દુલીપસિંહજીઃ ગુજરાતના મહાન ક્રિકેટર, જેમણે 28 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં નિયમિત ક્રિકેટ રમાવાનો પ્રારંભ આમ તો 1890ની આસપાસ થઈ ગયો હતો તેમ છતાં ભારતે ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ કર્યો ત્યાર બાદ જ ભારતના ક્રિકેટરને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
એ અગાઉ 1880ના દાયકામાં પારસીઓની ઘણી ટીમ ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડતી હતી અને તેઓ ઉમદા ક્રિકેટ રમતા હતા. આમ છતાં એ જમાનામાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતની હાજરી નહિવત્ હતી.
આ સંજોગોમાં ભારતમાં આ રમતને લોકપ્રિય બનાવવામાં રણજી અને દુલીપના નામ અગ્રેસર હતા. જામસાહેબ ઑફ જામનગર એટલે કે રણજી ખુદ મહાન બૅટ્સમૅન હતા અને તેમની ગણના એ સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅનમાં થતી હતી.
આજે પણ વિશ્વના સર્વકાલીન મહાન અથવા તો ગઈ સદીના સર્વકાલીન મહાન બૅટ્સમૅનની વાત રણજી વિના અધૂરી ગણાશે. એવી જ રીતે તેમના ભત્રીજા દુલીપસિંહ પણ એટલા જ પ્રતિભાશાળી બૅટ્સમૅન હતા. કદાચ રણજીના પડછાયામાં તેઓ થોડા ઢંકાઈ ગયા હશે તેમ વિવેચકો માને છે પરંતુ ખુદ રણજી પણ આમ માનતા ન હતા.
દુલીપ કે રણજી ક્યારેય ભારત માટે રમ્યા નથી તો તેમને આટલું સન્માન કેમ આપવામાં આવે છે તેઓ સવાલ દાયકાઓથી થાય છે પરંતુ એક જ હકીકત રજૂ કરી શકાય કે બંનેના જમાનામાં ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટ રમતી ન હતી અને તેથી તેઓ ઇંગ્લૅન્ડ માટે રમ્યા હતા.
1905ની 13મી જૂને દુલીપસિંહનો જન્મ સૌરાષ્ટ્ર (એ સમયનું કાઠિયાવાડ)ના સરોદર (જામનગર નજીક) થયો હતો. આ એ જ સ્થળ છે જ્યાં રણજીનો જન્મ થયો હતો.
1907માં રણજીએ પોતાના ભત્રીજા દુલીપને નવાનગર (હાલનું જામનગર) બોલાવી લીધા અને ત્યારથી તેમના પાલન પોષણની જવાબદારી ઉઠાવી લીધી. અને, અહીંથી એક મહાન ક્રિકેટરની કારકિર્દીનો પ્રારંભ થયો.

જ્યારે દુલીપસિંહજીએ સમગ્ર ક્રિકેટજગતને હચમચાવી દીધું

ઇમેજ સ્રોત, Getty Images
1933ની બીજી ડિસેમ્બરે એક આશ્ચર્યજનક નિર્ણયની જાહેરાત થઈ જેણે સમગ્ર ક્રિકેટજગતને હચમચાવી દીધું અને આ પ્રકારની જાહેરાત આજે 2023માં પણ એટલી જ આશ્ચર્યજનક લાગે, કેમ કે એ વખતે માત્ર 28 વર્ષની વયે દુલીપસિંહજીએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે પણ કોઈ ક્રિકેટર આવડી નાની વયે નિવૃત્ત થતો નથી તો એ વખતે તો એવા ઘણા ક્રિકેટર મળી રહેતા હતા, જે 50ની વય વટાવ્યા બાદ પણ રમતા હોય. જોકે તેની પાછળનું કારણ એ હતું કે તેઓ લગભગ 15 મહિનાથી બીમાર હતા.
સાથે સાથે તેમના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં પણ હતા પરંતુ તેઓ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ નામની બીમારીથી પીડાતા હતા, જેનો એ સમયે કોઈ ઇલાજ ન હતો.
1932ના ઑગસ્ટમાં સસેક્સના ટોન્ટન ખાતે તેઓ પેવેલિયનમાં પડી ગયા હતા અને તેમની તમામ યોજનાઓ પર પાણી ફરી વળ્યું હતું.
તેઓ 1932-33માં ઑસ્ટ્રેલિયામાં એશિઝ રમવા જવાના હતા અને સસેક્સ કાઉન્ટીની આગેવાની લેવાના હતા. 1933માં સસેક્સને ચૅમ્પિયન બનાવવાની પણ તેમની યોજના હતી પરંતુ આ તમામ તકો ઓસરી રહી હતી.
જો તેઓ આગળ રમ્યા હોત તો શું થયું હોત અથવા તો તેમણે કેવો કરિશ્મા દાખવ્યો હતો તે તમામ બાબતો ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ટો પર લખાનારી હતી પરંતુ હવે તો ‘જો અને તો’ની જ રમત બાકી રહી ગઈ હતી.
તેમણે નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે ઇંગ્લૅન્ડનાં અખબારોમાં કાંઈક આવાં મથાળાં છપાયાં હતાં... ‘રમતે એક માસ્ટર છીનવી લીધો’, ‘બીમારીએ એક શાનદાર કારકિર્દીનો ભોગ લીધો’. દુલીપની ગેરહાજરીની એવી અસર થઈ કે તેમની નિવૃત્તિ બાદ વર્ષો સુધી સસેક્સ કાઉન્ટી ટાઇટલ માટે સંઘર્ષ કરતી રહી હતી.
આમ બીમારીને કારણે દુલીપની કારકિર્દી વહેલી સમાપ્ત થઈ ગઈ, પરંતુ હકીકત એ છે કે બે વિશ્વયુદ્ધ વચ્ચેના ગાળામાં દુલીપસિંહ ઇંગ્લૅન્ડના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન રહ્યા હતા.

સ્ટ્રેઈટ ડ્રાઈવ અને રિવર્સ સ્વીપ શૉટના માસ્ટર...

ઇમેજ સ્રોત, Getty Images
હકીકતમાં દુલીપ ઘણી નાની વયથી જ મહાન બૅટ્સમૅનની હરોળમાં આવી ગયા હતા. નાની વયે તો તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું અને 16ની વયે તો તેઓ ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં રમતા હતા. ચેલ્ટનહામ કૉલેજ માટે તેઓ 1921માં રમ્યા હતા.
1924માં એમસીસી માટે રમ્યા તેના થોડા સમયમાં જ તેઓ સસેક્સ કાઉન્ટીના નિયમિત સદસ્ય બની ગયા હતા. અને 1931માં તેઓ પોતાની પ્રથમ ટેસ્ટ રમ્યા હતા.
બેટિંગમાં રણજી જેવા જ સ્ટાઇલિશ દુલીપે પ્રારંભથી જ સૌને પ્રભાવિત કર્યા હતા, આ પાછળનું એક કારણ એ પણ ખરું કે તેમને માત્ર આઠ વર્ષની ઉંમરે સાક્ષાત રણજીનું કોચિંગ મળ્યું હતું.
ત્યારબાદ એપ્રિલ 1919માં દુલીપને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા, જ્યાં તેમનો અભ્યાસ ચેલ્ટનહામ સ્કૂલમાં હતો અને અહીંથી તેમને સીબી ફ્રાયનું કોચિંગ મળ્યુ.
સીબી ફ્રાય અને રણજી એ સમયે વિશ્વના મોખરાના બૅટ્સમૅનની હરીફાઈમાં હતા, પરંતુ સસેક્સમાં સાથે રમતા હતા અને પરમ મિત્ર હતા.
ફ્રાય જેવા વર્લ્ડ ક્લાસ બૅટ્સમૅન પાસે તાલીમ હાંસલ કરવાને કારણે દુલીપના ક્રિકેટનો વિકાસ થયો. આમ દુલીપની ક્રિકેટની ટેકનિકમાં રણજી અને ફ્રાયનું યોગદાન હતું. ફ્રાયની તાલીમને પરિણામે જ દુલીપ સ્ટ્રેઇટ ડ્રાઇવમાં માસ્ટર બન્યા હતા.
જોકે તેમની કારકિર્દીના અંતિમ ચરણમાં દુલીપ પોતે પણ કેટલીક ટેકનિક પર પ્રયોગ કરતાં રહ્યા હતા અને એમ કહેવાય છે કે એ જમાનામાં દુલીપે કેટલીક બિનસત્તાવાર મૅચમાં રિવર્સ સ્વિપ શૉટ પણ ફટકાર્યા હતા. આજે રિવર્સ સ્વિપ શૉટ ક્રિકેટનું મહત્ત્વનું પાસું મનાય છે પરંતુ આજથી 100 વર્ષ અગાઉ દુલીપ આ પ્રકારના શૉટ રમ્યા હોવાનુ કહેવાય છે.
1923માં દુલીપ 18 વર્ષના થયા ત્યારે તત્કાલીન વિવેચકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો તથા કોચે તેમના રહેલી અસામાન્ય પ્રતિભા પારખી લીધી હતી. વિલ્ફ્રેડ રોડ્ઝ જેવા પિતામહ સમાન ક્રિકેટરે એમ કહ્યું હતું કે દુલીપ વિશ્વયુદ્ધ પછીના શ્રેષ્ઠ બૅટ્સમૅન હતા.
1923માં રણજીએ લૉર્ડ્ઝ ખાતે એક સ્કૂલ મૅચમાં દુલીપને રમતા નિહાળ્યા ત્યાર બાદ તેઓ દુલીપને પૂર્ણ સમય માટે ક્રિકેટને અપનાવવા સહમત થયા હતા.
આ માટે તેમણે ત્રણ ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટરને દુલીપના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, જે પૈકીના એક લેન બ્રૉન્ડ હતા, જેમણે અગાઉ રણજીની બેટિંગમાં ખામી હોવાનું શોધી કાઢ્યું હતું.
કોઈ પણ વ્યક્તિ રણજીની ખામી શોધી શકે તેમ ન હતી ત્યારે બ્રૉન્ડે કહ્યું હતું કે રણજી લેગ બ્રૅક બૉલિંગ સામે સારી રીતે રમી શકતા નથી.

નાની પણ પ્રભાવશાળી ક્રિકેટ કારકિર્દી

ઇમેજ સ્રોત, Getty Images
દુલીપસિંહજી આમ તો માત્ર 12 ટેસ્ટ રમ્યા હતા, પરંતુ તેમાં તેમણે 995 રન ફટકાર્યા હતા.
58.62ની સરેરાશ અને ત્રણ સદી તથા પાંચ અડધી સદી સાથેનો તેમનો ટેસ્ટ રેકૉર્ડ આજે પણ પ્રભાવિત કરનારો જણાય છે.
1930ની એશિઝ સિરીઝ ડોન બ્રેડમેનને કારણે યાદ રહી જાય, કેમ કે તે વખતે બ્રેડમેને બેટિંગમાં ઝંઝાવાત સર્જ્યો હતો. એ વખતે લૉર્ડઝ ખાતે બ્રેડમેને 254 રન ફટકાર્યા હતા, તો સામે ઇંગ્લૅન્ડ માટે દુલીપે 21 ચોગ્ગા સાથે 173 રન ફટકાર્યા હતા.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તો તેમની કારકિર્દી વધુ પ્રભાવશાળી રહી હતી. ઇંગ્લૅન્ડમાં તેઓ 1924થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અને ખાસ કરીને કાઉન્ટીમા રમ્યા, જેમાં એક સિઝનને બાદ કરતાં તમામ સિઝનમાં તેમણે કમસે કમ 1000 રન ફટકાર્યા હતા.
નિવૃત્તિ અગાઉ 1931ની સિઝનમાં તેમણે 2684 રન ફટકાર્યા હતા, જેમાં 12 સદીનો સમાવેશ થતો હતો, તો 1930માં 2562 અને 1929માં 2545 રન સાથે તેઓ સિઝનના મોખરાના બૅટ્સમૅનમાં સ્થાન હાંસલ કરી શક્યા હતા.
દુલીપે તેમની 205 મૅચની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 50 સદી ફટકારી હતી. આ આંક સુધી પહોંચવામાં આજે પણ બૅટ્સમૅન માટે આસાની રહેતી નથી.
1924થી 1932 સુધીની તમામ સિઝનમાં 1929-30ના ઑસ્ટ્રેલિયાના પ્રવાસને બાદ કરતાં એક પણ સિઝન એવી ન હતી, જેમાં દુલીપના નામે એકેય સદી ન હોય. તેમની 50 સદીમાંથી 35 સદી માત્ર સસેક્સ માટે ફટકારી હતી આવી જ રીતે કારકિર્દીના 15486 રનમાંથી 9178 રન તેમણે સસેક્સ માટે ફટકાર્યા હતા.
દુલીપ તેમની કારકિર્દીમાં ક્યારેય ભારતીય ધરતી પર રમ્યા નથી પરંતુ નિવૃત્તિ બાદ જીવનનો મોટા ભાગનો સમય તેઓ ભારતમાં જ રહ્યા હતા.
1951માં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ ત્યારે એક ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેમણે અમ્પાયરિંગ કર્યું હોવાનું નોંધાયેલું છે. પરંતુ આ અંગે કારણ જાણવા મળતું નથી કે તેઓ આવી બીમારી બાદ શા માટે ઑસ્ટ્રેલિયા ગયા અને અમ્પાયરિંગ કર્યું.
1959ની પાંચમી ડિસેમ્બરે મુંબઈમાં તેમનું નિધન થયું હતું. એ જ અરસામાં ભારતમાં ઝોનલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થનારો હતો અને તેને દુલીપ ટ્રૉફી નામ અપાયું હતું. આજે પણ ભારતીય ક્રિકેટ બોર્ડ નિયમિતપણે દુલીપ ટ્રૉફી યોજી રહ્યું છે.














