અમેરિકા: જો બાઇડનની જગ્યાએ ભારતીય મૂળનાં કમલા હૅરિસ રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બની શકે?

જો બાઇડન, કમલા હૅરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, JIM WATSON/MICHAEL DEMOCKER/SAUL LOEB/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જો બાઇડન, કમલા હૅરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ
    • લેેખક, કર્ટની સુબ્રમણિયન
    • પદ, ન્યૂ ઑરલિન્સ અને વોશિંગટન ડીસીથી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ શનિવારે બપોરે પોતાનાં જીવનની કહાણી પર વાત કરી રહ્યાં હતાં.

ન્યૂ ઑરલિન્સ શહેરમાં આયોજિત કરવામાં આવેલા બ્લૅક કલ્ચરલ ફેસ્ટિવલમાં તેમણે જણાવ્યું કે વ્હાઇટ હાઉસમાં તેમણે શું સિદ્ધિઓ મેળવી.

આ એક એવી ઇવેન્ટ હતી જ્યાં રાષ્ટ્રપતિ બાઇડનના ડેપ્યુટી તરીકે અમેરિકાનાં પ્રથમ મહિલા, બ્લૅક અને દક્ષિણ એશિયાઈ મૂળના ઉપરાષ્ટ્રપતિ પોતાના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન વારંવાર જોવાં મળતાં હતાં.

ન્યૂ ઑરલિન્સથી હજાર મીલ દૂર વૉશિંગ્ટનમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ડિબેટમાં બાઇડનના નિરાશાજનક પ્રદર્શનને કારણે ડેમૉક્રેટ્સ ગભરાયા છે. ડેમૉક્રેટ્સ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે 81 વર્ષીય બાઇડનની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિને ઉમેદવાર બનાવવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને કવર કરનારા પત્રકારોની સંખ્યા ઘણી વધી ગઈ છે.

બીબીસી ગુજરાતી

બાઇડનનું વલણ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન

કમલા હૅરિસે ન્યૂ ઑરલિન્સના બ્લૅક કલ્ચરલ ફેસ્ટિવલના સ્ટેજ પર અને આખા અઠવાડિયામાં રાષ્ટ્રપતિ બાઇડનની ફિટનેસ પર ઊઠી રહેલા સવાલો વિશે વાત કરી ન હતી. તેમને પૂછવામાં આવી રહ્યું છે કે શું રાષ્ટ્રપતિ બાઇડને પોતાની ઉમેદવારી પાછી ખેંચીને તેમને (ઉપરાષ્ટ્રપતિને) ઉમેદવાર જાહેર કરવા જોઈએ?

જોકે, ન્યૂ ઑરલિન્સમાં લોકોને સંબોધિત કરતી વખતે તેમણે પોતાની મહત્ત્વાકાંક્ષા અને પોતાના માટે કેવી રીતે રસ્તો બનાવવો છે તેના વિશે વાત કરી હતી. ફેસ્ટિવલમાં તેમને સાંભળવા આવેલા લોકોમાં ઉત્સાહ ભરતાં તેમણે કહ્યું, "તેવા લોકોની વાત ન સાંભળો જે ટીકા અને વિરોધ કરી રહ્યા છે."

તેમણે કહ્યું, "લોકો તમને કહેશે કે આ તમારો સમય નથી. તમારો ચાન્સ નથી. તમે જે કરી રહ્યા છો તે પહેલાં કોઈએ કર્યું નથી. શું તમે આ વાત કોઈના મોઢે નથી સાંભળી?"

ન્યૂઝ ચેનલ સીએનએન પર 27 જૂને પ્રસારિત થયેલી ડિબેટ પછી રાષ્ટ્રપતિ જો બાઇડન પર સતત સવાલો ઊઠી રહ્યા છે. કમલા હૅરિસ સતત પોતાના બૉસનો બચાવ કરતાં જોવાં મળ્યાં છે.

કમલા હૅરિસે રાષ્ટ્રપતિ બાઇડનનો બચાવ કરતા કહ્યું કે 90 મિનિટની ડિબેટને આધારે રાષ્ટ્રપતિ તરીકે તેમના રેકૉર્ડને નબળો ન ગણવો જોઈએ.

