ભારત અમેરિકા પાસેથી કેમ ખરીદી રહ્યું છે આ ડ્રોન? તેનો ઉપયોગ ક્યાં થશે?

વિમાન

ઇમેજ સ્રોત, GA-ASI.COM

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારતને 31 એમક્યુ-9બી ડ્રોન વેચવાના સોદાને મંજૂરી આપી દીધી છે.

પેન્ટાગોને માહિતી આપી છે કે આ સંભવિત સોદામાં માનવરહિત ઍરક્રાફ્ટ સાથે તેમાંની મિસાઇલ અને અન્ય ઉપકરણો પણ ભારતને વેચવામાં આવશે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના જણાવ્યા અનુસાર ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 4 બિલિયન ડૉલરની આ ડીલ પર ઘણાં વર્ષોથી વાતચીત ચાલી રહી હતી.

ભારતે 2018માં સૈન્ય ઉપયોગ માટે આવા ડ્રોન ખરીદવાની વાત શરૂ કરી હતી પરંતુ અગાઉ પણ હથિયાર વિનાનાં વિમાનોમાં ભારતે રસ તો દાખવ્યો જ હતો.

અમેરિકાના વિદેશ મંત્રાલયની મંજૂરીનો અર્થ એ નથી કે આ ડીલ થશે જ.

આને ભારતને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવાઈ રહ્યું છે જે હથિયારોની ખરીદીના મામલે રશિયાની નજીક જઈ રહ્યું છે.

ડ્રોન

ઇમેજ સ્રોત, GA-ASI.COM

ગુરુવારે આ ડીલને અમેરિકન વિદેશ વિભાગ તરફથી સંમતિ મળવી એ એક મોટો અવરોધ દૂર થવા સમાન છે.

અગાઉ અમેરિકન સાંસદોએ કહ્યું હતું કે આ ડીલ માટે સંમતિ આપતા પહેલાં ભારતે અમેરિકામાં શીખ અલગાવવાદી ગુરપતવંતસિંહ પન્નુની કથિત હત્યાના ષડયંત્રની અર્થપૂર્ણ તપાસ કરવી જોઈએ એવા અહેવાલ પણ આવ્યા હતા.

અમેરિકાના ડેમૉક્રેટિક સાંસદ બેન કાર્ડિન સૅનેટની વિદેશ બાબતોની સમિતિના વડા છે.

તેમણે કહ્યું કે અમેરિકાની ધરતી પર હત્યાના ષડયંત્રની તપાસ અંગે રાષ્ટ્રપતિ જો બાઇડન તરફથી ખાતરી મળ્યા બાદ જ તેમણે આ મામલે પોતાનું વલણ બદલ્યું છે.

તેમણે કહ્યું, "બાઇડન પ્રશાસને કહ્યું કે આ મામલે તપાસ થવી જોઈએ અને ભારતમાં પણ આવી ગતિવિધિઓ માટે જવાબદારી નક્કી કરવી જોઈએ.”

રૉઇટર્સ મુજબ ગત વર્ષે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સત્તાવાર રીતે અમેરિકાના પ્રવાસે હતા ત્યારે બાઇડન વહીવટીતંત્રને ભારતે આ ડીલમાં થોડી ઝડપ રાખવાનું કહ્યું હતું.

ડીલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?

ડ્રોન

ઇમેજ સ્રોત, GA-ASI.COM

ભારતે હાલ તો ગુપ્ત માહિતીઓ એકત્ર કરવાની ઝુંબેશના ભાગરૂપે એમક્યુ-9બી વિમાનો લીઝ પર લીધેલાં છે.

ગુરુવારે પેન્ટાગોનની ડિફેન્સ સિક્યૉરિટી કો-ઑપરેશન એજન્સીએ આ ડીલની મંજૂરી વિશે સંસદને માહિતી આપી હતી.

પેન્ટાગોને કહ્યું છે કે આ વિમાનોનો કૉન્ટ્રાક્ટ જનરલ ઍટોમિક્સ ઍરોનોટિકલ સિસ્ટમ્સ કંપનીને આપવામાં આવ્યો છે.

આ ડીલમાં કૉમ્યુનિકેશન અને મૉનિટરિંગ સાધનોનો સમાવેશ થશે.

આ સિવાય 170 એજીએમ, 114 આર હેલફાયર મિસાઇલ અને 310 લેસર સ્મોલ ડાયામીટર બૉમ્બ પણ વેચવાના છે જેનું નિશાન એકદમ ચોક્કસ હોય છે.

ડ્રોનની ખાસિયત શું છે?

વિમાન

ઇમેજ સ્રોત, GA-ASI.COM

ડ્રોન બનાવનારી કંપની જનરલ ઍટોમિક્સ ઍરોનોટિકલે એમક્યુ-9બી વિશે કહ્યું છે કે આ એક માનવરહિત ઍરક્રાફ્ટ છે, જેને દૂરથી ઉડાવી અને નિયંત્રિત કરી શકાય છે.

આવાં ઍરક્રાફ્ટને રિમોટલી પાઇલૉટેડ ઍરક્રાફ્ટ સિસ્ટમ (RPS) કહેવામાં આવે છે.

દૂરથી તેને ઑપરેટ કરતા પાઇલટને એવું જ લાગે છે, જે તે સામાન્ય વિમાન ઊડતું હોય ત્યારે જોઈ શકે છે.

તે આધુનિક રડાર સિસ્ટમ અને સેન્સરથી સજ્જ છે. તે આપોઆપ ટેક ઑફ અને લૅન્ડ થઈ શકે છે.

