મેરઠમાં 400 હિન્દુને 'ખ્રિસ્તી બનાવાનો' શું છે મામલો- ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, શહબાઝ અનવર
- પદ, બીબીસી હિન્દી માટે
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો મંગતપુરમ વિસ્તાર હાલ ઘણો ચર્ચાઈ રહ્યો છે. અહીં 400 હિન્દુ પરિવારોની ખ્રિસ્તી ધર્મમાં કથિત ધર્માંતરણની ફરિયાદ મેરઠ પોલીસને કરવામાં આવી છે. ત્યાર બાદ પોલીસે ત્રણ મહિલાઓ સહિત નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

શું છે સમગ્ર ઘટના

જોકે, કથિત ધર્માંતરણનો આ મુદ્દો એ સમયે પ્રકાશમાં આવ્યો, જ્યારે ભાજપના મહાનગર મંત્રી દીપક શર્મા અને હિન્દુ જાગરણ મંચથી જોડાયેલા એક પૂર્વ નેતા સચીન સિરોહીએ મેરઠ પોલીસને લગભગ 400 હિન્દુઓના કથિત ધર્માંતરણની ફરિયાદ લગભગ પાંચ દિવસ પહેલાં કરી હતી.
આ દરમિયાન તેમની સાથે અન્ય ઘણા લોકો પણ હતા, જેમના વિશે દાવો કરવામાં આવ્યો હતો કે આમાંથી કેટલાય લોકોનું જબરદસ્તીથી ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે.
દીપક શર્માએ બીબીસીને કહ્યું હતું કે, “મંગતપુરમ કૉલોનીના કેટલાક લોકો મારી પાસે ફરિયાદ કરવા આવ્યા હતા. તેમનું કહેવું હતું કે, અહીં અમારું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ અમે લોકો અમારો ધર્મ છોડવા માગતા નથી. તેમને દિવાળીનો તહેવાર ઊજવવા દેતા નથી, કહી રહ્યા છે કે, પરમેશ્વરને માનો અને ઈસાઇયતને માનો.”
દીપકે વધુમાં કહ્યું કે, “આ વાતનો કેટલાક લોકોએ વિરોધ કર્યો અને તેઓ મારી પાસે આવ્યા. ત્યાર બાદ અમે પોલીસમાં આ અંગે ફરિયાદ કરી. પોલીસે ઉચિત પગલું ઉઠાવ્યું અને ફરિયાદ નોંધી છે.”
દીપક શર્માએ બીબીસીને કેટલાક વીડિયો અને ફોટો પણ બતાવ્યા. એમાં કેટલાક લોકો કથિત ચર્ચ પાછળ સત્સંગ અને પ્રાર્થના સભાઓમાં સામેલ થતા જોવા મળી રહ્યા છે.
દીપક શર્માએ દાવો કર્યો છે કે થોડા સમય પહેલાં જ આ વીડિયો બનાવવામાં આવ્યો હતો.
આ કેસમાં સક્રિય અન્ય હિન્દુવાદી નેતા સચીન સિરોહીએ બીબીસીને કહ્યું કે, “ઝૂંપડપટ્ટીમાં કાર્યરત કથિત ચર્ચમાંથી કેટલીક સામગ્રી અને લેખો મળી આવ્યાં છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમનો આક્ષેપ છે કે, જે લોકો પોતાનો ધર્મપરિવર્તિત કરી ચૂક્યા છે, તેઓ અહીં ચર્ચ હોવાના રહસ્યને બહાર પાડવા તૈયાર નથી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે.
મેરઠના બ્રહ્મપુરી પોલીસે સ્થાનિક ઝૂંપડપટ્ટીમાં રહેતા વિક્રાંત નામની વ્યક્તિની ફરિયાદ બાદ નવ મહિલા-પુરુષોના નામની ફરિયાદ દાખલ કરી છે.
પોલીસ અધીકક્ષ (બ્રહ્મપુરી) વ્રજેશસિંહે બીબીસીને કહ્યું કે, “28 ઑક્ટોબરે વિક્રાંત નામની વ્યક્તિના કહેવા પર નવ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બધા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ અધિનિયમ 2021ની ધારા 3 તથા ધારા 5 (1)માં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.
આમાં 3 મહિલાઓ અને 6 પુરુષ પણ સામેલ છે. આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે, અન્ય કેટલાંક લોકોનાં નામ પણ આમાં સામેલ હોઈ શકે છે.”
પોલીસના કહ્યા મુજબ, એક વ્યક્તિ હજુ પણ ફરાર છે.
તેમણે જણાવ્યું કે, ઝૂંપડપટ્ટીમાં રહેનારા અન્ય કેટલાક લોકોના હસ્તાક્ષર અને અંગૂઠાનાં નિશાન પણ ફરિયાદપત્રમાં છે.

