જવાહરલાલ નેહરુના જીવનની આખરી પળોમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
1962ના યુદ્ધે નેહરુને અંદરથી તોડી નાખ્યા હતા. એ આઘાતમાંથી તેઓ ક્યારેય બહાર ન આવી શક્યા. એમની પહેલાંની શારીરિક શક્તિ, બૌદ્ધિક કૌશલ્ય અને નૈતિક ચમક જૂના દિવસોની વાત બની ગઈ હતી.
નિરાશ થયેલા નેહરુ થાકેલા દેખાવા લાગ્યા, એમના ખભા ઝૂકી ગયા અને એમની આંખો પણ ભારે ભારે દેખાવા લાગી. એમની ચાલમાં જે સ્ફૂર્તિ રહેતી હતી, લુપ્ત થઈ ગઈ.
ઇન્ડિન એક્સપ્રેસના સમાચાર સંપાદક ટ્રેવર ડ્રાઇબર્ગે લખ્યું છે કે, "એક રાતમાં જ નેહરુ થાકેલા, નિરાશ, ઘરડા વ્યક્તિ દેખાવા લાગ્યા. એમના ચહેરા પર ઘણી કરચલી ઊભરી આવી અને એમનું તેજ હંમેશ માટે જતું રહ્યું."
8 જાન્યુઆરી, 1964એ જ્યારે નેહરુ ભુવનેશ્વરમાં કૉંગ્રેસના વાર્ષિક સંમેલનને સંબોધવા માટે ઊભા થયા ત્યારે તેઓ પોતાનું સંતુલન જાળવી શક્યા નહીં અને સામેની બાજુ પડી ગયા. મંચ પર બેઠેલાં ઇન્દિરા ગાંધીએ દોડી જઈને નેહરુને ઉપાડ્યા.
નેહરુના શરીરના ડાબા ભાગમાં પક્ષાઘાત થયો હતો. ત્યાર પછીના થોડાક દિવસો નેહરુ ઓડિશાના રાજભવનમાં રહ્યા. એમની તબિયત થોડીક સારી થઈ પરંતુ એટલી પણ નહીં કે તેઓ કૉંગ્રેસના સંમેલનમાં ફરીથી ભાગ લઈ શકે.

લાલબહાદુર શાસ્ત્રી બન્યા ખાતા વગરના મંત્રી

ઇમેજ સ્રોત, Getty Images
12 જાન્યુઆરીએ નેહરુ અને ઇન્દિરા દિલ્હી પાછાં આવી ગયાં. નેહરુએ પોતાનાં રોજિંદાં કાર્ય કરવાના કલાકો 17થી ઘટાડીને 12 કલાક કરી દીધા.
ડૉક્ટરોએ ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે એમણે બપોરે થોડીક વાર માટે ઊંઘવાનું શરૂ કર્યું. બહારના લોકોને એવું ના જણાવાયું કે નેહરુની બીમારી કેટલી ગંભીર છે.
જાન્યુઆરીનો અંત આવતાં આવતાં નેહરુ એટલા સાજા થઈ ગયા કે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં ભાગ લઈ શક્યા. ફેબ્રુઆરીમાં તેઓ સંસદમાં વર્ષના પ્રથમ સત્રમાં પણ હાજર હતા પરંતુ એમણે ત્યાં બેઠાંબેઠાં જ ભાષણ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોજિંદાં સરકારી કામોમાં નેહરુને ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદા અને નાણામંત્રી ટીટીકે કૃષ્ણમાચારી મદદ કરતા હતા.
પરંતુ 22 જાન્યુઆરીએ અચાનક લાલબહાદુર શાસ્ત્રીને વિભાગ વગરના મંત્રી તરીકે સોગંદ લેવડાવાયા.
એ દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયને નેહરુ પછી કોણ? વિષય પર એક સર્વેક્ષણ કરાવ્યું. એમાં શાસ્ત્રીને પહેલું, કામરાજને બીજું, ઇન્દિરા ગાંધીને ત્રીજું અને મોરારજી દેસાઈને ચોથું સ્થાન મળ્યું.

