'ઓપનહાઇમર'ને મળ્યા સાત ઑસ્કર ઍવૉર્ડ, ભગવદ્ગીતાને વાંચનાર 'અણુબૉમ્બના જનક'ની કહાણી

કિલિયન મર્ફી

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, બેન પ્લાટ્સ-મિલ્સ
    • પદ, બીબીસી ફ્યુચર

96મા એકૅડેમી ઍવોર્ડ્ઝમાં ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઓપનહાઈમરે સાત ઑસ્કર જીત્યા છે. તેને શ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ પણ મળ્યો છે.

આ સિવાય ઓપનહાઇમરને શ્રેષ્ઠ ડાયરેક્ટર, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેતા, શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી, શ્રેષ્ઠ એડિટિંગ, અને શ્રેષ્ઠ ઓરિજનલ સ્કોરનો એવોર્ડ મળ્યો છે.

ઓપનહાઇમરની ભૂમિકા ભજવનાર સિલિયન મર્ફીને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો છે. તેમજ આ ફિલ્મના અભિનેયા રૉબર્ટ ડાઉની જુનિયરને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ઍવૉર્ડ મળ્યો છે.

પણ ઓપનહાઈમર ફિલ્મની કહાણી જેમના પર આધારિત છે એ વ્યક્તિ કોણ હતા? તેઓ કેમ એક રહસ્યમય માણસ તરીકે ઓળખાતા હતા?

ઓપનહાઇમર અને ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણાં બધાં તમને વિજ્ઞાનના 'જિનિયસ' માનતા હતા, ઓપનહાઇમર કલા અને માણસાઈના પણ બહુ મોટા ફેન હતા

તે 1945ની 16 જુલાઈની વહેલી સવાર હતી અને રૉબર્ટ ઓપનહાઇમર એક કન્ટ્રોલ બંકરમાં વિશ્વને બદલી નાખનારી ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. ટ્રિનિટી કોડનેમ ધરાવતા વિશ્વના પ્રથમ અણુબૉમ્બનું પરીક્ષણ ન્યૂ મેક્સિકોના જોર્નાડા ડેલ મુર્ટો રણની નિસ્તેજ રેતી પર થવાનું હતું.

ઓપનહાઇમર ચિંતિત અને થાકેલા હતા. તેઓ પાતળા હતા, પરંતુ જે મેનહટન ઍન્જિનિયરિંગ ડિસ્ટ્રિક્ટની વિજ્ઞાન શાખા પ્રોજેક્ટ વાયના ડિરેક્ટર તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યા પછી તેમનું વજન ઘટીને માત્ર 120 પાઉન્ડ થઈ ગયું હતું. આટલા વજનવાળી 1.78 મીટરની ઊંચાઈ ધરાવતી વ્યક્તિ અત્યંત પાતળી ગણાય. તેઓ રાતે માત્ર ચાર કલાક ઊંઘી શકતા હતા. ચિંતા અને ધૂમ્રપાનને કારણે આવતી ઉધરસને લીધે તેઓ બાકીનો સમય જાગતા રહતા હતા.

ઇતિહાસકારો કાઈ બર્ડ અને માર્ટિન જે. શિરવિને ઓપનહાઇમરનું જીવનચરિત્ર લખ્યું છે. 2005માં પ્રકાશિત તે પુસ્તક અમેરિકન પ્રોમિથિયસમાં તેમણે 1945ના એ દિવસને ઓપનહાઇમરના જીવનની કેટલીક મહત્ત્વની ક્ષણો પૈકીનો એક ગણાવ્યો છે. અમેરિકન પ્રોમિથિયસ પુસ્તકના આધારે બનાવવામાં આવેલી નવી બાયોપિક અમેરિકામાં 21 સપ્ટેમ્બરે રજૂ થવાની છે.

બર્ડ અને શેરવિન તેમના પુસ્તકમાં નોંધે છે કે કાઉન્ટડાઉનની અંતિમ મિનિટોમાં સૈન્યના જનરલે ઓપનહાઇમરની મનોસ્થિતિને ઝીણવટભરી રીત નીરખી હતી. સૈન્યના જનરલે કહ્યું હતું, "છેલ્લી થોડી મિનિટોમાં ડૉ. ઓપનહાઇમરની મનોદશા અત્યંત તંગ બની ગઈ હતી. તેઓ માંડ-માંડ શ્વાસ લઈ શકતા હતા."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિસ્ફોટ થયો ત્યારે સૂર્ય ઢંકાઈ ગયો હતો. 21 કિલો ટન ટીએનટી સમકક્ષ બળ સાથેનો તે વિસ્ફોટ અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ હતો. તેના કારણે સર્જાયેલો આંચકો 100 માઈલ દૂર સુધી અનુભવાયો હતો.

વિસ્ફોટની ગર્જના સમગ્ર પ્રદેશમાં ફરી વળી અને વાદળા આકાશમાં ઉછળ્યાં ત્યારે ઓપનહાઇમરનો તણાવ જબરી રાહતમાં પરિવર્તિત થઈ ગયો હતો.

થોડી મિનિટો પછી ઓપનહાઇમરના દોસ્ત અને સાથી ઇસિડોર રાબીએ તેમને દૂરથી નિહાળ્યા હતા.

તેમણે કહ્યું હતું, "તેમણે જે રીતે ડગલાં ભર્યાં, તેઓ જે રીતે કારમાંથી બહાર નીકળ્યા તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. તેમની ચાલ સર્વોચ્ચ સ્તરે પહોંચેલી કોઈ વ્યક્તિ જેવી હતી. તેમનો દમામ ગજબ હતો."

1960ના દાયકામાં આપેલી મુલાકાતોમાં ઓપનહાઇમરે તેમની પ્રતિક્રિયામાં ગુરુત્વાકર્ષણનું પરિબળ ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટ પછીની ક્ષણો તેમના મનમાં શ્રીમદ ભગવદ ગીતાની એક પંક્તિ આવી હતીઃ "હવે હું મૃત્યુ બની ગયો છું. વિશ્વનો વિનાશક."

