'બોલીવૂડને મારી ફી નહીં પોસાય' એમ કહેનાર મહેશ બાબુ કોણ છે?
- લેેખક, પરાગ છાપેકર
- પદ, બીબીસી હિન્દી માટે
મુંબઈ, સાઉથની કૉફીના કપમાંથી ફરી એક વાર તોફાન ઊભું થયું છે. સર્વોપરિતાની લડાઈ હવે ગર્વ અને અભિમાન સુધી પહોંચી ગઈ છે.
તાજું ઉદાહરણ છે મહેશ બાબુનું નિવેદન. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ બોલીવૂડની 'મહાનતા'ને પોતાની આગળ કંઈ નથી સમજતા.

ઇમેજ સ્રોત, PARAG CHHAPEKAR
વાસ્તવમાં તેલુગુ સુપરસ્ટાર મહેશ ઘટ્ટામનેની એટલે કે મહેશ બાબુના તાજેતરના નિવેદનને લઈને વિવાદ શરૂ થયો છે. આ નિવેદન તેમણે તેમની આગામી ફિલ્મ 'મેજર'ના ટ્રેલર લૉન્ચ દરમિયાન આપ્યું હતું.
મહેશ બાબુએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે તેમને લાગે છે કે બોલીવૂડ તેમને 'એફોર્ડ' નહીં કરી શકે. તેથી તેઓ ત્યાં જઈને પોતાનો સમય બગાડવા માગતા નથી.
મહેશ બાબુને સમગ્ર ભારતના સ્ટાર બનવું નથી. તેઓ તેલુગુમાં જ ખુશ છે. મહેશ બાબુએ એમ પણ જણાવ્યું કે તેમને ઘણી બોલીવૂડ ફિલ્મોની ઑફર મળી છે પરંતુ તેઓ માત્ર તેલુગુ ફિલ્મો જ બનાવશે, કારણ કે તેમને આનાથી વધુ ખુશી નથી જોઈતી.
'એફોર્ડ'ના ઘણા અર્થો કાઢી શકાય છે પરંતુ તેનો સાદો અર્થ એ જણાય છે કે બોલીવૂડવાળા પાસે એટલા પૈસા નથી કે તેઓ મહેશ બાબુને તેમની ફિલ્મમાં કાસ્ટ કરી શકે. અર્થાત કે બોલીવૂડને મહેશ બાબુની ફી નહીં પોસાય.
અર્થાત્ બાબુ મહેશ એટલા મોંઘા થઈ ગયા છે!
આમ તો, હિન્દી બેલ્ટના લોકો માટે પણ મહેશ બાબુ નવું નામ નથી. કોલ્ડ ડ્રિંક્સ અને વિવાદાસ્પદ તમાકુ ઉત્પાદનની જાહેરાત દ્વારા તેઓ દેશવિદેશમાં પ્રખ્યાત થયા તે પહેલાં પણ બિન-દક્ષિણ ભારતીય પ્રેક્ષકો દક્ષિણની હિન્દી ડબ કરેલી ફિલ્મો દ્વારા તેમના આકર્ષક લૂકને ખૂબ પસંદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બિન-વિવાદાસ્પદ પારિવારિક માણસ

ઇમેજ સ્રોત, BHARATANENENU/FACEBOOK
'પ્રિન્સ ઑફ ટોલીવૂડ'ના નામે પ્રખ્યાત મહેશ બાબુને બિન-વિવાદાસ્પદ પારિવારિક માણસ પણ કહેવામાં આવે છે.
લગભગ 47 વર્ષના મહેશ બાબુની એક્ટિંગ કરિયરની શરૂઆત બાળપણથી જ થઈ હતી. જાણીતા તેલુગુ અભિનેતા કૃષ્ણાના નાના પુત્ર મહેશે ફિલ્મ 'નીડા'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાળકલાકાર તરીકે આઠ ફિલ્મો કરી હતી અને 'રાજાકુમારુડુ' માટે તેમને પહેલો ઍવૉર્ડ પણ મળ્યો હતો.
મહેશ બાબુએ 2003માં આવેલી સુપરહિટ ફિલ્મ 'ઓક્કાડુ'માં કબડ્ડી પ્લેયરની ભૂમિકા ભજવી હતી, જેની ગણતરી તેલુગુની સૌથી હિટ ફિલ્મોમાં થાય છે.
તેના બે વર્ષ પછી 'અથાડુ'એ પણ કમાણીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા.
'મુરારી', 'પોકિરી', 'નનેક્કોડાઇન', 'સીરીમંથુડૂ', 'વ્યાપારી', 'સીથમ્મા વકિતલો સરિમલ્લે ચેટ્ટુ' જેવી ફિલ્મો બાદ મહેશ બાબુએ ઇન્ટરનેશનલ ખ્યાતિપ્રાપ્ત સુપરસ્ટાર બનવાની સાથે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતા સહિતના અનેક ઍવૉર્ડ પણ મેળવ્યા છે.
પોતાના પરિવારની તસવીરો સાથે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા મહેશ બાબુનો વૈભવ કોઈનાથી છુપાયેલો નથી.