પરિવારોએ ધર્મપરિવર્તનમાં સામેલ થવાના આરોપને નકારી કાઢ્યો હતો

આ સમગ્ર ઘટનાને સમજવા માટે બીબીસીએ મંગતપુરી વિસ્તારની મુલાકાત લીધી.
મંગતપુરી વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ ધર્માંતરણની વાતનો સ્વીકાર કરતી નથી.
કથિત ધર્માંતરણની ઘટનામાં જે લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એ પરિવારો કંઈક અલગ જ કહી રહ્યા છે.
બીબીસી સાથેની વાતચીત દરમિયાન તેમણે ધર્માંતરણની વાતને નકારતા કહ્યું કે, આ લોકો તેમને જગ્યા ખાલી કરવા માટે કહી રહ્યા છે.
આ બધામાં જ એક મમતા દેવી છે.
એક ગંદકીવાળા સ્થળ પર તમામ નાની-નાની ઝૂંપડપટ્ટીઓ અને કચરાથી ભરેલા સાંકડા રસ્તાથી થઈને અમે મમતાના ઘર પાસે પહોંચ્યા.
મમતાનાં સાસુ તિતલી, સસરા સરદાર અને તેમના પતિ અનિલ વિરુદ્ધ મેરઠ પોલીસે કથિત ધર્માંતરણ કરાવવાના આરોપમાં ફરિયાદ દાખલ કરી છે.

જગ્યા ખાલી કરાવવાનો મુખ્ય ઉદ્દેશ: ઝૂંપડપટ્ટીના લોકો

બીબીસી સાથેની વાતચીત દરમિયાન મમતા કહે છે કે, “અમે 40-50 વર્ષથી અહીં રહીએ છીએ, અત્યાર સુધી આ લોકોએ કંઈજ કહ્યું નહીં અને હવે આ લોકો અમારા પર ધર્માંતરણ જેવા આક્ષેપ લગાવી રહ્યા છે. અમને કહેવામાં આવ્યું છે કે, જો તમે લોકોએ અહીંથી જગ્યા ખાલી ન કરી તો અમે તમારા પર ધર્મપરિવર્તન જેવા આરોપ લગાવીને ફસાવીશું. આમાં અહીંના કેટલાક લોકો પણ સામેલ છે, જે અમને અહીંની જગ્યા ખાલી કરાવવા માગે છે.”
એક સવાલના જવાબમાં મમતા કહે છે કે, “અમે પ્રભુ ઈસા મસીહને માનીએ છે, પણ ધર્મ અમારો હિન્દુ જ છે. અહીં સત્સંગ, લગ્ન, પ્રાર્થના થાય છે અને બાળકોને ભણાવવામાં પણ આવે છે. અમને જગ્યા ખાલી કરાવવા માટે ડરાવવામાં આવી રહ્યાં છે, મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે.”
મમતા હજુ બોલી રહ્યાં હતાં ત્યાં તો નજીકમાં ઊભેલા કુલવા વાત કરવાનું શરૂ કરી દે છે.
તેઓ કહે છે કે, “ આ ખોટો આરોપ છે, અમારી ઝૂંપડપટ્ટીઓ એક બાજુ હતી, ત્યાંથી પણ હટાવવામાં આવી. અમને અહીંથી બહાર કાઢવા માટે પાંચ-છ લિકર માફિયાઓ અને જમીન માફિયાઓ ગેરકાયદેસર કબજો કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
કુલવા આગળ બોલે એ પહેલાં જ મમતા બીબીસીને એ કથિત ચર્ચ બતાવવા લઈ જાય છે જેમાં કથિત રીતે ધર્મ પરિવર્તિત કરાવવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ જ ભીડમાં હાજર એક યુવા બૉબીએ બીબીસી સામે પોતાની વાત કહી.
ભંગારનું કામ કરનારા બૉબી કહે છે કે, “આ બધું ખોટું બોલાઈ રહ્યું છે. આ બધું કહેવા માટે લોકોને પૈસા આપવામાં આવી રહ્યા છે જેથી અમે લોકો અહીંથી હટી જઈએ. આમાં કેટલાક લોકો બહારના પણ છે અને કેટલાક સ્થાનિક લોકો પણ સામેલ છે. અમને ખોટા આરોપોમાં ફસાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, મંદિરમાં તોડફોડના ખોટા આરોપો લગાવાઈ રહ્યા છે.”
ત્યાં રહી રહેલા ઘણા લોકોએ પણ આ ફરિયાદ કરી.
કેટલાક લોકો મીડિયામાં આવેલા સમાચારોને લઈને પણ નારાજગી બતાવતા જોવા મળ્યા.

