લેસ્ટર: બ્રિટનનું એ શહેર જ્યાં કોમી હિંસા બાદ હિન્દુ-મુસલમાનો વચ્ચેની ખાઈ ઊંડી થઈ ગઈ

- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, બ્રિટનના લેસ્ટરથી
લેસ્ટરના રસ્તાઓ પર ડોર-ટુ-ડોર કેમ્પેન કરી રહેલા ભારતીય મૂળના કીથ વાઝને જોઈને એ કહેવું મુશ્કેલ છે કે આ એ જગ્યા છે જ્યાં સપ્ટેમ્બર 2022માં હિન્દુ-મુસલમાન સમુદાય વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું.
કીથ વાઝ 32 વરસ સુધી લેસ્ટર બેઠક પરથી લેબર પાર્ટીમાંથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. આ વખતે તેઓ ચૂંટણીમાં એક નવી પાર્ટી, વન લેસ્ટરમાંથી લડી રહ્યા છે.
લેસ્ટરથી આટલાં વર્ષોથી જોડાયેલા હોવાને કારણે તેઓ લોકોમાં જાણીતા છે. જ્યારે તેઓ લોકોને મળે છે ત્યારે તેમના સ્થાનિક મુદ્દાઓ પર વાત કરે છે.
જોકે એ વાત નથી થતી કે એક સમયે અલગઅલગ સંસ્કૃતિઓ માટે ઉદાહરણરૂપ ગણાતું લેસ્ટર હિંસાની આગમાં લપેટાઈ ગયું.
હિન્દુ-મુસલમાન હિંસક ઘર્ષણ

17 સપ્ટેમ્બર, 2022માં બંને સમુદાયો વચ્ચે ચાલી રહેલો તણાવ રસ્તા પર આવી ગયો હતો. આ ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયા અને અનેક લોકોની ધરપકડ થઈ હતી.
કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે આવો તણાવ મોટા ભાગે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મૅચોમાં જોવા મળતો હતો. પરંતુ 2022માં સ્થિતિ એવી વણસી કે બંને સમુદાય વચ્ચે એક ઊંડી ખાઈ સ્પષ્ટ જોવા મળી હતી.
ગુજરાતી મૂળના ધર્મેશ લાખાણી લેસ્ટરના એ જ બેલગ્રેવ રોડ પર એક રેસ્ટોરાં ચલાવે છે, જ્યાં હિંસા થઈ હતી.
તેમને એ દિવસો હજુ પણ યાદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેલગ્રેવ રોડ પર જ્યાં હિંસા થઈ હતી એને દેખાડતા તેઓ કહે છે, "એ દિવસે અહીં સેંકડો લોકોની ભીડ જમા થઈ હતી. અને એ ભીડ ગુસ્સામાં હતી. હું અહીં ઊભો રહીને જોતો હતો કે આ શું થઈ રહ્યું છે. એવું લાગતું હતું કે અમારું શહેર સળગી રહ્યું છે. "

ધર્મેશ લાખાણી બેલગ્રેવ રોડ પર એક કારવૉશ દેખાડતા કહે છે, "આ કારવૉશને પોલીસે ઘેરી લીધું હતું. અંદર અંદાજે હિન્દુ સમુદાયના 150થી 200 લોકો હતો. અને ઘેરાની બહાર મુસલમાનોની એક મોટી ભીડ હતી."
કારવૉશની બરાબર સામે જ એક હિન્દુ મંદિર છે.
ધર્મેશ લાખાણી કહે છે કે ભીડમાંથી કેટલાક લોકોએ મંદિરની દીવાલ કૂદીને મંદિરના એક ઝંડાને નીચે ઉતારીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેઓ કહે છે, "ઝંડો થોડો સળગ્યો હતો કે મુસલમાન યુવકે એ આગ ઓલવી દીધી હતી. તેને લાગ્યું કે આવું ન કરવું જોઈએ. જે પણ આ બધું કરતા હતા તેઓ આગ ભડકાવવા માગતા હતા. પણ એ ભીડમાં બધા લોકો એવા નહોતા. જે પણ થયું એ યોગ્ય નહોતું. બંને સમુદાયના લોકોને બહુ ખરાબ લાગ્યું છે."
એ સમયે બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ હિંસામાં ચર્ચો, મસ્જિદો અને મંદિરને નિશાન બનાવાયાં હતાં.

