અંગ્રજો સામે લડનાર ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈને સુભાષચંદ્ર બોસે જોન ઑફ આર્ક કેમ કહ્યાં હતાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઝાંસીના રાજા ગંગાધર રાવે 1853ની 20 નવેમ્બરે પાંચ વર્ષના બાળક દામોદર રાવને દત્તક લેવા માટે એક સમારંભનું આયોજન કર્યું હતું.
એ સમારંભ માટે તેમણે બ્રિટિશ સરકારને પોલિટિકલ એજન્ટ મેજર એલિસને પણ આમંત્રિત કર્યા હતા. સમારંભ પછી મેજર એલિસે અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું, જેને ત્યાં ઉપસ્થિત લોકો પૈકીના મોટાભાગના સમજી શક્યા ન હતા.
એ ભાષણનું અંતિમ વાક્ય હતું, “યોર હાઇનેસ, બ્રિટિશ સરકાર તમારી વસીયતનો આદર કરે એ માટે હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ.”
બીજા દિવસે સવારે સાડા ચાર વાગ્યે ઝાંસીના સાતમા રાજા ગંગાધર રાવનું અવસાન થયું હતું. તેના લગભગ ચાર મહિના પછી 1854ની 15 માર્ચે 11 વાગ્યાની આસપાસ મેજર એલિસે ઝાંસીના કિલ્લાના દરવાજે પહોંચીને રાણી લક્ષ્મીબાઈને મળવાની વિનંતી કરી હતી.
એ વિનંતીમાં એક વિચિત્ર વાત હતી. મેજર એલિસે રાણીને જણાવ્યું હતું કે એ મુલાકાતમાં તેમના તમામ પ્રધાનો પણ હાજર રહે તો સારું.

ક્રિસ્ટોફર હિબર્ટે તેમના પુસ્તક ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યૂટિની 1857’માં લખ્યું છે, "મેજર એલિસે ગળું ખોંખારીને જણાવ્યું હતું કે તેમને કલકતાથી સંદેશ મળ્યો છે. દામોદર રાવને દત્તક લેવાના ગંગાધર રાવના નિર્ણયનો ભારતના ગવર્નર જનરલે અસ્વીકાર કર્યો છે."
"તેથી બ્રિટિશ સરકારે ઝાંસી રાજ્યનો કબજો પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે. હવે ઝાંસી રાજ્યના નાગરિકો બ્રિટિશ સરકારના શાસનમાં રહેશે અને તેઓ તમામ અપેક્ષિત કર ચૂકવશે."
એ વખતે ત્યાં ઉપસ્થિત એક અનુવાદકે મેજર એલિસના વકતવ્યનો મરાઠીમાં અનુવાદ કર્યો હતો, જેને સાંભળીને રાણી લક્ષ્મીબાઈએ સિંહાસન પરથી ઉઠવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનાં સહાયિકા મંદેરે પોતાનો હાથ રાણીના હાથ પર હળવેથી મૂકીને તેમને રોક્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાણી ફરી આસન પર બેસી ગયાં હતાં. થોડા સમય પછી ખંડમાં તેમણે દૃઢતાપૂર્વક કહ્યું હતું, "મારી ઝાંસી કોઈને નહીં આપું." આ શબ્દો બાદમાં વિખ્યાત બની ગયા હતા.
મેજર એલિસે તેમને ધરપત આપવાનો પ્રયાસ કરતા કહ્યું હતું, "યૉર હાઇનેસ, તમને પૂરતું ધન આપવામાં આવે અને બ્રિટિશ સરકાર તમારી સાથે સારું વર્તન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસ હું કરીશ."
"હું અંગત રીતે આ નિર્ણયની ટીકા કરું છું. આ નિર્ણય તમને જણાવવાનો આદેશ મને આપવામાં આવ્યો છે તેનું મને દુખ છે."
રાણીએ તેમના તમામ પ્રધાનો, સગાસંબંધીઓ તથા સહાયકોને ખંડમાંથી ચાલ્યા જવાનો આદેશ આપ્યો હતો અને ખંડના દરવાજા બંધ કરી દીધા હતા.

