પોલી ઉમરીગર : સિક્સરથી સદી પૂરી કરનારા પ્રથમ ભારતીય ક્રિકેટર

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન ક્રિકેટમાં કોઈ પણ બૅટ્સમૅન સિક્સર ફટકારવામાં જોખમ છે તેમ માનતો નથી પરંતુ તેમા વિવિધ પ્રયોગો કરીને તેને એક કલા છે તેમ પુરવાર કરી રહ્યો છે.
સૂર્યકુમાર યાદવ કે એબી ડી વિલિયર્સ 360 ડિગ્રી શૉટ ફટકારે છે તો હમણાં જ આપણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રિંકુસિંહની ઉપરાઉપરી પાંચ સિક્સર નિહાળી હતી.
આવી જ રીતે વીરેન્દ્ર સેહવાગ સદી કે બેવડી સદી કે ત્રેવડી સદીની નજીક પહોંચીને પણ સિક્સર ફટકારવાની લાલચ રોકી શકતા ન હતા.
પરંતુ સેહવાગના જન્મના પણ દાયકાઓ અગાઉ ભારતના એક બૅટ્સમૅન એવા હતા જે સિક્સર ફટકારીને સદી પૂરી કરતા હતા અને વારંવાર બૉલને મેદાનની બહાર મોકલી આપવાની કલા ધરાવતા હતા.
આ બૅટ્સમૅન એટલે ભારતના મહાન ક્રિકેટર્સની હરોળમાં આવતા પોલી ઉમરીગર.

જ્યારે ખુદના નામના ગેટમાંથી પ્રવેશતા રોક્યા

ઇમેજ સ્રોત, Getty Images
પહેલાનજી રતનજી ઉમરીગરનો જન્મ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક પારસી પરિવારમાં થયો અને ત્યારબાદ તેમનું સમગ્ર જીવન મુંબઈમાં જ વીત્યું હતું.
તેઓ રમતા હતા ત્યારે અને તેઓ નિવૃત્ત થયા પછીના લગભગ સાડા ચાર દાયકા સુધી પોલીકાકા (તેઓ આ રીતે ઓળખાતા હતા)ને આદર મળતો રહ્યો હતો.
પોલી ઉમરીગરના આદરની વાત કરી ત્યારે તેમના વિશે, તેમની કારકિર્દી વિશે વાત કરતાં અગાઉ એક અન્ય વાત કરી લેવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને ક્રિકેટ જાણનારા અને ક્રિકેટ વર્તુળમાંથી તથા બીસીસીઆઈમાંથી માન-સન્માન મળતાં હતાં. મુંબઈના વાનખેડે સ્ટેડિયમના મૂળ પેવેલિયન તરફના રસ્તે ગરવારે ક્લબ પાસે બે પ્રવેશદ્વાર છે એક પોલી ઉમરીગર ગેટ અને બીજો વીનુ માંકડ ગેટ.
1980-90ના દાયકામાં બન્યું એવું કે પોલી ઉમરીગર વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી એક ઇન્ટરનેશનલ મૅચ નિહાળવા ગયા અને પોલી ઉમરીગર ગેટમાંથી અંદર જઈ રહ્યા હતા ત્યારે જ સુરક્ષા ગાર્ડે તેમને અંદર જતા રોક્યા અને પાસ કે ઓળખપત્રની માગણી કરી.
પોલી ઉમરીગર મૂંઝાઈ ગયા કેમ કે ભારતમાં અગાઉ તેમને ક્યારેય રોકવામાં આવ્યા ન હતા. જોકે તે જ સમયે બોર્ડના એક અધિકારી તથા એક ભૂતપૂર્વ ક્રિકેટર ત્યાંથી પસાર થયા અને તેમણે પોલીકાકાને બચાવી લીધા.
પરંતુ જોવાનું એ છે કે જેમના નામે એક પ્રવેશદ્વાર છે તે જ દરવાજેથી એટલે કે પોલી ઉમરીગર ગેટ પર જ પોલીકાકાને રોકવામાં આવ્યા હતા.
હવે તેમની ક્રિકેટ કારકિર્દી અંગે વાત કરીએ.

