અમેરિકાના પ્રતિબંધો છતાં ઈરાન ઑઇલ વેચીને નફો કેવી રીતે કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલ મહિનામાં ઈરાને ઇઝરાયલ પર નિશાનો સાધીને 300થી વધારે મિસાઇલો અને ડ્રોન વડે હુમલાઓ કર્યા હતા.
ત્યાર બાદ ઈરાન પર ઑઇલની નિકાસ માટે કડક પ્રતિબંધો મૂકવા માટે અરજીઓ કરવામાં આવી હતી. ઑઇલની નિકાસ ઈરાનની અર્થવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.
ઈરાનના કસ્ટમ પ્રમુખના કહેવા પ્રમાણે, ઈરાન વિરુદ્ધ લેવાયેલાં પગલાં છતાં પણ ઈરાને વર્ષ 2024ના પહેલાં ત્રણ મહિનામાં 35.6 અબજ ડૉલરની કિંમતના ઑઇલની નિકાસ કરી હતી. આ આંકડો છેલ્લાં છ વર્ષમાં સૌથી ઊંચો છે.
જોકે, સવાલ એ છે કે ઈરાન પર આટલા પ્રતિબંધો હોવા છતાં ઑઇલની નિકાસ કરીને નફો કેવી રીતે કરી રહ્યું છે.
આ સવાલનો જવાબ ઈરાન પાસેથી સૌથી વધારે ઑઇલ ખરીદનાર ચીન કેવી રીતે વેપાર કરે છે તેની સાથે સંકળાયેલ છે.
અમેરિકાની હાઉસ ફાઇનેન્શિયલ કમેટીના રિપોર્ટ પ્રમાણે, ઈરાનની નિકાસનો 80 ટકા ભાગ ચીનમાં જાય છે. ચીન ઈરાન પાસેથી દરરોજ 15 લાખ બેરલ ઑઇલ ખરીદે છે.
ચીન ઈરાન પાસેથી ઑઇલ કેમ ખરીદે છે?

ઇમેજ સ્રોત, Reuters
ઈરાન સાથે વેપાર કરવાના અનેક જોખમો છે, ખાસ કરીને અમેરિકા દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો. તેમ છતાં વિશ્વમાં સૌથી વધારે ઑઇલ ખરીદનાર ચીન કેમ ઈરાન પાસેથી ખરીદી રહ્યું છે?
આ સવાલનો જવાબ તદ્દન સરળ છે. કારણ કે ઈરાનનું ઑઇલ સસ્તું અને ક્વૉલિટીમાં સારું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષોને કારણે વૈશ્વિક બજારોમાં ઑઇલની કિંમત વધી રહી છે. જોકે, ઈરાન પોતાના ઑઇલને સસ્તા ભાવે વેંચી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રૉયટર્સે વેપારીઓ અને શિપ ટ્રેકર્સના આંકડાઓ એકઠા કર્યા હતા. આ આંકડાઓ પ્રમાણે, ચીને ઈરાન, રશિયા અને વેનેઝુએલા પાસેથી ઑઇલની રેકૉર્ડ ખરીદી કરીને લગભગ 10 અરબ ડૉલરની બચત કરી હતી. આ બધા દેશો પાસેથી ઑઇલ સસ્તા ભાવે મળી રહ્યું હતું.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ બદલાતા રહે છે. જોકે, ક્રૂડ ઑઇલનો ભાવ મોટેભાગે 90 ડૉલર પ્રતિ બેરલથી ઓછો જ રહે છે.
ડાટા અને ઍનાલિટિક્સ કંપની કેપ્લરના એક વરિષ્ઠ વિશ્લેષક હુમાયું ફલકશાહીનું અનુમાન છે કે ઈરાન પોતાના ક્રૂડ ઑઇલનો વેપાર પાંચ ડૉલર પ્રતિ બેરલની છૂટ આપીને કરી રહ્યું છે. ઈરાન ગયા વર્ષ સુધી 13 ડૉલર પ્રતિ બેરલની છૂટ આપી રહ્યું હતું.
