ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કટ્ટરપંથીના બદલે સુધારાવાદીને કેવી રીતે મળી જીત?

મસૂદ પેઝેશ્કિયાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કેવાન હોસૈની
    • પદ, બીબીસી પર્શિયન

50 દિવસ કરતાં પણ ઓછા સમયમાં ઈરાનમાં એક કટ્ટરવાદી, પશ્ચિમ વિરોધી રાષ્ટ્રપતિની જગ્યાએ સુધારવાદી રાષ્ટ્રપતિ આવી ગયા છે. કોઈને અંદાજ ન હતો કે આવું થવાનું છે.

શનિવારે ચૂંટાયેલા મસૂદ પેઝેશ્કિયાન 19 વર્ષ અગાઉ ઈરાનના છેલ્લા સુધારવાદી રાષ્ટ્રપતિના સમયમાં આરોગ્ય મંત્રી હતા. ત્યારથી રાષ્ટ્રપતિ પદની દોડમાં સુધારવાદીઓએ સતત પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે.

તેમના માટે તો મસૂદ પેઝેશ્કિયાન પણ આદર્શ ઉમેદવાર ન હતા. જોકે, સુધારવાદીઓને જ્યારે સમજાયું કે આ વખતે તેમની પાસે બહુ ઓછી તક છે, ત્યારે તેમણે પૂરી તાકાત લગાવી સફળતા મેળવી.

ઈરાનના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિપદના તમામ ઉમેદવારોની શક્તિશાળી ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા ચકાસણી થવી જરૂરી છે. આ કાઉન્સિલ પર સુધારવાદી જૂથ વિરોધી હોવાના આરોપો થયા છે, જેમણે 1997થી 2005 સુધી વહીવટ ચલાવ્યો હતો.

છેલ્લી ત્રણ ચૂંટણીમાં સુધારવાદીઓની ફરિયાદ હતી કે તેમના તમામ હાઈ-પ્રોફાઈલ ઉમેદવારોને કાઉન્સિલ દ્વારા ગેરલાયક ઠરાવી દેવાયા હતા.

તેમના જૂથમાંથી ફક્ત બહુ ઓછા જાણીતા હોય તેવા લોકોને જ ચૂંટણીમાં ઉમેદવાર બનવાની તક મળી હતી. તેથી પોતાના રૂઢિવાદી હરીફોની સામે અસમાન સ્થિતિમાં તેઓ કદાચ ચૂંટણી જીતી ન શક્યા.

આ એક ‘આંચકો’ શા માટે છે?

ઈરાન ચૂંટણી, મસૂદ પેઝેશ્કિયાન

ઇમેજ સ્રોત, SHUTTERSTOCK

આ વર્ષે 19 મેના રોજ ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું જ્યારે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું, ત્યારે ઘણા લોકોને આવી જ સ્થિતિની અપેક્ષા હતી.

9 જૂને ગાર્ડિયન કાઉન્સિલે પોતાની ચકાસણીનાં પરિણામો જાહેર કર્યાં ત્યાર પછી પણ સુધારવાદીઓ સારો દેખાવ કરી શકશે તેવી અપેક્ષા બહુ ઓછી હતી.

મસૂદ પેઝેશ્કિયાન એકમાત્ર એવા ઉમેદવાર હતા જેમનું રાજકીય વલણ અન્ય જૂથ - સિદ્ધાંતવાદીઓ સાથે બંધબેસતું ન હતું.

સુધારવાદીઓની તુલનામાં સિદ્ધાંતવાદીઓ વધુ રૂઢિવાદી છે અને તેઓ ઈરાનની ઇસ્લામિક વિચારધારાના વધુ કટ્ટર સ્વરૂપને ટેકો આપે છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ આ જૂથમાંથી આવે છે, તેથી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) સુધારવાદીઓની સરખામણીમાં તેમની વધુ નજીક છે.

ઈરાને જોયું કે કઈ રીતે સિદ્ધાંતવાદીઓએ તાજેતરનાં વર્ષોમાં એક વ્યવસ્થિત કવાયતમાં સુધારવાદીઓને સત્તામાંથી બહાર ફેંકી દીધા છે, જેને મીડિયામાં 'સમરૂપી' તરીકે ઓળખવામાં આવે છે.