એક ઇનિંગ્સમાં સર્વોચ્ચ રનનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલી ઉમરીગર ભારતના સર્વકાલીન મહાન બૅટ્સમૅનની હરોળમાં આવે છે. એક સમય એવો હતો જ્યારે ભારતીય ટેસ્ટ ક્રિકેટના મોટા ભાગના રેકૉર્ડ તેમના નામે હતા.
જે પાછળથી સુનીલ ગાવસ્કરે તોડ્યા હતા. ભારત માટે સૌથી વધુ રન, સૌથી વધુ સદી તથા એક ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોરનો રેકૉર્ડ પોલી ઉમરીગરના નામે હતો.
આ રેકૉર્ડ લગભગ દોઢ દાયકા સુધી અકબંધ રહ્યા હતા. ઉમરીગરની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ સામાન્ય રહ્યો હતો પરંતુ તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેઓ મહાનતાની કક્ષાએ પહોંચી ગયા હતા.
હકીકતમાં વિજય હઝારે અને વિજય મર્ચન્ટ તેમના કરતાં અગાઉ ભારતના મોખરાના ક્રિકેટર હતા અને આ બંનેના વારસાને પોલી ઉમરીગરે આગળ ધપાવ્યો હતો.
ટેકનિકમાં તો હઝારે કે મર્ચન્ટ લાજવાબ હતા પરંતુ ઉમરીગર સ્ટાઇલના બૅટ્સમૅન હતા. તેમના જમાનામાં લિમિટેડ ઓવર ક્રિકેટ હોત તો ઘણા રેકૉર્ડ આજે પણ તેમના નામે હોત અથવા તો તેમણે પોતે પહેલી વાર આવા કોઈ વિક્રમનું સર્જન કર્યું હોત.
તેઓ જે રીતે રમતા હતા તેનાથી તેમણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો હતો. લાંબા સમય સુધી હઝારે-મર્ચન્ટની સ્કૂલના ટેકનિકલ ક્રિકેટ પાસાંઓ પર ભારતીય ક્રિકેટ જીવંત રહ્યું હતું કે આગળ વધ્યું હતું, અને તેમાં ઉમરીગર પણ બાકાત નહોતા.
જે રીતે તેઓ સ્પિનર સામે આગળ વધીને રમતા હતા અને બૉલને પ્રેક્ષકો વચ્ચે પહોંચાડતા હતા તે લોકોને વધુ પસંદ પડતું હતું.

એક નહીં, બે દાયકા સુધી ઝડપી બૉલર્સ સામેનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
1950-51માં ચેપોક ખાતે રમાયેલી કૉમનવેલ્થ ટીમ સામેની ટેસ્ટમાં તેમણે ફ્રૅન્ક વૉરેલની બૉલિંગમાં ઉપરાઉપરી બે સિક્સર ફટકારીને પોતાનો સ્કોર 90થી 102 સુદી પહોંચાડી દીધો હતો.
તેમને પામ ટ્રી હિટર તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કેમ કે એ સમયે ભારતનાં મોટા ભાગનાં સ્ટેડિયમની આસપાસ વૃક્ષોનું ઝૂંડ રહેતું હતું અને ઉમરીગરના બૉલ ત્યાં સુધી પહોંચી જતા હતા.
મહાન કૅરેબિયન સ્પિનર સોની રામાધીન અત્યારના સુયાશ શર્મા કે અગાઉના વૉર્ન અને મુરલીધરન જેવા મિસ્ટ્રી સ્પિનર હતા, પરંતુ તેમની આ કલાને ઉમરીગરે ખુલ્લી પાડી દીધી હતી અને રામાધીનની બૉલિંગમાં આક્રમક વલણ અપનાવનારા તેઓ તે સમયના પ્રથમ બૅટ્સમૅન હતા.
કૉમનવેલ્થ સિરીઝમાં તેમણે જે રીતે રામાધીનનો સામનો કર્યો તે અન્ય બૅટ્સમૅન માટે અનુકરણીય બની રહ્યું હતું.
જોકે તેમની આ પ્રકારની રમતનો અર્થ એ પણ ન હતો કે તેઓ ક્રિકેટના મૂળભૂત સિદ્ધાંતોની (કૉપી બુક સ્ટાઇલ)ની વિરુદ્ધ ગયા હતા.
તેઓ પાવરફુલ ડ્રાઇવ ફટકારતા હતા તો ઑફ સાઇડમાં તેઓ માહેર હતા અને તેમના લેગ ગ્લાન્સની ઝલક સુનીલ ગાવસ્કરમાં જોવા મળી હતી, તો તેમની કાંડાની કમાલ ગુંડપ્પા વિશ્વનાથમાં જોવા મળતી હતી.
જે સ્ટાઇલ આગળ જતાં સચીન તેંડુલકર અને રાહુલ દ્રવિડમાં જોવા મળી હતી. પણ, તેનો અર્થ એ પણ નથી કે પોલી ઉમરીગર ઝડપી બૉલિંગ સામે રમી શકતા ન હતા.
1952માં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં જ્યારે તમામ બૅટ્સમૅન નિષ્ફળ જઈ રહ્યા હતા ત્યારે ઉમરીગર પણ નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેના સાત વર્ષ બાદ એ જ ટીમ સામે પોલીકાકા જે રીતે રમ્યા હતા તેના વિશે ભાગ્યે જ ક્યાંય ઉલ્લેખ થયો છે.
1953માં વેસ્ટ ઇન્ડીઝના ખતરનાક ફાસ્ટ બૉલરો સામે તેઓ આસાનીથી રમ્યા હતા. 1950 અને 1960ના દાયકાના પ્રારંભ સુધી ઝડપી બૉલરો સામેનો તેમનો રેકૉર્ડ ઉમદા રહ્યો છે.
વેસલી હોલ, ગિલક્રિસ્ટ, સ્ટેયર્સ અને વૉટ્સન સામે તેઓ સૌથી વધારે સફળ રહ્યા હતા.

નેશનલ ક્રિકેટ અકદામીની સ્થાપનામાં પણ ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
1962ની પોર્ટ ઑફ સ્પેન ટેસ્ટને યાદ કરીએ તો વેસલી હૉલની બૉલિંગમાં એક જ ઓવરમાં તેમણે સળંગ ચાર ચોગ્ગા ફટકારી દીધા હતા, તો 1959માં ઇંગ્લૅન્ડના ફ્રેડ ટ્રુમેન સામે માન્ચેસ્ટરમાં વળતો પ્રહાર કરીને સદી ફટકારી હતી.
પોલી ઉમરીગરે એ જમાનામાં કેટલાક માપદંડ સેટ કર્યા હતા જેમાં ભારત માટે સૌપ્રથમ બેવડી સદી અને 3000 રન તથા 12 સદી આ તમામ રેકૉર્ડ એ સમયે તેમના નામે હતા.
1962માં નિવૃત્ત થયા બાદ તેઓ પસંદગીકાર, ટીમ મૅનેજર અને અંતે ભારતીય ક્રિકેટ બોર્ડના સૌપ્રથમ એક્ઝિક્યુટિવ સેક્રેટરી બન્યા હતા.
આ ઉપરાંત મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમના નિર્માણમાં તથા નેશનલ ક્રિકેટ અકાદમીની રચનામાં પણ તેમની ભૂમિકા રહી હતી.
પોલી ઉમરીગર ભારત માટે 59 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે 3631 રન, 12 સદી તથા 14 અડધી સદી ફટકારી હતી, તો મુંબઈ, પારસી ટીમ, ગુજરાત તથા સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 243 મૅચ રમીને 16155 રન કર્યા હતા.
બૉલિંગમાં પણ તેઓ એટલા જ ઉપયોગી હતી જે ટેસ્ટમાં તેમની 35 વિકેટ તથા ફર્સ્ટ ક્લાસમાં 325 વિકેટના આંક પુરવાર કરી દે છે.