બ્રિટનમાં ચૂંટણીનો ગરમાવો

બ્રિટનમાં ચાર જુલાઈએ સામાન્ય ચૂંટણીનું મતદાન થવાનું છે. પૂર્વ લેસ્ટર બેઠકથી કુલ 10 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં આઠ દક્ષિણ એશિયન મૂળના છે. આ ઉમેદવારો લેસ્ટરમાં વસેલી મોટી દક્ષિણ એશિયન વસતીના મતોના બળે આ બેઠક પર જીતની આશા રાખી રહ્યા છે.
પરંતુ જે રીતે ચૂંટણી માહોલ દક્ષિણ એશિયન દેશો, ખાસ કરીને ભારતમાં જોવા મળે છે, તેનાથી લેસ્ટર બહુ અલગ છે.
અહીં કેટલાક જ ઉમેદવારોનાં પોસ્ટર કે બૅનર જાહેર સ્થળોએ જોવાં મળે છે. મોટા ભાગે ચૂંટણીપ્રચાર શનિવાર કે રવિવારે કરાય છે, કેમ કે એ સમયે નોકરી-ધંધાવાળા લોકો ઘરે હોય છે. પ્રચાર માટે ઉમેદવારો લોકોનાં ઘર કે દુકાનો પર જાય છે.
પૂર્વ લેસ્ટર બેઠક પર એટલા માટે નજર છે કે અહીં 2022ની ઘટનાઓ બાદ એ જોવાનું રસપ્રદ રહેશે કે દક્ષિણ એશિયન લોકો કઈ પાર્ટીના ઉમેદવાર પર ભરોસો રાખે છે.
'વિવિધતાનું ઉદાહરણ'

1951ની વસતીગણતરીમાં દક્ષિણ એશિયન વિરાસતવાળા માત્ર 624 લોકો લેસ્ટરમાં નોંધાયેલા હતા.
હવે 70 વર્ષ બાદ લેસ્ટરની ગણતરી એ શહેરોમાં થાય છે, જ્યાં બ્રિટિશ દક્ષિણ એશિયન લોકોની ટકાવારી સૌથી વધુ છે.
1950ના દશકથી ભારતીય અને પાકિસ્તાની ચેઇન માઇગ્રેશન કે શૃંખલા પ્રવાસ કહેવાતી રીતથી લેસ્ટર આવેલા- એટલે કે તેમના પરિવારજનો કે ગામના લોકો અહીં રહેતા હોવાથી તેઓ પણ અહીં આવી ગયા. તેમના માટે લેસ્ટર આકર્ષક હતું- આ સમૃદ્ધ હતું અને ડનલપ, ઇમ્પિરિયલ ટાઇમરાઇટર અને મોટી હોજરી મિલોમાં નોકરીઓ હતી.
નવા આવેલા લોકોમાંથી ઘણા શરૂઆતમાં ઉત્તર અને પૂર્વ લેસ્ટરના વિસ્તારો જેવા કે બેલગ્રેવ રોડ અને સ્પિની હિલ પાર્કમાં વસી ગયા, જ્યાં હિંસા થઈ હતી. આવનારા લોકોમાં હિન્દુ, મુસલમાન અને શીખ સામેલ હતા, જેમણે ભારતના ભાગલા સમયે થયેલી હિંસા જોઈ હતી.