તે દર્શાવે છે કે જે કોઈ ખામેનેઈના ટેકાદાર નથી તેમની જગ્યાએ તેમના સાથી રૂઢિવાદીઓને બેસાડી દેવામાં આવ્યા હતા. તેની સામે ભારે વિરોધ થયો હતો.

ખાસ કરીને 2009માં તેનો પ્રતિકાર કરવામાં આવ્યો જ્યારે સુધારવાદીઓએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવ્યા છે. તેના કારણે લાખો લોકોએ વિરોધપ્રદર્શનો કર્યાં હતાં. આઈઆરજીસી અને તેની સૈન્ય પાંખ 'બસિજ' એ આ વિરોધને હિંસક રીતે કચડી નાખ્યો હતો.

બીબીસી ગુજરાતી

'ઇસ્લામિક રિપબ્લિક' શાસન વિરુદ્ધ સૌથી મોટો અસંતોષ

ઈરાન ચૂંટણી, મસૂદ પેઝેશ્કિયાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇબ્રાહીમ રઇસી જ્યારે 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા ત્યારે કેટલાક વિશ્લેષકોએ પ્રક્રિયા પૂરી થયાની જાહેરાત કરી.

ઈરાનના 'ઇસ્લામિક રિપબ્લિક'માં હવે દરેક ચીજ સર્વોચ્ચ નેતા અથવા સુપ્રીમ લીડર જેવી વિચારધારા ધરાવતા રૂઢિવાદીઓના નિયંત્રણ હેઠળ હતી, જેઓ હવે પોતાને રિવોલ્યુશન ફ્રન્ટ તરીકે ઓળખાવે છે.

રઇસી માત્ર ખામેનેઈ સાથે દેખાવમાં સામ્યતા ધરાવતા ન હતા, પરંતુ તેમની આંતરિક અને બાહ્ય નીતિઓ પણ ખામેનેઈ જેવી જ હતી.

ખામેનેઈ આ નીતિઓને સ્વનિર્ભર અર્થતંત્ર માટેનો પ્રયાસ ગણાવીને તેની હિમાયત કરતા હતા. તેમણે પૂર્વ સાથે સારા સંબંધો રાખવાની 'લૂક ટુ ધ ઈસ્ટ' વિદેશ નીતિ પણ બનાવી હતી જેમાં ચીન અને રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો રાખવાની વાત હતી.

અલબત્ત, સમાજ પર વધુ 'ઇસ્લામિક' નિયંત્રણો મૂકવા એ તેમની નીતિમાં એક મહત્ત્વની બાબત હતી. તેનો અર્થ હતો મહિલાઓ સાથે સખત વ્યવહાર કરવો. આ એવી નીતિ હતી જેના કારણે સપ્ટેમ્બર 2022માં એક છોકરીનું કસ્ટડીમાં મૃત્યુ થયું અને ઈરાનમાં 'ઇસ્લામિક રિપબ્લિક' શાસન વિરુદ્ધ સૌથી મોટો અસંતોષ ફાટી નીકળ્યો હતો.

સત્તાધારી ધાર્મિક અધિકારીઓનો પ્રતિભાવ તો 2009ના વિરોધપ્રદર્શન કરતા પણ વધુ હિંસક હતો. માનવ અધિકાર સંગઠનોના કહેવા પ્રમાણે લગભગ છ મહિના સુધી રસ્તા પર ચાલેલાં વિરોધપ્રદર્શનો દરમિયાન 500થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જેમાં 18 વર્ષ કરતા ઓછી વયનાં 60થી વધુ બાળકો પણ સામેલ હતાં.

2022-2023માં સત્તાવિરોધી પ્રદર્શન બાદ સખત કાર્યવાહી થઈ જેમાં ઇન્ટરનેટ સેન્સરશિપમાં વધારો, સામૂહિક ધરપકડ, યુવા પ્રદર્શનકારીઓ સામે કેસ ચલાવવા અને તેમાંથી ચારને તો ફાંસી પણ આપવામાં આવી.