જો બાઇડને આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ જ ડેમૉક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના ઉમેદવાર રહેશે.

બાઇડનની દાવેદારી છતાં જેમજેમ તેમને પાછળ હટાવવાની માગ વધી રહી છે તેમતેમ ડેમૉક્રેટિક પાર્ટીના કેટલાક મોટા નેતાઓ 59 વર્ષીય કમલા હૅરિસના સમર્થનમાં જોવા મળી રહ્યા છે.

તેમને લાગે છે કે જો બાઇડનના વિકલ્પ તરીકે કમલા હૅરિસ એક યોગ્ય ઉમેદવાર છે.

કૅલિફોર્નિયાના કૉંગ્રેસમેન એડમ સ્કિફે એનબીસીના ‘મીટ ધી પ્રેસ’ કાર્યક્રમમાં કહ્યું, "બાઇડન જબરદસ્ત રીતે ચૂંટણી જીતવા માટે તૈયાર હોય અથવા તો આ જવાબદારી તેઓ કોઈ એવી વ્યક્તિને સોંપે જે આ કામ કરી શકે છે."

તેમણે કહ્યું કે ટ્રમ્પ સામેની આ ચૂંટણી જીતવા હૅરિસ સક્ષમ છે.

ભારતીય મૂળનાં કમલા હૅરિસની છબી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, કેટલાક ડેમૉક્રેટિક પાર્ટીના નેતાઓએ આ વિચારનો પણ વિરોધ કર્યો છે. વિરોધ કરનાર લોકોમાં બાઇડનના એ સમર્થકો પણ સામેલ છે જે કમલા હૅરિસને વર્ષ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન પહેલાં જ હારી જનાર વ્યક્તિ તરીકે જુએ છે.

તેમની નજરમાં કમલા હૅરિસ એક એવાં ડેમૉક્રેટિક નેતા છે જેમનો વ્હાઇટ હાઉસમાં કોઈ સારો રેકૉર્ડ નથી અને તેમની અપ્રૂવલ રેટિંગ પણ ઓછી રહી છે.

જોકે, એડમ સ્કિફ અને સાઉથ કેરોલિનાના કૉંગ્રેસમેન જિમ ક્લિબર્ન જેવા વરિષ્ઠ નેતા બાઇડન સમર્થક ડેમૉક્રેટ્સની દલીલની સામે કમલા હૅરિસને એક સ્વભાવિક અનુગામી તરીકે ગણાવે છે. આ કારણે સવાલ ઊભો થાય છે કે શું બાઇડની પાર્ટીના દબાણને કારણે પોતાની ઉમેદવારી પાછી ખેંચશે?

ડેમૉક્રેટ્સ સમર્થકો એ ચૂંટણી સર્વેનો હવાલો આપે છે જેમાં સંકેત મળ્યો છે કે રાષ્ટ્રપતિ બાઇડનની તુલનામાં કમલા હૅરિસ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સારું પ્રદર્શન કરી શકે છે.

તેમનું કહેવું છે કે કમલા હૅરિસની એક રાષ્ટ્રીય છબી છે, તેમની પાસે ચૂંટણી પ્રચાર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને તેઓ યુવા મતદારોને અપીલ કરી શકે છે. આ કારણે ચૂંટણીના ચાર મહિના પહેલાં કોઈપણ પ્રકારની રોક વગર ઉમેદવાર બદલી શકાય છે.

જો ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર બદલાશે તો તે કમલા હૅરિસના રાજકીય કૅરિયરમાં ખૂબ જ મોટો ટર્નિગ પૉઇન્ટ ગણાશે. કારણ કે તેમને થોડા સમય પહેલાં વ્હાઇટ હાઉસમાં બાઇડનની એક નબળી કડી તરીકે જોવામાં આવતાં હતાં.

રાષ્ટ્રપતિ પદની જવાબદારી લીધા પછી શરૂઆતી મહિનાઓમાં જો બાઇડને તેમના વિશે કહ્યું હતું કે કાર્ય પ્રગતિ પર છે.