કથિત ચર્ચ

જે ચર્ચની વાત કરાઈ રહી છે એ હકીકતમાં અંદાજે 20 બાય 12 ફૂટની એક ઝૂંપડી છે.
આ ઝૂંપડીની ઉપર એક તરફ ભાજપનો ઝંડો લાગે છે, તો પાસે જ તિરંગો પણ છે.

‘ધર્મપરિવર્તન નહીં પ્રાર્થનાસભાઓ કરે છે લોકો’

ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલ અને ધર્મપરિવર્તન સાથે સંકળાયેલા લોકોની હિમાયત કરતી એક વ્યક્તિએ નામ ન છાપવાની શરતે બીબીસીને કહ્યું કે, “ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું નથી. લોકો પ્રાર્થનાસભાઓ કરે છે, સત્સંગ કરે છે, તેઓ હિન્દુ જ હોય છે. મેરઠના મંગતપુરમમાં પણ ઝૂંપડપટ્ટીના કેટલાય લોકો હિન્દુ જ છે, પરંતુ તેઓ પ્રાર્થનાસભાઓ કરે છે, ત્યારથી કેટલાય લોકોએ આ ખોટા રસ્તાને છોડી દીધો છે. તેઓ સત્યના માર્ગે ચાલી રહ્યા છે. ધર્મપરિવર્તનની વાત સાચી નથી.”

ક્યાં છે ફરિયાદી

પોલીસે વિક્રાંતા નામની વ્યક્તિની ફરિયાદ પર કેસ દાખલ કર્યો છે. એફઆઈઆરની કૉપીમાં વિક્રાંતનો મોબાઈલ નંબર પણ દાખલ છે. એ વિસ્તારમાં કોઈ એવી વ્યક્તિ નથી મળી જે વિક્રાંતને જાણતી હોય.
વિક્રાંતના નંબર પર ફોન કરવામાં આવ્યો તો તેમનો નંબર બંધ હતો.
ભાજપ નેતા દીપક શર્માને જ્યારે મેં કહ્યું કે મને કેટલાક ફરિયાદીઓનો સંપર્ક કરાવી આપે તો તેમણે ફરિયાદીપત્રમાં દાખલ કેટલાક લોકોનાં નામ અને નંબર આપ્યાં.
પોલીસ સ્ટેશનને આપવામાં આવેલા ફરિયાદીપત્રમાં જે લોકોનાં નામ અને મોબાઇલ નંબર લખ્યાં હતાં,તેમની સાથે બીબીસીએ વાત કરવાના પ્રયાસ કર્યા હતા.
ફરિયાદ કરનારા લોકોમાં ઇકબાલનું નામ પણ દાખલ હતું. જ્યારે તેમના નંબર પર ફોન કરવામાં આવ્યો તો ખબર પડી કે આ નંબર આદિત્ય નામની કોઈ વ્યક્તિનો હતો.
ધર્માંતરણ વિશે તેમણે કહ્યું કે, “અહીં 100થી 150 લોકો ધર્મ પરિવર્તિત થયા છે, પરંતુ અમને તેમનાં નામ ખબર નથી, જે લોકો જેલમાં છે તેમણે જ ધર્મપરિવર્તન કરાવ્યું છે.”
એક અન્ય કથિત ફરિયાદી (તેમણે પોતાનું નામ સાર્વજનિક નહીં કરવા માટે કહ્યું) સાથે જ્યારે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે, “અમે હિન્દુ સમાજમાં છીએ અને અમારું ધર્મપરિવર્તન કરવાનું કોઈ કાવતરું નથી. અમને કહેવામાં આવ્યું હતું કે, ધર્મપ્રવચનમાં સામેલ લોકો સામે અવાજ ઉઠાવો અને અમારા તરફથી જુબાની આપો જેથી તે અમારી જગ્યાએથી હટી જાય.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કોણે આ વાત કહી હતી તો તેમણે કહ્યું કે, તેમને એમનું નામ ખબર નથી. તેમણે માત્ર તેમની સાથે વાત કરનારનું વ્યક્તિત્વ જ બતાવ્યું.
એક અન્ય કથિત ફરિયાદી આકાશ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “આ મારા ભાઈનો નંબર છે, મને આ વિશે કંઈ જ ખબર નથી. મારા ભાઈ ફરિયાદ કરવા ગયા હશે. હું મંડપમાં કામ કરું છું, હું કેવી રીતે જાઉં. જે લોકો પર ધર્માંતરણનો આરોપ છે તેઓ જેલમાં છે.”
પોલીસે કેટલાક લોકોના કહેવા પર કેસ દાખલ કર્યો અને આઠ લોકોની ધરપકડ પણ કરી લીધી છે.
પરંતુ કોઈ પણ ફરિયાદી હવે મીડિયા સાથે વાત કરવા માગતા નથી અને 400 લોકોમાંથી એક પણ વ્યક્તિ એવી મળી નથી જેણે કથિત રીતે ધર્મપરિવર્તન કર્યું છે.