વિશ્લેષકે ઉમેર્યું કે વૈશ્વિક રાજનીતિ પણ આ પાછળ એક મુખ્ય કારણ છે.
તેમણે કહ્યું, "અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ખેલનો એક મુખ્ય હિસ્સો ઈરાન પણ છે. ઈરાનની અર્થવ્યવસ્થાને સમર્થન આપીને ચીન મધ્ય પૂર્વમાં અમેરિકા માટે સૈન્ય પડકારો ઊભા કરે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે હાલમાં ઇઝરાયલ સાથે આ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે."
જાણકારો માને છે કે ઈરાન અને ચીને વેપાર માટે એક સારી સિસ્ટમ તૈયાર કરી લીધી છે.
ઍટલાન્ટિક કાઉન્સિલમાં ઇકોનૉમિક સ્ટેટક્રાફ્ટની સહાયક નિદેશ માઇયા નિકોલાડેઝે બીબીસીને જણાવ્યું, "આ ટ્રેડ સિસ્ટમના ખાસ તત્ત્વ છે ચીનની નાની રિફાઇનરીઓ (ટીપૉટ્સ), ટૅન્કરોની ડાર્ક ફ્લીટ, અને મર્યાદિત પહોંચ ધરાવતી ચીનની ક્ષેત્રિય બૅન્કો."
ચીનની નાની રિફાઇનરીઓમાં (ટીપૉટ્સ) ઈરાનના ઑઇલને રિફાઇન કરવામાં આવે છે. આ રિફાઇનરીઓ અર્ધસરકારી છે અને તેનો ઉપયોગ મોટી સરકારી કંપનીઓના વિકલ્પ તરીકે કરવામાં આવે છે.
ફલકશાહીએ કહ્યું, "ટીપૉટ્સ એક બિઝનેસ ટર્મ છે. કારણ કે આ રિફાઇનરીઓ શરૂઆતમાં ચાની કીટલી જેવી દેખાતી હતી, જેમાં માત્ર પ્રાથમિક સુવિધાઓ હતી. આ રિફાઇનરીઓ મોટે ભાગે બેઇજિંગના દક્ષિણ-પૂર્વે આવેલા શેડોંગ વિસ્તારમાં હતી. આ કારણે તેને ટીપૉટ્સ કહે છે."
આ નાની રિફાઇનરીઓ ચીનની સરકારી કંપનીઓની તુલનામાં ઓછી જોખમી છે. કારણ કે, મોટી કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે અને તેમને અમેરિકાના ફાઇનાન્શિયલ સિસ્ટમના ઍક્સેસની જરૂર પડે છે.
ફલકશાહીએ કહ્યું, "નાની રિફાઇનરીઓ ન તો વિદેશમાં વેપાર કરે છે, ના તેમને ડૉલરની જરૂર હોય છે. આ કારણે તેમની વિદેશી ફંડિગની ઍક્સેસની પણ જરૂર નથી."
ડાર્ક ફ્લીટ્સ

ઇમેજ સ્રોત, Getty Images
નિકોલાડેઝે જણાવ્યું, "ઑઇલ ટૅન્કરોને વિશ્વભરના મહાસાગરોમાં સૉફ્ટવેર થકી ટ્રેક કરવામાં આવે છે. ટ્રેકર વડે ટેન્કરની લોકેશન, સ્પીડ અને રસ્તા પર પણ નજર રાખવામા આવે છે."
આ ટ્રેકિંગ સિસ્ટમથી બચવા માટે ઈરાન અને ચીને ટૅન્કરોનું એક નેટવર્ક તૈયાર કર્યું છે, આ ટૅન્કરોની સાચી લોકેશનની જાણકારી મળતી નથી.
તેમણે કહ્યું, "આ સિસ્ટમ પશ્ચિમના ટૅન્કરો, શિપિંગ સેવાઓ અને બ્રોકરેજ સેવાને બાયપાસ કરે છે. આ રીતે ચીનને પ્રતિબંધો ઉપરાંત પશ્ચિમી દેશના નિયમોને પાલન કરવાની જરૂર પડતી નથી."