નેહરુનું છેલ્લું પત્રકાર સંમેલન

ઇમેજ સ્રોત, ROLI BOOKS
15 એપ્રિલે ઇન્દિરા ગાંધી અમેરિકા જતાં રહ્યાં. ત્યાંથી તેઓ 29 એપ્રિલે પાછાં આવ્યાં. તે દિવસે નેહરુના આમંત્રણથી શેખ અબ્દુલ્લાહ તેમને મળવા માટે દિલ્હી આવ્યા.
બપોરે ઇન્દિરા ગાંધી એમનું સ્વાગત કરવા માટે પાલમ વિમાનમથકે ગયાં. તીનમૂર્તિ પહોંચતાં જ અબ્દુલ્લાહ નેહરુને ભેટી પડ્યા. એમણે 11 વર્ષથી એમને જોયા નહોતા. નેહરુની શારીરિક સ્થિતિ જોઈને અબ્દુલ્લાહને ઝટકો લાગ્યો.
13 મેએ નેહરુ અને ઇન્દિરા કૉંગ્રેસની એક બેઠકમાં ભાગ લેવા માટે મુંબઈ ગયાં. 22 મેએ નેહરુએ 7 મહિનામાં પહેલી વાર એક પત્રકાર સંમેલનમાં સંબોધન કર્યું. 38 મિનિટ સુધી ચાલેલા એ પત્રકાર સંમેલનમાં બસ્સોથી વધારે પત્રકારોએ ભાગ લીધો હતો.
એમ.જે. અકબરે નેહરુના જીવનચરિત્રમાં લખ્યું છે કે, "દેખવામાં તો નેહરુ ઠીક લાગતા હતા પરંતુ એમનો અવાજ કમજોર હતો. આ સવાલ ઘણી વાર પૂછવામાં આવ્યો, નેહરુ પછી કોણ?"
"અંતમાં નેહરુએ ચિડાઈને કહેવું પડ્યું, 'હું આટલો વહેલો મરવાનો નથી.'"
"નેહરુએ આવું કહેતાં જ બધા પત્રકારોએ એમને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું."
બીજા દિવસે નેહરુ અને એમની પુત્રી હેલિકૉપ્ટર દ્વારા ત્રણ દિવસ માટે દેહરાદૂન ગયાં. તેઓ 26 મેએ દિલ્હી પાછાં આવ્યાં.
એમ.જે. અકબરે આગળ લખ્યું છે કે, "તે દિવસે નેહરુએ પોતાના ટેબલ પરની બધી ફાઇલો આટોપી લીધી. નેહરુ સૂવા માટે જલદી જતા રહ્યા. રાત્રે ઘણી વાર એમની ઊંઘ ઊડી ગઈ. એમના સહાયક નથ્થુએ એમને ઊંઘની ગોળી આપી. નથ્થુ વડા પ્રધાનના પલંગની બાજુમાંની એક ખુરશી પર સૂઈ રહ્યા હતા."

