I2U2 : ભારત, અમેરિકા, ઇઝરાયલ અને UAEનું નવું ગઠબંધન શું છે?

ઇમેજ સ્રોત, Reuters

- I2U2માં ભારત, ઇઝરાયલ, અમેરિકા અને સાઉદી અરેબિયા સભ્ય છે.
- આ ગઠબંધનનો હેતુ એવા સમૂહો અને ભાગીદારોને ફરી એકવાર સાથે લાવવાનો છે, જેનું પહેલાં અસ્તિત્વ નહોતું કે પછી હતું તો પણ તેનો સંપૂર્ણપણે ઉપયોગ નહોતો કરાઈ રહ્યો.
- આ સમૂહનો અગત્યનો ઉદ્દેશ ચીનની આક્રમકતાના જવાબમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત કારોબરને વેગ આપવાનો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન આવતા મહિને 12થી 16 જુલાઈ દરમિયાન પશ્ચિમ એશિયાના પ્રવાસ પર હશે. આ દરમિયાન બાઇડન એક વર્ચ્યુઅલ સંમેલન આયોજિત કરવા જઈ રહ્યા છે, જેમાં ભારત, યુએઈ અને ઇઝરાયલ પણ સામેલ થશે.
અમેરિકન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ આ વિશે જાણકારી આપતાં જણાવ્યું કે ચાર દેશોના આ નવા ગઠબંધનનું નામ I2U2 હશે.
આ સમૂહમાં 'I2' ઇન્ડિયા અને ઇઝરાયલ માટે છે, તેમજ 'U2' યુએસએ અને યુએઈ માટે છે.
ઑક્ટોબર 2021માં આ ચારેય દેશોના વિદેશમંત્રીઓની બેઠક થઈ હતી. વિદેશમંત્રી એસ. જયશંકર આ બેઠકમાં ભાગ લેવા માટે ઇઝરાયલ ગયા હતા.
આ દરમિયાન આ ચાર દેશોના સમૂહને 'ઇન્ટરનેશનલ ફોરમ ફૉર ઇકૉનૉમિક કોઑપરેશન' નામ અપાયું હતું. હવે આ બેઠકમાં ચારેય દેશોના શીર્ષ નેતા સામેલ થશે.

અમેરિકાએ શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
જો બાઇડન રાષ્ટ્રપતિ બન્યા તે બાદ પ્રથમ સાઉદી અરેબિયા અને ઇઝરાયલ પ્રવાસનું એલાન કરતાં અમેરિકન અધિકારીએ કહ્યું, "કેટલાક સાથીદાર મધ્ય-પૂર્વથી દૂર પણ છે, આ કડીમાં રાષ્ટ્રપતિ I2U2 દેશોના પ્રમુખો સાથે વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લેશે."
અધિકારીએ કહ્યું, "આ દરમિયાન ખાદ્યસુરક્ષા સંકટ અને સહયોગનાં ક્ષેત્રો પર વાત કરશે. રાષ્ટ્રપતિ ઇઝરાયલના પીએમ નેફ્ટાલી બેનેટ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાએદના સાથે આ વાર્તાને લઈને અત્યંત આશાવાદી છે."
બાઇડન 13 જુલાઈના રોજ ઇઝરાયલથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે અને તે બાદ પેલેસ્ટાઇનના અધિકારીઓ સાથે વાતચીત માટે વેસ્ટ બૅંક પણ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બાદ રાષ્ટ્રપતિ બાઇડન સાઉદી કિંગ સલમાનના આમંત્રણ પર જેદ્દાહ પહોંચશે.
અહીં બાઇડન ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલના સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં ઇજિપ્ત, ઇરાક અને જૉર્ડન સહિત નવ દેશોના શીર્ષ નેતાઓ હાજરી પુરાવશે.

ભારતનું મહત્ત્વ
I2U2માં ભારતનું શું મહત્ત્વ હશે?
આ અંગે અમેરિકાના વિદેશવિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું, "ભારત એક મોટું બજાર છે. ભારત એક ખૂબ મોટું ઉપભોક્તા બજાર છે. તે હાઇ-ટેક અને સૌથી વધુ માગવાળી વસ્તુઓનું પણ મોટું ઉત્પાદક છે. "
"એવાં ઘણાં ક્ષેત્રો છે, જ્યાં આ દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે, પછી ભલે તે તકનીક, કારોબાર, પર્યાવરણ, કોવિડ-19 અને સુરક્ષાની વાત કેમ ન હોય."
નેડ પ્રાઇસને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે આ સમૂહનો હેતુ શું છે તો તેમણે જણાવ્યું કે એવા સમૂહો અને ભાગીદારોને ફરી એક વાર સાથે લાવવાના છે, જેનું પહેલાં અસ્તિત્વ નહોતું કે પછી હતું તો પણ તેનો સંપૂર્ણપણે ઉપયોગ નહોતો કરાઈ રહ્યો.

પશ્ચિમ એશિયાનું ક્વૉડ છે I2U2?

ઇમેજ સ્રોત, Reuters
ઑક્ટોબર 2021માં પહેલીવાર મળનારા આ સમૂહ વચ્ચે સમુદ્રને લગતી સુરક્ષા, માળખાગત વ્યવસ્થા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન સાથે જોડાયેલા અગત્યના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
એ સમયે એ બેઠકનો એક મોટો મુદ્દો ઇઝરાયલ અને યુએઈ વચ્ચે સંબંધ સામાન્ય બનાવવાનો હતો. ભારતમાં યુએઈના રાજદૂતે તે સમયે આ નવા સમૂહને 'પશ્ચિમ એશિયાનું ક્વૉડ' ગણાવ્યું હતું.
બાઇડન પ્રશાસને જાન્યુઆરી 2021માં સત્તામાં આવ્યા બાદથી માંડીને અત્યાર સુધી ઘણાં બહુપક્ષીય સમૂહોનું એલાન કર્યુ છે. AUKUS (ઑસ્ટ્રેલિયા, યુકે, યુએસ) અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સાથે ક્વૉડ્રિલેટરલ ડાયલૉગ સામેલ છે.
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને પાછલા મહિને જ જાપાન પ્રવાસ પર ઇન્ડો-પૅસિફિક ઇકૉનૉમિક ફ્રેમવર્ક એટલે કે આઈપીઈએફનું એલાન કર્યું હતું. આ સમૂહમાં ભારત સહિત 13 દેશ સામેલ કરાયા છે.
બાઇડને પહેલીવાર ઑક્ટોબર 2021માં આઈપીઈએફનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, "અમેરિકા અને પોતાના સહયોગી દેશો સાથે આ ઇન્ડો-પૅસિફિક ઇકૉનૉમિક ફ્રેમવર્કને વિકસિત કરવાની કોશિશ કરશે. તે મારફત અમે વેપારી સુવિધાઓ, ડિજિટલ અને ટેકનૉલૉજીમાં સ્ટાન્ડર્ડાઇઝેશન, સપ્લાય ચેઇનની મજૂબતી, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ક્લીન ઍનર્જી સાથે જોડાયેલા કારોબરનાં પોતાનાં સામૂહિક લક્ષ્યોને હાંસલ કરવાની કોશિશ કરીશું. આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રમ અને કાયદા જેવા મુદ્દા પણ સામેલ હશે."
આઈપીઈએફમાં પરંપરાગત ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ વડે અલગ રસ્તો અપનાવાશે કારણ કે આવી સમજૂતીઓમાં ઘણો સમય લાગી જાય છે અને તે માટે પાર્ટનર દેશો સમજૂતી પર સહી કરે તે પણ જરૂરી હોય છે.
આઈપીઈએફમાં 13 દેશ - અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રૂનેઈ, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ન્યૂઝીલૅન્ડ, ફિલીપાઇન્સ, સિંગાપોર, થાઇલૅન્ડ અને વિયેતનામ સામેલ છે.
આ પ્રવાસથી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વધુ એક ઇતિહાસ રચશે. તેઓ પહેલી વાર ઇઝરાયલથી સીધા જ રિયાધ જઈ રહ્યા છે. સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો નથી.
સાઉદી અરેબિયાએ હાલમાં જ ઇઝરાયલની એ કૉમર્શિયલ ઉડાણોને પોતાના વાયુક્ષેત્રમાં આવવાની પરવાનગી આપી હતી, જે સંયુક્ત આરબ અમીરાત સુધી જાય છે.
બાઇડને લગભગ 50 વર્ષ પહેલાં ઇઝરાયલનો પ્રથમ પ્રવાસ કર્યો હતો, તે સમયે તેઓ એક સેનેટર હતા.
ભારત અને અમેરિકા ક્વૉડ સમહૂનાં પણ સભ્ય છે.
'ધ ક્વૉડ્રિલેટરલ સિક્યૉરિટી ડાયલૉગ' જેને ક્વૉડના નામથી પણ ઓળખવામાં આવે છે, તે અમેરિકા, ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયાનો સમૂહ છે.
વર્ષ 2007માં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ પ્રથમવાર તેનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને અમેરિકા, ભારત અને ઑસ્ટ્રેલિયાનું સમર્થન હાંસલ થયું હતું. આ વર્ષે આ દેશોની જાપાન ખાતે બેઠક થઈ હતી.
આ સમૂહનો અગત્યનો ઉદ્દેશ ચીનની આક્રમકતાના જવાબમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત કારોબરને વેગ આપવાનો છે.
ભારત યુએઈ સાથ પણ મુક્ત વેપાર સમજૂતી કરવાનું છે. કહેવાઈ રહ્યું છે કે આગામી મહિને પીએમ મોદી પણ યુએઈના પ્રવાસે જઈ શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












