બ્લૅક નેપોલિયન : એ યોદ્ધા જેમણે અમેરિકાની ધરતી પર ગુલામોને મુક્ત કરાવ્યા

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
- લેેખક, એડિસન વેઈગા
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
તેમણે 18મી સદીથી 19મી સદીના વળાંક પર એક અદભૂત સિદ્ધિ હાંસલ કરી હતી. આફ્રિકન ગુલામના એ દીકરાએ એક ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું, જેને કારણે ક્ષેત્રના તમામ ગુલામોને મુક્ત કરવામાં આવ્યા હતા. તે અમેરિકામાંની આવી પહેલી ઘટના હતી.
આ પ્રક્રિયા ઉપનિવેશની સ્વતંત્રતા સાથે પૂર્ણ થઈ હતી અને તે કોલોની લેટિન અમેરિકામાંનો પહેલો સ્વતંત્ર દેશ બની હતી.
આ ટૂસેન્ટ લુવર્ચર (1743-1803)ની કથા છે.
તેઓ કથિત હાઈટિયન ક્રાંતિના મુખ્ય નેતા હતા અને બાદમાં સેન્ટ-ડોમિગ્યુના ગવર્નર બન્યા હતા. એ ફ્રેન્ચ કોલોની હતી, જેને સ્વાતંત્ર્ય બાદ હૈતી કહેવામાં આવે છે.
ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન સમગ્ર ક્ષેત્રમાં ગુલામ શાસન સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું.
ગુલામોનો વિદ્રોહ 1791ની 22 ઑગસ્ટે શરૂ થયો હતો.
તેમણે ખુદને આઝાદ કર્યા હતા અને ધીમે-ધીમે તેમને મેસ્ટિજોસ, ફ્રેન્ચ, સ્પેનિશ, બ્રિટિશ અને દ્વીપના અન્ય નિવાસીઓનું સમર્થન મળવાનું શરૂ થયું હતું.
ક્રાંતિકારીઓએ એક વ્યૂહરચના અનુસાર શેરડીના સંખ્યાબંધ ખેતરોમાં આગ ચાંપી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રાચીન રોમમાં સ્પાર્ટાક્સ (ઈસવી પૂર્વે 109થી ઈસવી પૂર્વે 71)ના નેતૃત્વ હેઠળના નિષ્ફળ વિદ્રોહ પછી હાઈટિયન મુક્તિ આંદોલનને સૌથી મોટી ગુલામ ક્રાંતિ માનવામાં આવે છે.
આ ક્રાંતિને લીધે અન્ય અમેરિકન ઉપનિવેશોના ગુલામ ઉમરાવ વર્ગ અને યુરોપિયન વસાહતી મહાનગરો બંનેમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
લુવર્ચર સંઘર્ષની શરૂઆતથી જ એક નેતા તરીકે ઊભરી આવ્યા હતા. તેઓ પ્રભાવશાળી અને બળવાખોરોનું નેતૃત્વ કરવાનું કૌશલ્ય ધરાવતા હતા.
તેઓ ઘણું બધું જાણતા હતા. 1789ની ક્રાંતિ પછી જટિલ ઐતિહાસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા ફ્રાન્સ શું થઈ શકે એ જાણતા હતા અને સમજતા હતા કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની તે શ્રેષ્ઠ ક્ષણ છે.
ફ્રેન્ચ રાજકારણી અને લેખક ફ્રાંસ્વા-રેને ડી ચૅટોબ્રિઆન્ડે 1848માં પ્રકાશિત પોતાની સ્મૃતિકથા ‘મેમ્વાર્સ ફ્રૉમ બિયૉન્ડ ધ ગ્રેવ’માં લુવર્ચરને “બ્લેક નેપોલિયન” ઉપનામ આપ્યું હતું.
