પાકિસ્તાન : ગુજરાતીઓના વિસ્તારમાં 150 વર્ષ જૂના મંદિર મુદ્દે હિન્દુઓ કેમ સામસામે આવી ગયા?

    • લેેખક, શુમાઇલા ખાન
    • પદ, બીબીસી સંવાદદાતા
પાકિસ્તાનમાં હિંદુ મંદિર
ઇમેજ કૅપ્શન, કરાચીમાં શ્રી મારી માતા મંદિરનો ગેટ

રાતનો સમય છે અને જમીન પર ભારે મશીનોથી ડ્રિલિંગ કરાઈ રહ્યું છે. બન્ને બાજુ ઊંચી ઇમારત છે.

સોશિયલ મીડિયા પર આ વાઇરલ વીડિયોની સાથે એક લખાણ શૅર કરાઈ રહ્યું છે કે ‘150 વર્ષ જૂનું હિંદુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.’

આ વીડિયોને ટ્વિટર, ફેસબુક અને વૉટ્સઍપ ગ્રૂપમાં શૅર કરાયો.

સરકારી અધિકારી અને મીડિયાકર્મી સવારે આ જગ્યા પર પહોંચ્યા તો તેમને જાણવા મળ્યું કે આ મુદ્દામાં કોઈ મુસ્લિમ સંગઠન કે મુસ્લિમ શખ્સ સામેલ નથી. પરંતુ આ હિંદુ સમુદાય વચ્ચેનો જ એક મુદ્દો છે.

બીબીસી ગુજરાતી

‘મારું મંદિર, મારી મરજી’

પાકિસ્તાનમાં હિંદુ મંદિર
ઇમેજ કૅપ્શન, મંદિરની અંદર મુકાયેલી મૂર્તિ

45 વર્ષીય રેખા પોતાને સૂર્યવંશી રાજપૂત ગણાવતાં કહે છે કે તેઓ મારી માતા મંદિરની ચોથી પેઢીનાં સંરક્ષક છે. તેમના પૂર્વજો છેલ્લાં 150 વર્ષથી આ મંદિરની દેખરેખ કરી રહ્યાં છે.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રેખાએ મંદિર પરિસરમાં નિર્માણકાર્ય શરૂ કર્યું. તેમણે દાવો કર્યો કે આ મંદિર તેમની સંપત્તિ છે, જેનો કોઈ પંચાયત કે ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી.

તેઓ કહે છે કે “જો મંદિર 150થી 200 વર્ષ જૂનું છે તો તેને ચલાવવા માટે ભૂત ન આવે, તે માણસ છે. અને તે કોઈ મદ્રાસી ટ્રસ્ટ કે કોઈ અન્ય પરિવાર ન હોઈ શકે.”

રેખાના વ્યવહારમાં એ લોકો માટે નફરત અને ગુસ્સો સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો, જેમણે તેના નિર્માણ સામે વાંધો લીધો હતો. તેઓ કહે છે કે તેઓ તેમને (વાંધો દર્શાવનારાને) હિંદુ નથી માનતાં.

હિંદુ સમુદાયના લોકોએ જ આ મંદિર પર નિર્માણને લઈને વાંધો દર્શાવ્યો છે. રેખાએ વાંધો દર્શાવનારા લોકોને તોફાની તત્ત્વો દર્શાવતા મંદિરને નુકસાન પહોંચાડનારા ગણાવ્યા છે.

તેઓ કહે છે કે “વાસ્તવમાં તે મંદિરની બહાર તેમના ઘર પર કબજો કરવા માગે છે, કારણ કે તે સારી રીતે જાણે છે કે હું એકલી મહિલા છું અને હું તેમનો સામનો કેવી રીતે કરીશ.”

બીબીસી ગુજરાતી

સોલ્જર બજારની જમીનની કિંમતો આસમાને

પાકિસ્તાનમાં હિંદુ મંદિર
ઇમેજ કૅપ્શન, મંદિરનાં સંરક્ષક રેખા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કરાચીના સોલ્જર બજાર વિસ્તારમાં 500 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં મારી માતા મંદિર આવેલું છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યાં તો મંદિર પરિસરની દીવાલ બહાર રેખા એક ખુરશી પર બેઠાં હતાં અને સોપારી ચાવી રહ્યાં હતાં.

