ભારતીય ક્રિકેટમાં 25 જૂન કોઈ ભૂલતું નથી અને 24 જૂનની એ મૅચ કેમ કોઈ યાદ નથી કરતું?

ક્રિકેટનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 7 જૂન 1974 : ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચે પ્રથમ ટેસ્ટ મૅચની એક પળ

ક્રિકેટમાં ઘણી બાબતો એવી હોય છે જે હંમેશાં યાદ રહી જતી હોય છે. પછી જરૂરી નથી કે તે સારી બાબત જ હોય કે સફળતા અપાવનારી જ હોય.

1983માં કપિલ દેવની ટીમે વન-ડે ક્રિકેટમાં ભારતને પહેલી વાર વર્લ્ડ કપ અપાવ્યો તેની વેસ્ટ ઇન્ડિઝ સામેની ફાઇનલ મૅચની પ્રત્યેક ક્ષણ આજે ચાર દાયકા બાદ પણ વાગોળનારા મળી રહેશે.

એવી જ રીતે 1986માં જાવેદ મિયાંદાદે ભારત સામેની શારજાહ ખાતેની ફાઇનલ મૅચમાં ચેતન શર્માના છેલ્લા બૉલે સિક્સર ફટકારી હતી તે સૌને આજે પણ યાદ હશે.

આમ કેટલીક એવી પળ હોય છે જે હંમેશાં માટે યાદ રહી જતી હોય છે અને ક્યારેક તેની કળ વળતા દાયકાઓ લાગી જતા હોય છે.

આ લેખમાં ભારતીય ક્રિકેટ ઇતિહાસની એવી જ ક્ષણોની વાત જે એ પળના સાક્ષીએ એવા ભારતીય ક્રિકેટરો અને ક્રિકેટરસિકો કોઈ પણ યાદ કરવા નહીં માગતા હોય.

GREY LINE

ભારતીય ક્રિકેટરોનાં મનોબળની પરીક્ષા

ક્રિકેટનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 7 જૂન 1974 : પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફારૂક એન્જિનિયર શૂન્ય પર આઉટ થયા હતા એ પળ

કપ્તાન કપિલ દેવની ભારતીય ટીમને વર્ષ 1983નો જૂન મહિનો અને ખાસ કરીને 25 જૂન કાયમ ગર્વનો અનુભવ કરાવે છે. પરંતુ કપ્તાન અજિત વાડેકરની ટીમને જૂન 1974 હંમેશાં ખરાબ પળોની યાદ અપાવતું હશે.

આ યાદો સાથે સંકળાયેલી આવી જ એક મૅચ એટલે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 1974ના જૂન મહિનામાં રમાયેલી લોર્ડ્ઝ ખાતેની ટેસ્ટ મૅચ.

કારણ કે વર્ષ 1974માં રમાયેલી ત્રણ ટેસ્ટ મૅચની શ્રેણીની 20 થી 24 જૂન વચ્ચે રમાયેલી બીજી મૅચમાં લોર્ડ્ઝ ખાતે ભારતીય ટીમ માત્ર 42રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય ટીમ 1974માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ હતી. અજિત વાડેકરની આગેવાનીમાં હજી બે વર્ષ અગાઉ ભારતે આ જ દેશનો પ્રવાસ કર્યો હતો. 1971માં ભારતે પહેલીવાર ઇંગ્લૅન્ડને ઇંગ્લૅન્ડમાં જ હરાવીને ઇતિહાસ રચ્યો હતો.

નિષ્ણાતોના મતે એ સમયે એવું લાગતું હતું કે અંગ્રેજી મીડિયા ભારતીય ક્રિકેટરોને માનસિક રીતે ભાંગી નાખવા માટે કે સકંજામાં લેવા માટે તૈયાર થઈને બેઠાં હતાં. જોવાનું એ છે કે તેમને એ મોકો પણ મળી ગયો.

આજે મોટા મોટા શૉપિંગ મૉલમાં આપણે સેલ્ફ સર્વિસની જેમ ખરીદી કરીએ છીએ અને અંતે બિલિંગ કાઉન્ટર પર જઈને આપણી ટ્રૉલી ખાલી કરીને બિલ ચૂકતે કરવાની આ સિસ્ટમ હવે આપણા દેશના શહેરોમાં સામાન્ય બની ગઈ છે. પરંતુ આજથી 50 વર્ષ અગાઉ માત્ર વિદેશમાં અને ખાસ કરીને અમેરિકા કે ઇંગ્લૅન્ડમાં જ આ પ્રથા હતી.

તે સમયે ભારતની ટેસ્ટ ટીમમાં એક નવા ખેલાડી સુધીર નાઈકની પસંદગી થઈ હતી. તેમના માટે ઇંગ્લૅન્ડમાં ખરીદી કરવાનો આ પહેલો અવસર હતો.

એવામાં તે સમયે એક મૉલમાં તેમની ઉપર ચોરીનો આક્ષેપ મૂકી દેવામાં આવ્યો અને મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો.

આમ ભારતીય ટીમ મેદાન પર અને મેદાન બહાર નિરાશ-હતાશ થઈ ગઈ હતી.

GREY LINE

ભારતીય ક્રિકેટરો સાથે અયોગ્ય વર્તન

ક્રિકેટનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1974ની ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમ જે ભારત સામે ટેસ્ટ સિરીઝમાં ઊતરી હતી

ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે આ પ્રવાસની પ્રથમ ટેસ્ટ મૅચ માન્ચેસ્ટરમાં રમાઈ હતી. જેમાં ઇંગ્લૅન્ડ 113 રને જીતી ગયું હતું. પરંતુ આ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ ભારતીય ક્રિકેટરોનાં મનોબળ ઉપર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું.

માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે પોતાનો દાવ 328 રને 9 વિકેટ ગુમાવી ડિક્લેર કરી દીધો હતો.

ભારત તરફથી ઓપનર સુનીલ ગાવસ્કરે કપરી પરિસ્થિતિમાં શાનદાર બૅટિંગ કરીને પહેલા દાવમાં સદી ફટાકારી હતી.

ભારત પહેલી ઇનિંગમાં 246 રને ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગમાં 213 રને 3 વિકેટ ગુમાવી એકવાર ફરી દાવ ડિક્લેર કર્યો હતો.

ભારતીય ટીમ તરફથી ઓપનર ગવાસ્કરે ફરી સારો દેખાવ કરતા બીજા દાવમાં 58 રન ફટકાર્યા.

એવામાં અહીં ગાવસ્કરને ટાર્ગેટ કરવામાં આવ્યા અને તેઓ એક રન લેવા જતા હતા, ત્યારે ક્રિસ ઓલ્ડે તેમને ધક્કે ચડાવ્યા હતા.

મામલો અહીંથી જ આક્રમકરૂપ લઈ રહ્યો હતો, પરંતુ ભારતીય ટીમે સંયમ દાખવ્યો અને મામલો અહીં પૂરો કરી દીધો. પરંતુ આ વાત અહીં જ અટકી નહીં.

ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે યોજેલા સત્તાવાર ડિનરમાં પણ પાસ વિના પ્રવેશ નહીં આપવામાં આવે તેમ કહીને ભારતીય ખેલાડીઓને મેદાન બહાર પણ અપમાનિત કરાયા હતા. તો મૅચ વખતે પણ ક્રિકેટરે પોતાનું ઓળખપત્ર રજૂ કરવું પડતું હતું. ટીમના ખેલાડીઓને મૅચ દરમિયાન જે લંચ આપવામાં આવે તે પણ કેટલીક હોટલમાં હોય છે, તેમ ફિક્સ્ડ ડિશ જેવું રખાતું હતું.

આમ, અજિત વાડેકરની એ ટીમને ઘણું બધું સહન કરવાનું આવ્યું હતું.

મેદાન પર ક્રિસ ઓલ્ડ જેવા બૉલર ખેલાડીને ધક્કે ચડાવે તો સ્ટેડિયમમાં પ્રવેશતી વખતે સુરક્ષા ગાર્ડનો સામનો કરવાનો અને શૉપિંગ દરમિયાન નિયમોની આડશમાં અથવા તો ખોટા આક્ષેપો સાથે પોલીસ સુધી મામલો પહોંચે.

જમવામાં પણ ઓરમાયું વર્તન કરવામાં આવે અને છતાં આજના જેવા મીડિયાના અભાવને કારણે આવી વાતો વર્ષો સુધી બહાર આવી ન હતી.

તેથી સામાન્ય રમતપ્રેમીની સહાનુભૂતિનો પણ ખેલાડીઓને કોઈ સહારો ન હતો.

GREY LINE

માનસિક પ્રહારની મેદાન ઉપર અસર

ક્રિકેટનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

આવી દશામાં રમી રહેલી ભારતીય ટીમના મેદાન પરનાં પ્રદર્શનોમાં અસર પડવા લાગી હતી. માન્ચેસ્ટરમાં પહેલી ટેસ્ટમાં ગાવસ્કરની સદી છતાં ભારતે 113 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્હોન એડ્રિચ અને કિથ ફલેચરે ઇંગ્લૅન્ડ માટે સદી ફટકારી હતી તો બૉલિંગમાં ક્રિસ ઓલ્ડ અને બૉબ વિલિસ કમાલ કરી ગયા હતા.

હવે આવી બીજી ટેસ્ટ કે જે લૉર્ડ્ઝમાં રમાવાની હતી. સિરીઝમાં 1-0થી આગળ રહેલા ઇંગ્લૅન્ડે 629 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. પહેલાં બેટિંગ કરતા ઇંગ્લૅન્ડના ડેનિસ એમિસ, માઇક ડેનેસ અને ટોની ગ્રેગે સદી તો ફટકારી હતી.

ભારત માટે આશ્વાસનરૂપ બાબત એ રહી હતી કે એ સમયે જાણીતા સ્પિનર બિશનસિંહ બેદીએ 64 ઓવર નાખી 226 રન આપી છ વિકેટ ખેરવી હતી. એ મૅચમાં બેદીની સ્પિન કળાનો પરચો અંગ્રેજ બેટ્સમૅનોને મળી ગયો હતો.

જવાબમાં ભારતે પહેલા દાવમાં લડત તો આપી હતી. ભારતે ગુંડપ્પા વિશ્વનાથ અને ફારૂક એન્જિનિયરની અડધી સદીની મદદથી 302 રનનો સ્કોર કર્યો હતો.

સુનીલ ગાવસ્કર અને એકનાથ સોલકરે પણ મક્કમ બેટિંગ કરીને પોતાની રીતે યોગદાન આપ્યું હતું, પરંતુ 629 રનના વિરાટ સ્કોર સામે ટીમ દબાણ હેઠળ રમી અને ફૉલોઑન ટાળી શકી નહોતી.

હવે બીજી ઇનિંગ્સ શરૂ થઈ હતી. ભારતની હાલત એટલી ખરાબ હતી કે તેના એક પણ બૅટ્સમૅન વિકેટ પર ટકી શકતો નહોતો.ઓપનર ફારૂક એન્જિનિયર તો ખાતું પણ ખોલાવી શક્યા નહીં.

જ્યૉફ આર્નોલ્ડ અને ક્રિસ ઓલ્ડ સામે ભારતના એક પણ બૅટ્સમૅન ટકી શક્યા નહોતા. સુનીલ ગાવસ્કરે થોડી લડત આપી પરંતુ તેઓ પોતાની સામે ચાર વિકેટ પડતી જોવાના સાક્ષી બનવા સિવાય ખાસ કાંઈ કરી શક્યા નહીં અને અંતે પોતે પણ આર્નોલ્ડની બૉલિંગમાં 26 બૉલમાં માત્ર પાંચ રન નોંધાવી લેગ બિફોર થઈ ગયા હતા.

એકમાત્ર એકનાથ સોલકરે થોડો પ્રતિકાર કર્યો અને છઠ્ઠા ક્રમે આવીને માત્ર 17 બૉલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 18 રન ફટકાર્યાં હતા. તે સિવાયના એક પણ બૅટ્સમૅન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહોતા.

બીજી બાજુ આક્રમક બૉલિંગ કરતા ઇંગ્લૅન્ડે ઍક્સ્ટ્રાનો એક પણ રન આપ્યો ન હતો. ભગવત ચંદ્રશેખર ઘાયલ હોવાને કારણે બીજા દાવમાં બેટિંગ કરી શક્યા નહોતા.

ઇંગ્લૅન્ડ તરફથી આર્નોલ્ડે 4 તો ક્રિસ ઓલ્ડે 5 વિકેટ ઝડપી હતી, અને 17 ઓવરમાં ભારતીય ટીમ માત્ર 42ના સ્કોરે આઉટ થઈ ગઈ. અને ઇંગ્લૅન્ડની ટીમ આ મૅચ ઇનિંગ અને 285 રનના વિશાળ માર્જિનથી જીતી ગઈ હતી.

GREY LINE

શું એ સમયે ભારતીય ટીમ ખરેખર નબળી હતી?

ક્રિકેટનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

આમ જોવા જઈએ તો ભારતની બેટિંગમાં કોઈ નબળાઈ નહોતી. તેમ છતાં એ સમયે આવો ધબડકો અપેક્ષિત ન હતો.

જે ટીમ ટેસ્ટ રમતી હોય તેની પાસેથી આવડા નાના સ્કોરની અપેક્ષા ન હોય. એટલે ટીમનો ધબડકો થયો હતો તેમાં કોઈ શંકા નહોતી. હકીકતમાં એ પ્રવાસ જ નિરાશાજન હતો.

જે ટીમમાં સુનીલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ જેવા વર્લ્ડ ક્લાસ બૅટ્સમૅન હોય. આ ઉપરાંત ટીમમાં ફારુક ઍન્જિનિયર જેવા બેટ્સમૅન હતા, જે એ સમયે પણ વન-ડેની માફક બૅટિંગ કરી શકતા હતા.

ટીમમાં ડાબોડી બૅટ્સમૅન અજિત વાડેકર અને એકનાથ સોલકર હતા, તો આબિદ અલી અને અશોક માંકડ પણ હતા.

જોકે લૉર્ડ્ઝમાં અશોક માંકડ રમ્યા નહોતા, પરંતુ તેમને સ્થાને રમેલા બ્રિજેશ પટેલ પણ ટેકનિકમાં માંકડથી પાછળ ન હતા. બંનેના ડૉમેસ્ટિક રેકર્ડ તેની ખાતરી કરાવતા હતા.

ભારત પાસે બૉલિંગમાં પણ કોઈ નબળાઈ ન હતી. એ સમયે સ્પિનરની આક્રમક ગણાતી ત્રિપુટી જેમાં એરાપલ્લી પ્રસન્ના, ચંદ્રશેખર અને બિશન બેદી હતા. તેઓ પણ આ ટેસ્ટમાં રમ્યા હતા. તેમ છતાં ઇંગ્લૅન્ડે જંગી સ્કોર નોંધાવ્યો હતો.

આવી જ રીતે ઉમદા બૅટ્સમૅન હોવા છતાં ટીમ માત્ર 42 રન કરી શકી હતી, જે બાબત આજે પાંચ દાયકા બાદ પણ શરમજનક લાગે છે. તેથી નિષ્ણાતો માને છે કે એકાદ ઇનિંગ્સના કંગાળ પ્રદર્શનની પાછળ એ વખતના સંજોગો કામ કરી ગયા હશે.

1974ના બરાબર ત્રણ વર્ષ અગાઉ લગભગ આ જ ખેલાડીઓની બનેલી ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ હતી. ત્યારે ઓવલ ખાતે ચંદ્રશેખરની વેધક બૉલિંગ (38 રનમાં છ વિકેટ)ની મદદથી ભારતે પહેલી વાર ઇંગ્લૅન્ડને તેની ધરતી પર સિરીઝમાં હરાવ્યું હતું.

એ સફળતા બાદ ભારતીય ટીમ વતન પરત ફરી ત્યારે મુંબઈના ઍરપોર્ટ પર ટીમને રેડ કાર્પેટ સ્વાગત મળ્યું હતું.

અજિત વાડેકરની ટીમને ઍરપોર્ટથી સ્ટેડિયમ સુધી ખુલ્લી ટ્રકમાં લઈ જવામાં આવી ત્યારે માર્ગમાં તેનું ભવ્ય સ્વાગત થયું હતું.

પરંતુ 1974માં 42 રનમાં ઑલઆઉટ થયા બાદ 0-3થી સિરીઝ ગુમાવીને ભારતીય ટીમ વતન પરત ફરી, તે અગાઉ એ જ અજિત વાડેકરના મુંબઈ ખાતેના નિવાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એ સિરીઝે અજિત વાડેકરની 37 ટેસ્ટની કારકિર્દી પૂરી કરી નાખી હતી.

RED LINE
RED LINE