મહેશ બાબુની કમાણી

ઇમેજ સ્રોત, URSTRULYMAHESH/TWITTER
વર્ષ 2012માં ફોર્બ્સની સેલિબ્રિટી 100ની યાદીમાં સામેલ મહેશ બાબુનું હૈદરાબાદસ્થિત ઘર ત્યાંના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. ઘરમાં જિમ, સ્વિમિંગ-પૂલ, મિની થિયેટર સહિત ઘણું બધું છે.
હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં 30 કરોડ રૂપિયાના બે મોટા બંગલા છે. બૅંગ્લુરુમાં પણ ઘણી પ્રોપર્ટી છે.
એક ડોટકોમ કંપનીના રિપોર્ટ અનુસાર, મહેશ બાબુની નેટવર્થ લગભગ 135 કરોડ રૂપિયા છે અને તેઓ એક ફિલ્મના 55 કરોડ રૂપિયા લે છે અને નફામાંથી હિસ્સો પણ લે છે.
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની કમાણી રૂપિયા 15 કરોડથી વધુ છે. એક કરોડથી વધુની કિંમતની ઘણી ગાડીઓ છે, 7 કરોડની વેનિટી વાન છે.
છેલ્લાં 20 વર્ષમાં 40થી વધુ ફિલ્મો કરી ચૂકેલા મહેશ બાબુનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

નમ્રતા શિરોડકર સાથે લગ્ન

ઇમેજ સ્રોત, MICHAEL FIELD/AFP VIA GETTY IMAGES
વર્ષ 2005માં મહેશ બાબુએ બોલીવૂડ અભિનેત્રી અને શિલ્પા શિરોડકરની બહેન નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યાં હતાં. મહેશ બાબુને બે બાળક ગૌતમ અને સિતારા છે.
અભિનેતાઓના મીણના પૂતળા દુનિયાભરના મીણના મ્યુઝિયમમાં રાખવામાં આવે છે, પરંતુ મહેશ બાબુ એકમાત્ર એવા ભારતીય અભિનેતા છે જેમના મીણના પૂતળાને એક જ દિવસમાં હૈદરાબાદ લાવવામાં આવ્યું હતું અને પડદો ઊંચકવામાં આવ્યો હતો.
તાજેતરનાં વર્ષોમાં મહેશ બાબુની લોકપ્રિયતા ખરેખર લોકોના મનોમસ્તિષ્કમાં છવાઈ ગઈ છે.
મહેશ બાબુએ 'સીરીમંથુડૂ', 'બ્રહ્મોત્સવમ', 'સ્પાઈડર', 'ભારત અને નેનુ', 'મહર્ષિ', 'સરીલેરુ નિકેવારુ' અને 'સરકારુ વારી પાટા' જેવી સુપરહિટ ફિલ્મો આપીને નિર્માતાઓની ઝોળી છલકાવી દીધી છે.

બોલીવૂડ અભિનેતા કેટલી કમાણી કરે છે?

ઇમેજ સ્રોત, MAHASRHI/FB
ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ અતુલ મોહન કહે છે, "તમે આજે 100-150 કરોડ રૂપિયા માગતા હશો. 10 વર્ષ પહેલાં તમારી ડિમાન્ડ શું હતી? 10 વર્ષ પહેલાં સલમાન ખાન જેવા સ્ટાર્સે એક ફિલ્મ દીઠ 50 કરોડની ડીલ કરી હતી. અજય દેવગણ અને સલમાન જેવાઓને 10 ફિલ્મોની ડીલ માટે 400 કરોડ સુધી મળ્યા છે. હવે આજની પેઢી રજનીકાંત સાથે તુલના કરી શકે નહીં, જેમનો દુનિયા ચાહકવર્ગ અને કમાણી અલગ છે."
"હવે આજની પેઢીમાં આપણે ત્યાં અક્ષય અને રિતિક ઑફ ધ રેકોર્ડ 120 કરોડ લઈ રહ્યા છે. સાઉથવાળાઓને આટલું બધું કોણ આપે? વાસ્તવમાં આ નિવેદન વાઇરલ કરવા માટે આપવામાં આવ્યું હોય તેવું લાગે છે. તાજેતરમાં સુદીપે આટલી બધી ચર્ચા જગાવી હતી તો ચાલો આપણી પણ થઈ જાય. આ એક બાલિશ નિવેદન છે અને તેની પાછળ એવું લાગે છે કે તેમને બોલીવૂડમાં કામ કરવું છે."
સાઉથની ફિલ્મો અને ત્યાંના અભિનેતાઓના સ્ટારડમને જાણતા ફિલ્મ પત્રકાર જ્યોતિ વેંકટેશ પણ આ નિવેદનને બાલિશ માને છે.
તેઓ કહે છે, "મને લાગે છે કે બોલીવૂડમાંથી કોઈએ તેમનો સંપર્ક કર્યો નથી. તે માત્ર તેલુગુમાં જ ચાલે છે, તમિલમાં પણ નહીં. અને તેમનું સ્ટારડમ પણ હવે ઘટી રહ્યું છે."
દરમિયાન બોલીવૂડને લઈને સાઉથના અભિનેતાઓની અચાનક બયાનબાજી વચ્ચે એવી અટકળો થઈ રહી છે કે શું પ્રચારના બહાને સમગ્ર ભારતના બજારને કબજે કરવા વાઇરલ નિવેદનોની આ બુદ્ધિપૂર્વકની માર્કેટિંગ વ્યૂહરચના છે?


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