તો શું આ સમગ્ર મુદ્દો જમીન ખાલી કરાવવા સાથે સંબંધિત હોઈ શકે છે?

હિન્દુવાદી નેતા સચીન સિરોહી પણ જમીન પર નજર રાખતા કેટલાક તત્ત્વોના અસ્તિત્વનો ઇનકાર કરતા નથી.
કંઈક આવી જ ફરિયાદની વાત ક્ષેત્રના પોલીસ અધીક્ષક વ્રજેશસિંહે પણ કહી.
વ્રજેશસિંહે પણ કહ્યું, “અમે આરોપી પક્ષના લોકોને મળ્યા છીએ. તેઓ કેટલાક લોકોના જમીન પર કબજો કરવાની ફરિયાદ કરી રહ્યા હતા. અમે તેમને ખાતરી આપી છે કે અમે કંઈ પણ ખોટું થવા દઈશું નહીં.”
સ્થાનિક કાઉન્સિલર નવીન ખટીક કહે છે કે, “આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસે આધાર કાર્ડ છે, છતાં તેમના કોઈ વોટ નથી. કોઈએ તેમના વોટ માટે પ્રયત્ન પણ કર્યા નથી.”
ક્ષેત્રના એક અન્ય ભાજપના જાણીતા નેતા કાઉન્સિલર વીરસિંહ સૈનીએ બીબીસીને કહ્યું હતું કે, “ઝૂંપડપટ્ટીના લોકો અહીં 40 વર્ષથી વધુ સમયથી રહે છે. મારી પાસે કેટલાક સમય પહેલાં આ લોકો આવ્યા હતા, તેઓ કહી રહ્યા હતા કે, કેટલાક લોકો તેમને ધમકી આપી રહ્યા હતા, જગ્યા ખાલી કરાવવા માગે છે. મને લાગી રહ્યું છે કે, જગ્યા ખાલી કરાવવાનું જ કારણ મુખ્ય છે.”

