બુધિની માંઝિયાઈન, એ આદિવાસી મહિલા, જેમનો નહેરુને પુષ્પમાળા પહેરાવવા બદલ બહિષ્કાર કરવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, THE PRIME MINISTERS MUSEUM AND LIBRARY SOCIETY
- લેેખક, ઝોયા મતીન
- પદ, બીબીસી ન્યૂઝ, લંડન
ઝારખંડનાં એક આદિવાસી મહિલા બુધિની માંઝિયાઈનને તેમનું ઘર તથા નોકરી છોડવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમણે આખું જીવન વતન-નિકાલમાં વિતાવ્યું હતું. તેમનું ગયા મહિને અવસાન થયું હતું.
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને 63 વર્ષ પહેલાં પુષ્પમાળા પહેરાવી ત્યારે બુધિની માત્ર પંદર વર્ષનાં હતાં. પુષ્પમાળા પહેરાવવા બદલ તેમની આદિજાતિ સંથાલો દ્વારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સંથાલ પરંપરા અનુસાર, સ્ત્રી કોઈ પુરુષને પુષ્પમાળા પહેરાવે તો એ લગ્ન કરવા સમાન ગણવામાં આવે છે.
બુધિની અને તેમણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેનાથી મોટાભાગના લોકો અજાણ છે, પરંતુ તેમના મૃત્યુ પછી કેટલાક લોકોએ તેમને “નહેરુનાં પ્રથમ આદિવાસી પત્ની” તરીકે વર્ણવતા તેમના જીવનમાં લોકોને નવેસરથી રસ પડ્યો છે.
ઝારખંડમાં બુધિનીના ગામમાં નહેરુની હાલની પ્રતિમાની બાજુમાં બુધિનીનું સ્મારક બનાવવાની માગણી હવે ઘણા લોકો કરી રહ્યા છે.
બુધિનીના પ્રારંભિક જીવન વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. વિકિપીડિયા પેજ પર તેમના મૃત્યુ વિશેની માહિતી જ છે અને એ પણ તેમના મૃત્યુ પછી બનાવવામાં આવ્યું છે. અખબારો અથવા વેબસાઇટ્સ તેમના વિશેની વાતો પ્રકાશિત કરતા રહે છે, પરંતુ એ માહિતી નિરાશાજનક રીતે અધૂરી લાગે છે.
2012માં એક અખબારે આપેલા ખોટા અહેવાલમાં જણાવ્યું હતું કે બુધિની મૃત્યુ પામ્યાં છે અને જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે પારાવાર પીડા અને ગૂમનામીમાં પસાર કર્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
આવી અસંગતતાથી પ્રેરાઈને કેરળના એક લેખિકા સારાહ જોસેફ બુધિનીના જીવન વિશે પુસ્તક લખ્યું છે અને બુધિનીના વ્યક્તિત્વને પામવાનો તથા તેમને ફરી ‘જીવંત’ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
સારાહ જોસેફના કહેવા મુજબ, તેઓ 2019માં બુધિનીને પહેલીવાર મળ્યાં ત્યારે તેમની સાથે વાત કરવાનું મુશ્કેલ લાગ્યું હતું, કારણ કે તેઓ સામાન્ય ભાષા બોલતા ન હતાં. “તેમ છતાં હું તેમને સારી રીતે સમજી શકી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝારખંડમાં આવેલા ભારતના કોલસા ક્ષેત્રમાંના એક નાનકડા શહેર ધનબાદમાં બુધિનીનો ઉછેર થયો હતો. લીલીછમ પહાડીઓવાળા આ ક્ષેત્રની કુલ વસ્તીમાં આદિવાસીઓનો હિસ્સો 25 ટકા છે.
બુધિની એવા હજારો કામદારો પૈકીનાં એક હતાં, જેઓ આ પ્રદેશના મહત્ત્વાકાંક્ષી દામોદર વેલી કૉર્પોરેશન (ડીવીસી) પ્રોજેક્ટમાં કામ કરતાં હતાં. ડીવીસી પ્રોજેક્ટ ભારતનો ડેમ, થર્મલ અને હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ નેટવર્કનો બહુહેતુક પ્રકલ્પ હતો. નહેરુએ એકવાર તેને “મુક્ત ભારતની ઉમદા મહાલય” ગણાવ્યો હતો.
જોકે, તેનું નિર્માણ એટલું જ વિવાદાસ્પદ હતું. મોટાભાગના આદિવાસીઓ સહિતના હજારો કામદારોને આ પ્રોજેક્ટના નિર્માણ માટે તેમના પૂર્વજોની જમીનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કબોના સહિતનાં હજારો ગામ તે પ્રોજેક્ટમાં ડૂબી ગયાં હતાં. બહિષ્કૃત કરવામાં આવ્યા તે પહેલાં બુધિની કબોનામાં રહેતાં હતાં.
નહેરુએ 1959માં જાહેરાત કરી હતી કે પાંચેત નામના ડેમ પૈકીના એકનું ઉદ્ઘાટન કરવા તેઓ જશે. બધાના આશ્ચર્ય વચ્ચે ડીવીસી પ્રોજેક્ટના અધિકારીઓએ નહેરુનું સ્વાગત કરવા બુધિની અને તેમના એક સાથીની પસંદગી કરી હતી.
એ પછી બધું ખોટું થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમારંભમાં બુધિનીને નહેરુને હાર પહેરાવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, નહેરુ એ માળા રમતિયાળ રીતે બુધિનીને માળા પાછી પહેરાવશે તેની તેમને અપેક્ષા ન હતી.
નહેરુએ એવો આગ્રહ પણ કર્યો હતો કે ડેમની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરવા માટે 15 વર્ષની બુધિનીએ પાવર સ્ટેશનનું બટન દબાવવું જોઈએ.
એ સાંજે બુધિની તેમના ગામમાં પાછા ફર્યાં ત્યારે તેમને ખ્યાલ ન હતો કે તેઓ છેલ્લી વખત તેમના ઘરે જઈ રહ્યાં છે.
ગામના વડાએ બુધિનીને બોલાવીને જણાવ્યું હતું કે નહેરુને માળા પહેરાવીને તેઓ તેમની પત્ની બની ગયાં છે. બહારની વ્યક્તિ સાથે લગ્ન નહીં કરવાની સંથાલ પરંપરાનો પણ તેમણે ભંગ કર્યો છે. આથી પોતાના ગુનાનું પ્રાયશ્ચિત કરવા બુધિનીએ બધું જ છોડવું પડશે.
સંથાલો શાંતિપ્રિય આદિજાતિ તરીકે જાણીતા છે. તેઓ નાના ચુસ્ત સમુદાયમાં રહે છે અને પોતાના ધાર્મિક નિયમોનું પાલન કરે છે.
આદિજાતિ સમુદાયની વ્યક્તિ પર બહારની વ્યક્તિ સાથે લગ્ન કરવા પર પ્રતિબંધ છે અને તેનું ઉલ્લંઘન કરનારને નિયમિત રીતે સામાજિક બહિષ્કારની સજા કરવામાં આવે છે, પરંતુ કર્મશીલો કહે છે કે આ પ્રથાનો ઉપયોગ ઘણીવાર મહિલાઓ પર અત્યાચારના સાધન તરીકે કરવામાં આવે છે.
આદિવાસી પુરુષો કામ કરવા કાયમ બહાર જાય છે, પરંતુ યુવા, અપરિણીત સ્ત્રીઓ મુશ્કેલ સંજોગોમાં પણ ભાગ્યે જ તેમનું ગામ છોડે છે. જે સ્ત્રીઓ ગામ છોડે છે તેમણે કાયમ તિરસ્કાર અને ભેદભાવનો સામનો કરવો પડે છે.
બુધિનીની ખબર હતી કે તેઓ ગામમાંથી ચાલ્યા જશે તો પાછા ક્યારેય આવી નહીં શકે. તેમણે ગામના વડાને તર્ક આપવાનો, તેમના પ્રતિકારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમુદાયનો ચુકાદો ઝડપી અને નક્કર હતો. બુધિની પહેલેથી જ બહિષ્કૃત બની ગયાં હતાં.
સારાહ જોસેફ કહે છે, “કોઈએ બુધિનીને મદદ કરી ન હતી. તેમને તેમના ગામના લોકોએ જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.”
અને બુધિનીને જીવનમાં આશાનું કિરણ દેખાયું..

ઇમેજ સ્રોત, AFP
15 વર્ષનાં નિઃસહાય બુધિની પોતાની વસ્તુઓ ઉપાડીને ગામમાંથી ચાલી નીકળ્યાં હતાં.
ડેમના ઉદ્ઘાટનને આધુનિક ભારતના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યું હતું.
તેમાં બુધિની ક્યાંય દેખાયા ન હતાં અને તેમનો માત્ર નામોલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે યુવાન સંથાલ નામના એક દૈનિકે કેટલીક વિગત આવરી લીધી હતી. તેમાં બુધિનીને ભારતમાં “ડેમનું ઉદઘાટન કરનાર” પ્રથમ કામદાર તરીકે વર્ણવવામાં આવ્યાં હતાં.
સારાહ જોસેફના જણાવ્યા મુજબ, એ સમયની આસપાસ જ તેમને “નહેરુનાં આદિવાસી પત્ની” જાહેર કરવામાં આવ્યાં હતાં.
કરુણાંતિકા એ છે કે બુધિની આ બાબતે કશું જાણતા ન હતાં. તેઓ તેમના બહિષ્કાર અને ઘોર ગરીબી વચ્ચે જીવનના સૌથી કષ્ટદાયક મહિનાઓમાં જીવન જીવવાનો પ્રયાસ કરતા હતાં.
સારાહ જોસેફ કહે છે, “બધા લોકો તેમના વિશે વાંચી રહ્યા હતા, પરંતુ કોઈએ તેમને મદદ કરી ન હતી. તેમની પાસે જવા જેવું એકેય ઠેકાણું ન હતું.”
દામોદર વેલી કોર્પોરેશને 1962માં બુધિનીને નોકરીમાંથી કાઢી મૂક્યાં પછી તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ હતી. તેમણે દૈનિક મજૂર તરીકે કામ કરવું પડ્યું હતું. ડીવીસીએ બુધિનીને નોકરીમાંથી કાઢી મૂકવાનું કોઈ કારણ આપ્યું ન હતું.
વિધિની વક્રતા એ છે કે તત્કાલીન વડાપ્રધાન પણ બુધિનીની વેદનાથી અજાણ રહ્યા હતા. પ્રગતિશીલતા અને આધુનિક વિચારના અગ્રણી સમર્થકો પૈકીના એક નહેરુ આ કથા સાથે કેવી રીતે સંકળાયા હતા એ પણ એટલું જ માર્મિક છે.
બુધિનીના જીવનમાં આશાનું કિરણ દેખાયું એ પહેલાં વર્ષો વીતી ગયાં હતાં. તેઓ સુધીર દત્તા નામના માણસને ક્યારે મળ્યા તેની ચોક્કસ સમયરેખા સ્પષ્ટ નથી.

ઇમેજ સ્રોત, SARAH JOSEPH
સુધીર દત્તા પાડોશના પશ્ચિમ બંગાળમાં કોલસાની એક ખાણમાં કામ કરતા હતા. તેઓ બુધિનીના પાડોશી હતા. તેઓ પ્રેમમાં પડ્યાં અને પછી લગ્ન કર્યાં.
સારાહ જોસેફના કહેવા મુજબ, સુધીર અને બુધિનીએ ગરીબીમાં વર્ષો પસાર કર્યાં હતાં. દરમિયાન બુધિનીએ તેમની નોકરી પાછી મેળવવાના અનેક પ્રયાસ કર્યા હતા.
સારાહ જોસેફના જણાવ્યા અનુસાર, બુધિનીની કથા વિશે સંશોધન 1985માં કરી રહેલા બે પત્રકારોએ નહેરુના પૌત્ર અને ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીનો સંપર્ક કર્યો હતો.
આખરે બે દાયકા પછી બુધિનીને ડીવીસીમાં ફરી નોકરી મળી હતી અને તેમણે નિવૃત્તિ સુધી ત્યાં કામ કર્યું હતું.
સારાહ જોસેફ કહે છે, “હકીકતમાં બુધિનીનો શું વાંક હતો એ પ્રશ્ન અનુત્તર રહ્યો છે.”
જોકે, બુધિનીએ વ્યક્તિગત રીતે જીવનમાં પાછું વાળીને ક્યારેય જોયું નથી. તેમણે શાંતિપૂર્ણ જીવન જીવવા માટે આઘાતજનક ભૂતકાળને પાછળ છોડી દીધો હતો.
બુધિનીના મૃત્યુ પછી તેમના પૌત્રએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારને કહ્યું હતું, “મારા દાદી સાથે જે થયું તે ખોટું હતું, પરંતુ જીવનની અંતિમ ક્ષણોમાં તેમણે કોઈ ફરિયાદ કરી ન હતી. તેઓ શાંતિમય હતાં.”
સારાહ જોસેફના કહેવા મુજબ, બુધિનીની પ્રતિમા બનાવવાથી ભૂતકાળને બદલી શકાશે નહીં, પરંતુ તેમની કથા જાણવામાં કદાચ મદદ મળશે.
બુધિનીનો સંઘર્ષ એવી હજારો અન્ય ભારતીય મહિલાઓ જેવો છે, જેમનાં સપનાં પિતૃસત્તાક પરંપરા અને તીવ્ર સામાજિક દબાણના ભાર હેઠળ કચડાઈ ગયાં છે.
સારાહ જોસેફ જણાવે છે કે બુધિની, આધુનિકીકરણ અને રાષ્ટ્રનિર્માણ માટે મૂળ સોતા ઊખડી ગયેલા તથા ભૂલી જવાયેલા લાખો અન્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
સારાહ જોસેફ કહે છે, “બુધિની વિકાસના તમામ પીડિતોનું પ્રતિક છે. તેમની સ્મૃતિને જીવંત કરવી તે ઐતિહાસિક અને રાજકીય જરૂરિયાત છે.”