જોકે, લાંબા સમયથી ડેમૉક્રેટિક પાર્ટીના રણનીતિકાર અને કમલા હૅરિસ માટે કામ કરી ચૂકેલા જમાલ સિમન્સે કહ્યું, "કમલા હૅરિસને લાંબા સમયથી નબળાં ગણવામાં આવ્યાં છે."

બાઇડન પ્રત્યે વફાદારી

જો બાઇડન અને કમલા હૅરિસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો બાઇડન અને કમલા હૅરિસ

સિમન્સે બીબીસીને જણાવ્યું, "કમલા હૅરિસ બાઇડનના સહયોગી રહે કે રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર, રિપબ્લિકન પાર્ટીએ હવે તેમને ગંભીરતાથી લેવા પડશે."

ટ્રમ્પ-બાઇડન ડિબેટ પછી કમલા હૅરિસ પોતાના બધા જ શેડ્યૂલને રદ કરીને રાષ્ટ્રપતિ બાઇડન સાથે દરેક જગ્યાએ જોવાં મળે છે.

અમેરિકાના સ્વતંત્રતા દિવસે એટલે કે ચાર જુલાઈના રોજ કમલા હૅરિસ લૉસ એન્જલિસમાં પોતાના ઘરે અગ્નિશામકો અને સિક્રેટ સર્વિસના લોકો માટે હૉટડોગ્સ ગ્રિલ કરતાં હોય છે. પરંતુ આ વખતે તેમણે વ્હાઇટ હાઉસમાં બાઇડેન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

કમલા હૅરિસે ટ્રમ્પ અને બાઇડનની ડિબેટ પછી સાર્વજનિક નિવેદનોમાં ટ્રમ્પની ટીકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

હૅરિસ સતત કહે છે કે મતદારોએ સમજવું જોઈએ કે ટ્રમ્પ લોકતંત્ર અને મહિલાઓના અધિકાર માટે ખતરો છે.

તેમણે દરેક જગ્યાએ બાઇડન પ્રત્યે પોતાની વફાદારી વ્યક્ત કરી હતી.

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિએ હંમેશાં મહત્ત્વાકાંક્ષા અને વફાદારી વચ્ચે નાજુક સંતુલન જાળવવાની જરૂર પડે છે.

કમલા હૅરિસ પણ જાણે છે કે આ સમય પોતાની અને રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ પ્રકારનો મતભેદ દેખાડવાનો નથી.

જોકે, કમલા હૅરિસ બાઇડનનો એકમાત્ર વિકલ્પ નથી.

જો બાઇડન ઉમેદવારી પાછી ખેંચે તો...

જો બાઇડન અને કમલા હૅરિસ

ઇમેજ સ્રોત, REUTERS/LEAH MILLIS/FILE PHOTO

ઇમેજ કૅપ્શન, જો બાઇડન અને કમલા હૅરિસ

બાઇડનનું સ્થાન લેનાર લોકોની યાદીમાં મિશિગનના ગ્રેચેન વિટમર, કૅલિફોર્નિયાના ગેનિન ન્યૂસૉમ, પેનસિલ્વેનિયાના જોશ શપિરો અને ઇલિનૉયના જેબી પ્રિટઝ્કરના નામ સામેલ છે.

આ યાદીમાં કૅલિફોર્નિયાના કૉંગ્રેસ સભ્ય રો ખન્ના પણ સામેલ છે.

હૅરિસના સ્ટાફે આ બધી જ અટકળોથી અંતર જાળવી રાખ્યું છે. જોકે, તેમની ટીમ પડદા પાછળ રહીને ચાલી રહેલી ચર્ચા પર ધ્યાન રાખી રહી છે.

ઇન્ટરનેટ પર એક નોટ શૅર કરવામાં આવી રહી છે જેમાં કમલા હૅરિસની ખાસિયતોનાં વખાણ કરવામાં આવ્યાં છે.

આ નોટમાં લખ્યું છે કે કમલા હૅરિસ સિવાય બીજી કોઈ વ્યક્તિને ચૂંટવાથી પાર્ટીના ચૂંટણી અભિયાનની ગાડી પાટા પરથી ઊતરી જશે.

