કાશ્મીરમાં પંડિતોની સ્થિતિ 1990 કરતાં પણ ખરાબ? હિંદુઓને ફરીથી વિસ્થાપન કેમ કરવું પડી રહ્યું છે?

800 પંડિત પરિવાર એવા છે જેમણે કાશ્મીર ના છોડ્યું
    • લેેખક, રિયાઝ મસરૂર
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી
લાઇન
  • 1990ના વિસ્થાપન બાદ પણ 800 પંડિત પરિવારોએ કાશ્મીર નહોતું છોડ્યું.
  • 2010માં પંડિતોના પુનર્વાસ માટે ભારતના તત્કાલીન PM મનમોહન સિંહે નોકરી પૅકેજની જાહેરાત કરી, હજારો પંડિતોને સરકારી નોકરીઓ આપી.
  • નોકરી પૅકેજની શરૂઆત પછીથી ઈ.સ. 2019 સુધીમાં એક પણ કાશ્મીરી પંડિતની હત્યા નહોતી થઈ.
  • 2019માં કાશ્મીરમાંથી 370ની કલમ રદ થયા પછી અલગાવવાદ સમાપ્ત થઈ ગયો હોવાનો મોદી સરકારે દાવો કર્યો.
  • એ દાવાના થોડાક મહિનાઓ પછી જ નાગરિકોની હત્યાઓનો એક સિલસિલો શરૂ થઈ ગયો.
લાઇન

"અમારામાંથી કેટલાકને નોકરીના બહાને અહીં બોલાવીને નવી દિલ્હીએ એક પ્રયોગ કર્યો છે, જેથી એક પ્રચાર (પ્રૉપેગૅન્ડા) કરી શકાય કે કાશ્મીરમાં બધું જ સામાન્ય થઈ ગયું છે. પરંતુ હવે અમે મરી રહ્યા છીએ છીએ, એ માટે અમે કોને જવાબદાર ઠરાવીએ? શું આ સરકારની ભૂલ નથી?"

આ પ્રતિક્રિયા કાશ્મીરમાં તાજેતરમાં જ થયેલી હત્યાઓના વિરોધના સંદર્ભમાં પંકજ કૌલ નામના એક કાશ્મીરી પંડિતની છે. ત્યારે પંકજ 6 વર્ષના હતા જ્યારે 1990માં ખીણમાં હિંસાઓ થઈ હતી અને હજારો પંડિતોએ ઘરબાર છોડીને જમ્મુ અને અન્ય ભારતીય શહેરોમાં શરણ લીધું હતું, તો કેટલાકે પોતાનું વતન ના છોડ્યું.

કાશ્મીરી ભાષા બોલનારા સ્થાનિક હિન્દુઓને ખીણમાં પંડિત કહેવામાં આવે છે.

કાશ્મીરના પંડિત અને મુસલમાન ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, સંગીત, જીવનશૈલી, ખાનપાન - એટલે સુધી કે બાળકોનાં ઘરેલુ (હુલામણાં) નામ અને મોટાંઓની અટક - એકસમાન છે.

પંકજ કૌલે જણાવ્યું કે આ જ બધી પરંપરાઓ સાથેના લગાવ અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમે હજારો પંડિતોને હિંસક પરિસ્થિતિઓ અને જોખમો છતાં અહીંની માટી સાથે જોડી રાખ્યા.

800 પંડિત પરિવાર એવા છે જેમણે કાશ્મીર ના છોડ્યું, બલકે, પોતાના મુસલમાન પાડોશીઓ સાથે હળીમળીને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા રહ્યા.

line

વિસ્થાપન અને ઘરવાપસી

1990ની હિંસા છતાં કેટલાક પંડિત પરિવારો ખીણમાં રહેતા હતા. આવી પંડિત વસાહતો પર ઈ.સ. 1997થી 2003 દરમિયાન ચરમપંથી હુમલા થયા
ઇમેજ કૅપ્શન, 1990ની હિંસા છતાં કેટલાક પંડિત પરિવારો ખીણમાં રહેતા હતા. આવી પંડિત વસાહતો પર ઈ.સ. 1997થી 2003 દરમિયાન ચરમપંથી હુમલા થયા

ઈ.સ. 1990માં જ્યારથી પંડિતોનું વિસ્થાપન થયું છે ત્યારથી કાશ્મીરમાં એક તરફ સશસ્ત્ર વિદ્રોહને ડામી દેવા માટે સૈન્ય ઝુંબેશો ચલાવવામાં આવી; અને બીજી તરફ, નવી દિલ્હીની સરકારો દરેક વખતે કાશ્મીરમાં પંડિતોના પુનર્વાસનો વાયદો કરતી રહી.

ઈ.સ. 2010માં, ખીણમાં પંડિતોના પુનર્વાસ માટે ભારતના તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે એક વિશેષ નોકરી પૅકેજની જાહેરાત કરી અને હજારો કાશ્મીરી પંડિતોને સરકારી નોકરીઓ આપવામાં આવી.

જોકે, એમનાં ઘર કાં તો વેચાઈ ગયાં હતાં અથવા વેરાન અને અસુરક્ષિત હતાં, તેથી, સુરક્ષા-વ્યવસ્થાવાળાં અપાર્ટમેન્ટ્સમાં રાખવામાં આવ્યા હતા. 1990ની હિંસા છતાં કેટલાક પંડિત પરિવારો ખીણમાં રહેતા હતા. આવી પંડિત વસાહતો પર ઈ.સ. 1997થી 2003 દરમિયાન ચરમપંથી હુમલા થયા.

એ દરમિયાન સામૂહિક હત્યાની ત્રણ ઘટનાઓમાં મહિલા સમેત 50 કાશ્મીરી પંડિત મરાયા હતા.

પોલીસના આંકડા અનુસાર, ઈ.સ. 1990થી 2010 સુધીમાં 219 કાશ્મીર પંડિત મરાયા, પરંતુ કાશ્મીરી પંડિતોનાં જુદાં જુદાં સંગઠનોનું કહેવું છે કે આ સંખ્યા આના કરતાં ઘણી વધારે છે.

line

હત્યાઓનું એક નવું પ્રકરણ

2019ના વર્ષે કાશ્મીરમાંથી 370ની કલમ રદ થયા પછી કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો કે કાશ્મીરમાંથી અલગાવવાદ સમાપ્ત થઈ ગયો છે
ઇમેજ કૅપ્શન, 2019ના વર્ષે કાશ્મીરમાંથી 370ની કલમ રદ થયા પછી કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો કે કાશ્મીરમાંથી અલગાવવાદ સમાપ્ત થઈ ગયો છે

પરંતુ ઈ.સ. 2010માં નોકરી પૅકેજની શરૂઆત થયા પછીથી ઈ.સ. 2019 સુધીમાં એક પણ કાશ્મીરી પંડિતની હત્યા નથી થઈ.

2019ના વર્ષે કાશ્મીરમાંથી 370ની કલમ રદ થયા પછી કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો કે કાશ્મીરમાંથી અલગાવવાદ સમાપ્ત થઈ ગયો છે.

એના થોડાક મહિનાઓ પછી જ નાગરિકોની હત્યાઓનો એક સિલસિલો શરૂ થયો.

ગયા વરસે, ઘણાં વર્ષોથી શ્રીનગરમાં રહેતા કૅમિસ્ટ મખ્ખનલાલ બાંદ્રોની એમની જ દુકાનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ જ વર્ષના મેમાં ચરમપંથીઓએ સરકારી કર્મચારી રાહુલ બટની એમના જ કાર્યાલયમાં હત્યા કરી દીધી. ત્યાર પછી વહીવટી તંત્ર સામે કાશ્મીરી પંડિતોનો ગુસ્સો વધી ગયો.

પંકજ કૌલ પોતાનાં પત્ની નીરુ સાથે બડગામ જિલ્લાના શેખપુરા કૅમ્પમાં રહે છે. પતિ-પત્ની બંનેને કેન્દ્ર સરકારના પૅકેજ હેઠળ સરકારી નોકરી મળી હતી. નોકરી મળ્યા પછી તેઓ ખીણમાં પાછાં ફર્યાં હતાં.

line

લાઉડસ્પીકર પર કાશ્મીર છોડવાની ઘોષણા

પરંતુ હવે એ લોકો ખીણ છોડી દેવા માગે છે
ઇમેજ કૅપ્શન, પરંતુ હવે એ લોકો ખીણ છોડી દેવા માગે છે

પરંતુ હવે એ લોકો ખીણ છોડી દેવા માગે છે.

નીરુએ જણાવ્યું કે, "જ્યારે અમે કાશ્મીર છોડ્યું ત્યારે હું એક વર્ષની હતી. મારાં માતા-પિતાએ જણાવ્યું કે રાત્રે લાઉડસ્પીકર ગુંજવા લાગ્યાં કે અહીંથી જતા રહો. પછી અમે એક ટ્રકમાં સામાન લઈને નીકળી ગયાં. ઘણાં અઠવાડિયાં સુધી જમ્મુમાં એક કૅમ્પમાં રહ્યાં. ત્યાં સાપ અને વીંછી પણ હતા."