નેહરુની ધોરી નસ એઓટા ફાટી

ઇમેજ સ્રોત, Getty Images
27 મેએ સવારના 6 વાગ્યા ને 25 મિનિટે નેહરુ જાગ્યા. એમને દર્દ થતું હતું પરંતુ એમણે બે કલાક સુધી નથ્થુને જગાડ્યા નહીં. નથ્થુ જ્યારે જાગ્યા ત્યારે એમણે એક સુરક્ષાકર્મીને ઇન્દિરા અને નેહરુના ડૉક્ટર બેદીને બોલાવવા મોકલ્યા.
બેદી, નેહરુને જાન્યુઆરીમાં પક્ષાઘાત થયો હતો ત્યારથી, તીનમૂર્તિ ભવનમાં જ રહેતા હતા. જ્યારે ઇન્દિરા અને ડૉક્ટર બેદી ઓરડામાં પહોંચ્યાં ત્યારે નેહરુ થોડા દિગ્ભ્રમિત (ભાન ભૂલેલા) જણાયા. એમણે એમને પૂછ્યું, "મામલો શો છે?" એની થોડીક ક્ષણો પછી નેહરુ બેભાન થઈ ગયા. જ્યારે ડૉક્ટર બેદીએ એમની ચિકિત્સકીય તપાસ કરી, ત્યારે જાણ્યું કે નેહરુની મુખ્ય ધોરી નસ (ધમની) 'એઓટા' ફાટી ગઈ છે.
જોકે ઇન્દિરા અને નેહરુનું બ્લડ ગ્રૂપ એક જ હતું, તેથી, ડૉક્ટર બેદીએ ઇન્દિરા ગાંધીના શરીરમાંથી લોહી લીધું, જેથી એ નેહરુને ચઢાવી શકે.
પરંતુ લોહી ચઢાવતાં પહેલાં જ નેહરુ કોમામાં જતા રહ્યા.
કૅથરીન ફ્રૅન્કે ઇન્દિરા ગાંધીના જીવનચરિત્રમાં લખ્યું છે કે, "દરમિયાનમાં ઇન્દિરાએ રાજીવ ગાંધીને તાર કરી દીધો, જેઓ એ વખતે ઇંગ્લૅન્ડમાં હતા. એમણે સંજય ગાંધીને પણ સંદેશો મોકલ્યો, જેઓ એ દિવસોમાં કાશ્મીર ગયા હતા. પછી એમણે પોતાની બંને ફોઈઓ કૃષ્ણા હઠીસિંહ અને વિજયલક્ષ્મી પંડિતને ફોન કર્યો, જેઓ તે સમયે મુંબઈમાં હતાં. દિલ્હીમાં એમણે માત્ર કૃષ્ણ મેનનને ફોન કર્યો, જેઓ થોડી મિનિટોમાં જ તીનમૂર્તિ ભવન પહોંચી ગયા."

બુદ્ધ જયંતીના દિવસે થયું નેહરુનું નિધન

ઇમેજ સ્રોત, SPEAKING TIGER
27 મેએ બપોરે 1 વાગ્યા ને 44 મિનિટે નેહરુએ અંતિમ શ્વાસ લીધા. કોમામાં જતા રહ્યા પછી એમને ફરી ભાન નહોતું આવ્યું.
તે સમયે ઇન્દિરા ગાંધી અને કૃષ્ણ મેનન એમની સાથે હતાં. આખી બપોર અને સાંજ સુધી તેઓ બંને નેહરુના પાર્થિવ શરીરની બાજુમાં બેસી રહ્યાં.
નેહરુનાં નાનાં બહેન વિજયલક્ષ્મી પંડિતે આત્મકથા 'ધ સ્કોપ ઑફ હૅપીનેસ'માં લખ્યું છે, "મુંબઈથી દિલ્હી જતી છેલ્લી ફ્લાઇટ જતી રહી હતી. મહારાષ્ટ્ર સરકારના જહાજનો ઉપયોગ તે દિવસોમાં ત્યાંના મુખ્યમંત્રી કરતા હતા. મેં રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણનને ફોન કર્યો. એમણે જહાજ દ્વારા મારા દિલ્હી પહોંચવાનો બંદોબસ્ત કર્યો. જ્યારે અમે તીનમૂર્તિ ભવન પહોંચ્યાં ત્યારે ત્યાં શોકગ્રસ્ત લોકોની એટલી ભીડ હતી કે અમારે કારમાંથી ખાસ્સા દૂર ઊતરવું પડ્યું."
"જ્યારે મેં ભાઈને જોયા ત્યારે એમનો ચહેરો સુંદર અને નિર્મળ દેખાતો હતો. તેઓ ઘણી વાર કહેતા હતા કે મારા મરવાનો સૌથી સારો દિવસ બુદ્ધજયંતી હશે. બુદ્ધ માટે એમના મનમાં હંમેશાં ખાસ ભાવના હતી. બુદ્ધ જે દિવસે જન્મ્યા હતા તે જ દિવસે એમનો દેહાંત થયો હતો અને એ જ દિવસે એમને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. બુદ્ધજયંતીના દિવસે જ ભાઈ અમને છોડીને ગયા હતા."

લોકો દર્શન કરી શકે તે માટે તીનમૂર્તિ ભવનના દરવાજા ખોલી દેવાયા

ઇમેજ સ્રોત, Getty Images
નેહરુ દિવંગત થયાની મિનિટોમાં જ તીનમૂર્તિ ભવનના ઓરડા, કૉરિડૉર અને સીડીઓ લોકોથી ભરાઈ ગયાં. ત્યાં સૌથી પહેલાં પહોંચનારાઓમાં ટીટીકે કૃષ્ણમાચારી અને બાબુ જગજીવનરામ હતા. બંનેની આંખોમાં આંસુ હતાં.
થોડી વારમાં નેહરુ મંત્રીમંડળના અન્ય સભ્યો પણ ત્યાં પહોંચી ગયા. બેથી ત્રણની વચ્ચે તીનમૂર્તિ ભવનના નીચેના ઓરડામાં મંત્રીમંડળની તાકીદની બેઠક થઈ. એમાં નક્કી કરવામાં આવ્યું કે ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડા પ્રધાન તરીકે કાર્ય કરશે.
ઇન્દિરા ગાંધીનાં જીવનચરિત્રકાર કૅથરીન ફ્રૅન્કે લખ્યું છે કે, "તે દિવસે તીનમૂર્તિ ભવનમાં હરકોઈ શોકમાં ડૂબેલા હતા, સિવાય મોરારજી દેસાઈ અને કામરાજના, જેઓ શોકગ્રસ્ત કરતાં વધારે સર્તક દેખાતા હતા. નેહરુના ઓરડાની બહાર ઊભેલા મોરારજી દેસાઈ તો શોક પ્રગટ કરવા આવેલા લોકોનું એવી રીતે સ્વાગત કરતા હતા, જાણે તેઓ કોઈ રાજદ્વારી આયોજનના યજમાન હોય."

ઇમેજ સ્રોત, Getty Images
જેવું અંધારું થયું, લીલી, ગલગોટા, ગુલાબ અને ભારતીય તિરંગાથી લપેટાયેલા નેહરુના પાર્થવ શરીરને એમના શયનકક્ષમાંથી નીચે ઉતારીને તીનમૂર્તિ ભવનના સામેના વરંડામાં લઈ અવાયું.
જોકે તે સમયે અતિશય ગરમી હતી, એમના પાર્થવ શરીરને બરફની પાટ પર રાખવામાં આવ્યું હતું, જેથી થોડા સમય માટે સુરક્ષિત રાખી શકાય. દરમિયાનમાં નેહરુની બંને બહેનો ઉપરાંત પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ પદ્મજા નાયડુ પણ ત્યાં પહોંચી ગયાં. તે રાત્રે તીનમૂર્તિ ભવનમાં કોઈ સૂતું નહીં અને લોકો દર્શન કરી શકે તે માટે ભવનના દરવાજા સતત ખુલ્લા રહ્યા.

નેહરુને ઇન્દિરાની અંતિમ વિદાય

ઇમેજ સ્રોત, Getty Images
સંજય ગાંધી કાશ્મીરથી 28 મેની સવારે દિલ્હી પહોંચી શક્યા. નેહરુના અંતિમ સંસ્કારની બધી વ્યવસ્થા ઇન્દિરા ગાંધીએ કરી.
ઇન્દર મલ્હોત્રાએ ઇન્દિરાનાં જીવનચરિત્રમાં લખ્યું છે કે, "એમણે તીનમૂર્તિ ભવનમાં કામ કરતા નોકરોનાં કપડાં સુધ્ધાંનું ધ્યાન રાખ્યું. તેઓ બધા ખૂબ દુઃખી હતા અને એમણે નેહરુના નિધન પછી કશું ખાધું નહોતું કે સ્નાન પણ નહોતું કર્યું. ઇન્દિરાએ તે બધા લોકોને ઘરે જઈને નહાઈ, દાઢી કરી અને કપડાં બદલીને આવવા કહ્યું. એમણે કહ્યું, મારા પિતાને સફાઈ હંમેશાં પસંદ હતી. હું નથી ઇચ્છતી કે આજે એમની ચારેબાજુ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા જોવા મળે."
નેહરુના પાર્થિવ શરીરને એક ગન કૅરેજ પર રાખવામાં આવ્યું. સફેદ ખાદીનાં કપડાં પહેરેલાં ઇન્દિરા અને સંજય એક ખુલ્લી કારમાં સવાર થયાં. આકરા તડકામાં બંને પરસેવાથી લથબથ હતાં.
રાજીવ ત્યાં સુધીમાં દિલ્હી નહોતા પહોંચી શક્યા. યમુના નદીના કિનારે પાંચ માઈલ લાંબો રસ્તો કાપવામાં 3 કલાકથી વધારે સમય થઈ ગયો. રસ્તાની બંને બાજુ અને અંત્યેષ્ટી સ્થળે લગભગ 20 લાખ લોકોનો જમાવડો હતો.
એક હેલિકૉપ્ટરે એમની અંતિમયાત્રા પર પુષ્પવર્ષા કરી. લગભગ 8 હજાર પોલીસકર્મીઓ અને 6 હજાર સૈનિકોને વ્યવસ્થા જાળવી રાખવા માટે બંદોબસ્તમાં મૂકી દેવાયા હતા.
નેહરુના જીવનચરિત્રમાં એમ.જે. અકબરે લખ્યું છે કે, "ઇન્દિરા છેલ્લી વાર નેહરુના પાર્થિવ શરીર પાસે ગયાં. એમણે એમના પર ગંગાજળ છાંટ્યું અને પોતાના પિતાના પગ પાસે ચંદનનું લાકડું મૂકી દીધું. તેઓ લગભગ 8 મિનિટ સુધી ત્યાં મૌન ઊભાં રહ્યાં. પછી એમણે પોતાના 'પાપુ'ના ચહેરાને છેલ્લી વાર જોયો અને પછી નીચે ઊતરી ગયાં."

સંજય ગાંધીએ આપ્યો મુખાગ્નિ

ઇમેજ સ્રોત, Getty Images
નેહરુએ પોતાની વસિયતમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે એમની અંત્યેષ્ટીમાં કોઈ પણ ધાર્મિક રીતિનું પાલન કરવામાં ના આવે, તેમ છતાં, એમના અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ પ્રમાણે કરવામાં આવ્યા.
એ નિર્ણય ઇન્દિરા ગાંધીનો હતો. કૅથરીન ફ્રૅન્કે લખ્યું છે કે, "આ નિર્ણય કરવામાં ઇન્દિરાને ખૂબ તકલીફ થઈ, કેમ કે એમણે નેહરુની અંતિમ ઇચ્છાનું માન ન જાળવ્યું. શક્ય છે કે એમના પર કેટલાક ધાર્મિક નેતાઓ અને રાજનેતાઓએ દબાણ કર્યું હતું કે ભારતના લોકો ધર્મનિરપેક્ષ અંતિમ સંસ્કારને સ્વીકારી નહીં શકે. નેહરુના પાર્થિવ શરીરને ચંદનનાં લાકડાં પર રાખવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને 'ધ લાસ્ટ પોસ્ટ'ના બ્યૂગલ સાથે 17 વર્ષના સંજય ગાંધીએ એમની ચિતાને અગ્નિદાહ આપ્યો."

