સમ્રાટ પૃથ્વીરાજ : ખૂબ ચર્ચાયેલી અક્ષયકુમારની ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ કેમ ગઈ?
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી હિંદી માટે
અભિનેતા અક્ષયકુમાર અને મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલા માનુષી છિલ્લરની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું બૉક્સ ઑફિસ પર પ્રદર્શન સારું રહ્યું નથી.
વિશેષજ્ઞોનું માનીએ તો આ ફિલ્મ બૉક્સ ઑફિસની દૃષ્ટિએ આ વર્ષની એક મોટી ફ્લૉપ ફિલ્મ સાબિત થઈ શકે છે.

ઇમેજ સ્રોત, TWITTER/@YRF
જોકે આ ફિલ્મનું પહેલાં મોટા પાયે પ્રોમશન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે ફિલ્મ જોઈને તેના પર સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.
ઉત્તર પ્રદેશમાં આ ફિલ્મને ટૅક્સ ફ્રી પણ કરવામાં આવી છે.
આ ફિલ્મને એક વિશેષ વર્ગ તરફથી ઘણું સમર્થન મળ્યું હતું. તેમ છતાં ફિલ્મનું બૉક્સ ઑફિસ પર સારું એવું પ્રદર્શન જોવા મળ્યું નથી. તેની પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર હોવાનું જાણવા મળે છે.

ફિલ્મ પહેલાં વિવાદ

ઇમેજ સ્રોત, ANI
અભિનેતા અક્ષયકુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' આ વર્ષે આવનારી મોટી ફિલ્મોમાંથી એક હતી. યશરાજ ફિલ્મ્સના બૅનર અંતર્ગત બની છે.
આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં હતી. રિલીઝ થતા પહેલાં ફિલ્મ ઘણા કારણોથી વિવાદમાં રહી હતી. પહેલું કારણ હતું કરણી સેનાની ફિલ્મમાં 'પૃથ્વીરાજ'ની આગળ 'સમ્રાટ' લગાવવાની માગ.
બીજું કારણ હતું અક્ષયકુમારનું ગુટખા જાહેરાતમાં સામેલ થવાથી શરૂ થયેલો વિવાદ. અક્ષયકુમારે આ ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકા અદા કરી છે અને ફિલ્મ આવી તેના થોડાક સમય પહેલાં જ ગુટખાની જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ચંદ બરદાયીની 'પૃથ્વીરાજ રાસો'ની કહાણી

- પૃથ્વીરાજ અજમેરના રાજા સોમેશ્વરના પુત્ર હતા. સોમેશ્વરનાં લગ્ન દિલ્હીના રાજા અનંગપાલનાં પુત્રી કમલા સાથે થયાં હતાં. બીજી પુત્રીનાં લગ્ન કન્નૌજના રાજા વિજયપાલ સાથે થયાં હતાં, જેનાથી જયચંદનો જન્મ થયો હતો.
- અનંગપાલે દોહિત્ર પૃથ્વીરાજને દત્તક લીધા હતા. જયચંદને ખોટું લાગતા તેમણે યજ્ઞનું આયોજન કર્યું અને પુત્રી સંયોગિતાનો સ્વયંવર રાખ્યો.
- પૃથ્વીરાજ યજ્ઞમાં ન આવ્યા. ગુસ્સે ભરાયેલા જયચંદે પૃથ્વીરાજની મૂર્તિ દરવાજા પર રખાવી. સંયોગિતાને પહેલેથી પૃથ્વીરાજ પસંદ હતા.
- સંયોગિતાએ મૂર્તિ પર માળા નાખીને પોતાનો પ્રેમ રજૂ કર્યો. બાદમાં પૃથ્વીરાજ આવ્યા, લડાઈ કરીને સંયોગિતાને દિલ્હી લઈ આવ્યા.
- પૃથ્વીરાજનું ધ્યાન સંયોગિતા પર વધારે રહ્યું. આ વચ્ચે મહમદ ઘોરીએ હુમલો કર્યો. જેમાં પૃથ્વીરાજ જીત્યા અને ઘોરીને જવા દીધો.
- ઘોરીએ ફરી વખત હુમલો કર્યો અને પૃથ્વીરાજને પકડીને ગજની લઈ ગયા. તેમની પાછળપાછળ કવિ ચંદ બરદાયી પણ પહોંચ્યા.
- ચંદના ઇશારા પર પૃથ્વીરાજે શબ્દભેદી બાણ ચલાવીને પહેલાં ઘોરીને માર્યો અને બાદમાં એકબીજાને મારીને મૃત્યુ પામ્યાં.