1960ના દશકનાં શરૂઆતનાં વર્ષોમાં લોકોના પરિવાર પણ આવવા લાગ્યા.
લેસ્ટરને દશકોથી સાંસ્કૃતિક વિવિધતા, સહિષ્ણુતા અને સામુદાયિક એકતાનું દૃષ્ટાંત માનવામાં આવે છે.
પૂર્વ લેસ્ટરના પૂર્વ સાંસદ કીથ વાઝ કહે છે, "લેસ્ટરને ઓળખતા કોઈ પણ માટે તે આઘાતજનક હતું. આ સ્થળે વિવિધ ધર્મો અને વિવિધ પૃષ્ઠભૂમિના લોકો રહે છે. આ થયું તે અમારા મારા માટે આંચકો હતો. અમે અગાઉ ક્યારેય આવો અનુભવ કર્યો ન હતો."
કીથ વાઝ અનુસાર, 2022ની હિંસા પાછળ ઘણાં કારણો હતાં, જેમાં કોવિડ લૉકડાઉન, અહીંની આર્થિક સ્થિતિ અને રોજગારનો અભાવ સામેલ છે.
તેઓ કહે છે, "એ એક તણખો હતો. મને લાગે છે કે તે એક એવી ઘટના હતી જે એક જ વાર બને છે. આપણે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આવું શા માટે થયું."
બેલગ્રેવ રોડનો માહોલ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બેલગ્રેવ રોડ આવીને લાગે કે જાણે કે તમે હિન્દુસ્તાનમાં છો. રેસ્ટોરાં હોય કે કપડાંની દુકાનો કે જ્વલેરીની દુકાનો... મોટા ભાગે ભારતીય મૂળના લોકો તેને ચલાવે છે.
આ એ જ વિસ્તાર છે, જ્યાં 2022માં બંને સમુદાય વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. અહીંના ધંધાદારીઓ આજે પણ એ અશાંતિની અસર અનુભવી રહ્યા છે.
ભારતીય મૂળના ઇમરાન પઠાણ અહીં એક વેડિંગ ગારમેન્ટ્સની દુકાન ચલાવે છે.
તેઓ કહે છે, "એ અંશાતિ બાદ ધંધા પર થોડી અસર થઈ છે. એ એવી પડી છે કે લોકો આવતાં પહેલાં એક વાર વિચારે છે, પૂછપરછ કરે છે કે બધું ઠીક છે કે નહીં. જેમ કે હાલમાં ઇન્ડિયા અને પાકિસ્તાનની ટી-20 મૅચ રમાઈ હતી. આથી તેઓ સવારે જ જલદી જલદી આવી ગયા. અમને ફોન કરીને ઍપૉઇમેન્ટ લેય છે કે મૅચ શરૂ થતા પહેલાં તેમને અહીંથી નીકળી જવું છે. લોકોમાં આ બાબતનો એક ડર પેસી ગયો છે... હિંસાએ જે નિશાન છોડ્યાં છે, તેને ભરાતાં કેટલોક સમય તો લાગશે."
બેલગ્રેવ રોડ પર ઇમરાનની દુકાનથી કેટલાંક ડગલાં દૂર ભારતીય મૂળનાં રંજુ મોઢા પણ કપડાંની દુકાન ચલાવે છે.
તેઓ કહે છે, "ક્યારેય વિચાર્યું નહોતું કે આવું કંઈ થશે. બે વરસમાં વેપારની રીતે જોઉં તો વેપાર બહુ ઓછો થયો છે. શહેરની બહારથી જે અમારા દક્ષિણ એશિયન ગ્રાહકો આવતા હતા એ ઓછા થઈ ગયા છે, કેમ કે આ બધી ઘટનાઓ મીડિયામાં લોકોએ જોઈ. તેનાથી લોકો ડરી ગયા. તેની વેપાર પર બહુ અસર પડી છે."
ભૌગોલિક રીતે ‘વિભાજિત’ સમુદાય

લેસ્ટરમાં છેલ્લા કેટલાક દાયકાઓથી દક્ષિણ એશિયન સમુદાયની મોટી વસતી રહેતી આવી છે. તેમાં હિન્દુ પણ સામેલ છે અને મુસલમાન પણ.
પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે લેસ્ટરના કેટલાક ભાગોમાં હિન્દુ જનસંખ્યા બહુમતીમાં આવી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં મુસલમાન મોટી સંખ્યામાં વસી ગયા છે.
આવો જ વિસ્તાર છે ઍવિંગ્ટન રોડ, જ્યાં એક મોટી મસ્જિદ છે.
સ્થાનિક લોકો કહે છે કે બેલગ્રેવ રોડ વિસ્તારમાં મોટા ભાગે હિન્દુ સમુદાયના લોકો રહે છે અને કારોબાર ચલાવે છે, તો હાઇફિલ્ડ્સ અને ઍવિંગ્ટન રોડ જેવા વિસ્તારોમાં મોટા ભાગે મુસલમાનો છે.
કેટલાક લોકોનું કહેવું છે કે બંને સમુદાયમાં તણાવને કારણે અનેક વાર તેઓ એકબીજાના બહુમતીવાળા વિસ્તારમાં જતા ખચકાય છે.
‘હિન્દુ સામે મુસલમાન’

બંને સમુદાય 2022ની ઘટનાઓ માટે એકબીજાને જવાબદાર ઠેરવે છે.
લેસ્ટરમાં રહેતા મોહમ્મદ ઓવૈસ યુકે ઇન્ડિયન મુસ્લિમ કાઉન્સિલમાં નિદેશક છે.
તેઓ કહે છે, "મુસ્લિમ સમુદાય સતત જોખમ અનુભવી રહ્યો છે. તે સતત તણાવ અનુભવી રહ્યો છે. અમારું માનવું છે કે એક વૈશ્વિક હિન્દુત્વ આંદોલનના માધ્યમથી મુસ્લિમ વસતીને નારાજ કરવાનો એક રણનીતિક હેતુ છે."
મોહમ્મદ ઓવૈસ અનુસાર, રમખાણો અગાઉ એક સામુદાયિક ભાઈચારાનો સંબંધ હતો. તેઓ કહે છે, "અમે ઇચ્છીએ છીએ કે તેઓ પાછા આવે. અમારું માનવું છે કે લેસ્ટરમાં મોટા ભાગના હિન્દુ લોકો શાંતિ ઇચ્છે છે અને હિન્દુઓનો મુસલમાનો, શીખો અને આસ્થા વિના લોકો સાથે સરખો ભાઈચારો છે. પણ મને લાગે છે કે તેઓ મૌન વધુ છે."
'લોકો ભૂલ્યા નથી'

કીથ વાઝ કહે છે કે હિંસાથી જે નુકસાન થયું છે એ લોકોએ જોયું છે અને તેઓ સમજી ગયા છે કે ભાઈચારો અને એકતાથી સાથે રહીને જ તેઓ આગળ વધી શકે છે.
તેમનું માનવું છે કે લેસ્ટરના મોટા ભાગના લોકો 2022ની ખરાબ યાદોને ભૂલીને પોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે.
બીજી તરફ અનેક લોકોનું એ પણ કહેવું છે કે જે થયું છે એને સમજવા માટે લોકોએ મોંઘવારી, રોજગાર અને પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપવાનો સંઘર્ષ અને તેની સાથે જોડાયેલી નિરાશાને સમજવી પડશે.
ભારતીય મૂળનાં રીટા પટેલ લેસ્ટર સિટી કાઉન્સિલમાં પૂર્વ સહાયક મેયર રહી ચૂક્યાં છે. તેઓ કહે છે, "લોકો એ ઘટનાઓને ભૂલ્યા નથી."
"એ ઘટનાઓએ અવિશ્વાસની વિરાસત આપી છે અને આપણું એ માનવું ખોટું હશે કે બધું શાંત થઈ ગયું છે, સમસ્યા દૂર થઈ ગઈ છે. આપણે સબક શીખવો પડશે. જો આપણે સબક નહીં લઈએ તો એ ભૂલો વારંવાર થવાનું જોખમ રહેશે."
રીટા પટેલ કહે છે, "મને લાગે છે કે તમે લોકો સાથે વાત કરશો તો તમને ખબર પડશે કે એ ઘટનાઓએ લોકોના દિલમાં એક મોટા ખરાબ અનુભવની યાદો છોડી છે... લોકોને વધુ અનિશ્ચિતતા અનુભવ કરાવડાવી છે. મારું માનવું છે કે એક ઘટના કોઈ શહેરને બનાવતી કે બગાડતી નથી. આ એક ઝટકો હોઈ શકે છે, પરંતુ મને લાગે છે કે લેસ્ટરના લોકોએ હંમેશાં મુશ્કેલીનો સામનો કરીને આગળ ડગલાં ભર્યાં છે."
ન્યાયની રાહ