અંગ્રેજો સામે લડવાનો રાણીનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
ઝાંસીના કિલ્લા પર સાંજ સુધીમાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં. અંગ્રેજો દ્વારા ઝાંસીને કબજે કરવાની વાત દાવાનળની જેમ ફેલાઈ ગઈ હતી.
લોકોએ પોતાના દુકાનો બંધ કરી દીધી હતી અને અંગ્રેજોના નિર્ણયના વિરોધમાં એ દિવસે પોતાના ઘરે દીપક ન પ્રગટાવવાનો નિર્ણય કર્યો હતો. આખા શહેરમાં અંધારું ફેલાયેલું હતું.
રાણીએ તેમના પિતા મારફત લોકોને સંદેશ મોકલ્યો હતો કે "તમે બધા શાંતિથી તમારા ઘરે જાઓ. હજુ સુધી બધું પૂર્ણ થયું નથી. આપણે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ તમારી રાણી તેનું કોઇ સમાધાન શોધી કાઢશે."
એ પછી રાણી લક્ષ્મીબાઈએ તેમના ખાસ સલાહકારો દીવાન નરનસેન, કશ્મીર મલ તથા પિતા મોરોપંત તાંબેને પોતાના રૂમમાં બોલાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે "મેં અંગ્રેજોના નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે."
"આપણી પાસે સૈન્ય છે અને ઝાંસીના લોકો મારી સાથે છે. હું તેમનું નેતૃત્વ કરીને અંગ્રેજો સામે લડાઈ લડીશ. આપણો પરાજય થાય તે શક્ય છે, પરંતુ આપણે તિરસ્કૃત થવાથી બચી જઈશું."

15 વર્ષની વયે રાજા ગંગાધર સાથે લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images
રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. તેમનો જન્મ વારાણસીમાં થયો હતો.
તેમના પિતા મોરોપંત તાંબે પદચ્યૂત મરાઠી પેશવાના ભાઈના સલાહકાર હતા. લક્ષ્મીબાઈ બહુ નાનાં હતાં ત્યારે તેમનાં માતાનું અવસાન થયું હતું.
તેમણે ઘોડેસવારી અને તલવારબાજી બાળપણમાં શીખી લીધી હતી.
1843માં માત્ર 15 વર્ષની વયે લક્ષ્મીબાઈનાં લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થઈ ગયા હતા.
ગંગાધર રાવના પહેલાં પત્ની 1842માં મૃત્યુ પામ્યાં હતાં.
ઇરા મુખૌટીએ તેમના પુસ્તક ‘હીરોઇન્સ, પાવરફૂલ ઇન્ડિયન વિમેન ઑફ મિથ ઍન્ડ હિસ્ટ્રી’માં લખ્યું છે, "લગ્ન સમયે મણિકર્ણિકાનું નામ બદલીને લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું હતું. તેઓ 1853માં ગંગાધર રાવના મૃત્યુ સુધી 10 વર્ષ સુધી ઝાંસીની રાણી રહ્યાં હતાં."
"તેમના લગ્નની અજબ વાત એ હતી કે મોરોપંત તાંબે દીકરી મણિકર્ણિકા સાથે તેના સાસરે આવ્યા હતા અને તેની સાથે ઝાંસીમાં જ રહેવા લાગ્યા હતા."