નીરુનું કહેવું છે કે એમણે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનું ભણતર પૂરું કર્યું. એમણે કહ્યું, "અમે જ જાણીએ છીએ કે કઈ રીતે અમે ભણ્યાં છીએ. અમે ફાનસના અજવાળામાં ભણતાં હતાં."

એમણે ઉમેર્યું, "કોઈક રીતે અમે ભણતર પૂરું કર્યું. ત્યાર બાદ, કેન્દ્ર સરકારે નોકરી પૅકેજની જાહેરાત કરી અને અમને આ નોકરી મળી. હવે ફરી 1990 જેવી સ્થિતિ થઈ ગઈ છે. આવા વાતાવરણમાં અમે અમારાં બાળકોનો ઉછેર કેવી રીતે કરીએ? અમે અહીં રહેવા નથી માગતાં."

line

શું હવે પાછા જવું શક્ય છે?

કાશ્મીરમાં હાલના સમયે ફરજ પરના 4 હજાર પૅકેજ કર્મચારી હડતાલ પર છે. એમની માગણી છે કે એમને કાશ્મીર બહાર ક્યાંય પણ પોસ્ટિંગ અપાય
ઇમેજ કૅપ્શન, કાશ્મીરમાં હાલના સમયે ફરજ પરના 4 હજાર પૅકેજ કર્મચારી હડતાલ પર છે. એમની માગણી છે કે એમને કાશ્મીર બહાર ક્યાંય પણ પોસ્ટિંગ અપાય

એક સુરક્ષા કૅમ્પમાં રહેતા બુઝુર્ગ પંડિત મોહન કૃષ્ણએ કહ્યું કે, "અમે લોકો શ્રીનગરના વિચારનાગ સૂરામાં રહેતા હતા. ક્યારેક હું ત્યાં જાઉં છું તો મારા મુસલમાન પાડોશી ખૂબ ખુશ થાય છે."

"હું શું કહું, હું તો ઇચ્છું છું કે હું એ ધરતીને ચૂમું જ્યાં હું રહેતો હતો. પરંતુ અહીં સ્થિતિ ઠીક નથી. મોટા ભાગના સામાન્ય લોકો ઇચ્છે છે કે અમે પાછા આવી જઈએ, પરંતુ શી ખબર એ કયા લોકો છે, કોણ કરાવે છે."

મોહન કૃષ્ણના બંને પુત્રને સરકારી પૅકેજ હેઠળ નોકરી મળી છે. કાશ્મીરમાં હાલના સમયે ફરજ પરના 4 હજાર પૅકેજ કર્મચારી હડતાલ પર છે. એમની માગણી છે કે એમને કાશ્મીર બહાર ક્યાંય પણ પોસ્ટિંગ અપાય.

કેટલાક પરિવારોએ કૅમ્પ છોડી દીધો છે, પરંતુ સરકારનાં વધારાનાં દળો બંદોબસ્તમાં ગોઠવીને લોકોના બહાર નીકળવા સામે પ્રતિબંધ મૂકી દીધો.

line

ફરી એ જ સ્થિતિ

"આવી જાઓ, બધું સામાન્ય થઈ ગયું છે. અહીં તો 1990 કરતાં પણ ખરાબ સ્થિતિ છે."
ઇમેજ કૅપ્શન, "આવી જાઓ, બધું સામાન્ય થઈ ગયું છે. અહીં તો 1990 કરતાં પણ ખરાબ સ્થિતિ છે."

નેહા કાચરુ નામનાં અન્ય એક પંડિત કર્મચારીનું કહેવું છે કે કાશ્મીરી પંડિતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે બધા પંડિત સરકાર સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, "કોઈ પણ પાર્ટી હાય, કોઈ પણ સરકાર હોય, સૌએ વારાફરતી અમારું શોષણ કર્યું છે. તેઓ કહે છે કે, "આવી જાઓ, બધું સામાન્ય થઈ ગયું છે. અહીં તો 1990 કરતાં પણ ખરાબ સ્થિતિ છે."

છેલ્લા થોડા મહિનામાં સતત બનેલી ઘટનાઓમાં, બંદૂકધારીઓએ કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ બટ, સ્થાનિક મુસ્લિમ મહિલા અમરીના બટ, રાજસ્થાનના રહેવાસી બૅન્ક મૅનેજર વિજયકુમાર, જમ્મુનાં રહેવાસી શિક્ષિકા રજની બાલા અને બિહારના એક ખ્રિસ્તી મજૂર દિલખુશ મસીહની એમના કામ કરવાના સ્થળે જ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં બે ગેર-મુસલમાન કાશ્મીરી, એક ગેર-કાશ્મીરી બૅન્કર અને એક બિહારી મજૂર સહિત સશસ્ત્ર ઉગ્રવાદીઓએ 19 નાગરિકોની હત્યા કરી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન