ગધેડીનું દૂધ ગુજરાતમાં 7,000 રૂપિયે પ્રતિ લિટર વેંચાઈ રહ્યું છે? ફૅક્ટ ચેક

ગધેડો

ઇમેજ સ્રોત, TIM GRAHAM/GETTY IMAGES

    • લેેખક, મોહમ્મદ શાહિદ
    • પદ, ફૅક્ટ-ચેક ટીમ, બીબીસી

કોઈને ગધેડો કહેવું એ એક પ્રકારે મૂરખ કહેવા સમાન માનવામાં આવે છે. એના સિવાય ઘણા લોકો સામાન્ય વાતચીતમાં સતત કામ કરનારાને 'ગધેડાની જેમ કામ કરનાર' પણ કહે છે.

ભારતમાં ગધેડાનો ઉપયોગ મોટાભાગે ભાર વહન કરવા માટે થતો રહ્યો છે પરંતુ વાહનો આવ્યા બાદ ગધેડાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે.

જોકે, હવે એવી વાત સામે આવી રહી છે જેના કારણે કદાચ તેની સંખ્યા વધારવામાં લોકોની દિલચસ્પી વધે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ મંગળવારે એક સમાચાર પ્રકાશિત કર્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હિસાર (હરિયાણા)માં આવેલું રાષ્ટ્રીય અશ્વ સંશોધન કેન્દ્ર (NRCE) જલદી ગધેડીના દૂધની ડેરી શરૂ કરવા જઈ રહ્યું છે.

અખબાર લખે છે કે આ ડેરીમાં હાલારી નસલની ગધેડીઓને રાખવામાં આવશે અને તેનું દૂધ વેંચવામાં આવશે.

આ સિવાય એવીબી ન્યૂઝ, નવભારત ટાઇમ્સ, નેશનલ હેરાલ્ડ જેવાં મીડિયા સંસ્થાનોએ આ ખબરને પ્રકાશિત કરી હતી અને દાવો કર્યો હતો કે ગધેડીના દૂધના ભાવ 7,000 રૂપિયા પ્રતિ લિટર સુધી મળી શકે છે.

આ સમાચારોમાં ગધેડીના દૂધથી થતા ફાયદા અંગે ઘણું બધું કહેવામાં આવ્યું હતું.

બીબીસીના ફૅક્ટ ચેકમાં એ જાણીએ કે ગધેડીના દૂધથી ખરેખર શું લાભ થાય છે અને તેના દૂધની કિંમત પ્રતિ લિટર 7,000 સુધી કેવી રીતે હોઈ શકે.

line

ગધેડીના દૂધના લાભ

ગધેડીનું દૂધ

ઇમેજ સ્રોત, ANDREJ ISAKOVIC/AFP VIA GETTY IMAGES

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનને પોતાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઘણાં બધાં પશુઓનાં દૂધને મહત્ત્વ આપવામાં આવતું નથી. જેમાં ગધેડી અને ઘોડીનું દૂધ પણ સામેલ છે.

સંગઠનનું કહેવું છે કે ગધેડી અને ઘોડીના દૂધમાં પ્રોટીન એવું છે કે જે લોકોને ગાયના દૂધથી ઍલર્જી હોય તેમના માટે આ ખૂબ સારું છે.

ઉપરાંત સંગઠન લખે છે કે આ દૂધ માણસના દૂધ જેવું છે, જેમાં પ્રોટીન અને ચરબીની માત્રા ઓછી હોય છે પરંતુ લેક્ટૉસ વધારે હોય છે.

તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ જલદી જ ફાટી જાય છે પરંતુ તેનું પનીર બની શકતું નથી.

સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન એવું પણ કહે છે કે તેનો ઉપયોગ કૉસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પણ થાય છે. તેમાં કોશિકાઓને વ્યવસ્થિત કરવા અને પ્રતિરોધક ક્ષમતા વધારાવાના ગુણ છે.

એવું કહેવામાં આવે છે કે પ્રાચીન ઇજિપ્તનાં મહિલા શાસક ક્લિયોપેટ્રા પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ગધેડીના દૂધથી નહાતાં હતાં.

NRCE ના પૂર્વ ડિરેક્ટર ડૉક્ટર મુક્તિ સાધન બસુ કહે છે કે ગધેડીના દૂધના બે મહત્ત્વના લાભ છે, પ્રથમ એ કે તે મહિલાના દૂધ જેવું હોય છે. બીજું કે તેમાં ઍન્ટિ-ઍજિંગ, ઍન્ટિ-ઑક્સિડન્ટ અને રીજેનેરેટિંગ કંપાઉન્ડ્સ હોય છે. જે ત્વચાને પોષણ આપવાની સાથે તેને મુલાયમ બનાવવામાં કામ આવે છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતનું આ ગામ જ્યાં 70% મહિલાઓ પશુપાલન કરે છે

ડૉક્ટર બસુ કહે છે, "ભારતમાં ગધેડીના દૂધ માટે હજી ઘણું રિસર્ચ કરવાનું બાકી છે કારણ કે લોકોને તેના ફાયદા અંગે વધારે માહિતી નથી."

"જ્યારે યુરોપમાં આ વિશે લોકો ખૂબ જાણે છે, નોકરી કરતી મહિલાઓ પોતાના નવજાત બાળક માટે ગધેડીના પેશ્ચરાઇઝ્ડ દૂધનો ઉપયોગ કરે છે. હવે તો અમેરિકાએ પણ તેની મંજૂરી આપી દીધી છે."

તેઓ કહે છે, "તેમાં લેક્ટૉઝ, વિટામિન એ, બી-1, બી-2, બી-6, વિટામિન ડી અને વિટામિન ઈ પણ હોય છે."

"ગધેડીના દૂધમાંથી બનેલા સાબુ, ક્રીમ, મૉશ્ચુરાઇઝરની બજારમાં માગ છે અને આજે ભારતમાં અનેક મહિલાઓ ગધેડીના દૂધમાંથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરી રહી છે."

ડૉક્ટર બસુ કહે છે કે ભારતમાં હજી ગધેડીના દૂધમાંથી ઓછાં ઉત્પાદનો થઈ રહ્યાં છે પરંતુ તેમાં વધારો થશે તો દૂધની ઘટ પડશે કેમ કે ભારતમાં ગધેડાંની સંખ્યા સતત ઘટી રહી છે.

line

ગધેડી કેટલું દૂધ આપે છે?

ગધેડાં

ઇમેજ સ્રોત, ANDREJ ISAKOVIC/AFP VIA GETTY IMAGES

એનઆરસીઈ ગધેડીના દૂધની ડેરી માટે ગુજરાતથી હાલારી નસલના ગધેડાં લાવી રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના એનિમલ જિનેટિક્સ અને સંવર્ધન વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડી. એન. રાંક કહે છે કે ભારતમાં ગધેડાંની નસલો અંગે પ્રથમ વખત કામ થયું છે.

તેઓ કહે છે, "ભારતમાં ગધેડાંની માત્ર સ્પીતિ નસલની માન્યતા હતી હવે ગુજરાતમાં જામનગર અને દ્વારકાની હાલારી નસલના ગધેડાંને માન્યતા આપવામાં આવી છે."

"આ ગધેડાં સામાન્ય ગધેડાં કરતાં થોડાં ઊંચા, ઘોડાથી થોડાં નીચાં હોય અને સફેદ હોય છે. અત્યાર સુધી ભારતમાં રસ્તા પર રખડતાં ગધેડા તરીકે ઓળખ હતી પરંતુ હવે બંને નસલોને ઓળખ મળી ગઈ છે જે સારી વાત છે."

પ્રોફેસર રાંક કહે છે કે ગધેડાનું ધ્યાન ન રાખવું અને તેને મનફાવે તેમ કામ કરાવવાથી દૂધ મળતું નથી.

તેઓ કહે છે કે એક ગધેડી દિવસમાં વધારેમાં વધારે અડધા લિટર જેટલું દૂધ આપે છે અને દરેક ગધેડીનું દૂધ તેની સારસંભાળના આધારે વધે કે ઘટે છે.

line

7,000 રૂપિયે લિટર છે ગધેડીનું દૂધ?

ગધેડું

ઇમેજ સ્રોત, MONEY SHARMA/AFP VIA GETTY IMAGES

ગધેડીના દૂધનો વેપાર ભારતમાં એટલો નથી જેટલો યુરોપ અને અમેરિકામાં શરૂ થઈ ચૂક્યો છે.

પ્રોફેસર રાંક કહે છે કે ભારતમાં હજી શરૂઆત છે અને દૂધ મોંઘું જરૂર છે પરંતુ 7,000 રૂપિયે પ્રતિ લિટર નથી વેંચાતું.

તેઓ કહે છે કે વિવિધ મીડિયા સંસ્થાનોએ 7,000 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો વિદેશના હવાલેથી ટાંક્યો છે.

ડૉક્ટર બસુ કહે છે કે આ હજી શરૂઆત છે પરંતુ ફાર્મમાં રાખીને ગધેડાની સારસંભાળ કરવાનું ચલણ તામિલનાડુ, કેરળ અથવા ગુજરાતમાં કેટલાક લોકોએ જ કર્યું છે અને તેનું ખરીદ વેચાણ મોટાભાગે ઑનલાઇન થાય છે.

સલીમ અબ્દુલ લતીફ દાદર મુંબઈથી વેરી રેયર ઑનલાઇન ડૉટ કૉમ નામની વેબસાઇટ ચલાવે છે, જે ઊંટ, બકરી, ગાય અને ગધેડીના દૂધની સાથે સાથે તેમાંથી બનેલું ઘી અને દૂધનો પાઉડર પણ ઑનલાઇન વેંચે છે.