જનરલ ડેલહાઉઝી અને ડ્રૉક્ટ્રિન ઑફ લેપ્સ

ઇમેજ સ્રોત, ALPESH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લક્ષ્મીબાઈના પતિ ગંગાધર રાવને મહિલાઓની માફક શણગાર કરવાનો અજબ શોખ હતો.
વિષ્ણુભટ્ટ ગોડસે એ દિવસોમાં ઝાંસીમાં હતા.
તેમણે તેમની આત્મકથા ‘માય ટ્રાવેલ્સ, ધ સ્ટોરી ઑફ ધ 1857 મ્યૂટિની’માં લખ્યું છે, "ગંગાધર રાવ વારંવાર સ્ત્રીઓ જેવું વર્તન કરતા હોવાની અફવા હતી."
"તેઓ અચાનક મહેલની છત પર ચાલ્યા જતા હતા અને પુરુષોના વસ્ત્રો ઉતારીને સાડી, બ્લાઉઝ પહેરી લેતા હતા."
"હાથમાં બંગડી, ગળામાં મોતીનો હાર, નાકમાં નથણી અને પગમાં ઝાંઝર પણ પહેરતા હતા."
પોતાના પતિના આવા વર્તન બાબતે લક્ષ્મીબાઈ શું વિચારતાં હતાં કે શું માનતા હતાં તેનો કોઈ પ્રામાણિક પુરાવો કે દસ્તાવેજ મળતો નથી.
લૉર્ડ ડેલહાઉઝી ભારતના ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે તેમની વય માત્ર 36 વર્ષ હતી.
તેમણે ડૉક્ટ્રિન ઑફ લૅપ્સ નામનો નિયમ અમલી બનાવ્યો હતો.
તે નિયમ મુજબ, કોઈ રાજા નિઃસંતાન મૃત્યુ પામે તો તેને કોઈ વારસદાર દત્તક લેવાની છૂટ ન હતી અને તેનું રાજ્ય બ્રિટિશ રાજમાં ભેળવી દેવામાં આવતું હતું.
અંગ્રેજોએ આ રીતે પંજાબ, સિક્કિમ, અવધ અને ઉદયપુરને પોતાના તાબામાં લઈ લીધાં હતાં. ઝાંસીને પણ આ રીતે અંગ્રેજ રાજનો હિસ્સો બનાવવામાં આવ્યું ત્યારે રાણી લક્ષ્મીબાઈએ ગવર્નર જનરલને એક પત્ર લખીને તેના અમલ માટે એક મહિનાની મહેતલ માગી હતી, પરંતુ અંગ્રેજોએ તેનો અસ્વીકાર કર્યો હતો અને તેમને રાજમહેલ છોડીને રાણી મહેલ નામની ત્રણ માળની ઇમારત રહેવામાં ફરજ પાડી હતી.

જૉન લેંગને મળી રાણીને જોવાની તક

ઇમેજ સ્રોત, Getty Images
રાણી લક્ષ્મીબાઈએ એ સમયના વિખ્યાત વકીલ જૉન લેંગની સેવા લીધી હતી.
મૂળ ઑસ્ટ્રેલિયાના જૉન લેંગ બ્રિટિશ સરકાર સામેના અનેક કેસ જીત્યા હતા. તેઓ મેરઠમાં રહેતા હતા અને ત્યાંથી ‘મુફસ્સિલ’ નામનું અખબાર પ્રકાશિત કરતા હતા.
તેઓ ફારસી અને હિંદુસ્તાની જાણતા હતા. રાણીએ પોતાનો કેસ સમજાવવા માટે તેમને ઝાંસી બોલાવ્યા હતા.
તેઓ પડદા પાછળ રહીને મળ્યાં હતાં, પરંતુ જોન લેંગને સંયોગવશ તેમને નિહાળવાની તક મળી હતી.
જૉન લેંગે તેમના પુસ્તક ‘ઇન ધ કોર્ટ ઑફ રાણી ઑફ ઝાંસી’માં લખે છે, "રાણીના દીકરાએ પડદો અચાનક હટાવી દીધો હતો અને મને થોડી ક્ષણ માટે રાણીને નિહાળવાની તક મળી હતી."
"તેઓ મધ્યમ કદના મહિલા હતાં. તેમનો ચહેરો ગોળ હતો. તેઓ ઘઉંવર્ણા હતાં. તેમણે કાનમાં સોનાની વળી સિવાય કોઈ ઘરેણું પહેર્યું ન હતું. તેમણે સફેદ મલમલની સાડી પહેરી હતી."
"તેમનામાં એક જ ચીજ ખરાબ હતી અને એ હતો તેમનો કર્કશ અવાજ. પડદો હટવાથી તેઓ થોડા નારાજ થયાં હતાં અને પછી હસીને કહ્યું હતું કે ‘મને જોઈને તમને મારા તથા મારી તકલીફો પ્રત્યેની સહાનુભૂતિ ઓછી નહીં થઈ હોય એવી મને આશા છે.’ મેં તેના જવાબમાં કહ્યું હતું કે મારી જેમ ગવર્નર જનરલને પણ તમને નિહાળવાની તક મળી હોત તો તેમણે તમને ઝાંસી તરત પાછું આપી દીધું હોત."

અંગ્રેજોએ કર્યો રાણીની વિનંતીનો અસ્વીકાર

ઇમેજ સ્રોત, ALPESH
જૉન લેંગ સાથે રાણીએ કલાકો સુધી ચર્ચા કરી હતી. તેમણે જૉન લેંગની મદદથી ગવર્નર જનરલ ડેલહાઉઝીને અપીલ કરી હતી અને 1804, 1817 અને 1832માં થયેલી સંધિ યાદ અપાવી હતી.
એ સંધિમાં રામચંદ્ર રાવ અને તેમના વારસદારોને ઝાંસી પર રાજ કરવા દેવાની ગૅરંટી આપવામાં આવી હતી, પરંતુ ડેલહાઉઝીએ તે અપીલને ફગાવી દીધી હતી.
અંગ્રેજોએ 1854માં ઝાંસી કબજે કર્યું હતું અને કૅપ્ટન ઍલેકઝેન્ડર સ્કીનની નિમણૂંક ઝાંસીના સુપ્રિટેન્ડન્ટ તરીકે કરવામાં આવી હતી. રાણીનું પેન્શન નક્કી કરવામાં આવ્યું હતું અને અંગ્રેજો ખેડૂતો પાસેથી ભૂમિકર વસૂલવા લાગ્યા હતા.
એક તબક્કે રાણીએ વારાણસી પાછા જવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ તેમના સલાહકારોએ એવું ન કરવાની સલાહ આપી હતી.
એ દરમિયાન રાણીએ ફરીથી ઘોડેસવારી શરૂ કરી હતી. તેઓ ઝાંસીમાં ઘોડેસવારી કરતાં જોવાં મળતાં હતાં અને રાણી ન હોવાં છતાં રોજ સાંજે દરબાર ભરતાં હતાં.
એ દરમિયાન તેઓ મોટાભાગે સફેદ રંગની ચંદેરી સાડી પહેરતાં હતાં અને ક્યારેક પુરુષોની માફક ઢીલો પાયજામો, ચુસ્ત કોટ અને વાળને ઢાંકવા માટે પાઘડી પણ પહેરતા હતાં.
ઝાંસી પરના અંગ્રેજોના કબજાના વિરોધમાં તેઓ 1856 સુધી અપીલ કરતાં રહ્યાં હતાં, પરંતુ અંગ્રેજોએ તેમની વાત કાને ધરી ન હતી.

1857નો બળવો ઝાંસી સુધી પહોંચ્યો

ઇમેજ સ્રોત, Getty Images
મે, 1857માં મેરઠથી અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહ શરૂ થયો હતો, જે બહુ ઝડપથી સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાઈ ગયો હતો. ઝાંસીમાં જે અંગ્રેજ સૈન્ય તહેનાત હતું તેમાં મોટાભાગના સૈનિકો ભારતીય હતા.
ટ્વેલ્થ નેટિવ ઇન્ફટ્રીના જવાનોએ 1857ની પાંચમી જૂને ઝાંસીનો કિલ્લો કબજે કર્યો હતો અને જેલમાં પુરાયેલા તમામ કેદીને આઝાદ કર્યા હતા.
ઝાંસીમાં રહેતા અંગ્રેજોએ પોતાની સલામતી માટે કિલ્લામાં આશરો લીધો હતો અને રાણી લક્ષ્મીબાઈને સંદેશો મોકલ્યો હતો કે અમારું રક્ષણ કરો.
એ પછીના ત્રણ જ દિવસમાં કિલ્લામાં રહેતા તમામ અંગ્રેજ પુરુષો, મહિલાઓ અને બાળકોની હત્યા કરી નાખવામાં આવી હતી. અંગ્રેજોએ બાદમાં દાવો કર્યો હતો કે એ હત્યાકાંડમાં રાણીનો હાથ હતો, પરંતુ તેનો કોઈ નક્કર પુરાવો મળ્યો ન હતો.
વિદ્રોહી સૈનિકો દિલ્હી તરફ રવાના થયા કે તરત જ રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સલામતી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.
તેઓ રાણી મહેલમાંથી ફરી રાજમહેલમાં રહેવાં ચાલ્યાં ગયાં હતાં અને રોજ દરબાર યોજવાં લાગ્યાં હતાં.
ઝાંસીમાં હથિયારો, બંદૂકો, ગોળીઓ અને દારૂગોળાનું ઉત્પાદન ફરી શરૂ થઈ ગયું હતું.
તેમણે એક ટંકશાળ પણ શરૂ કરી હતી. ગરીબોને ભોજન તથા કપડાનું વિતરણ કરવાનું શરૂ થયું હતું. એ દરમિયાન રાણી લક્ષ્મીબાઈ સૈનિકો જેવાં વસ્ત્રો પહેરવાં લાગ્યાં હતાં.
વિષ્ણુભટ્ટ ગોડસે લખે છે, "રાણીના કમરપટ્ટામાં ચાંદીની બે પિસ્તોલ અને રત્નજડિત તલવાર લટકવા લાગી હતી. તેઓ મોટો અંબોડો વાળતા થયાં હતાં અને દેવી અવતાર જેવાં દેખાતાં હતાં."
"તેમણે અંગ્રેજો સામે લડવાનું નક્કી કરી લીધું હતું. કિલ્લાની અંદર લોટ, ઘી તથા ખાંડનો જથ્થો એકઠો કરવાનું શરૂ થયું હતું."
"રાણીએ કિલ્લાની આસપાસનાં તમામ વૃક્ષ કાપી નાખવાનો આદેશ આપ્યો હતો, જેથી અંગ્રેજો હુમલો કરે તો ભીષણ ગરમીમાં તેમને વૃક્ષોનો છાંયડો પણ ન મળે."