એ પછીના દિવસોમાં ઓપનહાઇમર વધારેને વધારે હતાશ દેખાતા હતા, એમ જણાવતાં તેમના મિત્રો પૈકીના એકે કહ્યું હતું, "રૉબર્ટ બે સપ્તાહના સમયગાળામાં અત્યંત શાંત રહ્યા હતા અને મસ્તીમજાક કરતા હતા, કારણ કે શું થવાનું છે એ તેઓ જાણતા હતા."

એક સવારે જાપાનીઓ પર તોળાઈ રહેલા જોખમ બાબતે વિલાપ કરતા તેમણે કહ્યું હતું, "એ ગરીબ લોકો, બિચારા ગરીબ લોકો." જોકે, થોડા દિવસ પછી તેઓ ફરી એક વખત નર્વસ બની ગયા હતા.

તેમના લશ્કરી સમકક્ષો સાથેની મીટિંગમાં તેઓ એ "ગરીબોને" સંપૂર્ણપણે વિસરી ગયા હોય એવું લાગતું હતું.

બર્ડ અને શેરવિનના જણાવ્યા મુજબ, તેમને બૉમ્બ ડ્રૉપ કરવાની યોગ્ય પરિસ્થિતિની સૌથી વધુ ચિંતા હતી.

તેમણે કહ્યં હતું, "વરસાદ કે ધૂમ્મસમાં બૉમ્બ ફેંકવો ન જોઈએ. તેને બહુ ઊંચે પણ નહીં લઈ જવાનો. જે ઊંચાઈ નક્કી કરવામાં આવી છે તે બરાબર છે. તેનાથી ઉપર જશે તો ધાર્યું નુકસાન કરી શકાશે નહીં."

ટ્રિનિટીના એક મહિનાથી પણ ઓછા સમય બાદ ઓપનહાઇમરે તેમના સાથીદારોની ભીડ સમક્ષ હિરોશિમા પર સફળ બૉમ્બિંગની જાહેરાત કરી હતી. એ ઘટનાના એક સાક્ષીએ નોંધ્યું હતું, "ઓપનહાઇમરે વિજેતા બૉક્સરની જેમ પોતાનો હાથ લહેરાવ્યો હતો. તાળીઓનો ગડગડાટ થયો હતો."

બીબીસી ગુજરાતી

‘રહસ્યમય’ માણસ

ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ધ ગૅજેટ, વર્ષ 1945માં ટ્રિનિટી પ્રયોગ માટે છત ઉપર રાખવમાં આવેલ પરમાણુ યંત્ર

ઓપનહાઇમર મૅનહટન પ્રોજેક્ટનું ભાવનાત્મક અને બૌદ્ધિક કેન્દ્ર હતા. અણુબૉમ્બને સાકાર કરવામાં તેમણે સૌથી વધુ મહેનત કરી હતી.

યુદ્ધ પછી તેમની સાથે કામ કરી ચૂકેલા જેરેમી બર્નસ્ટીનને ખાતરી હતી કે એ કામ બીજું કોઈ કરી જ ન શક્યું હોત.

તેમણે 2004માં પ્રકાશિત જીવનચરિત્ર ‘પોટ્રેટ ઑફ ઍન ઍનિગ્મા’માં લખ્યું છે, "ઓપનહાઇમર લૉસ એલોમૉસના ડિરેક્ટર ન હોત તો બીજા વિશ્વયુદ્ધનો અંત પરમાણુ શસ્ત્રોના ઉપયોગ વિના આવ્યો હતો, તેની મને ખાતરી છે."

પોતાનાં કાર્યો પૂર્ણ થતાં જોઈને ઓપનહાઇમરે વિવિધ પ્રતિક્રિયાનો અનુભવ કર્યો હતો. તેઓ ઝડપભેર એક પછી એક કામ કરતા રહ્યા હતા. આ વાત આશ્ચર્યજનક લાગે છે. ચિંતા, મહત્ત્વકાંક્ષા, ભવ્યતા અને રોગિષ્ઠ ખિન્નતાનું સંમિશ્રણ એક વ્યક્તિમાં હોય તે મુશ્કેલ છે. ખાસ કરીને વ્યાપક અસર ધરાવતા પ્રોજેક્ટમાં ચાવીરૂપ હોય તેવી વ્યક્તિમાં.

બર્ડ અને શેરવિન પણ ઓપનહાઇમરને રહસ્યમય વ્યક્તિ કહે છે. તેમણે ઓપનહાઇમરને "મહાન નેતાના પ્રભાવશાળી દર્શાવ્યા હતા તેવા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી" ગણાવ્યા છે.

તેઓ વિજ્ઞાની હતા, પરંતુ એક અન્ય મિત્રએ જણાવ્યું છે તેમ તેઓ અવ્વલ દરજ્જાના ચાલાક માણસ પણ હતા.

બર્ડ અને શેરવિનના જણાવ્યા મુજબ, ઓપનહાઇમરના વ્યક્તિત્વમાં શરૂઆતનાં વર્ષોથી જ વિરોધાભાસી ગુણ હતા. ઓપનહાઇમરનું વ્યક્તિત્વ ખરેખર કેવું હતું એ તેમના દોસ્તો તથા જીવનચરિત્રકારો સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી.

1904માં ન્યૂ યૉર્ક શહેરમાં જન્મેલા ઓપનહાઇમર પ્રથમ પેઢીના જર્મન-જ્યુઈશ વસાહતીના પુત્ર હતા. તેઓ કાપડનો વેપાર કરીને શ્રીમંત બન્યા હતા.

તેમનું પારિવારિક ઘર અપર વેસ્ટ સાઈડ પરનો એક વિશાળ એપોર્ટમેન્ટ હતો, જેમાં ત્રણ નોકરાણી તથા એક ડ્રાઇવર અને ઘરની દીવાલો પર યુરોપિયન આર્ટવર્ક હતાં.

