ભારતના અફીણને લીધે લડાયેલા યુદ્ધમાં જ્યારે ચીને હોંગકોંગ ‘ગુમાવવું પડ્યું’

અફીણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

અમુક દિવસ પહેલાં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી હૉસ્ટેલ કૅમ્પસમાં કથિતપણે ગાંજાના છોડ મળી આવતાં વિવાદ સર્જાયો હતો.

વિપક્ષ દ્વારા આને ‘સુરક્ષા એજન્સીઓની બેદરકારીને ખુલ્લી પાડતી’ ઘટના ગણાવાઈ હતી, જ્યારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘટનાની વધુ તપાસની વાત કરી હતી.

નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા અમુક સમયમાં ઘણી વખત નશાકારક દ્રવ્યોનો ભારે જથ્થો પકડાયાની ઘટનાઓ સામે આવી છે.

હવે જ્યારે ગુજરાતમાં ગેરકાયદેસર નશાકારક દ્રવ્યોની કથિત હાજરી સામે આવી રહી છે, ત્યારે ભારતના ભૂતકાળ સાથે સંકળાયેલા આવા જ એક નશાકારક દ્રવ્યના ‘ધીકતા વેપાર’ની વાત પ્રાસંગિક લાગે એ વાજબી છે.

વાત છે કંપની સામ્રાજ્ય વખતે ભારતમાં તૈયાર થયેલા અફીણની ચીનમાં થતી દાણચોરી અને તેના કારણે સર્જાયેલા સંજોગોની જે ભારત સહિત ચીનમાં વિદેશી હકૂમત-વેપારનાં મૂળિયાં વધુ ઊંડે પહોંચાડવામાં નિમિત્તરૂપ બન્યા.

આ કહાણી ‘વૈશ્વિક સત્તાનાં હઠ, અહંકાર’નો ભોગ બનેલા ભારત અને ચીનના લોકોની અપાર વેદનાની છે, જેમના પર અફીણના નશા અને વેપારનો ભાર લાદી દેવાયો. ‘મરજી વિરુદ્ધ’ લદાયેલા આ નશાની બેડીઓ તોડવા જ્યારે દેશના શાસને કમર કસી ત્યારે વિશ્વની મહાસત્તાના ક્રોધનો ભોગ બની બબ્બે વિનાશકારક યુદ્ધોનો સામનો કરવાનો વારો આવ્યો.

બ્રિટન સહિત પશ્ચિમના દેશો સાથે અફીણની ‘દાણચોરી અને વેપાર’ને લઈને થયેલી ખટપટોનો અંત ચીનમાં ‘વિગ્રહો’ સ્વરૂપે આવ્યો. જે તેના કારણને લઈને ‘અફીણ વિગ્રહો’ તરીકે ઓળખાયા. પરંતુ ચીન માટે આ સંઘર્ષનો અંત સુખદ રહેવાનો નહોતો.

દાયકાઓ સુધી ચાલેલા આ વેપારમાં ન માત્ર ચીને સામાજિક-આર્થિક મૂલ્ય ચૂકવવું પડ્યું પરંતુ યુદ્ધમાં નાલેશીભર્યા પરાજયો બાદ વિદેશી સત્તાના હાથમાં ક્ષેત્રો અને વેપારની ધુરા સોંપી દેવાં પડ્યાં.

ગ્રે લાઇન

બ્રિટન-ચીન વચ્ચે વેપારતુલાનું અસંતુલન

ગંગા તટપ્રદેશમાં આવેલી ફેકટરીઓમાં અફીણ તૈયાર કરાતું

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE

ઇમેજ કૅપ્શન, ગંગા તટપ્રદેશમાં આવેલી ફેકટરીઓમાં અફીણ તૈયાર કરાતું

યુનાઇટેડ કિંગડમની નેશનલ આર્કાઇવ્સની વેબસાઇટ પર અપાયેલી માહિતી મુજબ 18મી સદી દરમિયાન અને 19મી સદીની શરૂઆતમાં એ સમયની ‘મહાસત્તા’ બ્રિટન ચીન સાથેના વેપારમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું.

બ્રિટન ચીન પાસેથી જેટલો માલ ખરીદતું તેના કરતાં ખૂબ ઓછો વેચી શકતું. આમ, બંને દેશો વચ્ચે વેપારતુલામાં અસંતુલન જોવા મળી રહ્યું હતું.