અંગ્રેજોએ ઘેર્યો ઝાંસીનો કિલ્લો

એ દરમિયાન બ્રિટનથી આવેલા અંગ્રેજ સૈનિકને ઝાંસીનો વિદ્રોહ કચડી નાખવા માટે મોકલવામાં આવ્યા હતા.
લડાઈના મેદાનમાં જબરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચૂકેલા જનરલ હ્યૂજ રોઝ એ સૈનિકોનું નેતૃત્વ કરતા હતા.
અંગ્રેજ સેનાએ 18 પાઉન્ડના તોપના ગોળાથી ઝાંસીના કિલ્લામાં ગાબડું પાડવાના પ્રયાસ કર્યા હતા. રાણી અને તેમને સૈનિકોએ જોરદાર લડત આપી હતી.
તેનાથી હ્યૂજ રોઝ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે એમ મેન્સફિલ્ડને એક પત્ર લખ્યો હતો.
તેમાં તેમણે લખ્યું હતું કે "વિદ્રોહીઓના તોપખાનાના વડા ગુલામ ગૌસ ખાન અત્યંત કુશળ તોપચી હતા."
"તેમણે જે રીતે અમારો સામનો કર્યો, પોતાના નુકસાનનો બદલો લીધો અને અમારા પર વારંવાર ગોળા વરસાવ્યા તે જોવા જેવું હતું."
"અનેક જગ્યાએ તો તેમણે બરાબરીનો મુકાબલો કર્યો હતો. ઘોડેસવાર રાણી લક્ષ્મીબાઈ બપોરે પોતાના થાણાઓનું નિરીક્ષણ કરતા અને પોતાના સૈનિકોને પ્રોત્સાહિત કરતા જોવા મળતા હતાં."
જોકે, રાણીનું સૈન્ય લાંબા સમય સુધી અંગ્રેજો સામે ઝિંક ઝીલી શક્યું ન હતું. 1858ની ત્રીજી ઍપ્રિલે અંગ્રેજ સૈનિકો ઝાંસીના કિલ્લાની દીવાલ ભેદવામાં સફળ થયા હતા.

રાણીએ ઝાંસીનો કિલ્લો છોડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
રાણી લક્ષ્મીબાઈએ ત્રીજી ઍપ્રિલની મધરાતે જ પોતાના કેટલાક સૈનિકોને કિલ્લામાં એકઠા કર્યા હતા.
ઈરા મુખૌટી લખે છે, "રાણી તેમને અશ્વારૂઢ સૈનિકો સાથે કિલ્લામાંથી નીચે ઉતરીને ખુલ્લા મેદાનમાં આવી ગયાં હતાં. તેઓ એક શ્વેત અશ્વ પર સવાર હતાં."
"તેમના હાથમાં ચાંદીના હાથાવાળી તલવાર હતી. એ પછીના કેટલાક સપ્તાહ રાણીએ બુંદેલખંડના ગ્રામીણ વિસ્તારમાં પસાર કર્યાં હતાં."
"એ વખતે એટલી ગરમી પડતી હતી કે હાથીઓની આંખમાંથી પણ આંસુ નીકળતા હતાં."
રાણી અને તેમના સૈનિકો 150 કિલોમીટર પ્રવાસ કરીને કાલ્પી પહોંચ્યા હતાં.
તાત્યા ટોપે અને નાનાસાહેબના ભત્રીજા રાવસાહેબ ત્યાં અગાઉ જ પહોંચી ગયા હતા. ત્યાં અંગ્રેજો સાથે થયેલી લડાઈમાં તેમનો પરાજય થયો હતો.
વિષ્ણુભટ્ટ ગોડસેને એ દિવસોમાં રાણી સાથે મુલાકાતની તક મળી હતી. તેમણે આત્મકથામાં લખ્યું છે, "રાણીએ પઠાણ પુરુષ જેવાં વસ્ત્રો પહેર્યાં હતાં. તેમના ચહેરા પર ધૂળ લાગેલી હતી અને તેઓ બહુ થાકેલાં દેખાતાં હતાં."

ગ્વાલિયરના કિલ્લા પર રાણીનો કબજો

ઇમેજ સ્રોત, Getty Images
રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને રાવસાહેબ કાલ્પીમાંથી બચી જવામાં સફળ થયાં હતાં.
તેમનું આગામી ઠેકાણું હતું ગ્વાલિયર. ત્યાં પહોંચીને તેમણે ગ્વાલિયરનો કિલ્લો કબજે કર્યો હતો.
ત્યાંના મહારાજા જયાજીરાવ સિંધિયા અંગ્રેજોના શરણમાં આગરા પહોંચી ગયા હતા. સિંધિયાના સૈનિકો બળવો કરીને રાણી લક્ષ્મીબાઈના સૈનિકો સાથે જોડાઈ ગયા હતા.
ગ્વાલિયરમાં સિંધિયાના ખજાનામાંથી મોતીનો અત્યંત મૂલ્યવાન હાર રાણી લક્ષ્મીબાઈને ભેટ આપવામાં આવ્યો હતો. જનરલ રોઝને ફરી એકવાર રાણીના સૈનિકોનો સામનો કરવા ગ્વાલિયર મોકલવામાં આવ્યા હતા.
તલવારો વડે થયેલી લડાઈ દરમિયાન એક અંગ્રેજ સૈનિકે કરેલા પ્રહારને લીધે રાણી લક્ષ્મીબાઈને તેમના અશ્વ પરથી નીચે પડી ગયાં હતાં. એ વખતે કૅપ્ટન ક્લેમેન્ટ વૉકર ત્યાં હાજર હતા.
એ લડાઈનું વર્ણન કરતાં તેમણે બાદમાં લખ્યું હતું, "અશ્વ પર આરૂઢ એક મહિલાના હાથમાં તલવાર હતી અને તે દરેક જગ્યાએ જોવા મળતી હતી. અમારા એક સૈનિકે તેમના મસ્તક પર પ્રહાર કર્યો."
" તે મહિલા નીચે પડી ગયાં ત્યારે અમને ખબર પડી હતી કે તેઓ ઝાંસીનાં રાણી હતાં."
એ લડાઈનું વર્ણન ગવર્નર જનરલ લૉર્ડ કેનિંગના દસ્તાવેજોમાં પણ મળે છે.
તેમણે લખ્યું છે, "રાણીના અશ્વને ગોળી વાગી હતી અને તે થંભી ગયો હતો. તેમણે અંગ્રેજ સૈનિક પર ગોળીબાર કર્યો એ પહેલાં જ અંગ્રેજ સૈનિકે તેમના મસ્તક પર પ્રહાર કર્યો હતો."
હ્યૂજ રોઝ અને 8 હુસર્સ રેજિમેન્ટના ઇતિહાસમાં બાદમાં રાણીની અપૂર્વ સાહસ અને બુદ્ધિમત્તાના પારાવાર વખાણ કરવામાં આવ્યાં હતાં.
8 હુસર્સ રેજિમેન્ટના ઇતિહાસમાં નોંધવામાં આવ્યું હતું કે "રાણીના મૃત્યુની સાથે જ વિદ્રોહીઓએ તેમનો સૌથી બહાદુર અને સર્વશ્રેષ્ઠ સૈનિક ગુમાવ્યો હતો."