તેમણે મંદિરનો લોખંડનો દરવાજો ખોલ્યો અને અંદરનાં દૃશ્યો બતાવ્યાં. આ પ્લૉટ પર બનેલા એક નાના રૂમમાં મૂર્તિઓ મૂકેલી હતી. જ્યારે બીજા એક રૂમમાં એક સોફા પર અન્ય સામાન હતો.

રેખાએ અમને જણાવ્યું કે આ અગાઉ મંદિર એક નાના રૂમમાં હતું, જેને તેમણે મોટું કરાવ્યું. તેમાં મારબલની ટાઇલ્સો લગાવી અને તેનું સમારકામ કરાવ્યું.

ત્યાર બાદ તેઓ અમને નિર્માણવાળી જગ્યાએ લઈ ગયાં, જે ચારેય તરફથી બંધ હતી. જેની એક બાજુ દીવાલ હતી. બીજી બાજુ ઊંચી ઇમારતો અને ચોથી સાઇટ પર મોટો લીલો પડદો લાગેલો હતો.

કોઈને પણ તેમની પરવાનગી વગર મંદિરમાં ઘૂસવાની મંજૂરી નથી. તેઓ તેના પર નજર રાખે છે. તેમણે લીલો પદડો હટાવ્યો અને મને અંદર લઈને ગયાં.

જમીનના એ ટુકડા પર એક ઊંડો ખાડો હતો. મંદિરના રૂમની જ એ દીવાલ ખાડાથી થોડા મીટરના અંતરે હતી, જે તેઓ મને બતાવી ચૂક્યાં હતાં.

રેખાએ મને કહ્યું કે “અહીં છત પર સાત રૂમ અને બાથરૂમ હતું. આઠ પરિવારના 42 સભ્યો અહીં રહેતા હતા. આ મંદિર અમારા પૂર્વજોનું છે. અમે ક્યારેય અહીં કોઈ મદ્રાસીને જોયા નથી. તેમનું અહીં આવવાનું કારણ ‘સોનાના ટુકડા’ સમાન આ જગ્યા છે.”

રેખાના વિરોધીઓએ તેમના પર ઇસ્લામ ધર્મમાં પરિવર્તનનો આરોપ લગાવ્યો છે, જેને તે ફગાવે છે. તેઓ કહે છે કે જો કોઈની પાસે કોઈ પુરાવા હોય તો બતાવે.

બીબીસી ગુજરાતી

મદ્રાસી સમુદાયનો શું છે આરોપ?

પાકિસ્તાનમાં હિંદુ મંદિર
ઇમેજ કૅપ્શન, મંદિરમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે

મારી માતા મંદિર સૅન્ટ્રલ કરાચીમાં આવેલું છે. સારી એવી વસ્તી ધરાવતા સોલ્જર બજાર કહેવાતા આ વિસ્તારમાં રિયલ એસ્ટેટની કિંમતો અનેક ગણી વધી ગઈ છે.

મદ્રાસી અને ગુજરાતી સમુદાય આ મંદિરની આસપાસ રહે છે. આ સમુદાયોનું કહેવું છે કે મંદિર તેમની સંપત્તિ છે. તેમણે આ સંપત્તિને રેખાના પૂર્વજોને સંરક્ષક તરીકે આપી હતી.

શારદા દેવી કહે છે કે આ મંદિર મદ્રાસી સમુદાય સાથે જોડાયેલું છે, આ તેમને અપાયું હતું. તેનો અર્થ એ નથી કે આ મંદિર તેમનું છે. આ તેમને દેખરેખ માટે અપાયું હતું.

શારદા દેવી કહે છે “ઇમારત બનાવાઈ હતી અને મંદિર નાનું હતું. નકલી દસ્તાવેજો તૈયાર કરાયા. અમે દર શનિવારે અહીં પૂજા કરતાં હતાં. પણ તેમણે હવે તાળું લગાવી દીધું છે.”

કરાચીના સરકારી હૉસ્પિટલના પ્રકાશકુમાર એક વૉર્ડબૉય છે. અમે મંદિરની જ ગલીમાં તેમની સાથે મુલાકાત કરી. તેમણે વૉર્ડબૉયનો યુનિફૉર્મ પહેર્યો હતો.

તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે મંદિરની જગ્યા પર તોડફોડ અંગે સાંભળ્યું તો તેઓ એ જગ્યા પર પોતાના મિત્રની સાથે પહોંચ્યા અને રેખાને મંદિરનો દરવાજો ખોલવા માટે કહ્યું કે જેથી ‘અમે પોતે અમારા મંદિરની રક્ષા કરી શકીએ.’

પ્રકાશે કહ્યું, “મંદિરને નાળા પર બનેલા એક આઠ બાય છના રૂમમાં સ્થળાંતરિત કરી દેવાયું છે. અને તેમણે આ જમીનને ઇમારત બનાવવા માટે સાત કરોડમાં વેચી દીધી છે. માતાની ચોકી ક્યાં છે?”

અન્ય એક નારાજ શખ્સ સાગર કહે છે કે તેમના પૂર્વજોએ ‘દેવીનું સ્થાન’ બનાવ્યું હતું.

તેમણે કહ્યું “તેમની મૂર્તિને કોઈને પૂછ્યા વગર નાળા પર મૂકી દેવાઈ. આ નિંદનીય છે અને જે પણ આના માટે જવાબદાર હોય તેમને પાકિસ્તાની કાયદા અંતર્ગત સજા આપવી જોઈએ.”

બીબીસી ગુજરાતી

નિર્માણકાર્ય રોકાયું

પાકિસ્તાનમાં હિંદુ મંદિર
ઇમેજ કૅપ્શન, પ્રકાશ કુમાર

મંદિરનો તોડી પાડવાના સમાચારો જ્યારે સ્થાનિક અખબારોમાં ફેલાયા અને અહીં યૂટ્યૂબર્સ આવ્યા તો તેમણે પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું ષડયંત્ર ગણાવ્યું.

કરાચીના મેયર મુર્તજા વહાબે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે તેમનું માનવું છે કે લઘુમતીઓ અને તેમના પૂજાનાં સ્થળોની સુરક્ષા થવી જોઈએ.

સિંધ માનવાધિકાર પંચે મંદિર પરિસરમાં નિર્માણકાર્યને રોકી દીધું છે. પંચે લઘમતી મામલાના વિભાગ અને કરાચીના કમિશનરને નિર્દેશ આપ્યા છે કે તે એ બાબતની તપાસ કરે કે મંદિર કોની સંપત્તિ છે.

સિંધ માનવાધિકાર પંચના સભ્ય સુખદેવ હેમનાનીએ બીબીસીને કહ્યું કે ચાહે મદ્રાસી હિંદુ પંચાયત હોય કે રેખા હોય અહીં બન્ને પક્ષો મંદિર પર પોતાના માલિકીહક્કના પુરાવા રજૂ નથી કરી શક્યા.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સિંધ માનવાધિકાર પંચના સભ્ય સુખદેવ હેમનાની

તેઓ કહે છે કે “લઘુમતી બાબતોના સચિવ અને કરાચીના કમિશનરને અમે પત્ર લખ્યો છે. અને તપાસ કરવા માટે કહ્યું છે. તેઓ એ વાતની તપાસ કરશે કે આ ખાનગી સંપત્તિ છે કે કોઈ સમુદાયની સંપત્તિ છે. જેથી કાયદા અંતર્ગત યોગ્ય પગલાં લઈ શકાય.”

અહીં એ બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ કે કરાચીનાં 150થી પણ વધુ મંદિરોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે. આ એ મંદિરો છે જેના પર ભાગલા બાદ ઇમારતો બની ગઈ છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી