ભારત-ચીન સીમાવિવાદ : નરેન્દ્ર મોદી પણ નહેરુવાળી 'ભૂલ' કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
1949માં માઓત્સે તુંગે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાનું ગઠન કર્યું. 1 એપ્રિલ, 1950માં ભારતે તેને માન્યતા આપી અને રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા. ચીને આ રીતે મહત્ત્વ આપનારો ભારત પહેલો બિનકૉમ્યુનિસ્ટ દેશ બન્યો. 1954માં ભારતે તિબેટને લઈને પણ ચીની સંપ્રભુતાને સ્વીકારી હતી. મતલબ કે ભારતે માની લીધું હતું કે તિબેટ ચીનનો ભાગ છે. 'હિન્દી-ચીની, ભાઈ-ભાઈ'નો નારો પણ લાગ્યો.
જૂન 1954થી જાન્યુઆરી 1957 વચ્ચે ચીનના પહેલા વડા પ્રધાન ચાઉ એન લાઇ ચાર વાર ભારત આવ્યા. ઑક્ટોબર 1954માં નહેરુ પણ ચીન ગયા.
નહેરુની ચીનની મુલાકાતને લઈને અમેરિકાના અખબાર 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'એ લખ્યું હતું 'બિનકૉમ્યુનિસ્ટ દેશના કોઈ વડા પ્રધાનની પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના બન્યા બાદ આ પહેલી મુલાકાત છે.'
ન્યૂયૉર્ક ટાઇમ્સે એવું પણ લખ્યું હતું કે 'ઍરપૉર્ટથી શહેર વચ્ચે લગભગ 10 કિમી સુધી નહેરુના સ્વાગતમાં ચીની લોકો તાળી વગાડતા ઊભા હતા.'
આ દરમિયાન નહેરુની મુલાકાત ન માત્ર વડા પ્રધાન સાથે થઈ, પરંતુ પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના પ્રમુખ માઓ સાથે પણ થઈ.
બીજી તરફ તિબેટની હાલત સતત ખરાબ થઈ રહી હતી અને ચીનનું આક્રમણ વધતું જતું હતું.
1950માં ચીને તિબેટ પર હુમલો કરી દીધો અને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધું. તિબેટ પરના ચીની હુમલાએ આખા વિસ્તારના જિયોપૉલિટિક્સને બદલી નાખ્યું.
ચીનના હુમલા પહેલાં તિબેટની નિકટતા ચીનની તુલનામાં ભારત સાથે વધુ હતી પણ આખરે તિબેટ એક આઝાદ પ્રદેશ ન રહ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વિડિશ પત્રકાર બર્ટિલ લિંટનરે પોતાના પુસ્તક 'ચાઇના ઇન્ડિયા વૉર'માં લખ્યું છે, "ત્યારે નહેરુ સરકારમાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ એ નેતાઓમાંના એક હતા જેઓ તિબેટમાં થયેલા આ બદલાવના મહત્ત્વને સમજતા હતા. તેને લઈને પટેલે નહેરુને ડિસેમ્બર 1950માં પોતાના મૃત્યુના એક મહિના પહેલાં નવેમ્બર 1950માં એક પત્ર પણ લખ્યો હતો."

'આદર્શવાદી નહેરુ'

ઇમેજ સ્રોત, BETTMANN
પટેલે લખ્યું હતું, "તિબેટના ચીનમાં મિલાવવા છતાં તે આપણા દરવાજા સુધી પહોંચી ગયું છે. તેનાં પરિણામ આપણે સમજવાની જરૂર છે. આખા ઇતિહાસમાં ઉત્તર-પૂર્વ સીમાને લઈને આપણે કદાચ ક્યારેક જ પરેશાન થયા છીએ. ઉત્તરમાં હિમાલય બધા ખતરા સામે આપણા રક્ષાક્વચના રૂપમાં ઊભો છે. તિબેટ આપણું પડોશી હતું અને તેનાથી ક્યારેય કોઈ પરેશાની થઈ નથી. પહેલાં ચીની વિભાજિત હતા. તેમની પોતાની ઘરેલુ સમસ્યા હતી અને તેઓએ આપણને ક્યારેય પરેશાન નથી કર્યા, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે."
આ પુસ્તકમાં બર્ટિલ લિંટનરે લખ્યું છે, "આદર્શાવાદી નહેરુ નવા કૉમ્યુનિસ્ટશાસિત ચીનને સમજવામાં નિષ્ફળ રહ્યા. તેમને લાગતું રહ્યું કે બંને દેશ વચ્ચે મિત્રતા જ રસ્તો છે. નહેરુનું માનવું હતું કે ભારત અને ચીન બંને ઉત્પીડન સામે જીત મેળવીને ઊભા છે અને બંનેએ એશિયા, આફ્રિકામાં આઝાદ થયેલા નવા દેશો સાથે મળીને કામ કરવું જોઈએ."
ભારતીય વિસ્તારમાં પણ અતિક્રમણની શરૂઆત ચીને 1950ના દશકના મધ્યમાં કરી દીધી હતી. 1975માં ચીને અક્સાઇ ચીનના રસ્તે પશ્ચિમમાં 179 કિલોમિટર લાંબો રસ્તો બનાવ્યો.
સરહદ પર બંને દેશના સૈનિકો વચ્ચે પહેલું ઘર્ષણ 25 ઑગસ્ટ, 1959માં થયું. ચીની પેટ્રોલિંગદળે નેફા ફ્રન્ટ્રિયર પર લોંગજુમાં હુમલો કર્યો હતો. આ વર્ષે 21 ઑક્ટોબરે લદ્દાખના કોંગકામાં ગોળીબાર થયો. જેમાં 17 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં અને ચીને તેને આત્મરક્ષામાં કરેલી કાર્યવાહી ગણાવી હતી.
ભારતે ત્યારે કહ્યું હતું કે 'તેમના સૈનિકો પર અચાનક હુમલો કરી દીધો હતો.'
માઓએ નવેમ્બર 1938માં સીસીપી એટલે કે ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીની એક બેઠકમાં કહ્યું હતું કે 'સત્તા બંદૂકના નાળચેથી નીકળે છે.'
બાદમાં ચીની કૉમ્યુનિસ્ટ ક્રાંતિમાં આ નારો મૂળમંત્ર બની ગયો. આ નારો કાર્લ માર્ક્સના એ નારાથી સાવ અલગ હતો, જેમાં તેઓએ કહ્યું હતું- 'દુનિયાના મજૂરો એક થાવ.'

'તેઓ ચીનના ઇરાદા સમજી ન શક્યા'

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE
કહેવાય છે કે 1962માં ચીને ભારત પર હુમલો કર્યો ત્યારે એ માત્ર હિમાલયના કોઈ વિસ્તારમાં નિયંત્રણ કે સરહદ બદલવા માટે નહોતો, પણ આ સંસ્કૃતિનો જંગ હતો.
દક્ષિણ-પૂર્વ એશિયા પર ઊંડી સમજ ધરાવનારા ઇઝરાયલી જાણકાર યાકોવ વર્ટઝબર્જરે પોતાના પુસ્તક 'ચાઇના સાઉથ વેસ્ટર્ન સ્ટ્રેટેજી'માં લખ્યું છે, "નહેરુ ચીન અને ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક ફરકને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે તેઓ ચીનના ઇરાદા સમજી ન શક્યા. નહેરુને લાગતું હતું કે આખી દુનિયા ભારત અને ચીનની સીમાને વૈધ રૂપે સ્વીકાર કરે છે. જો ભારત કરાર અને સંધિઓને જ આગળ કરી દે તો ચીને તેને સ્વીકાર કરવો પડશે, કેમ કે ભારત કાયદાકીય રીતે યોગ્ય છે. જોકે ચીની ક્યારેય આંતરરાષ્ટ્રીય કાયદાના પરવા નહોતી કરી."
યાકોવ વર્ટઝબર્જરે લખ્યું છે, "નહેરુ આ પાયાનું અંતર પણ સમજતા નહોતા કે ભારત અને ચીન બંનેએ પોતાની આઝાદી અલગઅલગ રીતે મેળવી છે. ભારતે અંગ્રેજો સાથે આઝાદીની લડાઈ લડી હતી એવી લડાઈ જાપાની ઉપનિવેશ અને ઘરેલુ તાકતો સામે ચીને નહોતી લડી. ભારતે આઝાદીની લડાઈમાં જીત વ્યાપક રીતે સવિનય ઉપેક્ષાથી મેળવી હતી અને હિંસાને બુરાઈના રૂપમાં ગણી હતી."
"બીજી તરફ માઓની કૉમ્યુનિસ્ટ પાર્ટીનો સિદ્ધાંત સાવ અલગ હતો. નહેરુએ બ્રિટિશન જિયોસ્ટ્રેટિજિક અવધારણાને સ્વીકારી હતી, કેમ કે નહેરુની રણનીતિમાં અતીત અને વર્તમાન વચ્ચે જોડાણ હતું. બીજી તરફ માઓની રણનીતિ અતીતથી સાવ અલિપ્ત હતી. માઓએ 1949માં કૉમ્યુનિસ્ટોની જીત પહેલાં આંતરરાષ્ટ્રીય સંધિઓને એકતરફી હોવાના આરોપ લગાવતા તેને ફગાવી દીધી. ભારત ચીન સાથે જોડાયેલી સીમાને ઐતિહાસિકતાનો આધાર ગણાવીને યોગ્ય ઠેરવવામાં લાગ્યું છે અને ચીન યુદ્ધની તૈયારી કરતું હતું. માઓએ મૅકમોહન રેખાને ઔપનિવેશિક ગણાવતા તેને માનવાનો ઇન્કાર કરી દીધો. ચીન એટલે સુધી કે આખા અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરવા લાગ્યું."

'પીએમ મોદીએ કોઈ સબક ન લીધો'
બર્ટિલ લિંટલરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે "નહેરુને ચીની કૉમ્યુનિસ્ટો બુર્ઝુઆ રાષ્ટ્રવાદી માનતા હતા. એટલે સુધી કે તેઓ નહેરુને મધ્યમ કક્ષાના સમાજવાદી નેતા પણ માનતા નહોતા. ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી તરફથી નહેરુ પર શરૂઆતી હુમલા 1 ઑક્ટોબર, 1949એ પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની જાહેરાત પહેલાં જ શરૂ થઈ ગયા હતા. "
"ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીની કલ્ચરલ કમિટીની પત્રિકા શિજી ઝિશી (વિશ્વજ્ઞાન)એ 19 ઑક્ટોબર, 1949ના અંકમાં નહેરુને સામ્રાજ્યવાદીઓના મદદગાર કહ્યા હતા. નહેરુને એ ખબર પણ નહોતી કે હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારા પાછળ શું ચાલી રહ્યું છે. સીઆઈએના રિપોર્ટ અનુસાર, મ્યાનમારના પૂર્વ વડા પ્રધાન બા સ્વેએ નહેરુને 1958માં પત્ર લખીને સાવધ કર્યા હતા કે તેઓ ચીનથી સીમાવિવાદને લઈને સતર્ક રહે."
રક્ષાવિશેષજ્ઞ રાહુલ બેદી કહે છે, "1962 અને એ પહેલાં જે ભૂલો નહેરુએ કરી હતી, એ ભૂલોમાંથી પીએમ મોદીએ કોઈ બોધપાઠ લીધો નથી."
બેદી કહે છે, "મોદી સરકાર પાસે જાસૂસી માહિતી હતી કે ચીન લદ્દાખમાં બહુ બધું કરી રહ્યું છે અને કરવાનું છે, પરંતુ તેઓ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા. સવાલ તો એ મહત્ત્વનો છે કે ચીની સૈનિકો આપણા વિસ્તારમાં કેવી રીતે ઘૂસી ગયા? મોદી વડા પ્રધાન બનતાં જ ચીનને એવી રીત રજૂ કર્યું જાણે કે તે સૌથી મોટું અને વિશ્વાસપાત્ર મિત્ર હોય. વડા પ્રધાન બન્યા બાદ મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને અઢાર વાર મળી ચૂક્યા છે. આ મુલાકાતોનો અર્થ શું છે?"
2 જૂન, 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ફોરમમાં પેનલ ડિસ્કશનમાં કહ્યું હતું કે "ચીન અને ભારતમાં ભલે સીમાવિવાદ હોય, પરંતુ બંને દેશ વચ્ચે સીમા પર છેલ્લાં 40 વર્ષથી એક પણ વાર ગોળી ચાલી નથી. ચીનના વડા પ્રધાને મોદીના આ નિવેદનનું સ્વાગત કર્યું હતું અને હાથ મિલાવ્યા હતા. મોદીએ આવું કહ્યાને ત્રણ વર્ષ થઈ ગયાં અને હવે તેઓ ફરી વાર આવું કહેવાની સ્થિતિમાં નહીં હોય."

'નહેરુવાળી ભૂલ ભારતની દરેક સરકારમાં કરાઈ'

ઇમેજ સ્રોત, Pib
રાહુલ બેદી કહે છે કે 'આ જ ભારતના નેતાઓમાં દૂરદર્શિતાનો અભાવ દર્શાવે છે.'
તેઓ કહે છે, "પીએમ મોદીને ખબર હોવી જોઈએ કે ચીન ભારતની જેમ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાંચ વર્ષને ધ્યાનમાં રાખીને કામ કરતું નથી. તે આગામી 50 વર્ષની યોજના અને રણનીતિ પર કામ કરે છે અને તેને અંજામ સુધી પહોંચાડે છે. મોદી કહે છે કે ચીન ભારતની સીમા નથી અને બીજી તરફ મુલાકાત પર મુલાકાત ચાલુ છે. સરકારે તો પહેલા પોતાના વિરાધાભાસથી મુક્ત થવાની જરૂર છે."
"ચીન માટે સીપીઈસી બહુ મહત્ત્વનું છે અને તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર થઈને જઈ રહ્યું છે. ચીનની નજર સિયાચીન ગ્લૅશિયર પર પણ છે. ચીન કોઈ પણ રીતે નથી ઇચ્છતું કે સીપીઈસી પર કોઈની નજર રહે. મને નથી લાગતું કે તે લદ્દાખથી દૂર ખસવા જઈ રહ્યું હોય. તે કોઈ પણ સ્થિતિમાં રહેશે, કેમ કે તેણે આ અચાનક નથી કર્યું, પૂરા પ્લાન સાથે કર્યું છે. શક્ય છે કે સ્થિતિ થોડી બગડશે અને બંને દેશ ટકરાઈ પણ શકે છે. જોકે ભારત માટે આ વખતે પણ બહુ સરળ નથી."
રાહુલ બેદી કહે છે કે 'નહેરુવાળી ભૂલ ભારતની દરેક સરકારમાં કરવામાં આવી છે.'
તેઓ કહે છે, "આપણે ચીન સાથે સીમા પર શાંતિ ખરીદીએ છીએ, ના કે સમાધાન કે હક માટે લડીએ છીએ. 1993માં પીવી નરસિમ્હા રાવના સમયમાં બંને દેશો વચ્ચે એલએસી (વાસ્તવિક નિયંત્રણ રેખા) નક્કી થઈ, પરંતુ એલએસી રેત પર ખેંચેલી રેખા છે. ચીની સૈનિકો થોડી હવા આપે છે અને રેખા મટી જાય છે. પછી તમે રેખા શોધતા રહો. આપણે તો પથ્થર પર રેખા ખેંચવાની હતી અને એ કામ કોઈ સરકારે કર્યું નથી. ચીન ક્યારેય નથી ઇચ્છતું કે સીમા પર સ્થાયી સમાધાન થાય. તે ભારત સાથે દરેક પ્રકારના સંબંધોને પ્રોત્સાહિત કરી રહ્યું છે, પરંતુ સીમાવિવાદ પર વાત કરવા માગતું નથી. 1962ના જંગ બાદ 58 વર્ષનો સમય થઈ ગયો અને ચીનનાં આગામી 50 વર્ષના પ્લાનમાં ભારત શિકાર બને તો એ કોઈ ચોંકાવનારી વાત નથી."