શ્રીમંત પરિવારમાં ઉછેર થયો હોવા છતાં બાળપણના મિત્રો ઓપનહાઇમરને એક ઉદાર વ્યક્તિ તરીકે યાદ કરે છે. તેઓ વધુ પડતા લાડકોડમાં ઉછરેલી વ્યક્તિની માફક તોછડું વર્તન ક્યારેય કરતા ન હતા.

તેમના શાળા સમયના એક દોસ્ત જેન ડિડિશેઇમ તેમને અત્યંત શરમાળ, સાધારણ વ્યક્તિ ગણાવે છે.

"તેઓ બહુ નાજુક, ગુલાબી ગાલવાળા, શરમાળ અને બહુ તેજસ્વી હતા," એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે "તેઓ બધાથી અલગ અને શ્રેષ્ઠ હતા તે બધાએ ઝડપથી સ્વીકારી લીધું હતું."

નવ વર્ષની વયે તેઓ ગ્રીક અને લેટિન ફિલસૂફીનાં પુસ્તકો વાંચતા હતા.

તેમને ખનીજશાસ્ત્રમાં ઊંડો રસ હતો. તેઓ સેન્ટ્રલ પાર્કમાં ચક્કર લગાવતા હતા અને પોતાને જે કંઈ મળ્યું હોય એ બાબતે મિનરોલૉજિકલ ક્લબને પત્ર લખીને જણાવતા હતા.

તેમના પત્રો એટલા પ્રભાવશાળી હતા કે મિનરોલૉજિકલ ક્લબે તેમને પુખ્ત વયની વ્યક્તિ સમજી લીધા હતા અને પ્રેઝન્ટેશન રજૂ કરવા આમંત્રણ આપ્યું હતું.

બર્ડ અને શેરવિનના મતે, બૌદ્ધિક પ્રકૃતિને કારણે યુવાન ઓપનહાઇમર લગભગ એકલા પડી ગયા હતા.

એક મિત્રએ કહ્યું હતું, "પોતે શું કરી રહ્યા છે અથવા શું વિચારી રહ્યા છે એ બાબતે ઓપનહાઇમર ચિંતિત રહેતા હતા."

તેમને રમતગમતમાં કે તેમની વયના લોકો જે જોખમી રમતો રમતા હોય છે તેમાં રસ ન હતો. તેમના પિતરાઇ ભાઈએ કહ્યું હતું, "પોતે અન્યો જેવા ન હોવા બદલ તેમની મજાક કરવામાં આવતી હતી." જોકે, તેમનાં માતા-પિતાને પુત્રની પ્રતિભા બાબતે ખાતરી હતી.

ઓપનહાઇમરે વર્ષો પછી કહ્યું હતું, "મારામાં અહંકાર વિકસાવીને મેં મારાં માતા-પિતાને તેમણે મારામાં મૂકેલા વિશ્વાસ સાટું આપ્યું હતું. તેને લીધે મારા સંપર્કમાં ન આવી શકેલાં બાળકો તથા પુખ્ત વયના લોકો નારાજ થયા હશે તેની મને ખાતરી છે."

એક વખત તેમણે તેમના એક દોસ્તને કહ્યું હતું, "પુસ્તકોનાં પાના ફેરવવાં અને એમ કહેવું કે હા, મને બધી ખબર છે, એમાં કોઈ મજા નથી."

હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઘર છોડ્યું ત્યારે ઓપનહાઇમરની માનસિક નાજુકતા છતી થઈ હતી. તેમનો ઘમંડ અને સંવેદનશીલતા જરાય ઉપયોગી બન્યા ન હતા.

એલિસ કિમ્બલ સ્મિથ અને ચાર્લ્સ વેઇનર સંપાદિત 1980ના એક સંગ્રહમાં પ્રકાશિત 1923ના પત્રમાં તેમણે લખ્યું હતું, "હું કામ કરું છું અને અસંખ્ય થીસીસ, નોંધો, કવિતાઓ, વાર્તાઓ અને બકવાસ લખું છું. હું ત્રણ જુદી-જુદી પ્રયોગશાળાઓમાં અપ્રિય ગંધ ઉત્પન્ન કરું છું."

"ચા પીરસું છું અને થોડા ખોવાયેલા આત્માઓ સાથે પંડિતો જેવી વાતો કરું છું. સપ્તાહના અંતે હું હાસ્ય અને થાકમાં નિમ્ન સ્તરની ઊર્જા ફેલાવવા જાઉં છું. હું ગ્રીક વાંચું છું. હું ભૂલો કરું છું. હું પત્રો માટે મારી ડેસ્ક ફંફોસું છું. હું ઇચ્છું છું કે હું મરી જાઉં."

સ્મિથ અને વેઇનર દ્વારા બાદમાં એકત્રિત કરાયેલા પત્રો દર્શાવે છે કે કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડમાં અભ્યાસ દરમિયાન સમસ્યાઓ યથાવત રહી હતી. તેમના શિક્ષકે તેમને પ્રયોગશાળામાં કામ કરવાનો આગ્રહ કર્યો હતો અને તે ઓપનહાઇમરની એક નબળાઈ હતી.

તેમણે 1925માં લખ્યું હતું, "મારો બહુ ખરાબ સમય ચાલી રહ્યો છે. લેબોરેટરીનું કામ બહુ કંટાળાજનક છે. તે એટલું ખરાબ છે કે હું કશુંક શીખતો હોઉં એવું લાગતું જ નથી."

એક વર્ષ પછી ઓપનહાઇમરનો કંટાળો એટલો તીવ્ર બની ગયો હતો કે તેમણે ઝેરી રસાયણોયુક્ત એક સફરજન જાણીજોઈને તેમના શિક્ષકની ડેસ્ક પર મૂકી દીધું હતું.

બાદમાં તેમના દોસ્તોએ એવું અનુમાન કર્યું હતું કે એ કામ કદાચ ઇર્ષ્યા અને અયોગ્યતાની લાગણીથી પ્રેરિત હશે.

શિક્ષકે તે સફરજન ખાધું ન હતું, પરંતુ કેમ્બ્રિજમાં ઓપનહાઇમરના અભ્યાસ પર જોખમ સર્જાયું હતું.

ઓપનહાઇમર મનોચિકિત્સક પાસે સારવાર કરાવશે એ શરતે તેમને અભ્યાસ ચાલુ રાખવાની પરવાનગી અપાઇ હતી.

ઓપનહાઇમર સાયકોસિસથી પીડાતા હોવાનું નિદાન મનોચિકિત્સકે કર્યું હતું, પરંતુ બાદમાં એવું કહ્યું હતું કે તેમને સારવારથી કોઈ ફાયદો થશે નહીં.

તે સમયગાળાને યાદ કરતાં ઓપનહાઇમરે જણાવ્યું હતું કે તેમણે નાતાલની રજાઓ દરમિયાન આત્મહત્યા કરવાનું ગંભીર રીતે વિચાર્યું હતું.

એ પછીના વર્ષે ઓપનહાઇમર પેરિસની મુલાકાતે ગયા ત્યારે તેમના નજીકના મિત્ર ફ્રાન્સિસ ફર્ગ્યુસને ઓપનહાઇમરને જણાવ્યું હતું કે તેમણે તેમની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું છે. એ વખતે ઓપનહાઇમરે પટ્ટા વડે દોસ્તનું ગળું ઘોંટવાનો પ્રયાસ કર્યો હતો.

ફર્ગ્યુસને કહ્યું હતું, "ઓપનહાઇમરે ઝાડની ડાળી સાથે પાછળથી કૂદકો માર્યો હતો અને એ ડાળી મારા ગળે વીંટી દીધી હતી."

"હું ભાગી છૂટવામાં સફળ થયો હતો અને ઓપનહાઇમર રડતા રડતા જમીન પર પડ્યા હતા."

બીબીસી ગુજરાતી

ભૌતિકશાસ્ત્રમાં પ્રવેશ

ઓપનહાઇમર અને ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મમાં ઓપનહાઇમરનું પાત્ર ભજવનાર ઍક્ટર કિલિયન મર્ફિ

એવું લાગે છે કે ઓપનહાઇમર માટે મનોચિકિત્સા નિષ્ફળ સાબિત થઈ હતી, જ્યારે સાહિત્યએ તેમને બચાવી લીધા હતા.

બર્ડ અને શેરવિનના જણાવ્યા મુજબ, "કોર્સિકામાં રજાઓ ગાળતી વખતે તેમણે માર્સેલ પ્રોસ્ટનું ‘ઇન સર્ચ ઑફ લૉસ્ટ ટાઇમ’ પુસ્તક વાંચ્યું હતું. તેમાં તેમને પોતાની મનઃસ્થિતિનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુ એક બુદ્ધિગમ્ય કારણ સાંપડ્યું હતું. તેમણે એ પુસ્તકમાંનો "દુઃખનાં કારણો પ્રત્યે ઉદાસીનતા" અને "ક્રૂરતાનું ભયંકર તથા કાયમી સ્વરૂપ" વિશેનું પ્રકરણ મોઢે કરી લીધું હતું."

"વેદના પ્રત્યેનાં વલણનો મુદ્દો કાયમ મહત્ત્વપૂર્ણ બની રહ્યો. આધ્યાત્મિક અને દાર્શનિક ગ્રંથોમાંની ઓપનહાઇમરની રુચિને તે માર્ગદર્શિત કરતો રહ્યો તેમજ તેમની પ્રતિષ્ઠાને વ્યાખ્યાયિત કરતા કાર્યમાં તેણે નિર્ણાયક ભૂમિકા ભજવી."

તે જ વેકેશન દરમિયાન ઓપનહાઇમરે તેમના દોસ્તોને કરેલી આ વાત વધારે પ્રામાણિક લાગે છે. તેમણે કહ્યું હતું, “ઘણા કામ ઉત્તમ રીતે કરે, છતાં ચહેરા પરના આંસુના ડાઘને છૂપાવી રાખે તેવી વ્યક્તિનો હું સૌથી વધુ આદર કરું છું.”

તેઓ વધુ હળવાશ સાથે ઈંગ્લેન્ડ પાછા ફર્યા હતા. તેઓ બહુ દયાળુ અને વધારે સહિષ્ણુ બની ગયા હતા. 1926ની શરૂઆતમાં તેમની મુલાકાત જર્મનીની યુનિવર્સિટી ઓફ ગોર્ટીગેનની થીઓરોટિકલ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સાથે થઈ હતી. તેઓ ઓપનહાઇમરને પ્રતિભાને તરત જ પારખી ગયા હતા અને તેમણે તેમને જર્મનીમાં અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.

સ્મિથ અને વેઇનરના જણાવ્યા મુજબ, બાદમાં તેમણે 1926ના વર્ષને તેમના ‘ભૌતિકશાસ્ત્રમાં પ્રવેશ’ તરીકે વર્ણવ્યું હતું. તે નિર્ણાયક સાબિત થયું હતું. તેમણે પીએચડીની ડિગ્રી મેળવી હતી અને પછીના વર્ષો પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ પણ મેળવી હતી. તેઓ થિઓરોટિકલ ફીઝિક્સના વિકાસમાં યોગદાન આપનારા સમુદાયનો હિસ્સો બન્યા હતા અને એવા વિજ્ઞાનીઓને મળ્યા હતા, જેઓ તેમના આજીવન દોસ્ત બની ગયા હતા. એ પૈકીના ઘણા લોકો આખરે લોસ એલોમોસ ખાતે ઓપનહાઇમર સાથે જોડાયા હતા.

અમેરિકા પાછા ફર્યા પછી ઓપનહાઇમરે કેલિફોર્નિયામાંથી ફીઝિક્સની ડિગ્રી મેળવવા જતા પહેલાં થોડા મહિના હાર્વર્ડમાં ગાળ્યા હતા. એ સમયગાળામાં તેમણે લખેલા પત્રોમાં તેમની સ્પષ્ટ અને ઉદાર માનસિકતા જોવા મળે છે. કળા અને પ્રેમમાંના પોતાના રસ વિશે તેમણે તેમની નાની બહેનને સતત લખતા હતા.

બર્કલે ખાતેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં તેમણે કોસ્મિક કિરણો અને પરમાણુ ક્ષય વિશેના પ્રયોગો કર્યા હતા તેમજ અન્ય વિજ્ઞાનીઓ સાથે મળીને તેનું અર્થઘટન કર્યું હતું.

બાદમાં પોતાના વ્યક્તિત્વને પામવાનું વર્ણન કરતાં તેમણે જણાવ્યુ હતું, “એકમાત્ર વ્યક્તિ જે સમજી ગઈ છે કે આ બધું શું છે.” આ રીતે તેમને ગમતી થિયરી વિશે વાતચીત કરવાની જરૂરિયાતને લીધે એક ખાસ વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું, “તેનું નિર્માણ હું જે શીખ્યો છું તે અધ્યાપકો, કર્મચારીઓ તથા સહકાર્યકરોને અને મને સાંભળવા તૈયાર હોય તે તમામ માટે કરવામાં આવ્યું હતું.”

બીબીસી ગુજરાતી

ઉપચાર તરીકે વાંચન

ઓપનહાઇમર અને ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓપનહાઇમર ખૂબ વાંચતા, જેમાં કવિતાથી લઈને પૂર્વિય માનસિકતાનો સમાવેશ થતો

ઓપનહાઇમરે શરૂઆતમાં પોતાને મુશ્કેલ શિક્ષક તરીકે વર્ણવ્યા હતા, પરંતુ આ ભૂમિકાના માધ્યમથી તેમણે એ કરિશ્મા તથા સામાજિક ઉપસ્થિતિ ઝળકાવી હતી, જે પ્રોજેક્ટ વાયમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમની વિશેષતા હતી.

વિદ્યાર્થીઓ પોતાની સર્વોચ્ચ ક્ષમતાથી ઓપનહાઇમરનું કેવી રીતે અનુકરણ કરતા, તેમના હાવભાવ, તેમની રીતભાત, તેમના અવાજની કેવી રીતે નકલ કરતા હતા તે પ્રસંગોની વાત સ્મિથ અને વેઈનરે તેમના પુસ્તકમાં કરી છે.

એ વિદ્યાર્થીઓ જીવન પર વાસ્તવમાં ઓપનહાઇમરનો ગાઢ પ્રભાવ પડ્યો હતો.

1930ની શરૂઆતમાં પોતાની શૈક્ષણિક કારકિર્દીને મજબૂત કરતાં ઓપનહાઇમરે મનુષ્ય જાતિ સંબંધી વિજ્ઞાનમાં પોતાનો રસ જાળવી રાખ્યો હતો.

એ સમયગાળામાં તેમને હિંદુ ધર્મગ્રંથોનો પરિચય થયો હતો. ભગવદ ગીતા વાંચવા માટે તેઓ સંસ્કૃત શીખ્યા હતા.

બાદમાં એ જ ભગવદ્ગીતાનું પ્રખ્યાત અવતરણ "હવે હું મૃત્યુ પામ્યો છું" ટાંક્યું હતું.

દેખીતી રીતે તેમની રુચિ માત્ર બૌદ્ધિક ન હતી. તે પ્રાઉસ્ટ સાથે 20 વર્ષની વયે શરૂ થયેલી સ્વ-નિર્ધારિત ગ્રંથ ચિકિત્સાનો હિસ્સો હતી.

એક કુલીન પરિવારના બે પક્ષ વચ્ચેના યુદ્ધ પર આધારિત ભગવદ્ગીતાએ ઓપનહાઇમરને દાર્શનિક આધાર આપ્યો હતો, જે પ્રોજેક્ટ વાયમાં તેમણે જે નૈતિક સંદિગ્ધતાનો સામનો કરવો પડ્યો હતો તેને સીધો લાગુ પડતો હતો.

તેમણે ભાગ્ય અને પરિણામની ચિંતા કર્યા વગર કર્મ કરતા રહેવા પર ભાર મૂક્યો હતો.

નિષ્ક્રિયતા માટે પરિણામના ડરને જવાબદાર ઠેરવી શકાય નહીં. 1932માં પોતાના ભાઈને લખેલા એક પત્રમાં ઓપનહાઇમરે ભગવદ્ગીતાનો ચોક્કસ સંદર્ભ આપ્યો હતો અને યુદ્ધનો ઉલ્લેખ એવા સંજોગો તરીકે કર્યો હતો, જે આવી ફિલસૂફીના અમલની તક પૂરી પાડે છે.

તેમણે લખ્યું હતું, "હું માનું છું કે શિસ્ત દ્વારા આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ. વધુને વધુ પ્રતિકૂળ સંજોગોમાં આપણી ખુશી માટે જે જરૂરી છે તે શિસ્ત વડે સાચવી શકીએ."

"તેથી મને લાગે છે કે અધ્યયન અને માનવજાત તથા સમુદાય પ્રત્યેની આપણી ફરજ, યુદ્ધ વગેરે જેવી શિસ્તને આકાર આપતી તમામ બાબતો આપણે કૃતજ્ઞતા સાથે સ્વીકારવી જોઈએ, કારણ કે તેના વડે જ આપણે ઓછા નિર્મોહી બની શકીએ અને શાંતિને જાણી શકીએ."

1930ના દાયકાની મધ્યમાં ઓપનહાઇમરની મુલાકાત જીન ટેટલોક સાથે થઈ હતી. જીન ટેટલોક એક મનોચિકિત્સક અને ડૉક્ટર હતા. તેઓ જીનના પ્રેમમાં પડી ગયા હતા.

બર્ડ અને શેરવિનના જણાવ્યા મુજબ, જીન ટેટલોક અને ઓપનહાઇમરની પ્રાકૃતિક જટિલતા લગભગ સમાન હતી. જીન સામાજિક વિવેકથી સભર વિદુષી હતાં.

જીન ટેટલોકના બાળપણના એક મિત્રએ તેમને મહાનતાનો સ્પર્શ પામેલી વ્યક્તિ ગણાવ્યાં હતાં.

ઓપનહાઇમરે ટેટલોકને એકથી વધુ વખત પ્રપોઝ કર્યું હતું, પરંતુ જીને તેનો અસ્વીકાર કર્યો હતો.

ઓપનહાઇમરનો આમૂલ પરિવર્તનવાદી રાજકારણ અને જહોન ડેનીની કવિતા સાથે પરિચય જીન ટેટલોકે કરાવ્યો હતો.

ઓપનહાઇમરે બાયોલૉજિસ્ટ કેથરિન કિટ્ટી હેરિસન સાથે 1940માં લગ્ન કર્યાં હતાં.

એ પછી પણ જીન ટેટલોક અને ઓપનહાઇમર એકમેકને મળતાં હતાં. કિટ્ટી હેરિસન પ્રોજેક્ટ વાયમાં જોડાયાં હતાં.

તેઓ ત્યાં ફ્લેબોટોમિસ્ટ તરીકે કિરણોત્સર્ગના જોખમ વિશે સંશોધનનું કામ કરતા હતા.

બીબીસી ગુજરાતી

બૉમ્બનું નિર્માણ

ઓપનહાઇમર અને ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

1939માં પરમાણુ જોખમ વિશે રાજકારણીઓ કરતાં વધુ ચિંતિત ભૌતિકશાસ્ત્રીઓ હતા.

આલ્બર્ટ આઇનસ્ટાઇનના એક પત્રને લીધે અમેરિકન સરકારના ટોચના નેતાઓનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું.

પ્રતિક્રિયા ધીમી હતી, પરંતુ વૈજ્ઞાનિક સમુદાયમાં એ બાબતે ચેતવણીની ઘંટડી સતત વાગતી રહી હતી. આખરે અમેરિકાના પ્રમુખ એ દિશામાં પગલાં લેવા તૈયાર થયા હતા.

દેશના અગ્રણી ભૌતિકશાસ્ત્રીઓ પૈકીના એક ઓપનહાઇમરને પરમાણુ શસ્ત્રોની સંભાવના વધુ ગંભીરતાથી તપાસવા નિયુક્ત કરાયેલી વિજ્ઞાનીઓની ટુકડીના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

ઓપનહાઇમરની ટીમની તપાસને પગલે સપ્ટેમ્બર, 1940માં સ્પષ્ટ થઈ ગયું હતું કે અણુબૉમ્બ બનાવવો શક્ય છે. એ સાથે તેના વિકાસની નક્કર યોજનાઓ શરૂ થઈ હતી.

બર્ડ અને શેરવિનના જણાવ્યા મુજબ, આ યોજનાના વડા તરીકે પોતાના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે એવું સાંભળ્યું ત્યારે ઓપનહાઇમરે તૈયારી શરૂ કરી દીધી હતી.

એ સમયે તેમણે એક દોસ્તને કહ્યું હતું, "હું સામ્યવાદીઓ સાથેના સંબંધને તોડી રહ્યો છું. હું એવું નહીં કરું તો મારો ઉપયોગ કરવાનું સરકાર માટે મુશ્કેલ બનશે. રાષ્ટ્ર માટેની મારી ઉપયોગીતામાં કોઈ વાત નડતરરૂપ બને એવું હું નથી ઇચ્છતો."

બાદમાં આઇનસ્ટાઇને કહ્યું હતું, "ઓપનહાઇમરની સમસ્યા એ છે કે તેઓ જેને પ્રેમ કરે છે તે, અમેરિકન સરકાર તેમને પ્રેમ કરતી નથી."

તેમની દેશભક્તિ અને મહત્ત્વના માણસોને રાજી રાખવાની વૃત્તિએ તેમની નિમણૂંકમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બૉમ્બ પ્રોજેક્ટ માટે વિજ્ઞાની ડિરેક્ટર શોધવાની જવાબદારી મૅનહટન ઍન્જિનિયરિંગ ડિસ્ટ્રિક્ટના લશ્કરી નેતા જનરલ લેસ્લી ગ્રોવ્સને સોંપવામાં આવી હતી.

2002માં પ્રકાશિત જીવનચરિત્ર ‘રેસિંગ ફૉર ધ બૉમ્બ’માં જણાવ્યા મુજબ, ગ્રોવ્સે ઓપનહાઇમરનું નામ ડિરેક્ટર પદ માટે સૂચવ્યું ત્યારે તેનો વિરોધ થયો હતો. ઓપનહાઇમરની અત્યંત ઉદારમતવાદી પૃષ્ઠભૂમિ ચિંતાનો વિષય હતી.

જોકે, ઓપનહાઇમરની પ્રતિભા અને વિજ્ઞાન વિશેના જ્ઞાનને ઇંગિત કરવા ઉપરાંત ગ્રોવ્સે તેમની પ્રચૂર મહત્ત્વકાંક્ષાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેની નોંધ લેતાં મેનહટન પ્રોજેક્ટના સલામતી વડાએ નોંધ્યું હતું, "મને ખાતરી થઈ ગઈ છે કે તેઓ માત્ર વફાદાર જ નથી, પરંતુ તેમના કાર્યમાં સફળતાના તમામ પ્રયાસ કરશે. તેથી તેઓ વૈજ્ઞાનિક ઇતિહાસમાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે."

1988ના પુસ્તક ‘ધ મેકિંગ ઑફ ઍટૉમિક બૉમ્બ’માં ઓપનહાઇમરના મિત્ર ઇસિડોર રાબીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ઓપનહાઇમરને આ પ્રોજેક્ટમાં તેમની નિમણૂંક અત્યંત અસંભવિત લાગતી હતી, પરંતુ બાદમાં તેમણે સ્વીકાર્યું હતું કે જનરલ ગ્રોવ્ઝની પ્રતિભાશાળી રજૂઆતને લીધે તે શક્ય બની હતી.

લૉસ એલોમોસ ખાતે ઓપનહાઇમરે તેમની પરસ્પર વિરોધી માન્યતાઓનો અમલ કર્યો હતો.

1979માં પ્રકાશિત આત્મકથા ‘વૉટ લિટલ આઈ રિમેમ્બર’માં ઑસ્ટ્રેલિયામાં જન્મેલા ભૌતિકશાસ્ત્રી ઑટ્ટો ફ્રિશે જણાવ્યું હતું કે ઓપનહાઇમરે માત્ર વિજ્ઞાનીઓની જ નહીં, પરંતુ ચિત્રકારો, ફિલસૂફ અને અન્ય કેટલાક અજાણ્યા લોકોની ભરતી પણ કરી હતી. તેઓ માનતા હતા કે સંસ્કારી સમુદાય તેમના વિના અધૂરો છે.

બીબીસી ગુજરાતી

પરમાણુ શક્તિ વિશે પુનર્વિચાર

ઓપનહાઇમર અને ઇતિહાસ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, ટ્રિનિટી ટેસ્ટ સાઇટ ઉપર નિરિક્ષણ કરતી વખતે ઓપનહાઇમર

યુદ્ધ પછી ઓપનહાઇમરનું વલણ બદલાયું હોય તેવું લાગતું હતું. તેમણે પરમાણુ શસ્ત્રોને આક્રમકતા, આશ્ચર્ય અને આતંકનાં સાધન ગણાવ્યાં હતાં તેમજ શસ્ત્રઉદ્યોગને શેતાનનું કામ ગણાવ્યો હતો.

ઑક્ટોબર, 1945માં એક મીટિંગમાં તેમણે તત્કાલીન પ્રમુખ હેરી ટ્રુમેનને કહ્યું હતું, "મને લાગે છે કે મારા હાથ લોહીથી રંગાયેલા છે."

હેરી ટ્રુમેને બાદમાં એવું કહ્યું હતું, "મારા હાથ લોહીથી રંગાયેલા છે અને તેની ચિંતા મને કરવા દો, એવું મેં તેમને કહ્યું હતું."

આ સંવાદમાં ઓપનહાઇમરની પ્રિય ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદનો પડઘો સંભળાય છે.

પોતાના સાથીઓનાં મોત માટે પોતે જ જવાબદાર હશે એવું માનતો હોવાને કારણે અર્જુન યુદ્ધ લડવાનો ઇનકાર કરે ત્યારે કૃષ્ણ તેના મન પરનો બોજ હટાવતાં કહે છે, "મારામાં આ માણસોના સક્રિય હત્યારાને નિહાળ. વાસ્તવિક આનંદ માટે ધનુષ્ય ઉઠાવ અને વિજય પ્રાપ્ત કર, કારણ કે એ બધા મારા માટે મૃત્યુ પામેલા છે. તું મારું ઓજાર બન."

બૉમ્બ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ઓપનહાઇમરે તેમના સાથીઓની નૈતિક શંકા દૂર કરવા માટે સમાન દલીલોનો ઉપયોગ કર્યો હતો.

તેમણે તેમને જણાવ્યું હતું કે શસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ માટે આપણે વિજ્ઞાની તરીકે જવાબદાર નથી. આપણે માત્ર આપણું કામ કરીએ છીએ. કોઈના હાથ લોહીથી રંગાશે તો તે રાજકારણીઓના હશે.

જોકે, તથ્યો પર પૂર્ણવિરામ પછી ઓપનહાઇમરનો આ પદ પરનો વિશ્વાસ ડમગમી ગયો હોય તેવું લાગે છે. બર્ડ અને શેરવિને નોંધ્યું છે તેમ, યુદ્ધ પછીના સમયગાળામાં અણુ ઊર્જા પંચમાંના પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે વધુ શક્તિશાળી હાઈડ્રોજન બૉમ્બ સહિતનાં શસ્ત્રો વિકસાવવાનો વિરોધ કર્યો હતો.

આ પ્રયાસોને લીધે અમેરિકન સરકારે 1964માં ઓપનહાઇમર સામે તપાસ કરાવી હતી અને તેમને અપાયેલી સુરક્ષા મંજૂરી પાછી ખેંચી લીધી હતી. એ સાથે નીતિ ઘડતર અને સલાહકાર તરીકેની તેમની ભૂમિકાનો અંત આવ્યો હતો.

શૈક્ષણિક સમુદાય તેમના બચાવમાં મેદાને પડ્યો હતો. 1955માં ન્યૂ રિપબ્લિક માટે લખેલા એક લેખમાં ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલે એવી ટિપ્પણી કરી હતી કે "તેમણે ભૂલો કરી હતી એવું તપાસ દર્શાવે છે. સલામતીના દૃષ્ટિકોણથી એક ભૂલ તો બહુ ગંભીર હતી, પરંતુ રાજદ્રોહ ગણી શકાય તેવો કે તેમની બેવફાઈનો એકેય પુરાવો મળ્યો નથી. વિજ્ઞાનીઓ દુઃખદ મૂંઝવણમાં ફસાયા હતા."

અમેરિકન સરકારે ઓપનહાઇમરના રાજકીય પુનર્વસનના સંકેત તરીકે 1963માં તેમને એનરિકો ફર્મી પુરસ્કાર એનાયત કર્યો હતો.

તેમના મૃત્યુના 55 વર્ષ પછી, અમેરિકન સત્તાવાળાઓએ તેમની માન્યતા છીનવી લેવાના 1954ના નિર્ણયને પલટાવ્યો હતો અને અમેરિકા પ્રત્યેની ઓપનહાઇમરની નિષ્ઠાની પુષ્ટિ કરી હતી.

જીવનના છેલ્લા દાયકા દરમિયાન ઓપનહાઇમર બૉમ્બની તકનીકી સિદ્ધિનું ગૌરવ અને અપરાધભાવના સતત અનુભવતા રહ્યા હતા. તેમણે નારાજગીનો સૂર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે એકથી વધુ વખત કહ્યું હતું કે બોમ્બ અનિવાર્ય હતો. તેમણે જીવનના છેલ્લાં 20 વર્ષ પ્રિન્સટન યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીના ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે આઇનસ્ટાઈન અને અન્ય ભૌતિકશાસ્ત્રીઓ સાથે પણ કામ કર્યું હતું.

બીબીસી ગુજરાતી

‘નકારાત્મક ક્ષમતા’

ઓપનહાઇમર અને ઇતિહાસ

ઇમેજ સ્રોત, Alamy

લૉસ એલામોસની માફક ઓપનહાઇમરે આંતરશાખાકીય કામને પ્રોત્સાહન આપવાના પ્રયાસ પણ કર્યા હતા.

બર્ડ અને શેરવિનના જણાવ્યા મુજબ, તેઓ તેમના ભાષણોમાં ભારપૂર્વક જણાવતા હતા કે વિજ્ઞાને તેમના કામની અસરને વધુ સારી રીતે સમજવા માટે માનવવિદ્યા સમજવી જરૂરી છે. આ માટે તેમણે સંખ્યાબંધ કળાકારો, કવિઓ અને મનોવિજ્ઞાનીઓની ભરતી કરી હતી.

1965માં તેમણે આપેલું એક પ્રવચન 1984માં ‘અનકૉમન સેન્સ’ સંગ્રહમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

તેમાં તેમણે કહ્યું હતું, "મેં અમારા સમયના કેટલાક મહાન માણસો પાસેથી સાંભળ્યું છે કે જ્યારે તેમને કંઈક અદભુત મળી આવ્યું ત્યારે તેમને ખબર હતી કે એ સારું છે, કારણ કે તેઓ ડરતા હતા."

ચિંતાજનક વૈજ્ઞાનિક શોધની વાત કરતા ત્યારે તેઓ કવિ જોમ ડોનની પંક્તિ ટાંકતા હતાઃ "આ બધું ટુકડાઓમાં છે, સુસંગતતા ખતમ થઈ ગઈ છે."

કવિ જોન કિટ્સનું કવિતાઓ પણ ઓપનહાઇમરને પસંદ હતી. પોતે જેમનો આદર કરતા હોય તેવા લોકોની ગુણવત્તા વર્ણવવા માટે તેમણે નેગેટિવ કેપાસિટી શબ્દ બનાવ્યો હતો.

તેનો અર્થ એ હતો કે સત્ય અને કારણની શોધ માટે કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા, રહસ્ય, શંકા તથા ચીડિયાપણા વિનાનો માણસ.

ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલે ઓપનહાઇમરની "વસ્તુઓને સરળ રીતે જોવાની અસમર્થતા, જટિલ તથા નાજુક મનોજગત માટે આશ્ચર્યજનક ન ગણાય તેવી અસમર્થતા"ની વાત લખી ત્યારે કદાચ ઉપરોક્ત બાબતોનો ઉલ્લેખ કરી રહ્યા હશે.

ઓપનહાઇમરના વિરોધાભાસો, તેમની પરિવર્તનશીલતા, કવિતા તથા વિજ્ઞાન વચ્ચેનું સતત વિચલન, સરળ વર્ણને અવગણવાની આદતનું વર્ણન કરતી વખતે આપણે તેમના એ ગુણોને પામી રહ્યા છે, જેણે તેમને બૉમ્બના નિર્માણ માટે સક્ષમ બનાવ્યા હતા.

આ મહાન અને પ્રચંડ ખોજની વચ્ચે ઓપનહાઇમરે તેઓ 20 વર્ષના હતા ત્યારે આગાહી કરી હતી કે તેઓ આંસુના ડાઘવાળા ચહેરાને કાયમ જાળવી રાખશે.

તેમના અણુબૉમ્બ પરિક્ષણનું નામ ટ્રિનિટી જ્હોન ડૉન બેટરની કવિતા ‘માય હાર્ટ, થ્રી-પર્સન્સ ગૉડ’ પરથી આવ્યું હોવાનું માનવામાં આવે છે.

ઓપનહાઇમરને જ્હોન ડૉન બેટરની કવિતાઓનો પરિચય જીન ટેટલોકે કરાવ્યો હતો અને કેટલાક લોકો માને છે કે તેઓ આજીવન તેમને પ્રેમ કરતા રહ્યા હતા. બૉમ્બ પ્રોજેક્ટ પર ઓપનહાઇમરની કલ્પના અને તેમની રોમાન્સ તથા શોકાંતિકાની લાગણીનો પ્રભાવ રહ્યો હતો.

તે કદાચ પ્રોજેક્ટ વાય માટે ઓપનહાઇમરનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે જનરલ ગ્રોવ્સે પારખી લીધેલી તેમની અતિશય મહત્ત્વકાંક્ષા હતી કે પછી અતિશય મહત્ત્વકાંક્ષી વિચારને સ્વીકારવાની તેમની ક્ષમતા હતી.

અણુબૉમ્બ ધારેલું કામ પાર પાડવાની ઓપનહાઇમરની આવડત અને ઇચ્છાની પ્રોડક્ટ હતો.

ઓપનહાઇમર કિશોરવયથી જ ચેઇન સ્મોકર હતા. તેમને ક્ષય રોગ થયો હતો. 1962માં 62 વર્ષની વયે ગળાના કૅન્સરને કારણે તેમનું અવસાન થયું હતું.

મૃત્યુનાં બે વર્ષ પહેલાં સાદગીની એક દુર્લભ ક્ષણમાં તેમણે કવિતા અને વિજ્ઞાન વચ્ચે ભેદનો ફોડ પાડ્યો હતો.

તેમણે લખ્યું હતું, "વિજ્ઞાન એકની એક ભૂલ વારંવાર નહીં કરવાનું શીખવાનો બિઝનેસ છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી