જ્યારે ભારતીય ટીમ ક્રિકેટ ઇતિહાસની પહેલી વન-ડે રમવા મેદાન પર ઊતરી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
13 જુલાઈ 1974, શનિવારનો દિવસ હતો અને ઇંગ્લૅન્ડના લીડ્સ મેદાન પર વરસાદ વરસી રહ્યો હતો. નવાઈ વાત એ હતી કે આ વરસાદની વચ્ચે પણ બે ટીમ વન-ડે ક્રિકેટ ઇતિહાસની શરૂઆતની 12મા નંબરની મૅચ રમી રહી હતી.
પ્રેક્ષકો છત્રી અને છાવણીના સહારે ચાલુ વરસાદે આ મુકાબલાના સાક્ષી બન્યા હતા. કોઈ પણ ટીમે આ મૅચમાં વરસાદના લીધે મૅચ રોકવા માટે ફરિયાદ નહોતી કરી, કારણ કે બન્ને માટે આ રસપ્રદ મૅચ જીતવી ખૂબ જ મહત્ત્વની હતી.
આ ટીમ હતી ઇંગ્લૅન્ડ અને એની સામે ઇંગ્લૅન્ડના પ્રવાસે આવેલી મહેમાન ટીમ ભારતની હતી.
ભારત કપ્તાન અજિત વાડેકરની આગેવાનીમાં ઇતિહાસમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન-ડે ફૉર્મેટ રમવા મેદાન પર ઊતર્યું હતું. જોકે આ મૅચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
અજિત વાડેકરની આગેવાનીમાં હજી બે વર્ષ અગાઉ ભારતે આ જ દેશનો પ્રવાસ કર્યો હતો. 1971માં ભારતે પહેલી વાર ઇંગ્લૅન્ડને ઇંગ્લૅન્ડમાં જ હરાવીને ઇતિહાસ રચ્યો હતો.
એટલે ત્રણ વર્ષ બાદ જ્યારે જૂન 1974માં ભારતની ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે ફરી આવી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ પાસેથી વધુ એક સારા પ્રદર્શનની આશા બંધાઈ હતી. જ્યારે ઇંગ્લૅન્ડ પોતાની હારનો બદલો લેવા માટે ટાંપીને બેઠું હોય તેમ જણાતું હતું.
અને થયું પણ કંઈક એવું જ. વર્ષ 1974માં રમાયેલી ત્રણ ટેસ્ટ મૅચની શ્રેણીની 20થી 24 જૂન વચ્ચે રમાયેલી બીજી મૅચમાં લૉર્ડ્ઝ ખાતે ભારતીય ટીમ માત્ર 42 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી અને આના આકરા પડઘા અને પ્રતિક્રિયા કપ્તાન અજિત વાડેકર અને તેમની ટીમને ભોગવવાના બાકી હતા.
આમ ભારતીય ટીમ મેદાન પર અને મેદાન બહાર નિરાશ-હતાશ થઈ ગઈ હતી. એવામાં આ સિરીઝમાં ભારતને ઇંગ્લૅન્ડની ટીમ સામે ટેસ્ટ શ્રેણી બાદ વન-ડે શ્રેણી પણ રમવાની હતી. અને ભારતના અગિયારે અગિયાર ખેલાડીઓ ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર કોઈ વન-ડે ફૉર્મેટ રમવા મેદાન પર ઊતરવાના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંગ્લૅન્ડની ટીમ વર્ષ 1971માં પહેલી વખત વિશ્વના ક્રિકેટ ઇતિહાસની પ્રથમ વન-ડે મૅચ ઑસ્ટ્રેલિયા સામે રમવા ઊતરી હતી. ત્યાર બાદ સાડા ત્રણ વર્ષે ભારતને પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મૅચ રમવાનો અવસર મળવાનો હતો.
આ દરમિયાન ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા સિવાય અન્ય ત્રણ ટીમે વન-ડે મૅચ રમવાની શરૂઆત કરી દીધી હતી. ભારત છઠ્ઠું રાષ્ટ્ર હતું જે વર્ષ 1974માં ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન પોતાના ક્રિકેટ ઇતિહાસની પહેલી વન-ડે મૅચ રમવાનું હતું.

બ્રિજેશ પટેલની તોફાની બેટિંગ

49 વર્ષ પહેલાં 13 જુલાઈએ ભારત ઇંગ્લૅન્ડ સામે લીડ્સના મેદાનમાં પોતાની પહેલી મૅચ રમવા તૈયાર હતું. આ મૅચ 55-55 ઓવરની રમાવાની હતી.
એ દિવસે ભારતીય કપ્તાન અજિત વાડેકર ટૉસ હારી ગયા હતા. ઇંગ્લૅન્ડની ટીમે ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું, કેમ કે આ ભારતની પહેલી જ વન-ડે હતી. ભારતની કીટ સફેદ રંગની અને બૉલ લાલ રંગનો જ હતો, જે ટેસ્ટ મૅચમાં જ ઉપયોગમાં લેવાતો હતો.
ઇંગ્લૅન્ડમાં આ લાલ બૉલ સ્વિંગ થતો હતો અને ભારતની ટીમનો ટેસ્ટ મૅચમાં થોડા દિવસો પહેલાં જ આ બૉલને લઈને અનુભવ સારો નહોતો રહ્યો.
ભારત તરફથી ઓપનિંગ કરવા સુનીલ ગાવસ્કર અને સુધીર નાઇક લીડ્સના મેદાન પર ઊતર્યા. તેમણે પ્રથમ વિકેટ માટે 44 રનની ભાગીદારી નોંધાવી.
મીડિયમ પેસર જૅકસમૅને ભારતને પહેલો ઝટકો આપ્યો, જ્યારે 18ના સ્કોર પર સુધીર નાઇક આઉટ થઈ ગયા. નાઇકની જગ્યાએ ગાવસ્કરે એક છેડો સંભાળ્યો જ હતો ત્યાં 28 રને આર્નોલ્ડની ઓવરમાં તેઓ ક્લીન બોલ્ડ થઈ ગયા. ગાવસ્કરે 35 બૉલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી 28 રન નોંધાવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત હજી 50 રન નોંધાવી બે ઝટકા સહન કરી જ રહ્યું હતું ત્યાં ઇંગ્લૅન્ડના બૉલર વુલ્મરની ઓવરમાં ગુંડપ્પા વિશ્વનાથ પણ સસ્તામાં આઉટ થઈ ગયા. તેમણે માત્ર ચાર બૉલનો સામનો કર્યો અને એક ચોગ્ગો ફટકારી શક્યા. હવે ભારતનો સ્કોર હતો ત્રણ વિકેટે 60 રન.
ત્યારબાદ કપ્તાન અજિત વાડેકર અને ફારુક એન્જિનિયરે 70 રનની ભાગીદારી નોંધાવી અને સાથે કપ્તાન અજિત વાડેકરે ભારતના વન-ડે ક્રિકેટ ઇતિહાસની પ્રથમ અડધી સદી પણ નોંધાવી.
પરંતુ ક્રિસ ઑલ્ડની ઓવરમાં એન્જિનિયર 32ના સ્કોરે ક્લીન બોલ્ડ થઈ ગયા. ત્યારબાદ પાછળથી ઇનિંગમાં કપ્તાનનો સાથ આપવા ગુજરાતમાં જન્મેલા બ્રિજેશ પટેલ મેદાન પર ઊતર્યા.
ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં જે બ્રિજેશ પટેલે ત્રણ ટેસ્ટ મૅચમાં ફક્ત દસ રન નોંધાવ્યા હતા તેમણે પહેલી જ વન-ડેમાં વિસ્ફોટક બેટિંગથી 78 બૉલમાં 82 રન નોંધાવ્યા, 105.12ની સ્ટ્રાઇક રેટ સાથે પટેલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
અજિત વાડેકર જૅકમૅનની ઓવરમાં 67 રને આઉટ થયા અને ત્યારબાદ એકનાથ સોલ્કર પણ માત્ર 3 રને આઉટ થઈ ગયા.
પાછળથી સૈયદ આબિદઅલી અને બ્રિજેશ પટેલે મળીને ભારતનો સ્કોર 55 ઓવરમાં 265 પર પહોંચાડ્યો અને ઇંગ્લૅન્ડને જીત માટે 324 બૉલમાં 266 રનનો પીછો કરવાનો હતો.

નબળી શરૂઆત છતાં ઇંગ્લૅન્ડનો મૅચ પર કબજો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે સ્કોર બોર્ડ પર જે સ્કોર નોંધાવ્યો એ તે સમયે પડકારજનક મનાતો હતો. ભારતના સ્પિનર એકનાથ સોલકરે ઇંગ્લૅન્ડના ઓપનર ડેનિસ ઍમિસને 20 રનના નજીવા સ્કોરે પેવેલિયન ભેગા કરી દીધા.
ત્યારબાદ સોલકરની જ ઓવરમાં ડેવિડ લૉઇડ 34 રને પેવિલિયન ભેગા થયા. સોલકરને સાથ આપતા હોય એમ મદનલાલે પણ માઇક ડેન્નેસ્સને માત્ર 8 રનમાં જ કૅચ આઉટ કરી દીધા.
હવે ઇંગ્લૅન્ડનો સ્કોર હતો 96 રન અને ત્રણ વિકેટ તેણે ગુમાવી દીધી હતી. બીજી બાજુ ઇંગ્લૅન્ડના જ્હૉન ઍડરિચે મોરચો સંભાળી રાખ્યો હતો.
ઍડરિચ અને પાંચમા નંબરે ઊતરેલા ફ્લેચરે ભારત સામે બેટિંગ કરતા 83 રનની વિશાળ ભાગીદારી નોંધાવી. પરંતુ ત્યારબાદ ટોની ગ્રેઇગ અને ઍડરિચે મળીને ઇંગ્લૅન્ડને સારી એવી સ્થિતિમાં મૂકી દીધું. જોકે વેંકટરાઘવનની ઓવરમાં 90 રને ઍડરિચ પેવેલિયન ભેગા થયા અને ભારત સામે પોતાની પહેલી સદીથી માત્ર 10 રન પાછળ રહી ગયા.
આ સમયે ઇંગ્લૅન્ડનો સ્કોર પાંચ વિકેટે 212 રન પર હતો. હવે ઇંગ્લૅન્ડ સામે સ્કોરનો પીછો કરવામાં સૌથી મોટી મુશ્કેલી હતી એ સમયનું આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને મૅચ પતવામાં હતી એ દરમિયાનની બે ઓવર તો ચાલુ વરસાદે નખાઈ હતી.
પ્રેક્ષકો છત્રી અને છાવણીના સહારે ચાલુ વરસાદે મૅચ જોઈ રહ્યા હતા, પરંતુ નીચલા ક્રમના બૅટ્સમૅન નૉટ અને ઑલ્ડે મળીને ઇંગ્લૅન્ડના બાકી બચેલા 12 રન ફટકારી દીધા. આમ, ભારત આ મૅચ 4 વિકેટ અને 23 બૉલ બાકી હતા ત્યારે હારી ગયું.

ઇમેજ સ્રોત, Getty Images
આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ જ્હોન ઍડરિચ રહ્યા, જેમણે ઇંગ્લૅન્ડ માટે 97 બૉલમાં 90 રન નોંધાવી ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.
મૅચ હાર્યા બાદ કપ્તાન અજિત વાડેકરે માત્ર એક જ નિવેદન આપ્યું હતું કે, “વિકેટ જીવંત હતી અને ચિલ્લી (ક્રિસ ઑલ્ડ)એ સારી બૉલિંગ કરી.”

ભારતની સૌથી પહેલી વન-ડે મૅચનું સ્કોર કાર્ડ
- ઇંગ્લૅન્ડે ટોસ જીતી પહેલાં બૉલિંગનો નિર્ણય કર્યો
- ભારત : 265/10 , અજિત વાડેકર 67(82), બ્રિજેશ પટેલ 82(78)
- ઇંગ્લૅન્ડ બૉલિંગ : ક્રિસ ઑલ્ડ 43/3 (10.3 ઓવર)
- ઇંગ્લૅન્ડ : 266/6 (51.1), જ્હોન ઍડરિચ 90(97), ટોની ગ્રેઇગ 40(28)
- ભારતની બૉલિંગ : એકનાથ સોલકર 31/2(11 ઓવર), બિશન બેદી 68/2 (11 ઓવર)
- ઇંગ્લૅન્ડની 4 વિકેટે જીત, જ્હોન ઍડરિચ બન્યા પ્લેયર ઑફ ધ મૅચ

‘વન-ડે રમવા માટે કોઈ યોજના નહોતી’

ઇમેજ સ્રોત, Getty Images
મીડિયા અહેવાલો પ્રમાણે, ભારતના પૂર્વ બૅટ્સમૅન અને ઐતિહાસિક પ્રથમ વન-ડેમાં ઓપનરની ભૂમિકા ભજવનાર સુનીલ ગાવસ્કરે 13 જુલાઈ 1974ની યાદો વાગોળતા એક સમયે કહ્યું હતું કે, “એ સમય એવો હતો જ્યારે ભારત વન-ડે મૅચમાં રમવા જતા પહેલાં કોઈ પ્લાનિંગ નહોતું કરતું. માત્ર ટેસ્ટ મૅચને લઈને જ યોજના બનતી. અને એ સમયે વન-ડે રમવાનો અનુભવ સાવ અલગ હતો. સફેદ કપડાં અને લાલ બૉલથી જ વન-ડેમાં રમતા હતા. જ્યારે 1980 સુધી તો એવો માહોલ હતો કે ભારત જ્યારે વન-ડે રમવા ઊતરતું તો એકદમ આરામ કરીને ઊતરતું અને બધા રિલૅક્સ રહેતા.”