ચીનના રેશમ, ચિનાઈ માટી અને ખાસ કરીને ચાની બ્રિટન સહિત પશ્ચિમના દેશોમાં ભારે માગ હતી. જોકે, ચીનમાં વિદેશના કોઈ માલની ખાસ માગ નહોતી. ચીનના વેપારીઓ બ્રિટન પાસેથી માલ ખરીદવા ઇચ્છતા નહોતા. આ અસંતુલનના પરિણામે બ્રિટને ચીનની લોકપ્રિય વસ્તુઓ આયાત કરવા માટે ચાંદીમાં ચુકવણી કરવી પડતી. આના કારણે સામ્રાજ્ય સામે ચાંદીની સંભવિત અછતનો ભય ઊભો થયો હતો.

વેપારતુલાના અસંતુલન માટે બ્રિટન પાસે રહેલ સમાધાનનું નામ હતું અફીણ.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહીં જણાવી દઈએ કે અફીણ એ ઓપિયમ પોપ્પી નામના એક પુષ્પવાળા છોડમાંથી મેળવાતો નશીલો પદાર્થ છે.

વેપારતુલાના અસંતુલનને સુધારવાની તક ભાળી બ્રિટને ચીનમાં અફીણ પહોંચાડવા માટે પોતાની ભારતીય વસાહતોમાં તેની ખેતી શરૂ કરાવી.

18મી સદી સુધી વિદેશી વેપારીઓ તેમાં પણ ખાસ કરીને બ્રિટિશ ભારતમાંથી ચીનમાં ગેરકાયદેસર રીતે અફીણ પહોંચાડતા. પરંતુ વર્ષ 1820માં આ ગેરકાયદેસર વેપારમાં વ્યાપક વધારો નોંધાયો.

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આ ઉદ્યોગ પર ઇજારો ધરાવતી હતી.

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ લિખિત પુસ્તક ‘ગ્લિમ્પસિસ ઑફ વર્લ્ડ હિસ્ટ્રી’માં નોંધાયું છે એ પ્રમાણે ડચ લોકો તમાકુ સાથે ભેળવીને મલેરિયાથી બચાવ માટે અફીણ લેતા, પરંતુ ચીનમાં અફીણ લેવાની આ પ્રવૃત્તિ ઘાતક નીવડી.

નોંધ પ્રમાણે ડચ લોકો મારફતે જ ચીનમાં અફીણ પહોંચ્યું હતું. પરંતુ એ એટલા માટે વધુ ખતરનાક સાબિત થયું કારણ કે ચીનમાં તેને અન્ય દ્રવ્ય સાથે ભેળવીને લેવાને સ્થાને ત્યાંના લોકો કોઈ પણ ભેળસેળ વગરનું અફીણ લેવા માંડ્યા.

ચીનની સરકાર નાગરિકો પર થતી આ દ્રવ્યની નકારાત્મક અસરો દૂર કરવા માટે આ ગેરકાયદેસર વેપારનો અંત લાવવા કૃતનિશ્ચય હતી. સાથે જ સરકારને વેપારને કારણે દેશમાંથી વિદેશમાં વહી જઈ રહેલાં નાણાકીય સંશાધનોનો ધોધ પણ અટકાવવાનો હતો.

વર્ષ 1800માં ચીનની સરકારે કોઈ પણ કારણોસર અફીણની આયાત રોકવાનો હુકમ બહાર પાડ્યો. પરંતુ આ વેપાર વિદેશીઓ માટે ખૂબ જ ફાયદાનો સોદો હતો. વેપારીઓએ યેનકેન પ્રકારેણ ચીનમાં અફીણ મોકલવાનું ચાલુ રાખ્યું.

હુકમની અમલવારી વધુ કડક બનાવવાના આશયથી સરકારે તેના અધિકારીઓને વિદેશી વેપારીઓ સાથે કોઈ પણ કારણસર ન મળવાનો નિયમ કર્યો. તેમજ વિદેશીઓને ચાઇનીઝ ભાષા શીખવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. આવું કરનાર પર ભારે દંડ લાદવાની જોગવાઈ કરાઈ.

પરંતુ આ તમામ પ્રયાસો પૂરતા સાબિત થઈ રહ્યા નહોતા.

પુસ્તકમાં થયેલી નોંધ અનુસાર આ તમામ નિયંત્રણો છતાં વ્યાપક ભ્રષ્ટાચારને પગલે અફીણનો વેપાર ફૂલીફાલી રહ્યો હતો.