ભારતની રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સતત તોળાતું જોખમ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સરહદ ઉપર પ્રવર્તમાન તણાવને દૂર કરવા માટે ગુરુવારે રશિયા ખાતે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તથા ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે મુલાકાત થઈ.
બંને મંત્રીની વચ્ચે અમુક મુદ્દે સહમતી સધાઈ છે, પરંતુ સરહદ ઉપર વિવાદાસ્પદ વિસ્તારોમાંથી બંને દેશની સેના પાછી હઠશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
બંને દેશના પ્રધાનો વચ્ચે સહમતી બાદ ભારતના કૂટનીતિક વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ ટ્વિટર ઉપર લખ્યું, "ચીન અને ભારતના વિદેશપ્રધાનોના સંયુક્ત નિવેદનમાં ભારતની માગનો મુદ્દો ગાયબ છે, જેમાં સીમા ઉપર યથાસ્થિતિ બહાલ કરવાની માગ કરવામાં આવી હતી."
એપ્રિલ મહિનાથી બંને દેશની સીમા ઉપર તણાવ પ્રવર્તમાન છે. તા. 15મી જૂને બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિક મૃત્યુ પામ્યાં હતાં.
ભારતનું કહેવું છે કે ચીનની સેનાએ લદ્દાખમાં અનેક ભારતીય વિસ્તારો ઉપર દબાણ કર્યું છે.
સૌથી મોટો સવાલ એ છે કે ચીન એપ્રિલ પૂર્વેની સ્થિતિ બહાલ કરશે કે વધુ એક વખત સરહદ બદલી નાખશે. ચીન ભારતની સાથે વાટાઘાટ કરી રહ્યું છે, સાથે જ ભારત સાથે ધમકીભરી ભાષામાં વાત પણ કરી રહ્યું છે.
ચીને એટલે સુધી કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ પણ તેનો ભાગ છે અને આ રાજ્યને ભારતના ભાગ તરીકે તેણે ક્યારેય માન્યતા આપી જ નથી.
ભારતના વિદેશ વિભાગના પૂર્વ સચિવ નિરુપમા રાવે 'ધ વાયર'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતની સુરક્ષા ઉપર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું, "ચીને પાકિસ્તાનમાં ગ્વાદર, શ્રીલંકામાં હમ્બનટોટા, જિબૂતી તથા બાંગ્લાદેશમાં ચટગાંવ પૉર્ટને ઇચ્છે ત્યારે વ્યૂહાત્મક ઉપયોગ માટે લઈ શકે છે. ચીને આ દેશોમાં વ્યૂહાત્મક રોકાણ કર્યું છે. મારા મતે ચીન દ્વારા કરવામાં આવેલા આ રોકાણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ છે."
વિદેશમંત્રીઓની બેઠક પૂર્વે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ચીનના સંરક્ષણમંત્રી સાથે રશિયામાં જ મુલાકાત કરી હતી. આ સિવાય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ ચીનના સંરક્ષણમંત્રી સાથે વાતચીત કરી હતી.

'મોદી સરકારનું વલણ નિર્ણાયક'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સંરક્ષણ વિશેષજ્ઞ સુશાંત સરીનના કહેવા પ્રમાણે, ભારત-ચીનના વિદેશમંત્રીઓના નિવેદનમાં કશું સ્પષ્ટ નથી.
તેમના કહેવા પ્રમાણે : "બંને દેશના વિદેશમંત્રીઓનાં સંયુક્ત નિવેદનથી કશું સ્પષ્ટ નથી થતું. મને નથી લાગતું કે હાલમાં તણાવ ઓછો થશે કે ચીન પાછું હઠશે. અગાઉ પણ આવી વાતચીતો થઈ ચૂકી છે."
સુશાંત સરીન માને છે કે ચીનને કેન્દ્રમાં રાખીને જો કોઈ સરકારે કામ કર્યું હોય, તો તે મોદી સરકાર જ છે.
તેઓ કહે છે, "સરહદી વિસ્તારમાં માળખાકીય સુવિધા વધારવાની દૃષ્ટિએ વર્તમાન સરકારે ખૂબ જ કામ કર્યું છે અને અત્યારે પણ ચાલુ જ છે. ચીને ભારતીય વિસ્તારોમાં પ્રવેશ કર્યો તો સરકારે સેના તથા વાયુદળને તહેનાત કરી દીધા."
"મોદી સરકાર નહેરુની જેમ બેઠી ન રહી અને તૈયારીઓમાં લાગેલી છે. મને લાગે છે કે ચીનના મુદ્દે બે સંરક્ષણમંત્રીઓએ દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. એક તો નહેરુ સરકારમાં સંરક્ષણમંત્રી વી. કે. કૃષ્ણમેનન તથા મનમોહન સરકારમાં સંરક્ષણમંત્રી એ. કે. ઍન્ટોની."
સંપૂર્ણ વિપક્ષ ચીન મુદ્દે વર્તમાન સરકાર ઉપર આક્રમક છે, પરંતુ કોઈ પણ સરકારની ચીન વિશેની નીતિ નિર્ણાયક ન હતી.
ભારત એક સાથે ત્રણ મોરચે લડી રહી છે. કોવિડ-19ના દરરોજ લગભગ એક લાખ નવા કેસ બહાર આવી રહ્યા છે. સરહદ ઉપર ચીને આક્રમક વલણ અપનાવ્યું છે અને ભારતનો આર્થિક વિકાસદર ગગડી ગયો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