લેસ્ટરમાં થયેલી હિંસાનાં કારણોની મૂળમાં પહોંચવા માટે હાલમાં બે તપાસ ચાલી રહી છે.
તેમાં એક તપાસ સરકાર કરાવી રહી છે અને બીજી તપાસ લંડનની સોઆસ (SOAS) યુનિવર્સિટી કરી રહી છે.
લેસ્ટરમાં છેલ્લાં 60 વર્ષથી રહેતા ભારતીય મૂળના પ્રોફેસર ગુરહરપાલસિંહ કહે છે કે અશાંતિનો અણસાર હજુ પણ છે, કેમ કે જે કારણોને લીધે અશાંતિ થઈ તેમાં કોઈ ખાસ ફેરફાર આવ્યો નથી.
પ્રોફેસર ગુરહરપાલસિંહ કહે છે, "શહેરમાં સંસાધનોની કમી છે અને જ્યાં સમુદાય વસેલો છે ત્યાં સ્થાનિક અધિકારો મામલે પણ તણાવ છે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને ત્યાર બાદ થનારા સમારોહ મુદ્દે તણાવનો માહોલ હતો. દક્ષિણ એશિયામાં કે અહીં કોઈ પણ મહત્ત્વપૂર્ણ ઘટના આ સમુદાયો કે સંઘર્ષ પેદા કરવામાં રસ લેનારાં જૂથોને એકત્ર કરી શકે છે."
અમે પ્રોફેસરને ગુરહરપાલસિંહને પૂછ્યું કે જે કંઈ પણ થયું અને જે રીતે તેને નાથવામાં આવ્યું એમાં શું શાસનની નિષ્ફળતા છે?
તેમણે કહ્યું, "બિલકુલ. હું એક એવી વ્યક્તિ તરીકે કહી શકું છું કે જે 60 વર્ષથી લેસ્ટરમાં રહે છે, જે સંકટ પેદા થયું તેને ગંભીરતાથી નિવારવા માટે ન તો રાષ્ટ્રીય સ્તરે અને ન તો સ્થાનિક સ્તરે કોઈ ઠોસ પ્રતિક્રિયા અપાઈ."
ઉપરઉપરથી જોતા લાગે કે લેસ્ટરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, પરંતુ અહીંના લોકો સાથે વાત કરીએ તો સમજાય છે કે એક મોટી આબાદીના મનમાં 2022માં થયેલી હિંસક ઘટનાઓની પીડા આજે પણ તાજી છે.
અહીંના લોકો કહે છે કે 2022માં જે થયું તેનાથી લેસ્ટરની છબિ ખરાબ થઈ અને જો એ ખરાબ યાદોમાંથી લેસ્ટરે મુક્ત થવું હોય તો એ હિંસા માટે જવાબદાર લોકોની ઓળખ કરવી પડશે અને દોષીઓને સજા અપાવવી પડશે.
તેઓ કહે છે કે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી લેસ્ટરના જખમો તાજા જ રહેશે.