ગ્રે લાઇન

ચીનમાં પ્રસર્યું વ્યસન

બીજા અફીણ વિગ્રહ દરમિયાન બેઇજિંગ નજીક બ્રિટિશ અને ટારટર દળો વચ્ચે થયેલું યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજા અફીણ વિગ્રહ દરમિયાન બેઇજિંગ નજીક બ્રિટિશ અને ટારટર દળો વચ્ચે થયેલું યુદ્ધ

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આ દરમિયાન ચીન આ ‘ભારે નશાકારક’ દ્રવ્યના દૂષણ સામે ઝઝૂમી રહ્યું હતું.

સંશોધકોના મતે અફીણનું વ્યસન ચાઇનીઝ સમાજમાં છેક ‘સપાટી સુધી પહોંચી ગયું હતું.’

ચીનના ભદ્ર અને શિક્ષિત વર્ગે વ્યસનનું પરિષ્કરણ કરવાનું કાર્ય કર્યું. જેના કારણે આ દ્રવ્ય સમાજમાં સ્વીકૃત બન્યું અને દેશમાં એક બહોળા વર્ગે તેનો સ્વીકાર કર્યો.

પરંતુ આ વ્યસનની સાથોસાથ ચાઇનીઝ સમાજમાં સામાજિક અને આર્થિક કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું.

વિદેશી તાકતોનાં હિતો સહિત સ્થાનિક શાસનની આ વેપારને ડામવા બાબતે રહેલી નિષ્ફળતા પણ દેશમાં ચારેકોર આ દ્રવ્યના પગપેસારાનું કારણ બની.

જ્યારે 1834માં બ્રિટિશ સરકારે આ વેપાર પરનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇજારો ખતમ કરી તેને અન્ય વેપારીઓ માટે ખુલ્લો મૂક્યો ત્યારે પરિસ્થિતિ વધુ વણસી. એકાએક અફીણની દાણચોરીની પ્રવૃત્તિમાં તેજી જોવા મળી.

આખરે સરકારે આ ‘બદી’ને ડામવા અંતિમ પગલારૂપે સરકારી આદેશોની અમલવારી માટે લીન ત્સેહ્સી નામના સ્પેશિયલ કમિશનરની નિમણૂક કરી.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં આ વિશે લખાયેલા એક લેખમાં ચીનની સરકારના નિર્ણય અંગે અન્ય કારણ અપાયું છે.

અહેવાલ મુજબ એ સમયે ચીનમાં અફીણનો વેપાર ગેરકાયદેસર હોવા છતાં દેશમાં દ્રવ્યના વેપારમાં વૃદ્ધિ જોવા મળી રહી હતી. પરંતુ એક દિવસ ચીનના કિંગ શાસકના ધ્યાને આવ્યું કે તેમનો પુત્ર અફીણ લે છે. બસ, આ ઘટના નિયમોની કડક અમલવારીનું નિમિત્ત બની હોવાનું કહેવાય છે.

ઉપરોક્ત તમામ કારણો અફીણના વેપારને લઈને ચીન અને બ્રિટન વચ્ચેના સંઘર્ષમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનાં હતાં.

બીબીસી ગુજરાતી

અફીણ વિગ્રહો

અફીણની દાણચોરી અને વ્યસનની ચીન પર વિનાશક અસર પડી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફીણની દાણચોરી અને વ્યસનની ચીન પર વિનાશક અસર પડી હતી

નવા નિમાયેલા કમિશનરે દેશમાં અફીણ આવતું અટકાવવા કડક પગલાં લેવાનું શરૂ કર્યું. વર્ષ 1839માં તેમણે વિદેશી જહાજો પરથી ગેરકાયદેસર અફીણનો મોટો જથ્થો પકડી પાડ્યો અને તમામનો દરિયામાં નિકાલ કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ કાર્યવાહીમાં કમિશનરે અફીણના 21 હજાર ડબ્બાનો નાશ કર્યો હતો.

બાદમાં લીન ત્સેહ્સીએ નિયમ કર્યો કે જે વેપારી પોતે પોતાની પાસે કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર સામાન ન હોવાની બાંયધરી આપશે તેમને જ ચીનમાં પ્રવેશવાની મંજૂરી અપાશે.

પરંતુ ચીનમાં બ્રિટનના વેપાર અધીક્ષક ચાર્લ્સ એલિયટે આ નિયમ ન અનુસરવાનો હુકમ કર્યો.

આ દરમિયાન થયેલા અન્ય બનાવોએ બંને દેશો વચ્ચેનો તણાવ વધુ ઘેરો બનાવ્યો.

બ્રિટિશ મર્ચન્ટ નાવિકો પર આ સમયગાળા દરમિયાન એક ગ્રામવાસી લીન વેક્સીની હત્યાનો આરોપ થયો. એલિયટે આ નાવિકોની ધરપકડના આદેશ આપ્યા પરંતુ તેમને ચીનના સત્તાધીશોને સોંપવાની ના પાડી દીધી.

આ ઘટનાના પ્રતિશોધ તરીકે લીને બ્રિટિશરો રહેતા એ સ્થળે એટલે કે મકાઉમાં અવરોધકો મૂકવાનો હુકમ કર્યો. લીનની યોજના હતી કે આવું કરવાથી બ્રિટિશરો એકલા પડી જશે અને હોંગકોંગ તરફ જવા મજબૂર બની જશે. આ સિવાય કમિશનર લીને બ્રિટિશરો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ ન ખરીદી શકે એ માટેના પ્રયત્નો સ્વરૂપે નિયંત્રણો લાદ્યાં.

ગેરકાયદેસર ચાલતા અફીણના વેપાર સામે પગલાં લેવાનું ચીનને ભારે પડ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગેરકાયદેસર ચાલતા અફીણના વેપાર સામે પગલાં લેવાનું ચીનને ભારે પડ્યું હતું

આ તમામ પરિસ્થિતિઓના બૅકગ્રાઉન્ડમાં સત્તાવાર રીતે 4 સપ્ટેમ્બર 1839માં પ્રથમ અફીણ વિગ્રહની શરૂઆત થઈ. ચાર્લ્સ એલિયટે અલ્ટિમેટમ આપી દીધું કે જો કોલોન ખાતે બ્રિટિશરોને અનાજના બદલામાં વેપારની પરવાનગી નહીં અપાય તો બ્રિટિશ જહાજો હુમલો કરી દેશે.

થોડા મહિના સુધી ચાલેલા સમાધાનના પ્રયત્નો બાદ આખરે બ્રિટિશરોએ ચીન પર પૂરી તાકત સાથે હુમલો કરી દીધો.

ઈસવીસન 1841માં બ્રિટિશરોએ કેન્ટન પર કબજો કરી લીધો.

વળતી લડતના કેટલાક નોંધપાત્ર પ્રયાસો છતાં બ્રિટિન સાથેના આ યુદ્ધમાં ચીને કારમા પરાજયનું મોઢું જોવું પડ્યું.

નાનકિંગ (હાલના નાનજિંગ) પર કબજો કરાયા બાદ ઑગસ્ટ 1842માં યુદ્ધનો અંત આવ્યો.

બ્રિટિશરો સામે કારમી હારના પરિણામે નાનકિંગની સંધિ થઈ, જે અંતર્ગત ચીનને અફીણના બ્રિટિશ વેપારીઓને વળતર ચૂકવવા માટે મજબૂર થવું પડ્યું. આ સાથે જ ચીનના સત્તાવાળાઓએ યુરોપિયન વેપાર માટે વધુ ચાર બંદરો ખુલ્લાં મૂકવાં પડ્યાં.

ઉપરોક્ત શરતો સિવાય યુદ્ધમાં થયેલી હારના પરિણામે ચીને હોંગકોંગ પ્રદેશને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડવા માટે સંમત થવું પડ્યું. જે બાદમાં અફીણના વેપારનું નવું કેન્દ્ર બનવાનું હતું.

ચીને અફીણના વેપાર સામે લીધેલાં પગલાંના ભાગરૂપે નષ્ટ કરાયેલા અફીણ બદલે વેપારીઓને નુકસાનવળતર ચૂકવવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું.

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટન સામે થયેલા આ પરાજયે અન્ય વિદેશી સત્તાઓ માટે પણ ચીન પર દબાણ સર્જી પોતાને મનફાવે એવી ‘શોષણકારક’ સંધિઓ કરાવવાની તક મળી ગઈ.

યુનાઇટેડ કિંગડમના સરકારી નૅશનલ આર્કાઇવની વેબસાઇટ પરના ઉલ્લેખ અનુસાર બ્રિટન સંધિથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતું. તે ફરી વાર નવી શરતો મંજૂર કરાવવા માગતું હતું. અન્ય શરતો સિવાય બ્રિટન વિદેશવેપાર માટે સમગ્ર ચીન ખુલ્લું મુકાય તેવું ઇચ્છતું હતું.

આ બાબત બીજા અફીણ વિગ્રહનું કારણ બની.

એ સમયે ચીન એક ખૂબ જ ખૂનખાર ગૃહયુદ્ધમાં વ્યસ્ત હતું.

આ સમયગાળા દરમિયાન જ ચીનના એક અતિ ઉત્સાહી યે મિંગચેન નામના અધિકારીએ કેન્ટન ખાતે લાંગરેલા બ્રિટિશ વહાણને કબજે કરી લીધું. આ અધિકારીએ કથિતપણે યુનાઇટેડ કિંગડમનો રાષ્ટ્રધ્વજ નીચે ઉતારી અને જહાજ પરના તમામ ખલાસીઓની ધરપકડ કરી હતી.

નવી શરતો મનાવવા યુદ્ધ માટે ‘તલપાપડ’ યુનાઇટેડ કિંગડમે આ ઘટન બાદ હોંગકોંગથી યુદ્ધ જહાજો મોકલી આપ્યાં અને શહેર પર બૉમ્બમારો શરૂ કરી દીધો.

આ ઘર્ષણમાં એ વર્ષે થોડા સમય પહેલાં એક મિશનરીની હત્યાના બનાવને ટાંકીને ફ્રાન્સે પણ ઝંપલાવ્યું. યુરોપ અને વિશ્વની બે મહાસત્તાઓ આ કપરા સમયે ચીન સાથે જંગે ચડી. ઈસવીસન 1856માં બીજા અફીણ વિગ્રહની શરૂઆત થઈ.

દેખીતી રીતે નબળા જણાઈ રહેલા ચીને ફરી વખત કારમી હારનો સામનો કરવો પડ્યો. વર્ષ 1858માં તિએન્તસિન સંધિ કરાઈ. જેમાં ચીને નુકસાનવળતર સ્વરૂપે વધુ ચુકવણી કરવાનું આવ્યું. આ સિવાય વેપાર માટે વધુ રાહતો, ચીનના અંતરિયાળ વિસ્તારોમાં મીશનરી પ્રવૃત્તિઓ માટેની પરવાનગી અને વિદેશી દૂતો માટે પાટનગર બેઇજિંગના દરવાજા ખોલવા પડ્યા. અને આખાય ચીનમાં અફીણનો વેપાર કાયદેસર બનાવી દેવાયો.

થોડા સમય સુધી યથાસ્થિતિ જળાવાયા બાદ ફરી એક વાર 1860માં ઘર્ષણ શરૂ થયું. આ વખત યુદ્ધ છેક ચીનની રાજધાની બેઇજિંગ સુધી પહોંચી ગયું. બ્રિટિન અને ફ્રાન્સના સંયુક્ત સૈન્યે બેઇજિંગ પર કબજો કરવાની સાથોસાથ ચીનના રાજાના ‘સમર પૅલેસ’ યુઆનમિંગ ગાર્ડનમાં લૂંટ ચલાવી આગચંપી કરી દેવાઈ.

મુશ્કેલ પરિસ્થિતિને કારણે મજબૂર બનેલા ચીની શાસકે ફરી એક વાર નવી સંધિ માટે રાજી થવું પડ્યું. જે બાદ આ વખત બ્રિટનને આ યુદ્ધમાં હોંગકોંગની ઉત્તરે આવેલ વિસ્તાર કોલૂન મળ્યો.

બાદમાં 1898માં ‘કન્વેન્શન ફૉર ઍક્સ્ટેન્શન ઑફ હોંગકોંગ ટેરિટરી’ અંતર્ગત બ્રિટન અને ચીન વચ્ચે એક લીઝ અંગે સંમતી સધાઈ. જે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના હોંગકોંગના વ્યાપ માટેનો અંતિમ પ્રયાસ હતી. આ લીઝ અંતર્ગત 99 વર્ષની કોલૂન સિવાય નવા પ્રદેશો હોંગકોંગ સાથે જોડી દેવાયા.

99 વર્ષ બાદ ચીને આ ક્ષેત્રો પોતાના દેશ સાથે જોડી દેવાની માગણી કરી. હોંગકોંગની મોટા ભાગની વસતિ આ નવાં ક્ષેત્રોમાં રહેતી હતી. અને આ ક્ષેત્રોને ભૌગોલિક રીતે અલગ કરવું અશક્ય હતું. આમ, 1 જુલાઈ, 1997ના રોજ બ્રિટને હોંગકોંગ પરની સત્તા ચીનને હસ્તાંતરિત કરી દીધી. આ ઘટના હોંગકોંગ પર 150 વર્ષનાં બ્રિટિશ શાસનનો અંત હતી.

આજે હોંગકોંગ ચીનનું સ્પેશિયલ ઍડમિનિસ્ટ્રેટિવ રિજન છે.

બીબીસી ગુજરાતી

ભારતમાં અફીણની ખેતી

બીબીસી ગુજરાતી

આમ તો મનુષ્યે અફીણનો ઉપયોગ કરવાની શરૂઆત છ હજાર વર્ષ પહેલાં કરી દીધી હતી. ભારતમાંથી 15 સદીમાં જ અફીણની આયાત થવાનું શરૂ થઈ ગયું હતું.

પરંતુ 18મી સદીમાં જ્યારે બ્રિટિશરોનું સામ્રાજ્ય ભારત પર પ્રસરાતું જઈ રહ્યું હતું એ સમયે આ દ્રવ્યની ખેતી એટલી ફૂલતીફાલતી નહોતી.

ચીનમાં અફીણની દાણચોરીને વેગ મળે એ હેતુથી બ્રિટિશરોએ ભારતમાં દ્રવ્યની ખેતી પર ભાર મૂકવાનું શરૂ કર્યું. ઈસવીસન 1799માં કંપનીએ અફીણ વિભાગ જ શરૂ કરી દીધો. જે પ્રાથમિકપણે અફીણની ખેતી અને દ્રવ્યના વેપાર માટે સમર્પિત હતો. આ વિભાગની આગેવાનીમાં ગંગા તટપ્રદેશોમાં અફીણની ખેતીમાં જોરદાર વધારો થયો.

સમયાંતરે બ્રિટિશરોને અફીણની ખેતી પર ઈજારો મળ્યો, જે કારણે દ્રવ્યની ખેતીમાં આઠ ગણો વધારો નોંધાયો. 1780થી 1880 સુધીનાં વર્ષોમાં ભારતથી ચીન જતા અફીણના જથ્થામાં ભારે વધારો જોવા મળ્યો.

ભારતમાં અફીણની ખેતી તો થતી પરંતુ બ્રિટિશ શાસકોએ સભાનપણે અફીણનું વ્યસન ભારતમાં ન પ્રસરે તેની કાળજી લીધી. તેમનો મૂળ હેતુ તો આ દ્રવ્ય ‘પહેલાંથી અપકૃષ્ટ’ ચાઇનીઝ સમાજ પર લાદવાનો હતો.

કેટલાક ઇતિહાસકારોના મતે અફીણની ખેતી અને ઉદ્યોગે એ સમયે ગ્રામીણ ભારતના અર્થતંત્રની કાયાપલટ કરી દીધી હતી તેમજ તેનાથી ખેડૂતો ખુશ હતા. પરંતુ નવા અભ્યાસ પ્રમાણે આ તમામ ધારણાઓ મર્યાદિત સાબિત થઈ છે.

બીબીસીના એક અહેવાલ અનુસાર ભારત અને ચીન વચ્ચે કંપની અને બ્રિટિશ રાજ વખતે ચાલી રહેલા અફીણ વેપારના દસ્તાવેજોની વિગતવાર છણાવટ કરી સંશોધક ડૉ. રોલ્ફ બોઅરે આ માન્યતાઓની બીજી બાજુ પર પ્રકાશ પાડ્યો હતો.

તેમના સંશોધન અનુસાર ભારતમાં એ સમયે ચાલી રહેલ અફીણનો કારોબાર એ ભારે શોષણનું કારણ હતું. તેમજ આના કારણે ભારતીય ખેડૂતો વધુ પાયમાલ બન્યા.

સંશોધકના મતે “આ દ્રવ્ય ભારે નુકસાન વેઠીને ખેતરોમાં તૈયાર કરાતું. આ ખેડૂતોની સ્થિતિ આ દ્રવ્યની ખેતી વિના વધુ સારી રહી હોત.”

રેડ લાઇન
રેડ લાઇન