માનવામાં આવે છે કે આ ફ્લીટ્સને શિપથી શિપ ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે ચીન સાથે આંતરરાષ્ટ્રીય સમુદ્ર વિસ્તારમાં જ કરવામાં આવે છે, પરંતુ નક્કી કરેલા ટ્રાન્સફર ઝોનની બહાર થાય છે. આ ટ્રાન્સફર કેટલીક વખત ખરાબ વાતાવરણ દરમિયાન કરવામાં આવે છે જેથી કરીને લોકેશનને છુપાવી શકાય. આ રીતે ચીનમાં ઑઇલ કેવી રીતે પહોંચ્યું તે વિશે જાણકારી મેળવવી મુશ્કેલ છે.
વિશ્લેષક ફલકશાહીનું માનવું છે કે આ ટ્રાન્સફર સામાન્ય રીતે દક્ષિણ-પૂર્વ એશિયાની જળ સીમામાં થાય છે.
તેમણે કહ્યું, "સિંગાપુર અને મલેશિયાની પૂર્વે એક વિસ્તાર છે, જે ઐતિહાસિક રૂપે એવું સ્થળ રહ્યું છે, ઐતિહાસિક રૂપે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામા ટૅન્કરો આવે છે અને માલની ટ્રાન્સફર છે."
રિબ્રાન્ડિંગનો તબક્કો

ઇમેજ સ્રોત, Getty Images
ફલકશાહીએ જણાવ્યું, "એક જહાજ મલેશિયાની જળક્ષેત્રથી ઉત્તર-પૂર્વ ચીન તરફ જાય છે અને ક્રૂડ ઑઇલની ડિલીવરી કરે છે. આ પાછળ ઉદ્દેશ્ય છે કે ક્રૂડ ઑઇલ ઇરાનથી નહીં પણ મલેશિયાથી આવે છે."
અમેરિકા ઊર્જા સૂચના વહીવટીતંત્ર (ઈઆઈએ) પ્રમાણે કસ્ટમ ડેટા જણાવે છે કે ચીને 2022ની તુલનામાં 2023માં મલેશિયા પાસેથી 54 ટકા વધારે ક્રૂડ ઑઇલની આયાત કરી હતી.
જોકે, હકીકતમાં મલેશિયા ચીનને જે ક્રૂડ ઑઇલની નિકાસ કરે છે તે મલેશિયાની ઉત્પાદન ક્ષમતા કરતા પણ વધારે છે.
ઍટલાન્ટિક કાઉન્સિલના વિશ્લેષક નિકોલાડેઝે કહ્યું, "આ જ કારણે એવું માનવામાં આવે છે કે મલેશિયા જે નિકાસનો રિપોર્ટ કરી રહ્યું છે તે હકીકતમાં ઈરાની ક્રૂડ ઑઇલની નિકાસ છે."
ગયા વર્ષે જુલાઈ અને ઑક્ટોબરમાં રિપોર્ટ આવ્યા હતા કે ગેરકાયદેસર રીતે ક્રૂડ ઑઇલ ટ્રાન્સફર કરવા માટે મલેશિયા અને ઇન્ડોનેશિયાના અધિકારીઓએ ઈરાનનાટૅન્કરો જપ્ત કર્યા હતા.
નાની બૅન્કો થકી પેમેન્ટ
માઇયા નિકોલાડેઝે જણાવ્યું કે પશ્ચિમી દેશો દ્વારા મૉનિટર કરનારી આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમનો ઉપયોગ કરવાને બદલે ઈરાન અને ચીન વચ્ચે લેવડ-દેવડ ચીનની નાની બૅન્કો થકી કરવામાં આવે છે.
તેમણે કહ્યું, "ચીન ઈરાની ક્રૂડ ઑઇલની ખરીદીને જોડાયેલા જોખમોને વિશે સારી રીતે જાણે છે. ચીન આ કારણે આ પ્રકારની લેવડ-દેવડ માટે પોતાની મહત્ત્વપૂર્ણ બૅન્કોને સામેલ કરવા માંગતું નથી. ચીન નાની બૅન્કોનો ઉપયોગ કરે છે, જે બૅન્કનો આંતરરાષ્ટ્રીય જોખમ નથી."
એવું માનવામાં આવે છે કે ડૉલરવાળી નાણાકીય પ્રણાલીથી બચવા માટે ઈરાનને ક્રૂડ ઑઇલ માટે ચુકવણી ચીનની મુદ્રામાં કરવામાં આવે છે.
ફલકશાહીએ જણાવ્યું, "આ પૈસા એ ચીનની બૅન્કોમાં જમા કરવામાં આવે છે જે ઈરાની શાસન સાથે જોડાયેલી છે. આ પૈસાનો ઉપયોગ પછી ચીનના સામાનને આયાત કરવા માટે કરવામાં આવે છે. આ પૈસાનો એક મોટો હિસ્સો ઈરાનને પાછો મોકલવામાં આવે છે."
તેમણે ઉમેર્યું કે આ આખી સિસ્ટમ ખૂબ જ અસ્પષ્ટ છે અને સમજવું મુશ્કેલ છે કે બધા જ પૈસા ઈરાન પાછા મોકલવામાં આવે છે કે કેમ?
કેટલાક રિપોર્ટમાં જાણવા મળે છે કે ઈરાન ફાઇનાન્શિયલ ટ્રેલને છુપાવવા માટે પોતાના દેશની અંદર જ મની ઍક્સચેન્જ હાઉસનો ઉપયોગ કરે છે.
ક્રૂડ ઑઇલની કિંમત વધવાનો ભય

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 24 એપ્રિલે યૂક્રેન માટે એક વિદેશી સહાયતા પૅકેજ પર સહી કરી, જેમાં ઈરાનના ક્રૂડ ઑઇલની નિકાસ પર મોટા પાયે પ્રતિબંધ સામેલ છે.
નવા કાયદાઓમાં આ વિદેશી પોર્ટ, વિસલ અને રિફાઇનરીઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે જે ઈરાનથી આવેલા ક્રૂડ ઑઇલને પ્રોસેસ કરે છે.
કેપ્લરના વિશ્લેષક ફલકશાહીએ કહ્યું કે અમેરિકા કદાચ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાડતા અચકાય છે.
તેમણે કહ્યું, "આ પાછળ મુખ્ય કારણ એ છે કે બાઇડનનું વહીવટીતંત્ર પોતાના દેશમાં ક્રૂડ ઑઇલની કિંમત પર કાબુ રાખવામાં આવે છે. આ તેમની વિદેશ નીતિ કરતા પણ વધારે મહત્ત્વપૂર્ણ છે."
પેટ્રોલની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકમાં ઇરાન ત્રીજો સૌથી મોટો ઉત્પાદક છે અને દરરોજ લગભગ 30 લાખ બેરલ ક્રૂડ ઑઇલનું ઉત્પાદન કરે છે. તે કૂલ વૈશ્વિક ઉત્પાદનના ત્રણ ટકા છે.
જાણકારો માને છે કે ઈરાન જો ક્રૂડ ઑઇલના નિકાસ પર રોક લગાવે તો વિશ્વમાં ક્રૂડ ઑઇલનો ભાવ વધી શકે છે.
ફલકશાહીએ કહ્યું, "બાઇડન જાણે છે કે અમેરિકા જો ઈરાનની ક્રૂડ ઑઇલની નિકાસને ઘટાડશે તો બજારમાં ક્રૂડ ઑઇલની સપ્લાઈ ઘટશે અને આ કારણે ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થશે. આ કારણે અમેરિકામાં પણ ગેસોલીનની કિંમતમાં વધારો થઈ શકે છે."
બાઇડેન ચૂંટણી પહેલાં આ ભાવ વધારો ઇચ્છશે નહીં.












