે આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છે."

પોલીસે કૈલાશને ફોન નંબરથી ટ્રેસ કરી લીધા અને ગુરુવારે બપોરે તેમને કસ્ટડીમાં લઈ લીધા.

કૈલાશે પોલીસને જણાવ્યું કે લલિત ઝા અને મહેશ ટ્રેનથી જયપુર માટે રવાના થયા હતા અને ત્યાંથી દિલ્હી માટે બસ પકડશે.

ત્યાર બાદ પોલીસે અનેક જગ્યાએ છાપેમારી કરી. જોકે થોડા સમય બાદ તેમણે કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં પહોંચીને આત્મસમર્પણ કરી દીધું.

કોર્ટમાં શું થયું?

સંસદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આરોપીને પટિયાલા હાઉસ કૉર્ટમાં લઈ જવાયા

સમગ્ર મામલે પોલીસે યુએપીએની કલમો અંતર્ગત એફઆઈઆર નોંધી છે.

ગુરુવારે પટિયાલા હાઉસ કૉર્ટે આરોપીઓને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

'ધ હિન્દુ'ના રિપોર્ટ અનુસાર આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલતા પહેલાં કોર્ટે તેમને એક વકીલ આપ્યા. કારણ કે તેમના તરફથી કેસ લવડવા માટે કોઈ વકીલ નહોતા.

સમાચાર અનુસાર એક આરોપીએ કોર્ટમાં કહ્યું કે ધરપકડ પછી તેણે પોતાના પરિવાર સાથે વાત નથી કરી.

એડિશનલ પબ્લિક પ્રૉસિક્યુસર અતુલ શ્રીવાસ્તવે એનઆઈએની બાબતોના વિશેષ જજ હરદીપકૌરને કહ્યું કે આ કામ "એક આયોજન પૂર્વકના ષડયંત્ર" કરાયું. આરોપીઓ "આતંકવાદી સંગઠનો" સાથે પણ જોડાયેલા હોઈ શકે છે.

શ્રીવાસ્તવે કોર્ટને કહ્યું - " પેમ્ફલેટ જુઓ, તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેમાં દેશના વડા પ્રધાનની તસવીર છે. તેમને 'લાપતા વ્યક્તિ' તરીકે દર્શાવાયા છે. આ લોકોએ વડા પ્રધાનને 'જાહેર અપરાધી' તરીકે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે."

આ કેસમાં અત્યાર સુધીમાં શું થયું?

સંસદ

ઇમેજ સ્રોત, ANI

બુધવારે ભારતીય સંસદમાં એ વખતે અફરાતફરી મચી ગઈ જ્યારે ભવનની અંદર અને બહાર પ્રદર્શનકારોએ પીળા રંગનો ધુમાડો છોડીને સૂત્રોચ્ચાર કર્યાં.

આ કેસમાં પોલીસે ગુરુવાર સુધી સાત લોકોની ધરપકડ કરી લીધી છે. તેમના પર કડક ઍન્ટી ટેરરિસ્ટ ઍક્ટ યુએપીએ અંતર્ગત કેસ નોંધાયો છે.

જેમની ધરપકડ થઈ છે તેમના કેટલાક પરિવારજનોનું કહેવું છે કે તેઓ બેરોજગારી અને દેશના અન્ય સંકટોથી પરેશાન હતા. અને તેના જ વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા.

ગૃહ મંત્રાલયે પણ ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરી છે. આ કમિટી પોતાના રિપોર્ટમાં એ પણ જણાવશે કે સંસદની સુરક્ષા વધારવા માટે અન્ય શું વ્યવસ્થા કરવી જોઈએ.

ગુરુવારે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબ માગવા અને તેને લઈને હોબાળો કરવાના આરોપમાં 14 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયાં.

લોકસભામાંથી મનિકલ ટૈગોર, કનિમોઝી, પાર નટરાજન, વાક સારિકંદન, બેની બહનાન, કે સુબ્રમણ્યમ, એસ વેંકટેશ અને મોહમ્મદ જાવેદ સહિત કુલ 13 સાંસદોને સસ્પેન્ડ કર્યાં.

રાજ્યસભામાંથી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને આખા શિયાળું સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે.

સુરક્ષામાં ચૂકની આ ઘટનાને લઈને લોકસભા સચિવાલયે પણ કાર્યવાહી કરી છે.

સસ્પેન્ડ થયેલા સાંસદોમાં નવ કૉંગ્રેસના, બે સીપીએમના, એક ડીએમકેના, એક સીપીઆઈ અને એક ટીએમસીના સાંસદનો સમાવેશ થાય છે.

પ્રદર્શનકારીઓના પરિવારજનો શું બોલ્યા?

સંસદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સાગરનાં માતા

દર્શક ગેરેલીમાંથી કૂદી જનારાઓમાંથી એક સાગર શર્મા લખનૌના રહેવાસી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સાગરના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ થોડા દિવસ પહેલાં 'દિલ્હીના વિરોધપ્રદર્શન'માં ભાગ લેવા ઘરેથી નીકળ્યા હતા.

પોલીસ અનુસાર, સાગરનો પરિવાર મૂળતઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો રહેવાસી છે. પોલીસે પરિવારજનો તરફથી જણાવ્યું કે સાગર તાજેતરમાં જ બેંગલુરુથી લખનૌ પરત ફર્યો હતો.