ભાજપ નેતા પોતાની વાત પર અડગ

ભાજપ નેતા દીપક શર્માએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, “જુઓ વસાહતના લોકો જ્યાં છે ત્યાં જ રહે, અમને એ વાતથી કોઈ ફરક પડતો નથી, પરંતુ ધર્માંતરણ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. સ્થાનિક લોકોની કમજોરીનો લાભ ઉઠાવીને તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે મજબૂર કરાઈ રહ્યા છે.”
તેઓ વધુમાં કહે છે કે, “મારી પાસે છ મહિના પહેલાં પણ આવી ફરિયાદ આવી હતી, પરંતુ ત્યારે અમને આ મુદ્દો આટલો ગંભીર થઈ જશે એની જાણ ન હતી. હિન્દુ લોકોને ખ્રિસ્તી બનવા માટે ડરાવવામાં આવી રહ્યા છે. દિલ્હીથી પણ કેટલાક લોકો અહીં ધર્મપરિવર્તન કરાવવા માટે આવ્યા હતા. આમાં કેટલાક વિદેશી પણ સામેલ હતા.”
એક સવાલના જવાબમાં દીપક શર્મા કહે છે કે, “કોઈ ફરિયાદ સામે આવી શક્યો નથી તો બની શકે છે કે સુરક્ષાના કારણે તેઓ છુપાઈ ગયા હશે. પરંતુ અમારી સાથે મોટી સંખ્યામાં લોકો એસપી મેરઠ પાસે આ વિશે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તેમની જ ફરિયાદના આધારે આ કાર્યવાહી થઈ છે.”
હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલા સચીન સિરોહી કહે છે કે, “હું હિન્દુ જાગરણ મંચ સાથે જોડાયેલો રહ્યો છું. મંગતપુરમ વિસ્તારમાં ઉચ્ચસ્તરે ધર્મપરિવર્તનની રમત રમાઈ રહી છે. હું પોતે ત્યાં બનેલા ચર્ચમાં ગયો હતો. ત્યાં ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધિત ઘણી સામગ્રી મળી આવી હતી.”
વધુમાં તેમણે કહ્યું હતું કે, “મેં કેટલાક પોલીસવાળા સામે જ ચર્ચમાંથી સામગ્રી કાઢીને પોલીસને સોંપી હતી. ગરીબ લોકોને લાલચ આપી અને ડરાવી ધમકાવીને તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. અમે આ વાત બિલકુલ સહન નહીં કરીએ.”

જગ્યા કોની, શું કહે છે પ્રશાસન

મંગતપુરમના આ વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું છે, આ જમીનના માલિક કોણ છે જેવા કેટલાક સવાલોને લઈને બીબીસીએ એસડીએમ સદર ઓજસ્વી રાજ સાથે વાત કરી હતી.
તેમનું કહેવું હતું કે, “મંગતપુરમની જમીન બે રાજસ્વ ગામમાં છે. દરેકમાં બન્નેનું મિશ્રણ છે. સત્તાનો એક ભાગ પણ છે, કેટલીક ખાનગી છે. અમે આ બધી જમીનને ગેરકાયદેસર કહી શકતા નથી. કઈ જમીન પર આ લોકો વસેલા છે, એ તપાસનો વિષય છે.”
મંગતપુરમના આ વિસ્તારમાં જેટલા પણ લોકો આ ઝૂંપડપટ્ટીમાં રહે છે તેઓ નટ સમુદાય, સૈની અને અન્ય પછાત જાતિના પણ છે.
વધુ પડતાં લોકો કચરો ઉપાડવાનું, મજૂરી કરવા જેવાં કામ કરે છે. તેમનાં કપડાં મેલાં હોય છે અને ઘરમાં ચોખ્ખાં વાસણ પણ જોવાં મળતાં નથી.
વસાહતની પાછળ આ લોકો એવી જગ્યાએ રહે છે જ્યાં કેટલીય જગ્યાએ નાનાં પ્રાણીઓના મૃતદેહ સડી રહ્યા હોય, તો ક્યાંક શહેરનો કચરો ભરેલો પડ્યો હોય.
વસાહત ગમે તે હાલતમાં હોય, પરંતુ આ વિસ્તાર દિલ્હી રોડની બાજુમાં જ આવેલો છે.
તેની સામે જ રેપિડ રેલ નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. વસાહતની આસપાસ કેટલીક રહેણાક કૉલોની પણ ડેવલપ કરાઈ રહી છે. એવામાં આ વિસ્તારની જમીનોના ભાવ વધી રહ્યા છે.
એક સ્થાનિક વ્યક્તિ કનકના કહ્યા મુજબ, અહીં જમીનનો ભાવ 80 હજાર રૂપિયા પ્રતિગજ (અંદાજે બે ફૂટ) સુધી પહોંચી ગયો છે.