વિશેષ ટ્રેન દ્વારા અસ્થિઓને અલાહાબાદ લઈ જવાયાં

ઇમેજ સ્રોત, PENGUIN INDIA
અંતિમ સંસ્કારના 13 દિવસ પછી નેહરુનાં અસ્થિને એક વિશેષ ટ્રેન દ્વારા સંગમમાં પધરાવવા માટે ઇલાહાબાદ લઈ જવાયાં.
સામાન્ય રીતે 10 કલાકમાં પૂરી થતી સફર તે ટ્રેને 25 કલાકમાં પૂરી કરી. ટ્રેન દરેક સ્ટેશને ઊભી રહી, જ્યાં હજારો લોકો નેહરુને અંતિમ વિદાય આપવા આવ્યા હતા.
આ સફરનું વર્ણન કરતાં ઇન્દિરા ગાંધીનાં નિકટનાં સહયોગી ઉષા ભગતે પોતાના પુસ્તક 'ઇન્દિરાજી - થ્રૂ માય આઇઝ'માં લખ્યું છે, "બધી બારીઓ કાચની હતી અને એના પર પરદા હતા. દરેક સ્ટેશને લોકો ટ્રેન પર ફૂલની પાંખડીઓ વરસાવતા હતા. અલીગઢ સ્ટેશને શેખ અબ્દુલ્લાહ ટ્રેનમાં ચડ્યા. અમે બધાએ પહેલાં 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં' ગાયું અને પછી શાંતિપાઠ કર્યો. ટ્રેનમાં અમારી સાથે મણિબેન, જમનાલાલ બજાજ, કે.સી. પંત, વિજયલક્ષ્મી પંડિત, કૃષ્ણા હઠીસિંહ અને ઝાકિરસાહેબ હતાં. લોકો એટલી મોટી સંખ્યામાં સ્ટેશને આવી રહ્યા હતા કે એમની હથેળીઓના દાબના કારણે અમારા તરફની બારીનો કાચ તૂટી ગયો. અલાહાબાદ સ્ટેશને દલાઈ લામા પણ પહોંચ્યા હતા."
સંગમમાં નેહરુનાં અસ્થિઓ ઉપરાંત એમનાં પત્ની કમલા નેહરુનાં અસ્થિઓને પણ પધરાવવામાં આવ્યાં. લગભગ 30 વર્ષ પહેલાં નેહરુ સ્વિટ્ઝર્લૅન્ડથી કમલાનાં અસ્થિઓ લાવ્યા હતા અને તેઓ હંમેશાં આનંદ ભવન, જેલ કે દિલ્હીમાં યૉર્ક રોડ વાળા એમના ઘરમાં જ્યાં ક્યાંય પણ હોય ત્યાં એમના પલંગમાં માથા પાસે રાખતા હતા.

ભારતની ધરતી પર વેરી દેવામાં આવ્યાં નેહરુનાં અસ્થિ

ઇમેજ સ્રોત, Getty Images
નેહરુએ પોતાની વસિયતમાં લખ્યું હતું કે એમનાં અસ્થિઓને વિમાન દ્વારા ભારતના દરેક રાજ્યમાં વેરી દેવામાં આવે.
ઇન્દિરા ગાંધી ખુદ એ અસ્થિઓને કાશ્મીર લઈ ગયાં હતાં. શ્રીનગરમાં તેઓ એક નાના વિમાનમાં બેઠાં અને ભારતીય વાયુસેનાના એક અધિકારી કે.એન. શાસ્ત્રીની મદદથી એમણે એ ધરતી પર તે બધાં અસ્થિ વેરી દીધાં જ્યાં નેહરુના પૂર્વજોનો જન્મ થયો હતો અને જેમને નેહરુ ખૂબ પ્રેમ કરતા હતા.
બાકીનાં અસ્થિઓને ભારતીય વાયુસેનાનાં વિમાનોએ બધાં રાજ્યોની એ ધરતી પર વેરી દીધાં જ્યાં ભારતના ખેડૂતો કામ કરતા હતા.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












