એ અંગ્રેજ જેણે UKમાં કૃષ્ણમંદિર બનાવવા ઘર-જમીન દાનમાં આપ્યાં

હર્ટફૉર્ડશાયરમાં ભક્તિવેદાંત ધામ ખાતે જ્યોર્જ હૅરિસનની તસવીર

ઇમેજ સ્રોત, GURUDAS

ઇમેજ કૅપ્શન, હર્ટફૉર્ડશાયરમાં ભક્તિવેદાંત મનોર ખાતે જ્યોર્જ હૅરિસનની તસવીર
    • લેેખક, લૂઈસ પૅરી અને દીપક પટેલ
    • પદ, બીબીસી ન્યૂઝ, હર્ટફૉર્ડશાયર

1973માં જગવિખ્યાત બૅન્ડ 'બીટલ્સ'ના સભ્ય જ્યોર્જ હૅરિસને યુકેમાં 'હરે ક્રિષ્નાઅભિયાન'ને એક બંગલો ભેટમાં આપ્યો હતો, જેથી યુકેમાં હરે ક્રિષ્ના અભિયાન પાસે એક બૅઝ બની શકે. હર્ટફૉર્ડશાયરમાં આવેલું ભક્તિવેદાંતધામ (બંગલો) હવે યુકેના જાણીતાં હિંદુ મંદિરોમાંથી એક છે.

તેના અગ્રણી સભ્યોએ બંગલાના પ્રારંભની તથા એને બંધ કરી દેવાયા બાદની લડત અને આજે તેના જીવંત વારસાની કહાણી વર્ણવી. આ બંગલાની 50મી જયંતીની ઉજવણી પર તેમણે આ કહાણી શૅર કરી.

1968ના ડિસેમ્બરમાં ઍપલ રૅકર્ડ્ઝ પાર્ટીમાં શ્યામસુંદરદાસની જ્યોર્જ હૅરિસન સાથેની મુલાકાત કોઈ સંયોગમાત્ર ન હતી. જોકે, તેમને એવી અપેક્ષા નહોતી કે એ મુલાકાત આજીવન મિત્રતામાં પરિણમશે.

શ્યામસુંદરદાસે લક્ષ્ય ઊંચુ રાખવાનો નિર્ણય કર્યો અને એટલે 'બીટલ્સ'ના રૅકર્ડ લેબલની પાર્ટીમાં આમંત્રણ પ્રાપ્ત કરી તેઓ ત્યાં ગયા હતા. તેઓ એ સ્મરણો વાગોળતાં કહે છે, “અમે 1968ના સપ્ટેમ્બરમાં આવ્યા હતા અને નાતાલના સમયગાળામાં જ્યોર્જ હૅરિસનને મળવાનું થયું હતું. અમે બીટલ્સ સાથે હરે ક્રિષ્ના જપવા લાગ્યા હતા.”

શ્યામસુંદરદાસ હવે 81 વર્ષના છે અને અમેરિકામાં વસવાટ કરે છે. તેઓ વિશ્વની સૌથી પ્રખ્યાત વ્યક્તિ સાથે કૃષ્ણની ફિલસૂફી પર વાતચીતના એ દિવસો યાદ કરે છે. તેમણે કહ્યું, “વર્ષ 1969ની શરૂઆતમાં અમે જ્હૉન લેનનની ટિટનહર્સ્ટ એસ્ટેટ (બંગલા)માં રહેવા ગયા હતા. લંડનમાં અમે એ દરમિયાન અમારું મંદિર તૈયાર કર્યું. પરિણામે અમે રૅકર્ડિંગ આર્ટિસ્ટ બની ગયા. એક બાબતે બીજી બાબતને પ્રેરિત કરી અને પછી બીટલ્સના સહયોગથી અમે પ્રખ્યાત થયા અને દેશમાં હરે ક્રિષ્ના અભિયાન તીવ્ર ગતિએ ફેલાયું.”

1970માં 'માય સ્વીટ લૉર્ડ' આલ્બમની રિલીઝ પછી તેમણે કહ્યું કે, મધ્ય લંડનમાં 'ઇન્ટરનેશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્સિયસનેસ (ઇસ્કોન)' સેન્ટર ખાતે મોટા પાયે યુવા લોકોના સમૂહો આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

ગ્રે લાઇન

બંગલો ભેટમાં આપ્યો

શ્યામસુંદર દાસ અને જ્યોર્જ હૅરિસન આજીવન માટે મિત્ર બની ગયા

ઇમેજ સ્રોત, GURUDAS

ઇમેજ કૅપ્શન, શ્યામસુંદરદાસ અને જ્યોર્જ હૅરિસન આજીવન મિત્ર બની ગયા

“એ 5 માળની ઇમારત હતી અને અમને લાગ્યું કે એ પૂરતી જગ્યા છે પણ અમારા સફળ આલ્બમ ઉપરાંત એ સમયમાં અમે સમાજમાં દરેક સ્તરે કરેલી પ્રવૃત્તિને કારણે બ્રિટિશ યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં આવવા લાગ્યાં હતાં તથા ભક્ત પણ બનવા લાગ્યાં હતાં. એટલે એ નાની ઇમારત લોકોથી ભરાઈ ગઈ. લોકો હૉલમાં અને દાદરા પર સૂઈ જતા હતા.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શ્યામસુંદર દાસ કહે છે, 1972માં તેમણે અને ભક્તિવેદાંત સ્વામીએ હૅરિસનના ઑક્સફૉર્ડશાયર બંગલાની મુલાકાત લીધી હતી. હૅરિસને સાંભળ્યું હતું કે લંડનનું મંદિર ભક્તોના ઘોડાપૂરથી ખીચોખીચ ભરાઈ ગયું હતું, તેમણે જવાબમાં કહ્યું, “મારે તમારા લોકો માટે એક આશ્રમ ખરીદવો છે. આવું ઘર જે મારી પાસે હાલ છે.”

એક વર્ષ પછી તેમણે પિગૉટનો બંગલો જે હર્ટફૉર્ડશાયરના હરિયાળા વિસ્તારમાં આવેલો છે, તે તેમણે ભેટમાં આપી દીધો.

તેને નવું નામ અપાયું – ભક્તિવેદાંતધામ (બંગલો). ભક્તિવેદાંત એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે કે તમામ આધ્યાત્મિક જ્ઞાનનો સાર અથવા નિષ્કર્ષ.

શ્યામસુંદરદાસ એને ખૂબ જ મોટું પગલું ગણાવે છે. હાલ આ ભક્તિવેદાંત ધામની સારસંભાળ 50 યુવક-યુવતીઓ રાખે છે. બંગલાની 50મી જયંતીની ઉજવણી પર પરત આવવાના પ્રસંગે તેમના માટે એ માનવું મુશ્કેલ છે કે આ સ્થળ આટલું બધું મહત્ત્વનું કઈ રીતે બની શક્યું.

તેઓ આ વિશે વધુમાં કહે છે કે, “મને એવું લાગે છે કે અમે એક નાનકડું બીજ લઈને રોપ્યું હતું અહીં અને હવે 50 વર્ષે તે એક ઘટાદાર વૃક્ષ બની ગયું છે. ભક્તિવેદાંત બંગલો હવે એક મોટું ‘ઑક ટ્રી’ બની ગયું છે.”

જોકે, હર્ટફૉર્ડશાયરમાં પ્રસરી રહેલું 'હરે ક્રિષ્ના અભિયાન' બધાને સ્વીકાર્ય નહોતું.

ગ્રે લાઇન

મંદિર બંધ કરાવાયું

ઇસ્કોનના સ્થાપક ભક્તિવેદાંત સ્વામી અને પેટ્ટી બોય્ડ સાથે જ્યોર્જ હૅરિસન

ઇમેજ સ્રોત, BHAKTIVEDANTA MANOR

ઇમેજ કૅપ્શન, ઇસ્કોનના સ્થાપક ભક્તિવેદાંત સ્વામી અને પેટ્ટી બોય્ડ સાથે જ્યોર્જ હૅરિસન

1975માં મંદિર સાથે જોડાનારા અખંડધીદાસ જેઓ બાદમાં તેના પ્રમુખ પણ બન્યા, તેઓ કહે છે, “લગભગ જ્યારથી એને ખરીદવામાં આવ્યું અને 1973માં હરે ક્રિષ્નાના ભક્તો તેમાં રહેવા આવી ગયા, ત્યારથી જ ત્યાં આવતા કેટલાક લોકો વિશે નિશ્ચિત પ્રકારની ફરિયાદો ઉઠવા લાગી હતી.”

“તમે એ કલ્પના કરી શકો છો કે, લિચમોર હીથમાંની મુખ્ય જગ્યા એક કૃષ્ણમંદિર બની જાય તો સ્થાનિક ગામોને તે ન ગમી શકે.”

પૂર્વ આફ્રિકામાંથી કાઢી મૂકવામાં આવેલા મૂળ ભારતીયોના ધસારાને પગલે ભક્તિવેદાંત બંગલાની પ્રસિદ્ધિ વધી હતી. 1970ના પ્રારંભિક ગાળામાં આ લોકોએ ઉત્તર લંડનમાં વસવાટ શરૂ કર્યો હતો.

1996માં ક્રિષ્ના દાસ સ્વામી અને મુકુંદા સ્વામી સાથે ભક્તિવેદાંત ધામ ખાતે જ્યોર્જ હૅરિસનની તસવીર

ઇમેજ સ્રોત, BHAKTIVEDANTA MANOR

ઇમેજ કૅપ્શન, 1996માં ક્રિષ્નાદાસસ્વામી અને મુકુંદા સ્વામી સાથે ભક્તિવેદાંત ધામ ખાતે જ્યોર્જ હૅરિસનની તસવીર

હિંદુ સંત ક્રિપામોયાદાસ આમાંથી જ એક હતા જેઓ સૌપ્રથમ અહીં આવ્યા હતા અને તેઓ કહે છે કે આ હરે ક્રિષ્નાધામમાં આવીને ઘણાને ખૂબ જ શાંતિની અનુભૂતિ થઈ છે.

તેમણે કહ્યું, “આ તમામ લોકોને હવે ખ્યાલ આવ્યો છે કે તેમની પાસે પૂજા-પ્રાર્થના કરવાની એક જગ્યા છે અને તે તેમના દેશમાં માત્ર થોડાક જ અંતરે આવેલી છે.” પરંતુ 1990ના દાયકામાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. પરિસ્થિતિ વિપરીત હતી. ઘોંઘાટની ફરિયાદના પગલે 1994માં મંદિરને જાહેર પૂજા-પ્રાર્થના માટે બંધ કરી દેવાયું.

1994માં ભક્તિવેદાંત મંદિર ખોલાવવા સંખ્યાબંધ લોકોએ પ્રદર્શન કર્યું હતું.
ઇમેજ કૅપ્શન, 1994માં ભક્તિવેદાંત મંદિર ખોલાવવા સંખ્યાબંધ લોકોએ પ્રદર્શન કર્યું હતું.

અખંડધીદાસમંદિરના બંધ થવા વિશે કહે છે, “યુકે અને વિદેશમાં મોટો ખળભળાટ મચી ગયો હતો અને મંદિરના સમર્થનમાં મધ્ય લંડનમાં 30 હજાર લોકો વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા.”

હર્ટમેર બરો કાઉન્સિલ સામે લાંબી કાનૂની લડાઈ પછી આખરે 1996માં ભક્તિવેદાંત ધામ (બંગલામાં આવેલા મંદિર)ને પૂજા-અર્ચના માટે ખોલી દેવામાં આવ્યું.

અખંડધીદાસે બીબીસીને જણાવ્યું કે, “મને એ અભિયાનનો ગર્વ છે.”

ગ્રે લાઇન

કોરોના સમયે પણ ધામ ખૂલ્લું રહ્યું

2001માં જ્યોર્જના નિધન પછી ધામ ખાતે તેમના નામે બગીચો બનાવાયો હતો

ઇમેજ સ્રોત, BHAKTIVEDANTA MANOR

ઇમેજ કૅપ્શન, 2001માં જ્યોર્જના નિધન પછી ધામ ખાતે તેમના નામે બગીચો બનાવાયો હતો

તેમણે કહ્યું, “અમારા સમુદાયે તેમણે અનુભવેલ પીડાને વ્યક્ત કર્યાંની સાથે સાથે પ્રદર્શન હિંસા રહિત રાખ્યું હતું.”

તેઓ વધુમાં ઉમેરે છે, “ત્યાર પછી ધામ અને સમુદાય બંને મજબૂતીથી આગળ વધ્યાં. ગત વર્ષે લગભગ 45 હજાર લોકોએ જન્માષ્ટમી ઉત્સવમાં હાજરી આપી. મંદિરનાં વ્યવસ્થાપન ડિરેક્ટર નિલા માધવદાસ અનુસાર દર વર્ષે 22 હજાર સ્કૂલ બાળકો એની મુલાકાત લે છે.”

જન્માષ્ટમીના ઉત્સવની તસવીર

ઇમેજ સ્રોત, BHAKTIVEDANTA MANOR

ઇમેજ કૅપ્શન, જન્માષ્ટમીના ઉત્સવની તસવીર

વર્ષ દરમિયાન હિંદુ તહેવારોની ઉજવવાની સાથે સાથે ભક્તિવેદાંતધામ એક સંશાધનકેન્દ્ર ઉપરાંત જૈવિક ખેતીનું ખેતર અને ગૌસેવાકેન્દ્ર તરીકે પણ કાર્યરત્ છે.

નિલા માધવદાસ કહે છે કે, કોરોના મહામારી સમયે કાઉન્સિલે તેમને ધામને કોવિડ ટેસ્ટિંગ સેન્ટર બનાવવા અને જાહેર લોકો માટે ખુલ્લુ રાખવાની સલાહ આપી હતી.

“એક સમય એવો હતો કે માત્ર અમારું જ મંદિર ખુલ્લું હતું. ચર્ચ, સિનગોગ બંધ હતાં. હિંદુ મંદિરો અને મસ્જિદો તમામ બંધ હતાં.”

“એટલે અમે તમામ પ્રકારના લોકોને આવકારી રહ્યા હતા અને લોકો તણાવગ્રસ્ત હતા એટલે એ સમયે આ વધું મહત્ત્વનું હતું.”

નવું ગોકુલ ફાર્મ

ઇમેજ સ્રોત, BHAKTIVEDANTA MANOR

ઇમેજ કૅપ્શન, નવું ગોકુલ ફાર્મ

મંદિરનાં પ્રમુખ વિશાખાદેવીદાસ કહે છે કે તેઓ લોકોને એક પારંપરિક અને સ્વસ્થ જીવનનું દર્શન કરાવવા માગે છે.

તેઓ ઉમેરે છે, “આજે આપણે વિશ્વમાં જે જીવન જોઈએ છીએ એનાથી આ તદ્દન વિપરીત છે. વર્તમાન સમયનું જીવન માત્ર ઉપભોગ પર કેન્દ્રીત છે. પણ અહીં અમે જાણ્યું કે, જો આપણે આપણું જીવન ગૌસેવા અને દૂધઉત્પાદન તથા ફળ-ફૂલો પર આધારિત રાખીએ, તો સ્વાસ્થ્ય અને જીવન બંને સ્વસ્થ રાખી શકાય છે અને એના લીધે ઉચ્ચ અભ્યાસ કરવાનો સમય પણ મળી રહેશે.”

રેડ લાઇન
રેડ લાઇન