ઈરાનના ઇતિહાસમાં સૌથી ઓછું મતદાન

ઈરાન ચૂંટણી, મસૂદ પેઝેશ્કિયાન

ઇમેજ સ્રોત, Getty Images

આટલા બધા રાજકીય દમનના કારણે રસ્તા પર વિરોધપ્રદર્શનો બંધ થઈ ગયાં. સાથે સાથે દેશની બહાર પણ સેક્યુલર વિરોધપક્ષો સંગઠિત થવામાં નિષ્ફળ રહ્યા અને તેના બદલે ભયંકર હરીફાઈ અને અસહમતિની સ્થિતિ પેદા થઈ.

એવું લાગતું હતું કે ઈરાનના સત્તાધારીઓએ 1979માં પોતાની સ્થાપના પછીના સૌથી ગંભીર અને અસ્તિત્વ સામેના ખતરાનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો.

જોકે, મોટા પાયે વિરોધપ્રદર્શનની અંતિમ લહેર પછી પણ માત્ર ઉપરછલ્લી શાંતિ હતી. સરકારના આકરા અત્યાચારો સામે ગુસ્સો હોવાની સાથે સાથે આર્થિક મુશ્કેલીઓના કારણે પણ અસંતોષ વધ્યો હતો. તેથી જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હેલિકૉપ્ટર દુર્ઘટનાના સમાચાર આવ્યા ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવી એ સત્તાધીશો માટે એક મોટી ચિંતાનું કારણ હતું.

જે લોકો પોતાનો અસંતોષ અને વિરોધ વ્યક્ત કરવાની સ્થિતિમાં નથી અને જેમાંથી ઘણા લોકો હાલમાં જેલમાં છે, જેમાં નોબલ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીનો પણ સમાવેશ થાય છે, તેમના માટે આ ચૂંટણીનો બહિષ્કાર એ પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે એક પ્રસંગ હતો.

આમ છતાં સુધારવાદીઓએ, ખાસ કરીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ ખતામી જેવા ટોચ પર બેસેલા લોકોએ, નિષ્ક્રિય રહેવાની નીતિ બદલવાનો અને મસૂદ પેઝેશ્કિયાનને ઉત્સાહપૂર્વક ટેકો આપવાનો નિર્ણય લીધો.

આ રીતે સૌથી પહેલા તો ચૂંટણી લોકોને મતદાન કરવાનો આગ્રહ કરતા લોકો અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો કરતા લોકો વચ્ચેની આ લડાઈ બની ગઈ. તેના કારણે આ વખતે ઈરાનના ઇતિહાસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું.

પ્રથમ તબક્કામાં લગભગ 40 ટકા મતદાન થયું અને ટોચના બે ઉમેદવારો, મસૂદ પેઝેશ્કિયાન અને સઈદ જલીલી બીજા વોટ માટે મેદાનમાં ગયા. તેમાંથી સઈદ જલાલી બહુ જાણીતા કટ્ટરવાદી છે જેઓ 2013 સુધી મહમૂદ અહમદીનેજાદના મોટા ભાગના રાષ્ટ્રપતિકાળ દરમિયાન ઈરાનના મુખ્ય પરમાણુ મંત્રણાકાર હતા.

જલીલીના વિચારો સર્વોચ્ચ નેતા સાથે કઈ રીતે મેળ ખાય છે તેની ગમે તેટલી વાતો થઈ હોય, ચૂંટણી કેટલી નિષ્પક્ષ રહી છે તે વિશે સવાલો ઊઠ્યા હોય, આમ છતાં દુનિયાને શનિવારે જાણ થઈ કે પેઝેશ્કિયાન ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.

તેઓ એક એવી વ્યક્તિ છે જેમણે લોકોના જીવનને અસર કરતી લગભગ તમામ નીતિઓમાં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું.

પેઝેશ્કિયાને કયું વચન આપ્યું હતું?

ઈરાન ચૂંટણી, મસૂદ પેઝેશ્કિયાન

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP VIA GETTY IMAGES

પેઝેશ્કિયાનની ચૂંટણીની રણનીતિમાં રૂઢિવાદીઓની પશ્ચિમ વિરોધી વિદેશનીતિ પર હુમલો કરવો એક મુખ્ય બાબત હતી. સુધારવાદી નેતાઓના એક જટિલ માળખાની સાથે સાથે તેમણે દેશના વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફની નિમણૂક કરી હતી જેમણે 2015માં એક મહત્ત્વપૂર્ણ સંધિ સાથે અણુ વાટાઘાટની હિમાયત કરી હતી.

ઝરીફ આમ તો સુધારવાદી નથી, પરંતુ તેઓ શિક્ષણનું કામ છોડીને બહાર આવ્યા અને પેઝેશ્કિયાન માટે જોરદાર પ્રચાર કર્યો. પેઝેશ્કિયાને પોતાના ચૂંટણીઢંઢેરામાં બહુ વિખ્યાત રીતે જાહેરાત કરી હતી કે તેમની વિદેશનીતિ “ન પશ્ચિમ વિરોધી, ન પૂર્વ વિરોધી” હશે, જયારે ઝરીફ પણ તેમની પડખે હતા.

બંને નેતાઓએ ઈરાનને રશિયા અને ચીનની નજીક લઈ જવા માટે રઇસીની નીતિઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ જ એવું જૂથ છે જે દેશના આર્થિક સંકટનો ઉકેલ લાવી શકે છે. તેમણે પશ્ચિમ સાથે વાટાઘાટ કરીને દેશના ન્યુક્લિયર વિવાદનો નીવેડો લાવવાની અને પ્રતિબંધોને હળવા બનાવવાની વાત કરી હતી.

બાકીના બંને ઉમેદવારો અને સર્વોચ્ચ નેતાએ આ વિચારોની ઝાટકણી કાઢી હતી. ખામેનેઈએ કહ્યું કે જે લોકો અમેરિકા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખીને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં વિશ્વાસ કરે છે તેઓ ભ્રમિત થઈ ગયા છે.

તેમણે ઈરાન અણુસંધિનો સંદર્ભ આપ્યો હતો જેનું ઈરાને પાલન કર્યું પરંતુ અમેરિકા તેમાંથી પાછળ ખસી ગયું. તેમની બંધારણીય સત્તાને ધ્યાનમાં રાખતા અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેમના વ્યક્તિગત રસના કારણે વિદેશનીતિ અંગે તેમના વિચારો બહુ મહત્ત્વના છે.

પેઝેશ્કિયાન અને તેમના કૅમ્પેનને બહિષ્કાર અભિયાન તરફથી મોટા પડકારનો સામનો કરવો પડ્યો, જેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ઈરાનના રાજકીય માળખામાં વિદેશનીતિમાં નવેસરથી ફેરફાર કરવા માટે રાષ્ટ્રપતિ પાસે કોઈ અધિકાર નથી હોતા.

આ એવો દાવો છે જેના મજબૂત પુરાવા છે. આ પ્રદેશમાં ઈરાનની નીતિના સૌથી મહત્ત્વનાં પાસાં પૈકી એક તરીકે કુદ્સ ફોર્સ (આઈઆરજીસીની બાહ્ય શાખા) છે. રાષ્ટ્રપતિનો તેના પર કોઈ સીધો અંકુશ નથી હોતો.

તેમણે શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય માત્ર સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) લઈ શકે છે. ખામેનેઈએ વારંવાર કહ્યું હતું કે કુદ્સ દળો જે કરે છે તે દેશની સુરક્ષાનીતિ માટે આવશ્યક છે. તેમણે આ ચૂંટણીના પ્રથમ રાઉન્ડથી માત્ર ત્રણ દિવસ અગાઉ પણ આ વાત કહી હતી.

મધ્ય-પૂર્વમાં 7મી ઑક્ટોબરે જે થયું ત્યાર પછી લેબનન, સીરિયા અને ઇરાક જેવા દેશોમાં ઈરાનના પ્રોક્સીઓના નેટવર્ક અને ઈરાની દળોની ગતિવિધિના સંદર્ભમાં કોઈ પણ ફેરફાર કરવો વધુ પડકારજનક બની ગયો છે.

છેલ્લા આઠ મહિનાથી ઈરાન આ પ્રદેશમાં હમાસનો મુખ્ય ટેકેદાર દેશ હતો અને યમનમાં હૂતી જેવા તેના પ્રોક્સીએ ઇઝરાયલ અને પશ્ચિમી હિતોને નુકસાન પહોંચાડવા માટે રાતા સમુદ્રમાં વેપારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઈરાન ચૂંટણી, મસૂદ પેઝેશ્કિયાન

ઇમેજ સ્રોત, Getty Images

બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ વિવાદ વચ્ચે આઈઆરજીસીએ ઇઝરાયલ પર સુધી હુમલો પણ કર્યો હતો.

આમ છતાં, રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ હોદ્દો ધરાવતા ઈરાની ડિપ્લોમેટ છે અને માત્ર તેમનું કાર્યાલય નહીં, પરંતુ નીતિઓના અમલીકરણ અને તેને નવો આકાર આપવાની વાત આવે ત્યારે વિદેશ મંત્રાલય પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

તેમની પાસે પડદા પાછળ રહીને રાજકીય લોબિંગ દ્વારા પોતાના દૃષ્ટિકોણને આગળ વધારવાની તક છે, જેવું 2015માં થયું હતું જ્યારે તે સમયના મધ્યમમાર્ગી રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ખામેનેઈ સહિતના કટ્ટરવાદીઓને સમજૂતી સ્વીકારવા માટે મનાવી લીધા હતા.

આ ઉપરાંત પ્રશાસન જાહેર ચર્ચાને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે અને ખામેનેઈના વલણ સાથે 100 ટકા સુસંગત ન હોય તેવી નીતિઓને પણ પ્રોત્સાહિત કરી શકે છે.

આ પ્રકારની બારીકીઓ એ સુધારવાદીઓ માટે એકમાત્ર તક છે જેમાં તેઓ પોતાનાં વચનો પૂરાં કરી શકે છે અને પેઝેશ્કિયાન જેને "કટ્ટરવાદીઓ દ્વારા દેશભરમાં બનાવવામાં આવેલી દીવાલો" કહે છે, તેને ખતમ કરી શકાય છે.

પરંતુ આ વખતે અગાઉના સુધારવાદી પ્રશાસનથી વિપરીત એક સ્વતંત્ર અને વધુ લોકતાંત્રિક સમાજ રચવાના વાયદા લગભગ ગાયબ હતા.

સુધારવાદીઓએ ભારે રાજકીય દમન સહન કરવું પડ્યું છે. જેમાં કેટલાક વિચારકોની કટ્ટરવાદીઓ દ્વારા હત્યા પણ કરવામાં આવી છે, અખબારો બંધ કરી દેવાયા છે, અને પોતાના રાજકીય સંચાલકો માટે સામૂહિક કેસ પણ ચલાવાયા છે.

તેઓ સત્તાનાં મહત્ત્વનાં કેન્દ્રો, જેમ કે સુપ્રીમ લીડરની ઑફિસ, ગાર્ડિયન કાઉન્સિલ અને સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ પર પ્રભાવ ધરાવતા નથી.

તેઓ સ્વતંત્ર ચૂંટણી કરાવી શકતા નથી, સેન્સરશિપના કાયદા બદલી શકતા નથી કે મૉરેલિટી પોલીસને નિયંત્રિત કરી શકતા નથી અને સૌથી મહત્ત્વની વાત એ કે 27 વર્ષ અગાઉ 3.5 કરોડ લોકોમાંથી બે કરોડ કરતા વધુ લોકોએ તેમને મત આપ્યા હતા. જ્યારે આ વખતે 6.2 કરોડ મતદારોમાંથી પેઝેશ્કિયાનને 1.6 કરોડ મત આપ્યા અને તે સાથે તેમનો વિજય થયો છે. 1.3 કરોડ કરતા વધુ લોકોએ તેમના વધુ કટ્ટરવાદી હરીફ સઈદ જલીલીને મત આપ્યા હતા, જેમણે એવો તર્ક આપ્યો હતો કે પોતાના હિતના રક્ષણ માટે ઈરાને હજુ પણ વધુ પશ્ચિમ વિરોધી બનવાની જરૂર છે.

પેઝેશ્કિયાનને પરિવર્તન માટે મળેલા જનમતનું આકલન કરતી વખતે આ હકીકતને ધ્યાનમાં રાખવી જોઈએ.