આ પુસ્તકમાં ફ્રાંસ્વાએ 1833માં લખેલા એક પત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ફ્રાંસ્વાએ લુવર્ચરનો ઉલ્લેખ “શ્વેત નેપોલિયન દ્વારા હણી કાઢવામાં આવેલા અશ્વેત નેપોલિયન” તરીકે કર્યો હતો.
ફ્રેન્ચ ઇતિહાસકાર જીન-લુઈ ડોનાડિયૂએ લોવર્ચર વિશે એક પુસ્તક લખ્યું હતું. ડોનાડિયૂએ જ્યૂન અફ્રીક મીડિયાના જણાવ્યું હતું કે આ સમાનતાના મૂળ એ હકીકતમાં છે કે "બન્ને વ્યક્તિ મહત્ત્વાકાંક્ષી તથા તકવાદી છે" અને "બોનાપાર્ટ નેપોલિયન ખુદને આજીવન સર્વોપરિ સત્તાધારી જાહેર કર્યા એ પહેલાં ટૂસેંટે ખુદને આજીવન ગવર્નર જાહેર કર્યા હતા."
સફળ ક્રાંતિ

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
ઇતિહાસકાર સીએલઆર જેમ્સે તેમના પુસ્તક ‘ધ બ્લૅક જેકોબિન્સ’ (1938)માં લખ્યું છે, "ટૂસેંટ લુવર્ચનર એક નાનકડી, વિશેષાધિકાર પ્રાપ્ત જ્ઞાતિના હતા."
"તેમના પિતા એક નાના આફ્રિકન સરદારના પુત્ર હતા. તેમના પિતાને યુદ્ધમાં પકડીને ગુલામ તરીકે વેંચી નાખવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ તેમને ખરીદ્યા હતા. એ વ્યક્તિએ પારખી લીધું હતું કે તેમનો આ અશ્વેત ગુલામ અસામાન્ય વ્યક્તિ છે. તેમણે તેમને થોડી સ્વતંત્રતા અને એક ભૂખંડ પર ખેતી કરવા માટે પાંચ ગુલામોના ઉપયોગની છૂટ આપી હતી. તેઓ કેથલિક બન્યા હતા. એક સુંદર તથા સુશીલ મહિલાને પરણ્યા હતા અને તેમનાં આઠ સંતાનોમાં ટૂસેંટ સૌથી મોટા હતા," એમ જેમ્સે જણાવ્યું છે.
તેમનો જન્મ ફ્રાંસ્વા ડૉમિનિક ટૂસેંટ નામે થયો હતો અને વર્ષો બાદ તેમાં લુવર્ચન અટક ઉમેરવામાં આવી હતી.
અમેરિકામાંના આફ્રિકન અમેરિકન ઇતિહાસ તથા સંસ્કૃતિના રાષ્ટ્રીય સંગ્રહાલયના જણાવ્યા મુજબ, તેમને 1776માં ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ગુલામોની મહેનત વડે કોફીની ખેતી કરીને તેઓ થોડા પૈસા કમાયા હતા.
સેન્ટ-ડૉમિન્ગ્યુની ગુલામ વસ્તીમાં 1791માં ક્રાંતિ સર્જાઈ હતી. લુવર્ચર પ્રારંભે ગુલામી નાબૂદ કરવાની વિરુદ્ધમાં હતા, પરંતુ બાદમાં તેમણે વિચાર બદલ્યો હતો અને ફ્રેન્ચ સામેની ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું.
સાઓ પાઉલો યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ઍલેક્ઝાન્ડ્રે માર્કસી સમજાવે છે, "હૈતીની ક્રાંતિ સફળ રહી હતી તે નોંધવું જરૂરી છે. તે એટલી સફળ થઈ હતી કે પહેલાં અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ થઈ હતી અને હૈતીને સ્વતંત્રતાની ખાતરી મળી હતી. અમેરિકાના તમામ ગુલામ માલિકો માટે હૈતી એક વાસ્તવિક દુઃસ્વપ્ન બની ગયું હતું. એ અમેરિકનોને ડર હતો કે બ્રાઝિલ અથવા દક્ષિણ અમેરિકામાં પણ આવી ક્રાંતિ થઈ શકે છે."
તેમના મતે, આ ડરને લીધે "હૈતી શ્રેણીબદ્ધ આંતરરાષ્ટ્રીય બહિષ્કારનો ભોગ બન્યું હતું અને એ કારણે યુદ્ધ પછી હૈતીને આર્થિક રીતે ફરી બેઠું થવામાં અવરોધ સર્જાયો હતો. આ સંદર્ભમાં હૈતીની આર્થિક મુશ્કેલી વધારે સારી રીતે સમજી શકાય."
એ સમયની સૌથી મોટી પશ્ચિમી સેનાઓ સામે બાથ ભીડી

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
બ્રાઝિલની મૅકેન્ઝી પ્રેસ્બીટેરિયન યુનિવર્સિટીના પ્રોફેસર, ઇતિહાસકાર અને સમાજશાસ્ત્રી વેસ્લી સેન્ટાનાએ કહ્યું હતું, "ક્રાંતિની પ્રક્રિયા સફળ હતી. 1794માંં ફ્રાન્સે ફ્રેન્ચ ક્રાંતિ પછીના સમયગાળામાં તમામ પ્રદેશોમાંથી ગુલામી નાબૂદ કરી હતી, પરંતુ એ થયું ત્યારે હૈતીમાં અશ્વેત કામદારો પહેલેથી જ મુક્ત હતા અને તેમને લુવર્ચરના નેતૃત્વ હેઠળ જ મુક્તિ મળી હતી."
તેમણે ઉમેર્યું હતું, "1793-94ની વચ્ચે બધા મુક્ત થઈ ગયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો ફ્રેન્ચ મેટ્રોપોલિસે એવું કહેવાની જરૂર ન હતી કે ગુલામી સમાપ્ત થઈ ગઈ છે. લુવર્ચર એ પહેલાં ગુલામીને સમાપ્ત કરી શક્યા હતા."
વેસ્લી સેન્ટાનાના જણાવ્યા મુજબ, હૈતીને સ્વતંત્રતા 1804માં એટલે કે લુવર્ચરના મૃત્યુ પછી મળી હતી. આ સમગ્ર પ્રક્રિયા તેમના નેતૃત્વ હેઠળની એક ક્રાંતિકારી ક્ષણ હતી.
તેમણે "ફ્રાન્સ સરકારના નિયંત્રણમાંથી અલગ થવા ઇચ્છતા સ્થાનિક અગ્રણી શ્વેત લોકો"ની મદદ પણ લીધી હતી.
ફેડરલ યુનિવર્સિટી ઑફ પરાનાના પ્રોફેસર, ઇતિહાસકાર લુઈઝ ગેરાલ્ડો સિલ્વાએ કહ્યુ હતું, "એ ઘટનાઓને અર્થ, તે જેમના જીવનકાળમાં બની હતી તે લોકો માટે શું હતો એ સમજવામાં પાછળ ફરીને જોવું મદદરૂપ થતું નથી."
તેમણે ઉમેર્યું હતું, "ક્રાંતિ વિજયી, સફળ હતી. તેમણે એ સમયની સૌથી મોટી પશ્ચિમી, ફ્રેન્ચ-બ્રિટીશ સેનાઓનો સામનો કર્યો હતો."
સિલ્વાના જણાવ્યા અનુસાર, ફ્રાન્સે "હિસ્પાનિયોલાના પ્રાચીન ટાપુના પશ્ચિમ ભાગમાંના મેટ્રોપોલિસ પર સત્તા પ્રાપ્ત કરવાના તમામ પ્રયાસ" કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
તેમના કહેવા મુજબ, ગુલામી અને ગુલામોનો વેપાર ફરી શરૂ કરવાના નિષ્ફળ પ્રયાસ પણ થયા હતા.
"શક્તિશાળી ફ્રેન્ચ સૈન્ય અશ્વેતો સામે, મેલેરિયા સામે, કોલેરા સામે અને કેરેબિયનની ગૂંગળાવતી ગરમી સામે હારી ગયું હતું."
આજ સુધી ભોગવે છે પરિણામ
તેમણે સંદર્ભ આપતાં કહ્યું હતું, "હૈતી આજે પણ ગરીબ અને અવિકસિત છે તેનું કારણ ક્રાંતિ પછીનો ગેરવહીવટ, સત્તામાં અચાનક ફેરબદલ, લડવૈયાઓની અનિયંત્રિત વૃદ્ધિ, સંગઠિત અપરાધ, પશ્ચિમી પૂર્વગ્રહો અને જાતિવાદ છે. આ બધાને લીધે હૈતી ક્યારેય વિશ્વાસસભર બન્યું નથી."
તેમણે કહ્યું હતું, "હૈતીની વર્તમાન પરિસ્થિતિને મૂડીવાદી વિકાસની ક્રૂર અસામનતા સાથે પણ સંબંધ છે."
સિલ્વા ભારપૂર્વક માને છે, "નવી દુનિયામાં અમેરિકા પછી જાન્યુઆરી, 1804માં બીજા બંધારણીય પ્રજાસત્તાક તરીકે સ્થાપિત થયેલા હૈતીની તાકાત તથા મહત્ત્વને હૈતીના અર્થતંત્ર તથા સમાજનું આજે થયેલું પતન ઝાંખુ પાડી શકે તેમ નથી. હૈતી વિશ્વનું પ્રથમ અને કદાચ એકમાત્ર પ્રજાસત્તાક હતું, જેમાં તમામ નાગરિકોને અશ્વેત ગણવામાં આવતા હતા."
વિશ્વના મોટા ભાગના દેશો અશ્વેત લોકોને નાગરિક સુદ્ધાં ગણતા ન હતા એ સમયે આ થયું હતું.
પ્રોફેસર અને સમાજશાસ્ત્રી પાઉલો નિકોલી રામીરેઝના કહેવા મુજબ, ક્રાંતિની સફળતાની બે બાજુ છે.
તેમણે દલીલ કરી હતી કે "અશ્વેત ચળવળના દૃષ્ટિકોણથી ક્રાંતિ તથા લુવર્ચર બન્ને ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને પ્રતીકાત્મક બાબતો છે. તેથી તે ફ્રેન્ચ, સ્પેનિશ અને અંગ્રેજોના તમામ પ્રકારના આક્રમણ અથવા સત્તા જાળવી રાખવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકી હતી. પ્રતિરોધની દૃષ્ટિએ તે એક સફળતા હતી."
"અલબત, તે ભૂતપૂર્વ અશ્વેત ગુલામોની ક્રાંતિ હોવાને કારણે પૂર્વગ્રહો પ્રબળ છે અને આજે પણ તે પ્રવર્તે છે. તેના લીધે હૈતી માત્ર ભોગૌલિક રીતે જ નહીં, પરંતુ આર્થિક તથા રાજકીય રીતે પણ એકલું પડી ગયું છે. આ કારણે અસંખ્ય સામાજિક સમસ્યાઓ સર્જાઈ છે," એમ તેમણે ઉમેર્યું હતું.
ક્રાંતિ થઈ ત્યારે "હૈતી અન્ય દેશો માટે ચેતવણીનો સંકેત બની ગયું હતું," એમ જણાવતાં તેમણે કહ્યું હતું, "આ નિયમ સમગ્ર ખંડને લાગુ પડે છે. તે છેક તળિયેથી ઉપર સુધીની ક્રાંતિ હતી. આજે પણ હૈતીમાં રોકાણ કરવામાં બહુ ઓછા દેશોને રસ છે, કારણ કે અસંખ્ય સમસ્યાઓ છતાં હૈતી પર જેમનું પ્રભુત્વ છે તે બધા લોકો અશ્વેત, આફ્રિકન મૂળના છે."
એક રીતે તેઓ લુવર્ચરના વારસદારો છે.
સ્વતંત્રતાનું પ્રતીક

ઇમેજ સ્રોત, PUBLIC DOMAIN
માર્ક્યુસીએ નોંધ્યું હતું કે લુવર્ચર "માત્ર હૈતીમાં જ નહીં, પરંતુ સમગ્ર અમેરિકા તથા આફ્રિકામાં પણ સ્વાતંત્ર્યનું અને ગુલામીની નાબૂદીનું પ્રતીક બની ગયા છે."
તેમને કહેવા મુજબ, "સંસ્થાનવાદ સામેના સંઘર્ષના સમયગાળામાં, વીસમી સદીની મધ્યમાં તેમને એક એવા અશ્વેત નેતા તરીકે યાદ કરવામાં આવતા હતા, જેમણે અન્ય દેશોમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રેરણા બન્યા હતા."
"આ બધું તેમની પ્રતિભાની આસપાસની દંતકથાનો એક હિસ્સો હતું," એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું, "તેનું વધારે પડતું ગૌરવગાન ન કરવું મહત્ત્વનું છે. તેમણે એક એવા હૈતીની કલ્પના કરી હતી, જેમાં કોઈ ગુલામી નહીં હોય, પરંતુ તેમનો રાજકીય અભિગમ દેશના જમીન માલિક વર્ગના હિતોને અનુકૂળ હતો. આ હકીકતમાં એક એવું પરિબળ હતું, જેને લીધે ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન તેઓ ભદ્ર વર્ગ સાથેનો સંબંધ જાળવી શકયા હતા."
તેનું એક ઉદાહરણ એ છે કે હૈતીમાં તેમણે કૃષિ સુધારાનું ઘડતર કર્યું હતું, પરંતુ તેનો અમલ થયો ન હતો.
તેમના કહેવા મુજબ, "તેમાં જમીનની માલિકી મોટા જમીનદારોની પાસે જ રહેવાની હતી અને મોટા ભાગની વસ્તી પગારદાર કામદાર તરીકે કામ કરવાની હતી."
"હૈતીની સંપત્તિ તથા આર્થિક વિકાસનો મોટો આધાર મોટા પ્રમાણમાં કૃષિ નિકાસ જાળવી રાખવા પર છે, એવું તેઓ માનતા હતા, પરંતુ આ બાબતને લીધે હૈતીમાં ઘણી સામાજિક અસમાનતાઓને યથાવત રહી છે," એમ તેમણે કહ્યું હતું.
તત્કાલીન ફ્રેન્ચ કોન્સલ નેપોલિયન બોનાપાર્ટ (1769-1821)એ તેમના સાળા જનરલ ચાર્લ્સ લેક્લેર્ક (1772-1802)ને 1802માં હિસ્પેનિઓલા ટાપુ પર મોકલ્યા હતા. તેનો હેતુ એ ટાપુને ફરી કબજે કરવાનો અને ગુલામી ફરી શરૂ કરવાનો હતો.
એ વખતે લુવર્ચર સેન્ટ ડોમિંગ્યુના ગવર્નર હતા. જનરલ ચાર્લ્સનો ઇરાદો લુવર્ચરને પદભ્રષ્ટ કરવાનો પણ હતો. તેમણે લુવર્ચર તથા તેમના પરિવારની ધરપકડ કરી હતી અને તેમને ફ્રાન્સ મોકલી આપ્યા હતા.
ન્યૂમોનિયાને કારણે 1803ની સાતમી એપ્રિલે લુવર્ચરનું જેલમાં મૃત્યુ થયું હતું.
‘અમેરિકામાં રાજકીય ક્રાંતિનો મહાન સંદર્ભ’
કેરેબિયનમાં લુવર્ચરના અનુયાયીઓએ ફ્રેન્ચ સામે યુદ્ધ ચાલુ રાખ્યું હતું. અનેક હાર અને જાનહાનિ પછી એ જ વર્ષના અંતમાં યુરોપિયન સૈનિકોએ પીછેહઠ કરી હતી.
1804ની પહેલી જાન્યુઆરીએ હૈતી એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. જોકે, ફ્રાન્સે તેને 21 વર્ષ પછી સ્વીકૃતિ આપી હતી.
ઇતિહાસકાર સેન્ટાનાના કહેવા મુજબ, લુવર્ચરે ઇતિહાસમાં હૈતીને "અમેરિકામાં રાજકીય ક્રાંતિના મહાન સંદર્ભ" તરીકે સ્થાન અપાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, "લુવર્ચર એક બહુ જ મહત્ત્વપૂર્ણ રાજકીય નેતા બની ગયા હતા. તેમણે અનેક આંદોલનોને પ્રોત્સાહિત તથા પ્રભાવિત કર્યાં હતાં."
"લુવર્ચરને તેમના નેતૃત્વ, લોકોને સંગઠિત કરવાની તથા લડવાની ક્ષમતા અને તેમની બહાદુરી માટે યાદ કરવામાં આવે છે."
રામિરેઝે ભારપૂર્વક કહ્યું હતું, "તેમનું વ્યક્તિત્વ હૈતીમાં આજે પણ પ્રતિરોધના પ્રતીક, એક રાષ્ટ્રીય પ્રતીક સ્વરૂપે ગૂંજે છે."
જોકે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લુવર્ચર એકમાત્ર સેનાની ન હતી. ક્રાંતિમાં અન્ય નાયકો પણ હતા.
સિલ્વાએ કહ્યું હતું, “માત્ર તેઓ જ નહીં, પરંતુ ઓગે, રેમંડ, ક્રિસ્ટોફ, ડેસલિન અને પેટિયન તેમજ ગુલામોના નેતાઓ આજે પણ હૈતીમાં પૂજનીય ગણાય છે. આજના હૈતીમાં આ લોકોની પ્રતીમાઓ, પેન્ટિંગ અને વિવિધ સ્વરૂપે અપાયેલી શ્રદ્ધાંજલિ જોવા મળે છે. હૈતીની ક્રાંતિની શક્તિ તથા અર્થને પશ્ચિમના દેશો આજે પણ સમજતા નથી. ધ્યાનમાં પણ લેતા નથી."
તેમણે ઉમેર્યું હતું, "સમાજમાં સામાજિક તણાવ હોવા છતાં, આ સ્મૃતિ હૈતીના નાગરિકો માટે ગર્વનો સ્રોત છે."
ઇતિહાસકાર માને છે કે લુવર્ચરને "અમેરિકામાં સૌથી મહાન અશ્વેત ક્રાંતિકારી તરીકે પ્રસ્તુત કરવાથી, તે વ્યક્તિ અને સમાજને સમજવામાં મદદ થવાની સરખામણીએ વધારે સમસ્યાઓ સર્જાય છે."
તેમના મતાનુસાર, આ ક્રાંતિકારી કોઈ પણ અન્ય માણસની માફક આપણા જેવી વ્યક્તિ હતા. તેમને પણ આપણા જેવી શંકાઓ, ચિંતા, ખુશી અને દ્વિધાઓ હતી.
માર્ક્યુસીએ હૈતીની ક્રાંતિની સફળતા પરના લુવર્ચરના પ્રભાવને પણ સાપેક્ષ બનાવ્યો હતો. તે લશ્કરી અને રાજદ્વારી નેતા તરીકેની તેમની વ્યક્તિગત ભૂમિકા ઉપરાંતનાં અનેક પરિબળોને કારણે સફળ થયું હતું.
ઇતિહાસકારે કહ્યું હતું, "અગાઉ ગુલામ હોય તેવા લડવૈયાઓના ઘણા નેતાઓ પણ હતા. તેમણે વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, પરંતુ સત્તાવાર સ્મૃતિમાં તેઓ પાછળ ધકેલાઈ ગયા હતા."
(બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












