સંતોષ જાધવ : સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં ગુજરાતમાંથી પકડાયેલો શાર્પશૂટર કોણ છે?
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે કથિત રીતે સંકળાયેલ શાર્પશૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે.

પૂણે ગ્રામ્ય પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંકળાયેલા સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની રવિવાર મોડી રાત્રે ગુજરાતમાંથી ધરપકડ કરીને રાત્રે જ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા અને 20 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે અને ગત મોડી રાત્રે પકડાયેલા બે દોષિતો સહિત કુલ દસ લોકોની ધરપકડ કરી છે.
લૉરેન્સ બિશ્નોઈ જ સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ હોવાનું પોલીસનું માનવું છે.
પૂણેના જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અભિનવ દેશમુખે જણાવ્યું છે, "અમારે ત્યાં તે વૉન્ટેડ હતો. અમે તેને શોધી રહ્યા હતા. તેની તસવીરો શૅર કરવામાં આવી હતી પણ અમે તેમને કોઈ સીસીટીવી વૅરિફિકેશન આપ્યું ન હતું. આ કેસને લઈને કોઈ વાતચીત થઈ ન હતી."
પૂણે જિલ્લા પોલીસે જણાવ્યું કે પંજાબ પોલીસ સહિત તમામ તપાસ એજન્સીઓને તેની ધરપકડ વિશે જાણ કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલાં આ હત્યા સાથે જોડાયેલા મહાકાલ નામના એક સંદિગ્ધની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
જોકે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનુસાર તે હત્યા સાથે જોડાયેલો ન હતો પરંતુ હત્યામાં સામેલ એક શૂટરનો સાગરિત હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે મહાકાલને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા બાદ ગુજરાતમાંથી શાર્પશૂટર સંતોષ જાધવની ધરપકડ કરાઈ છે.

કોણ છે પકડાયેલો આરોપી સંતોષ જાધવ?

ઑગસ્ટ 2021માં પૂણે જિલ્લાના એક ગામમાં એક વ્યક્તિની સરજાહેર હત્યા કરવામાં આવી હતી.
પોલીસ અનુસાર એક જ ગૅંગ સાથે સંકળાયેલા સંતોષ જાધવ અને ઓમકાર બાંખેલે વચ્ચે અણબનાવ થતાં સંતોષે પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઓમકારની હત્યા કરી હતી.
સ્થાનિકો પ્રમાણે સંતોષ જાધવ અને ઓંકાર બાંખેલે એક સમયે એક જ ગૅંગમાં કામ કરતા હતા. એ બાદ તેમની વચ્ચે મતભેદ થયા અને દુશ્મનીનાં બીજ રોપાયાં.
31 જુલાઈ 2021ના દિવસે સંતોષ જાધવે સ્ટેટસ મૂક્યું હતું કે, 'સૂર્ય ઊગે એ પહેલાં તને પતાવી દઈશ'. જવાબમાં ઓંકારે સ્ટેટસ મૂક્યું હતું કે, 'મળીશ ત્યાં મારી નાખીશ.'
આ ક્રમ બાદ પહેલી ઑગસ્ટે ગામમાં જ ઓંકારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
સંતોષ જાધવનાં લગ્ન થઈ ગયાં છે અને તેને દીકરી પણ છે. જોકે, સંતોષનાં માતાના જણાવ્યા અનુસાર પરિવારનો મોટો પુત્ર હોવા છતાં એ પરિવારની જવાબદારી નથી ઉઠાવતો.
બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "એક વર્ષ પહેલાં અમે મળ્યાં હતાં. બાળપણમાં એનો સ્વભાવ સારો હતો પણ એના પિતાના મૃત્યુ બાદ એ બદલાઈ ગયો."
બાંખેલે કેસમાં કુલ નવ આરોપીઓ સામેલ હતા. જે પૈકી સાતની તે સમયે જ ધરપકડ કરવામાં આવી હતી.
જોકે, હત્યાનો મુખ્ય આરોપી સંતોષ જાધવ પોલીસની પકડથી દૂર હતો. આશરે 10 મહિના બાદ છ જૂન 2022ના રોજ સંતોષ જાધવનું નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું.
આ વખતે તેનું નામ સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં ચર્ચામાં હતું. તપાસકર્તાઓનું માનવું છે કે સંતોષ જાધવ મૂસેવાલાની હત્યામાં શાર્પશૂટર હતો.
સંતોષ જાધવનો પરિવાર પૂણે જિલ્લાના અંબેગાંઓ તાલુકામાં આવેલા પોખરી ગામમાં રહેતો હતો. 10 વર્ષ પહેલાં સંતોષના પિતાના મૃત્યુ બાદ તેમનાં માતા સીતા જાધવ માંચર ગામે રહેવા આવી ગયાં હતાં.
જીવનના શરૂઆતના તબક્કાથી જ સંતોષ ગુનાખોરીમાં જોડાઈ ગયો હતો. 2017માં તેનું નામ પોલીસચોપડે ચઢી ગયું હતું.
2017માં માંચર પોલીસમથકે એક વ્યક્તિને માર મારવા બદલ તેની સામે ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ 2019માં માંચર પોલીસમથકે પૉક્સો ઍક્ટ અંતર્ગત તની સામે ગુનો નોંધાયો હતો.

મૂસેવાલા : ગાયકથી રાજકારણી અને હત્યા સુધી

ઇમેજ સ્રોત, ANI
સિદ્ધુ મૂસેવાલાએ 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમણે માનસા મતક્ષેત્રમાંથી કૉંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય સિંગલા સામે હારી ગયા હતા.
કૉંગ્રેસ પાર્ટી દ્વારા પંજાબની રાજનીતિમાં કારકિર્દી બનાવવા ઇચ્છનારા સિદ્ધુ મૂસેવાલા પંજાબના લોકપ્રિય ગાયક હતા.
તેમના ગીતો યુટ્યુબ પર લાખો વ્યૂ ધરાવે છે અને લોકોમાં સારા એવા પ્રચલિત છે. જોકે, તેમના ગીતો દ્વારા 'ગન કલ્ચર'ને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.
3 ડિસેમ્બર 2021ના રોજ પંજાબ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને તત્કાલીન મુખ્ય મંત્રી ચરણજીતસિંહ ચન્નીની ઉપસ્થિતિમાં તેમને કૉંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.
અંદાજે ચાર વર્ષ પહેલાં પંજાબી ઍન્ટરટેનમેન્ટની દુનિયામાં પ્રવેશનારા શુભદીપસિંહ સિદ્ધુ જલદી જ સિદ્ધૂ મૂસેવાલા નામથી મશહૂર થઈ ગયા.
પંજાબના માનસા જિલ્લાના મૂસા ગામના વતની સિદ્ધુ મૂસેવાલાનાં માતા ચરણજીતકોર મૂસા ગામનાં સરપંચ છે. સરપંચની ચૂંટણી દરમિયાન તેમણે પોતાના માતા માટે પ્રચાર કર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