રાણીની અંતિમ ક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images
રાણી લક્ષ્મીબાઈની અંતિમ ક્ષણોનું વર્ણન ગ્રીસના પ્રિન્સ મિશેલના પુસ્તક "ધ રાની ઑફ ઝાંસી"માં વાંચવા મળે છે.
રાજકુમાર મિશેલે લખ્યું છે, "રાણીના સૈનિકો તેમને ઉઠાવીને નજીકના મંદિરમાં લઈ ગયા હતા. ત્યાં પૂજારીએ રાણી સુકાયેલ હોઠને ગંગાજળથી તરબતર કર્યા હતા."
"રાણી અંતિમ શ્વાસ લઈ રહ્યાં હતાં. તેમણે તૂટક શબ્દોમાં કહ્યું હતું, હું દામોદરની જવાબદારી તમને સોંપું છું."
"રાણીએ પોતાના ગળામાંથી મોતીનો હાર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પછી ફરી ખૂટતા શ્વાસ વચ્ચે કહ્યું હતું - મારો મૃતદેહ અંગ્રેજોના હાથમાં આવે એવું હું ઇચ્છતી નથી. આટલું કહીને રાણીએ અંતિમ શ્વાસ લીધા હતા."
"ત્યાં હાજર કેટલીક સૈનિકોએ લાકડાં એકઠા કરીને રાણીના મૃતદેહને તેના પર મૂક્યો હતો અને ચિતાને આગ ચાંપી દીધી હતી. પછી રૉડ્રિક બ્રિગ્સ ત્યાં પહોંચ્યા હતા."
"રાણીના અનેક સૈનિકોના રક્તરંજિત મૃતદેહ ત્યાં પડ્યા હતા. અચાનક રૉડ્રિક બ્રિગ્ઝની નજર એક ચિતા પર પડી હતી."
"તેની જ્વાળાઓ શાંત થઈ રહી હતી. તેમણે તેમના બૂટ વડે આગ બૂઝાવવાના પ્રયાસ કર્યા ત્યારે તેમને સળગી ગયેલા એક માનવ શરીરના અવશેષો દેખાયા હતા. રાણીનો દેહ લગભગ રાખ થઈ ચૂક્યો હતો."

ટાગોર, સાવરકર, સુભાષચંદ્ર બોધ અને નહેરુએ લક્ષ્મીબાઈને વખાણ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
રાણીના મૃત્યુના 19 વર્ષ પછી રવીન્દ્રનાથ ટાગોરે લક્ષ્મીબાઈ વિશે ‘ઝાંસીર રાણી’ શિર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. એ લેખમાં તેમણે જણાવ્યું હતું, “રાણી યુવાન હતી, 20થી થોડા વધુ વર્ષની હતી. સુંદર હતી. શક્તિશાળી હતી અને સૌથી વિશેષ તો તેમનો નિર્ધાર દૃઢ હતો.”
થોડાં વર્ષો પછી વિનાયક દામોદર સાવરકરે તેમના પુસ્તક ‘ઇન્ડિયન વૉર ઑફ ઈન્ડિપેન્ડન્સ, 1857’માં લખ્યું હતું, "રાણીએ પોતાનો જીવ આપીને પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. તેમણે જે રીતે પોતાના લોકોને સંગઠિત કર્યા હતા, એવી ક્ષમતા પુરુષોમાં પણ હોતી નથી."
વીસના દાયકામાં સુભદ્રાકુમારી ચૌહાણે લક્ષ્મીબાઈ વિશે એક લાંબી કવિતા લખી હતી, ‘ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી.’
સુભાષચંદ્ર બોઝે 1943માં આઝાદ હિંદ ફોજની એક રેજિમેન્ટનું નામ ઝાંસી કી રાની રેજિમેન્ટ રાખ્યું હતું.
સુભાષચંદ્ર બોઝ રાણી લક્ષ્મીબાઈને વીરતા તથા નેતૃત્વનું સૌથી મોટું પ્રતીક માનતા હતા અને તેમની સરખામણી ફ્રાન્સની જોન ઑફ આર્ક સાથે કરતા હતા.
જવાહરલાલ નહેરુએ તેમના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’માં લખ્યું છે, "1857ની લડાઈ આમ તો અનેક લોકો લડ્યા હતા, પરંતુ સૌથી વધુ ખ્યાતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ મેળવી હતી."