ફિલ્મ વિશેષજ્ઞ ગિરીશ વાનખેડે કહે છે, "અક્ષયકુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ સમ્રાટ' દર્શકોને વધુ પસંદ ન આવી. ત્રણ જૂને ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે 10.5 કરોડ, બીજા દિવસે 12.5 કરોડ અને ત્રણ દિવસોમાં આ ફિલ્મે 39 કરોડની કમણી કરી. પહેલા દિવસે જે કમાણી થાય છે, જો તે જ કમાણી આગળના સોમવાર સુધી રહે તો ફિલ્મ સફળ કહેવામાં આવે છે પરંતુ આ ફિલ્મના કિસ્સામાં એવું બન્યું નથી."
"આ ફિલ્મનું સોમવારનું કલૅક્શન પાંચ કરોડ હતું. જે ઘણું ઓછું કહેવાય."
"જો સોમવારનું કલૅક્શન પહેલા દિવસથી અડધું થઈ જાય તો ફિલ્મ અસફળ માનવામાં આવે છે. સોમવારે જ્યાં કલૅક્શન પાંચ કરોડ હતી તો મંગળવારે માત્ર ચાર કરોડ રૂપિયાની જ કમાણી થઈ શકી."
"કુલ મળીને આ ફિલ્મે પાંચ દિવસમાં 47 કરોડ કમાયા. કમાણીના લીધે તેને ફ્લૉપ કહી શકાય છે. જો પાંચ દિવસમાં આ ફિલ્મ 47 કરોડ કમાય તો તેનો અર્થ છે કે પ્રોડ્યૂસરના ભાગમાં ઘણું કામ આવ્યું છે. આ ફિલ્મ 300 કરોડ રૂપિયામાં તૈયાર થઈ છે."
ગિરીશ બૉક્સ ઑફિસનો સંપૂર્ણ હિસાબ જણાવે છે, "જો આ ફિલ્મને હિટ થવું હોત તો કલૅક્શન બૉક્સ ઑફિસમાં 250 કરોડ હોવું જોઈતું હતું, કારણ કે બાદમાં સેટેલાઇટ અને ડિજિટલ રાઇટ્સ આપીને કમાણી બાદ તેને એક સફળ ફિલ્મ સાબિત કરી શકાય તેમ હતું, પણ જે ફિલ્મ 47 કરોડ કમાવવા પણ સંઘર્ષ કરી રહી હોય તેને બીજું શું કહી શકાય?"
"આવનારા દિવસોમાં પણ જો આ ફિલ્મ ઠીક પ્રદર્શન કરે તો પણ 75 કરોડની આગળ વધી શકશે નહીં અને જો એટલું પણ ન કરી શકે તો આ વર્ષની સૌથી મોટી ફ્લૉપ ફિલ્મોમાં તેનું નામ સામેલ થઈ જશે."

વધી ગયું રિજેક્શન રેટ

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મ સમીક્ષક અને વરિષ્ઠ પત્રકાર રામચંદ્રન શ્રીનિવાસન કહે છે, "હાલમાં બોલીવૂડની ઘણી ફિલ્મો ચાલી રહી નથી. હાલમાં જ રિલીઝ થયેલી ઘણી ફિલ્મો ચાલી રહી નથી. હાલમાં જ રિલીઝ થયેલી બોલીવૂડની હિંદી ફિલ્મો વિશે વાત કરીએ તો 'ધ કશ્મીર ફાઇલ્સ' અને 'ભૂલભૂલૈયા 2' જ છે, જેમણે આ વર્ષે સારી કમાણી કરી હોય. જો 'આરઆરઆર' અને 'કેજીએફ 2'ની વાત કરીએ તો આ હિંદી ડબ થયેલી ફિલ્મ હતી."
રામચંદ્રન શ્રીનિવાસન કહે છે કે લોકો સોશિયલ મીડિયા પર આરઆરઆરના મેકિંગની ચર્ચા કરી રહ્યા છે, કારણ કે તે પણ એક ઐતિહાસિક કલ્પના છે અને તેની સામે પૃથ્વીરાજ ચૌહાણ ઘણી નબળી છે. બે ફિલ્મોની જ્યારે તુલના થાય છે તો લોકો પોતપોતાની વાત મૂકે છે.
"વળી, કોરોના બાદથી ઓટીટી પ્લૅટફોર્મનું વ્યાપ એટલું વધ્યું છે કે લોકોનો રિજેક્શન રેટ ઘણો વધ્યો છે. દાખલા તરીકે ઓટીટી પર ફિલ્મ જોતી વખતે જો કોઈ સીન પસંદ ન આવે તો તેને ફાસ્ટ ફૉરવર્ડ કરી શકાય છે. જે થિયેટરમાં ફિલ્મ જોતી વખતે શક્ય બનતું નથી. જેથી થિયેટરમાં આવતી ફિલ્મોનું કન્ટેન્ટ એટલું જોરદાર હોવું જોઈએ કે લોકોને જકડીને રાખે."

દરેક વખતે પ્રોપગેન્ડા કાર્ડ નહીં ચાલે

ઇમેજ સ્રોત, THE KASHMIR FILES
રામચંદ્રન શ્રીનિવાસનનું એમ પણ માનવું છે કે દરેક વખતે પ્રોપગેન્ડા કાર્ડ નહીં ચાલે.
તેઓ કહે છે, "ફિલ્મને લઈને કેટલાં પણ નિવેદનો કરી લો પણ ફિલ્મમાં દમ નહીં હોય તો લોકો પૈસા કઈ રીતે ખર્ચશે? હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ને જોઈએ તો તેમાં એવી તમામ વસ્તુઓ છે જેને આપણે સિનેમા કહેતા નથી. તેમણે કહ્યું તેમાં ડ્રામા નથી."
"આ ફિલ્મ લોકોને હકીકતથી ઘણી નજીક લાવી. લોકોને પણ એમ જ લાગ્યું કે આ કહાણી આપણા ઇતિહાસમાં ક્યાંય નથી. આ જ આઇડિયા સમ્રાટ પૃથ્વીરાજ માટે વાપરવામાં આવ્યો અને લોકોએ એમ પણ કહ્યું કે આના વિશે તો ઇતિહાસમાં ક્યાંય નથી, પરંતુ આ કાર્ડ પણ ના ચાલ્યું. દરેક વખતે પ્રોપગેન્ડા કાર્ડ ના ચાલે એ વાત પણ સમજવાની જરૂર છે."
ફિલ્મોમાં પ્રોપગેન્ડા વિશે વાત કરતાં ઍનાલિસ્ટ ગિરીશ વાનખેડે પણ કહે છે, "તમે ગંગામાં આરતી રહ્યા છો કે પછી ડૂબકી મારી રહ્યા છો. અથવા તો મોદી અને શાહનું પ્રમોશન કરી રહ્યા છો. આ બધી વસ્તુથી લોકોને એમ લાગે છે કે આ ફિલ્મમાં પ્રોપગેન્ડા છે અને આવી ફિલ્મોને લોકો પસંદ કરતા નથી."
"તેનાથી એમ લાગે છે કે કટ્ટર હિંદુત્વની વાત કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં ઐતિહાસિક તથ્યોને લઈને પણ વિવાદ થયો. એ પણ એક કારણ હોઈ શકે છે કે લોકોને આ ફિલ્મમાં રસ ન પડ્યો હોય."

અક્ષય રોલમાં ફિટ ન બેસ્યા

ઇમેજ સ્રોત, YRF/TRAILERGRAB
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં અક્ષયકુમાર યોગ્ય રીતે ફિટ ન રહ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. તેમની બોલચાલથી લઈને ઉંમરને લઈને પણ તમામ ચર્ચાઓ રહી છે.
રામચંદ્રન શ્રીનિવાસન કહે છે, "હવે લોકો જાગૃત થઈ ગયા છે. એક જમાનો હતો જ્યારે લોકો જિતેન્દ્ર અને ધર્મેન્દ્રને કૉલેજ સ્ટુડન્ટ સમજતા હતા. તેઓ 40 વર્ષના હોવા છતાં કૉલેજના વિદ્યાર્થીઓનો રોલ ભજવતા હતા."
"આમિર ખાને પણ 3 ઇડિયટ્સમાં કૉલેજના વિદ્યાર્થીનું પાત્ર ભજવ્યું હતું પરંતુ જો ધ્યાન આપીએ તો તેમાં આમિર ખાન કૉલેજના વિદ્યાર્થી જેવા લાગ્યા, પણ ખરા પરંતુ આજની ઑડિયન્સ સિનેમામાં હકીકત જોવા માગે છે. 26 વર્ષીય પાત્રના રોલમાં જો 56 વર્ષના હીરો હશે તો લોકોને વિચિત્ર પણ લાગશે."
કલાકારોની ઉંમર અને તેમણે પસંદ કરેલા પાત્રોને લઈને રામચંદ્રન શ્રીનિવાસન કહે છે, "હાલમાં જ અબિનેત્રી પ્રિયંકા ચોપરાએ એ વાતને સ્વીકારી હતી કે ફિલ્મ મેરી કૉમમાં જો કોઈ પૂર્વોત્તરની અભિનેત્રીની પસંદગી કરવામાં આવી હોત તો ફિલ્મ વધુ સારી લાગતી. મને લાગે છે કે પ્રિયંકાની આ વાત સાચી છે. આજે સૌ જાગૃત છે અને આપ સમજી રહ્યા છો કે ઘણી ફિલ્મો ચાલી રહી નથી."
ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં અક્ષયકુમાર સિવાય માનુષી છિલ્લર સંયોગિતાના પાત્રમાં નજરે પડી રહ્યાં છે. અભિનેતા સંજય દત્ત કાકા કાન્હાના પાત્રમાં અને અભિનેતા સોનુ સૂદ ચંદ બરદાયીના પાત્રમાં જોવા મળે છે.
ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