તેને સેટેલાઇટની મદદથી નિયંત્રિત કરી શકાય છે અને તમામ પ્રકારના હવામાનમાં તેને 40 કલાકથી વધુ દિવસ-રાત સુધી ઉડાવી શકાય છે.

તે 2,155 કિલો વજન લઈને ઊડી શકે છે.

એમક્યુ-9બી ડ્રોનનો ઉપયોગ ક્યાં થઈ શકે છે?

સ્કાય ગાર્ડિયનનો ઉપયોગ દુનિયામાં યુદ્ધથી લઈને પર્યાવરણીય અને માનવતાવાદી મિશન સુધી દરેક બાબતમાં થાય છે.

સ્કાય ગાર્ડિયન સામાન્ય વિમાનોની જેમ ઉડાન ભરી શકે છે અને સૈન્ય કે સરકાર પોતાની જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે.

આ વિમાનને ગુપ્ત માહિતીઓ ભેગી કરવા, શોધ કરવી (ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકૉન્સન્સ કે આઇએસઆર) અને દેખરેખ રાખવા ઉપયોગમાં લઈ શકાય છે.

આ ડ્રોનનું ભારત શું કરશે?

ડ્રોન

ઇમેજ સ્રોત, GA-ASI.COM

આવાં સશસ્ત્ર ડ્રોન, ફાઇટર પાઇલટ જે યુદ્ધવિમાન ઉડાવે છે તેવી રીતે જ દુશ્મનોનાં ઠેકાણાં પર મિસાઇલ અને વિસ્ફોટકો છોડવાની ક્ષમતા ધરાવે છે.

આ ડ્રોન નજર રાખવામાં અને શોધ કરવામાં સક્ષમ છે અને તેનું સશસ્ત્ર સંસ્કરણ હેલફાયર મિસાઇલોથી સજ્જ છે.

લાંબા અંતર સુધી ઉડાન ભરી શકતાં આ વિમાનોનો ઉપયોગ માનવતાવાદી સહાયતા, રાહત અને બચાવકાર્ય, શોધ અને બચાવ, ઍરબોર્ન અર્લી વૉર્નિંગ, ઇલેક્ટ્રૉનિક વૉરફેર, ઍન્ટી-સર્ફેસ વૉરફેર અને ઍન્ટી-સબમરીન વૉરફેર માટે થઈ શકે છે.

સાથે જ આ ડ્રોનને નશીલા પદાર્થોની દાણચોરી અને સમુદ્રમાં જહાજોમાંથી લૂંટ જેવી સ્થિતિઓ સામે લડવા પણ તહેનાત કરી શકાય છે.

મળતી માહિતી મુજબ કુલ 31 ડ્રોનમાં 15 ભારતીય નૌકાદળ માટે અને આઠ–આઠ ડ્રોન સેના અને વાયુદળને અપાશે.

સમાચાર એવા પણ છે કે ભારત એમક્યુ-9 સિરીઝમાં મળતાં બે પ્રકારના એમક્યુ-9બી સ્કાય ગાર્ડિયન અને એમક્યુ-9બી સી-ગાર્ડિયનને ખરીદવા બાબતે વિચાર કરી રહ્યું છે.

સી ગાર્ડિયન ડ્રોન સમુદ્રમાં થતી ગતિવિધિ પર નજર રાખવા ઉપયોગમાં લેવાશે. જ્યારે સ્કાય ગાર્ડિયન ડ્રોન સરહદની સુરક્ષા માટે તહેનાત કરાશે.

ડ્રોન

ઇમેજ સ્રોત, GA-ASI.COM

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રક્ષા નિષ્ણાત રાહુલ બેદીએ બીબીસીને જણાવ્યું હતું કે આ ડ્રોનની ખરીદીની વાત ત્યારે શરૂ થઈ જ્યારે 2016માં ભારત મિસાઇલ ટેક્નોલૉજી કંટ્રોલ રેજીમ (એમટીસીઆર)નું સત્તાવર સભ્ય બની ગયું.

તેમના મુજબ, જો ભારત એમટીસીઆર પર હસ્તાક્ષર ન કરત તો આ ડ્રોન ભારતને ન મળી શકત.

"એમટીસીઆર પર હસ્તાક્ષર કર્યાના કેટલાક સમય પછી ભારતે સશસ્ત્ર ડ્રોન ખરીદવાની ઇચ્છા દર્શાવતો પત્ર અમેરિકાને મોકલ્યો હતો. અત્યાર સુધી તો અમેરિકા આ ડ્રોન માત્ર નેટોના સભ્ય દેશોને જ આપતું હતું. તો જો ભારતને આ ડ્રોન મળે છે તો આવું પહેલી વાર હશે કે નેટોના સભ્ય ન હોય એવા દેશને આ ડ્રોન મળશે.”

આ ડ્રોનને મેળવવાની ભારતની યોજના પોતાની માનવરહિત રક્ષા ક્ષમતાઓને મજબૂત કરવાના પ્રયાસનો એક મોટો ભાગ છે.

આ ડ્રોન ભારતને પોતાની સરહદો પર દેખરેખ રાખવાની ક્ષમતાને વધારવામાં અને સંભવિત જોખમોમાં વધારે સારી રીતે દેખરેખ રાખવામાં સક્ષમ બનાવશે.

સાથે જ હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં ચીનના વધતાં દબદબા પર નજર રાખવા માટે પણ આ ડ્રોનનો ઉપયોગ કરાશે એ પણ નક્કી છે.