સાગરનાં બહેને જણાવ્યું, "મારો ભાઈ ઈ-રિક્ષા ચલાવતો હતો. તે પહેલાં બેંગલુરુમાં કામ કરતો હતો."

સાગરનાં માતા રાણીએ કહ્યું, "તે બે દિવસ પહેલાં ઘરેથી નીકળ્યો હતો. તેણે કહ્યું હતું કે તે કંઈક કામ માટે મિત્રો સાથે દિલ્હીથી જઈ રહ્યો છે."

દર્શક ગેલેરીમાંથી લોકસભાના ફ્લોર પર કૂદનારા બીજા શખ્સનું નામ મનોરંજન ડી છે. તેઓ ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હા મતક્ષેત્ર મૈસૂરથી છે.

કૂદનારા લોકોમાંથી એક દેખાવકાર પાસેથી સંસદમાં પ્રવેશનો જે પાસ મળ્યો હતો તે ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાની ભલામણથી અપાયો હતો.

બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશી મુજબ મનોરંજનના પિતા દેવરાજૂ ગૌડાએ મૈસૂરમાં પોતાના પુત્રના કાર્યની ટીકા કરી છે.

દેવરાજુ ગૌડાએ પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું કે તેઓ ખેડૂત પરિવારથી આવે છે. અને તેમના પુત્રએ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે મનોરંજન હાસન જિલ્લામાં આવેલા પોતાના ગામની જમીન પર ખેતી કરતા હતા.

દેવરાજુ ગૌડાએ જણાવ્યું " તેણે વિવેકાનંદ અંગે ખૂબ વાચ્યું છે. તે સમાજ માટે, વંચિતો માટે માત્ર સારું કરવા ઇચ્છતો હતો."

એન્જિનિયરિંગના અભ્યાસ બાદ મનોરંજન મરઘીઓ, બકરાં અને માછલી પાલન કરતા હતા. તેમના પિતાએ જણાવ્યું કે મનોરંજન દિલ્હી જતા હતા પણ ક્યારેય જણાવ્યું નહીં કે તેઓ દિલ્હી જઈને શું કરતા હતા.

નીલમનાં માતા સરસ્વતીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે તેમની દીકરી નોકરી ન મળવાના કારણે પરેશાન હતી.

નીલમના નાના ભાઈને જણાવ્યું કે " તેમણે બીએ, એમએ, બીએડ, એમએડ, સીટીઈટી, એમફિલ અને નેટ ક્વૉલિફાય કર્યું હતું. તેમણે બેરોજગારીનો મુદ્દો અનેકવાર ઉઠાવ્યો છે. તેમણે ખેડૂત આંદોલનમાં પણ ભાગ લીધો હતો."

સંસદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સરસ્વતી, નીલમનાં માતા

નીલમનાં માતાએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે "મને અફસોસ નથી થઈ રહ્યો. નીલમે જે કર્યું તે તેણે પોતાની રીતે યોગ્ય કર્યું. તે બેરોજગાર હતી. તે ભટકતી હતી. ઘણા લોકો આવા છે. જે વગર રોજગારીએ ભટકી રહ્યા છે. તેણે કોઈના પર જીવલેણ હુમલો નથી કર્યો. તેણે બેરોજગારીનાં કારણે પગલું ઉઠાવ્યું છે."

તેમણે ઊમેર્યું "તેઓ બેરોજગારીને લઈને ખૂબ જ હેરાન છે. અને તેને એવું લાગતું હતું કે તે ઘરવાળા પર બોજ છે. મેં મારી દીકરીને સમજાવી કે જો તને નોકરી નહીં પણ મળે તો કોઈ વાંધો નહીં, અમે તને બોજ નથી સમજતા. તે નોકરીના કારણે ઘણી પરેશાન હતી. તે એક બે વાર તો એમ પણ કહેતી હતી કે હું મરી જઈશ."

"અમારો પ્રયત્ન એ જ છે કે સરકાર તેને રોજગારી આપી દે. અને અમે માફી માગી લઈશું. અમારે કોઈની સાથે કોઈ લેવાદેવા નથી. તેને વગર કોઈ કારણે રાજનીતિ સાથે જોડાઈ રહી છે."

સંસદભવનની બહાર નીલમ સાથે દેખાવો કરતી વખતે જેમની ધરપકડ કરાઈ તે અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના રહેવાસી છે.

પોલીસની અનેક ટીમો બુધવારે શિંદેના ગામ પહોંચી અને તેમના ઘરની તપાસ કરી.

બીબીસી મરાઠી અનુસાર, અમોલ શિંદે થોડાં વર્ષો પહેલાં સુધી પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા હતા. પણ પોલીસનું કહેવું છે કે તેઓ સતત પરીક્ષામાં નિષ્ફળ રહ્યા.

પરિવારજનોનું કહેવું છે કે તેમણે પોતાના પુત્ર અંગે કંઈ જ ખબર નથી.

પોલીસનું કહેવું છે કે તે અમોલ અને તેમના પરિવારજનો અંગે માહિતી એકઠી કરી રહ્યા છે.