જો બાઇડન ઉમેદવારી પાછી ખેંચે અને ત્યારબાદ પાર્ટી કમલા હૅરિસ સિવાય બીજી કોઈ વ્યક્તિને ઉમેદવાર બનાવશે તો તે વાત ડેમૉક્રેટ્સના તાકાતવર બ્લૅક કૉકસને નારાજ કરશે.

અમેરિકાની કૉંગ્રેસના જાણીતા બ્લૅક સભ્ય ક્લાઇબર્ને એક ન્યૂઝ ચેનલને જણાવ્યું, "આ પાર્ટીએ એવું કંઈ પણ ન કરવું જોઈએ જેથી કરીને કમલા હૅરિસની દાવેદારીની અવગણના થાય."

બીજી તરફ રિપબ્લિકન પાર્ટી પણ માને છે કે બાઇડનનું સ્થાન લેનારાની યાદીમાં કમલા હૅરિસ મોખરે છે.

પાર્ટીના સાઉથ કૅરોલિનાના સૅનેટર લિન્ડસી ગ્રેહમે રવિવારે કહ્યું કે જો કમલા હૅરિસ મેદાનમાં ઊતરશે તો તેમની પાર્ટીએ એક અલગ પ્રકારના ચૂંટણી અભિયાન માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે હૅરિસને બર્ની સેન્ડર્સના ડાબેરી વિચારોના સમર્થક ગણાવ્યા અને સંકેત આપ્યો કે કમલા હૅરિસને ઉમેદવાર બનાવવામાં આવશે તો રિપબ્લિકન પાર્ટી તેમને કયા મુદાઓ પર નિશાન બનાવશે.

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હૅરિસને ‘નિરાશ કરનાર વ્યક્તિ’ તરીકે ગણાવ્યાં હતાં.

ટ્રમ્પ સામે હૅરિસ?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

જોકે એક સવાલ જે કેટલાય ડેમૉક્રેટ્સ માટે મહત્ત્વનો છે તે એ છે કે શું તેમની પાસે જો બાઇડનની તુલનામાં ટ્રમ્પને હરાવવાનો સારો મોકો છે?

આ સવાલનો જવાબ એકદમ અનિશ્ચિત છે.

કમલા હૅરિસના સમર્થકો સીએનએનના હાલના સર્વે તરફ ઇશારો કરે છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડનની તુલનામાં કમલા હૅરિસ ટ્રમ્પની સામે સારું પ્રદર્શન કરી શકે છે.

આ સર્વે પ્રમાણે, કમલા હૅરિસ ટ્રમ્પથી માત્ર બે અંક પાછળ છે. જોકે, આ જ સર્વેમાં રાષ્ટ્રપતિ બાઇડન ટ્રમ્પથી છ અંક પાછળ છે.

સર્વેમાં સંકેતો મળ્યા છે કે સ્વતંત્ર મતદારો અને મહિલા મતદારોમાં હૅરિસનું પ્રદર્શન બાઇડન કરતા સારું રહી શકે છે.

જોકે, કેટલાક મતદાન નિષ્ણાતો આ સર્વેને નકારે છે.

તેમનું કહેવું છે કે જો બાઇડન રાષ્ટ્રપતિની રેસમાંથી હટી જાય અને ડેમૉક્રેટ્સ કમલા હૅરિસ સિવાય કોઈ વ્યક્તિને ઉમેદવાર બનાવશે તો સમીકરણો બદલાઈ જશે.

ડેમૉક્રેટિક પાર્ટીના નજીક ચૂંટણી નિષ્ણાતે પોતાનું નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે હૅરિસ બાઇડન કરતાં વધારે મતદારોને પોતાની તરફ ખેંચી શકે છે, પરંતુ આ અંતર કેટલું વધારે હશે તેનો અંદાજો કરવો મુશ્કેલ છે.

તેમણે કહ્યું કે આ સમયે થઈ રહેલા સર્વેમાં તેમનું ટ્રમ્પની સામે આકલન યોગ્ય નથી.

જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્ર્મ્પ અને જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

કમલા હૅરિસ ભારતીય માતા અને જમૈકન પિતાનાં સંતાન છે. ચૂંટણી પહેલાંના સર્વે સંકેત આપે છે કે બ્લૅક અમેરિકન, યુવાનો અને લેટિનના લોકોમાં હૅરિસની પકડ મજબૂત છે.

આ બધાં જ મહત્ત્વપૂર્ણ મતદારો છે જે ચૂંટણીની હવા બદલી શકે છે.

જોકે, શું યુવાન બ્લૅક મતદારો તેમનું સમર્થન કરશે? ડેમૉક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા એક નિષ્ણાતે કહ્યું કે આ વાત આત્મવિશ્વાસ સાથે કહેવી થોડી વહેલી છે.

પાર્ટીની અંદર કેટલાક લોકોને લાગે છે કે કમલા હૅરિસાનાં પ્રગતિશીલ વિચારોને કારણે નોકરીયાત વર્ગ પેનસિલ્વેનિયા, મિશિગન અને વિસ્કૉનસિન જેવાં રાજ્યોમાં પાર્ટીનો સાથ છોડી શકે છે. વર્ષ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઇડન આ રાજ્યો ખૂબ જ ઓછાં અંતરથી જીત્યા હતા.

જો કમલા હૅરિસને મોકો મળે છે તો પેનસિલ્વેનિયાના ગવર્નર જોશ શપિરો અને નૉર્થ કૅરોલિનાના રૉય કૂપરને ઉપરાષ્ટ્રપતિપદ માટે નૉમિનેટ કરવામાં આવી શકે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિના ઉમેદવાર જ ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારને ચૂંટે છે. અમેરિકાના રાજકારણમાં તેને ‘રનિંગ મેટ’ કહેવામાં આવે છે.

ગત ચૂંટણીમાં બાઇડનના અભિયાનનો હિસ્સો રહેલા સેલિન્ડા લેક કહે છે કે બાઇડન અને ટ્રમ્પની ઉંમરને જોતા મતદારો આ ચૂંટણીમાં બંને પાર્ટીના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારો પર વધારે ધ્યાન આપી રહ્યા છે.

બીજી તરફ ટ્રમ્પે પોતાની પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. જોકે, અટકળો છે કે નૉર્થ ડકોટાના ગવર્નર ડગ બરગુમ અથવા ઓહાયોના સૅનેટર જે.ડી. વેન્સ આ પદના દાવેદાર બની શકે છે.

નબળી રેટિંગ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ

ઇમેજ સ્રોત, ENNIO LEANZA/POOL/EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ

રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે હૅરિસની મજબૂતી વિશે કેટલાક ડેમૉક્રેટ્સની ચિંતાઓ ગત ચૂંટણી સાથે જોડાયેલી છે.

ગત ચૂંટણીમાં પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવારની દાવેદારી દરમિયાન કમલા હૅરિસે શરૂઆતી ડિબેટોમાં જો બાઇડન પર પ્રહારો કર્યા હતા. જોકે, આયોવામાં પ્રથમ કૉકસ પહેલાં જે તેઓ ઉમેદવારીની રેસમાંથી બહાર થઈ ગયાં હતાં.

ટિકાકારોનું કહેવું છે કે તે અભિયાન દરમિયાન હૅરિસ પોતાને એક ઉમેદવાર તરીકે વ્યાખ્યાયિત ન કરી શક્યાં.

વ્હાઇટ હાઉસમાં તેમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. આ વાતના પુરાવા નબળી અપ્રૂવલ રેટિંગ અને કેટલાક ઇન્ટરવ્યૂમાં ખરાબ પ્રદર્શનમાં મળી આવે છે.

કમલા હૅરિસને અમેરિકાની દક્ષિણ સીમા પર સ્થળાંતરને ઘટાડવા માટેની વહીવટીતંત્રની રણનીતિની દેખરેખનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. જોકે, આ સ્થળાંતર ત્રણ વર્ષોમાં રેકૉર્ડ સ્તરે વધ્યું છે અને આ મુદ્દો પાર્ટીના ચૂંટણી અભિયાન માટે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.

વ્હાઇટ હાઉસમાં શરૂઆતી ઝાટકાઓને કારણે હૅરિસને પોતાની સાર્વજનિક ઉપસ્થિતિ વિશે વધારે સજાગ રહેવું પડ્યું. જોકે, કેટલાક મતદારો તેમને બિનઅસરકારક માને છે.

લેકે કહ્યું, "લોકોને તેમના વિશે વધારે જાણવાની જરૂર છે. તેમણે જણાવવું પડશે કે ક્યાં આર્થિક મુદ્દાઓ પર મજબૂત છે અને તેમણે કેવી ભૂમિકા ભજવી છે."

છેલ્લાં એક વર્ષમાં હૅરિસે ગર્ભપાત અધિકારો પર સરકારના મુખ્ય અવાજ તરીકે સ્થાન બનાવ્યું છે.

આ મુદ્દો વર્ષ 2022ની વચગાળાની ચૂંટણી દરમિયાન ડૅમોક્રેટ્સ માટે ફાયદાકારક પુરવાર થયો હતો. પાર્ટીને આશા છે કે આ મુદ્દે તેમને નવેમ્બરમાં આવનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતો મળશે.

મુશ્કેલ લડાઈનો સામનો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ

ઇમેજ સ્રોત, REUTERS/BRENDAN MCDERMID/FILE PHOTO

કમલા હૅરિસ એક પૂર્વ સરકારી વકીલ છે જેમણે યૌન હિંસાના મામલાઓમાં વકીલાત કરી છે. તેમણે મહિલાઓની સાથે મળીને કામ કરવાની વ્યક્તિગત કહાણીઓ શૅર કરી હતી જેમનો બાથરૂમમાં ગર્ભપાત થઈ ગયો હતો અને હૉસ્પિટલથી કાઢી મુકવામાં આવ્યાં હતાં.

તેમણે અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓની લૉન માફી, જળવાયુ પરિવર્તન અને ગનકલ્ચર સહિત યુવાન મતદારો સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવવાની કોશિશ કરી હતી.

તેમ છતાં કમલા હૅરિસને મતદારોની શંકાને ભરોસામાં બદલવા માટે એક કઠણ લડાઈનો સામનો કરવો પડી રહ્યો છે.

ફાઈવ થર્ટીએટ દ્વારા સંકલિત મતદાન સરેરાશમાં કમલા હૅરિસની અપ્રૂવલ રેટિંગ લગભગ 37 ટકા છે. આ આંકડો બાઇડન અને ટ્રમ્પના સ્તરની નજીક છે.

બાઇડન પોતે જ્યાં સુધી પાર્ટીના વધતા દબાણને કારણે પદ છોડવા માટે મજબૂર ન થાય ત્યાં સુધી ડેમૉક્રેટ્સ સમર્થકો તેમનું સમર્થન કરવા માટે મજબૂર છે.

ન્યૂ ઑરલિન્સનાં 41 વર્ષીય આયમ ક્રિશ્ચિયન ટકર એક નાનો વ્યવસાય ચલાવે છે. તેમણે કહ્યું કે અંતિમ ઉમેદવાર કોણ છે તેની તેમને પરવા નથી.

તેમણે કહ્યું કે મને કમલા હૅરિસ પસંદ છે. જોકે, તેમને એ વાત પર ભરોસો નથી કે કોઈ બ્લૅક મહિલા રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે છે.

તેમણે બીબીસીને કહ્યું, "હું ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં મત આપી રહી છું."

ગયા અઠવાડિયે મૅડિસન, વિસ્કૉન્સિનમાં રાષ્ટ્રપતિ બાઇડને એક ચૂંટણી સભામાં ભાગ લેનાર 67 વર્ષીય ગ્રેગ હોવેલે કહ્યું કે તેમણે 2020ની પ્રાથમિક ચૂંટણીઓમાં હૅરિસનું સમર્થન કર્યું હતું અને તેઓ હંમેશાં તેમના પ્રશંસક રહ્યા છે.

જોકે, તેમણે ચેતવણી આપી છે કે અમેરિકામાં મહિલા વિરોધી ખૂબ જ વાતો થઈ રહી છે.

ગ્રેગ હોવેલે બીબીસીને કહ્યું, "મને લાગે છે કે તેઓ (કમલા હૅરિસ) એક ઉત્તમ રાષ્ટ્રપતિ પુરવાર થશે. જોકે, મને હજુ પણ લાગે છે બાઇડન આ ચૂંટણી જીતી શકે છે."