તેઓ કહે છે, "ગધેડીના દૂધનો કોઈ ભાવ નક્કી નથી અને તે કોઈ ફાર્મમાંથી આવતું નથી. અમે અમારા લોકો પાસેથી ગામડાંમાંથી દૂધ મંગાવીએ છીએ."

"આ દૂધનો મોટા ભાગે દવાઓ અને કૉસ્મેટિક્સ તરીકે લોકો ઉપયોગ કરે છે."

સલીમ કહે છે કે 7,000 રૂપિયા પ્રતિ લિટર તેનો ભાવ ત્યારે થાય જ્યારે કોઈને આ દૂધ ખૂબ દૂર સુધી મોકલવાનું હોય કારણ કે તે જલદી ખરાબ થઈ જાય છે. પરંતુ જો મુંબઈમાં જ હાથો હાથ લેવાનું હોય તો 5,000 રૂપિયા પ્રતિ લિટરમાં મળી જાય.

તેઓ કહે છે કે માત્ર સાબુ અને કૉસ્મેટિક્સનાં ઉત્પાદનોથી અલગ આ પેટના બૅક્ટરિયલ ઇન્ફેક્શનમાં પણ ખૂબ જ કામ આવે છે.

line

ગધેડીના દૂધની પ્રૉડક્ટનું સ્ટાર્ટઅપ

પૂજા કૌલ

ઇમેજ સ્રોત, POOJA KAUL

ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં એમએ કર્યા બાદ દિલ્હીની પૂજા કૌલે નક્કી કર્યું કે તેઓ ગધેડાં દ્વારા મજૂરી કરનારા લોકો માટે કંઈક સારું કરવા માગે છે.

જે બાદ તેમણે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એવા મજૂરો અને ખેડૂતોને ભેગા કર્યા જેમની પાસે ગધેડાં હતાં.

તેમણે ગધેડીનું દૂધ લોકો સુધી પહોંચાડવા માટે એક મૉડલ તૈયાર કર્યું પરંતુ એ સમયે તે નિષ્ફળ ગયું.

જોકે, પૂજાએ હાર ના માની અને પોતાના સાથીઓ સાથે 'ઑર્ગેનિકો' નામે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જે ગધેડીના દૂધમાંથી સ્કિન કેર ઉત્પાદનો બનાવીને વેંચે છે.

પૂજા કહે છે, "દિલ્હીમાં સ્ટાર્ટઅપની શરૂઆત 2018માં થઈ હતી. અમે ગાઝિયાબાદ અને તેની આસપાસના એવા મજૂરોને ભેગા કર્યા જેઓ ગધેડાં રાખતાં હતાં."

"તેઓ તેના દ્વારા દિવસના 300 રૂપિયા જેટલું કમાતા હતા પરંતુ અમે તેમને દૂધ વેંચવા માટે રાજી કર્યા. શરૂઆતમાં તેમના ઘરની મહિલાઓએ તેનો વિરોધ કર્યો."

"તેમને લાગતું હતું કે અમે કોઈ જાદુ-ટોણા માટે આ લઈ રહ્યા છીએ અને તેમની ગધેડી મરી જશે પરંતુ આખરે તેઓ દૂધ આપવા લાગ્યા."

પૂજા કહે છે કે તેઓ 2,000થી 3,000 રૂપિયે પ્રતિ લિટરના ભાવે દૂધ ખરીદે છે. હાલ તો 7,000 રૂપિયા પ્રતિ લિટર દૂધ ક્યાંય વેંચાઈ રહ્યું નથી કારણ કે આનું દૂધ કોઈ ફાર્મ દ્વારા વેંચાતું નથી.

ગધેડીના દૂધનાં સાબુ, ક્રીમ વગેરે તમને ઍમેઝોન અને ફ્લિપકાર્ટ પર મળી જશે પરંતુ તેનો ભાવ સાંભળીને કદાચ તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.

પૂજા જણાવે છે કે તેમના 100 ગ્રામ સાબુનો ભાવ 500 રૂપિયા જેટલો હોય છે અને ખરીદનારો એક ખાસ વર્ગ છે.

line

ભારતમાં ગધેડાંની સ્થિતિ

ગધેડીના દૂધનો ભાવ જ્યારે હજાર રૂપિયે લિટરથી વધારે છે ત્યારે ગધેડાની સંખ્યા ઘટીને એક લાખ સુધી આવી ગઈ છે.

ગધેડાંની સંખ્યામાં 2012ની સરખામણીએ 61 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 2012માં પશુઓની ગણતરીમાં જ્યાં ગધેડાની સંખ્યા 3.2 લાખ હતી ત્યાં 2019ની ગણતરીમાં તે 1.2 લાખ થઈ ગઈ છે.

ગધેડાંની ઓછી થતી સંખ્યા સાથે સાથે દૂધની માંગ વધી તો તેની કિંમત ખૂબ ઉપર જશે પરંતુ હાલ તો બીબીસીના ફૅક્ટ-ચેકમાં જાણવા મળ્યું છે કે ગધેડીના દૂધનો ભાવ હાલ 7,000 સુધી નથી પહોંચ્યો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો