વિદેશ ન જઈ શકનારાં પતિપત્ની ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા કેવી રીતે મોકલતાં?

મહેસાણાનું દંપતી

ઇમેજ સ્રોત, Laxmi Patel

ઇમેજ કૅપ્શન, મહેસાણાનું દંપતી
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારી પૂછપરછમાં એવું ધ્યાને આવ્યું છે કે આ આરોપી દંપતી પણ વિદેશ જવા માગતું હતું પણ તેમણે વારંવાર વિદેશ જવા પ્રયત્નો કર્યા છતાં તેઓ સફળ નહોતા થયા. ત્યારબાદ તેમણે વિઝા કન્સલ્ટન્સીની શરૂઆત કરી હતી. લગભગ એક વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા હતા. તેઓ દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલા આરોપી એજન્ટ નીતિનના ડાયરેક્ટ સંપર્કમાં હતા."

આ શબ્દો ગુજરાતની સીઆઈડી ક્રાઇમના ડીસીપી સંજય ખરાતના છે, જેઓ ગુજરાત જ નહીં પણ આખા દેશમાં ચર્ચા જગાવનાર આંતરરાષ્ટ્રીય કબૂતરબાજી રૅકેટ કેસની તપાસ કરી રહ્યા છે.

ભારતીયોને નિકારાગુઆ લઈ જતા વિમાનને ફ્રાન્સમાંથી પાછા મોકલવાના કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર ગુજરાતના મહેસાણાથી એજન્ટ દંપતી પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલની ધરપકડ કરી હતી. આ દંપતી (પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલ) વિઝા એજન્ટ છે.

તેમની પૂછપરછમાં આ આખા રૅકેટ વિશે નવાં તથ્યો સામે આવી રહ્યાં છે.

આ ધરપકડ ગુજરાતની CID ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખાએ 21 જાન્યુઆરી, 2024ના દિવસે કરી હતી.

આરોપ છે કે આ દંપતીએ સાત લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલીને તેમને અમેરિકા મોકલવાની ન માત્ર બાંહેધરી આપી હતી પણ તેમને લિજેન્ડ ઍરલાઇન્સની ફ્લાઇટમાં બેસાડ્યા હતા.

પણ આ ફ્લાઇટ ફ્રાન્સના કૅલોન્સ-વાટ્રી ઍરપૉર્ટ પર અટકી હતી. બસ તે સમયે જ કબૂતરબાજીનો ખેલ ખુલ્લો પડી ગયો હતો.

ફ્રાન્સમાં ફ્લાઇટ રોકાઈ ત્યારે શું થયું હતું?

વિદેશગમન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સથી ઊપડેલી ફ્લાઇટ મંગળવારે વહેલી સવારે ચારેક વાગ્યે મુંબઈ ઍરપૉર્ટ ઉપર ઊતરી હતી, જેમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું કહેવાય છે.

ફ્રાન્સની સરકારે 21 ડિસેમ્બર, 2023ના દિવસે ફ્રાન્સના કૅલોન્સ-વાટ્રી ઍરપૉર્ટ ખાતે ફ્લાઇટ રિફ્યૂલિંગ માટે રોકાયેલી લિજેન્ડ ઍરલાઇન્સની એક ફ્લાઈટને માનવ તસ્કરીના આરોપમાં રોકી રાખી હતી.

આ ફલાઇટમાં 276 મુસાફરો હતા જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માટે જઈ રહ્યાં હોવાનુ ધ્યાન પર આવતા 26 ડિસેમ્બર, 2023ના દિવસે લિજેન્ડ ઍરલાઇન્સની ફ્લાઇટને મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ખાતે પરત મોકલી દેવાઈ હતી.

આ સમગ્ર ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા કબૂતરબાજી રૅકેટનો ભાંડો ફૂટ્યો હતો.

તે ફલાઇટમાં 66 ગુજરાતીઓ હોવાનું બહાર આવ્યું હતું જેથી ગુજરાતની સીઆઈડી ક્રાઇમે આ સમગ્ર મામલે 14 એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી અને પરત ફરેલા મુસાફરોનાં નિવેદન લીધાં હતાં.

કેવી રીતે આરોપી દંપતીના નામનો ખુલાસો થયો?

પુષ્પક રાવલ

ઇમેજ સ્રોત, Laxmi Patel

ઇમેજ કૅપ્શન, આરોપી પુષ્પક રાવલ

સીઆઈડી ક્રાઇમે મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના રહેવાસી 19 વર્ષીય મેશ્વ પટેલનું નિવેદન લીધું હતું.

જેમાં આ દંપતીએ કથિતરૂપે મેશ્વ પટેલના ઘરે જઈને અમેરિકા લઈ જવાની લાલચ આપી રૂ. 55 લાખ વસૂલી તેમને અમેરિકા મોકલી આપશે તેવી બાંહેધરી આપી હતી.

આ દંપતીએ મેશ્વ પટેલ પાસેથી શરૂઆતમાં રૂ. 10 લાખ લીધા હતા.

દંપતીએ મેશ્વ પટેલને દુબઈના વિઝિટર વિઝા અપાવી દીધા હતા. તેમને ત્રણ મહિના સુધી દુબઈની અલગ અલગ હોટલોમાં રાખવામાં આવ્યા હતા અને દુબઈમાં નોકરી પણ અપાવવામાં આવી હતી.

જોકે, ફ્રાન્સમાંથી ડિપોર્ટ થયેલા મુસાફરોમાં મેશ્વ પટેલ પણ હતા.

મેશ્વ પટેલે આ બાબતે આપેલા નિવેદનમાં પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલનું નામ ખૂલ્યું હતું.

તેમના નિવેદનના આધારે સીઆઈડી ક્રાઈમે આ બંનેની ધરપકડ કરી હતી. આ દંપતીએ 7 લોકોને ગેરકાયદેસર મોકલ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

ભારતમાં ક્યાં ક્યાં ફેલાયેલું છે આ નેટવર્ક?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કબૂતરબાજીના રૅકેટના તાર ગુજરાત, દિલ્હી અને પંજાબ સુધી જોડાયેલા છે.

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છેે, "પંજાબના એજન્ટો એક આખી ફ્લાઇટ બુક કરાવતા હતા. ફલાઇટની ક્ષમતા 300 મુસાફરની હોય છે. તેવા સંજોગોમાં તેઓ તેમની રીતે મુસાફરો પાસે રૂપિયા વસૂલી સીટ નક્કી કરતા હતા. હવે જો આ એજન્ટોને જો તમામ બેઠકોના મુસાફરો ના મળે તેવા સંજોગોમાં તેઓ ખાલી બેઠકોના મુસાફરો માટે દિલ્હી અને ગુજરાતના એજન્ટનો સંપર્ક કરતા હતા."

"ગુજરાતના એજન્ટો અમેરિકા જવા માગતા લોકો પાસે રૂપિયા વસૂલીને તેમને ફલાઇટમાં બેસાડી દેતા હતા. આ મૉડસ ઑપરેન્ડીના ભાગરૂપે આ દંપતી દિલ્હીના નીતિન નામના એજન્ટના સંપર્કમાં હતા અને તેમણે વિવાદિત ફ્લાઇટમાં કુલ 7 લોકોને બેસાડ્યા હતા. ફ્રાન્સથી ડિપોર્ટ થયેલા ગુજરાતના 66 મુસાફરો પૈકી 7 મુસાફરોને આ આરોપી દંપતીએ ગેરકાયદેસર મોકલ્યા હતા. "

આ મામલે સીઆઈડી ક્રાઇમના ડીસીપી સંજય ખરાતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, કે " માનવ તસ્કરીના કેસમાં ગુજરાતના 66 લોકોને ગેરકાયદેસર રીતે ફ્લાઇટમાં અમેરિકા લઈ જવામાં આવી રહ્યા હતા. જે અંગે પોલીસે ફરિયાદી બની તપાસ હાથ ધરી છે."

"ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતા લોકોમાં 66 પેસેન્જર ગુજરાતી હતા. પોલીસ આ 66 મુસાફરોની પૂછપરછ કરી રહી છે. મુસાફરોની પૂછપરછમાં કેટલાક એજન્ટનાં નામ ખૂલ્યાં છે. જેમની તપાસ પણ હાથ ધરાઈ છે. આ એજન્ટોમાં ફાલ્ગુની રાવલ અને પુષ્પક રાવલ (દંપતી)નું નામ પણ બહાર આવ્યું હતું. જેથી આ એજન્ટ દંપતીની ધરપકડ કરી લેવાઈ છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આરોપી દંપતી દિલ્હીના એક નીતિન નામના એજન્ટના સંપર્કમાં હતા. નીતિનની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આ દંપતીએ ગુજરાતના 7 લોકોની નીતિન સાથે મલાકાત કરાવી હતી. આ દંપતી વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતું હતું. કન્સલ્ટન્સીના નામે તેઓ વિદેશ જવા માગતા લોકોના સંપર્કમાં આવતા હતા."

મેશ્વ પટેલ સાથે શું કર્યું હતું આ દંપતીએ?

વિદેશ ગમન કૌભાંડ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 26 ડિસેમ્બરે ભારત પરત આવેલી ફ્લાઇટના મુસાફરો

ફ્રાન્સથી ડિપોર્ટ થયેલા મહેસાણાના મેશ્વ પટેલે ઑટોમોબાઇલ ઍન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો છે. તે આરોપી દંપતીના સંપર્કમાં આવ્યા હતા. ફ્રાન્સની ફલાઇટમાં જે 66 ગુજરાતીઓ પાછા ફર્યાં તે તમામ લોકોમાંથી એક મહેસાણાના 19 વર્ષીય ઈજનેર યુવક મેશ્વ પટેલ પણ હતા.

તેમણે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપી દંપતીએ તેમને સપનાં બતાવ્યાં હતાં.

મેશ્વએ કહ્યું, "મહેસાણાના એજન્ટ પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલ મને મહેસાણાથી દિલ્હી લઈ ગયાં હતાં."

"દિલ્હીમાં થોડા દિવસ હોટલમાં રોક્યો હતો. દિલ્હીથી દુબઈના વિઝિટર વિઝા અપાવી ત્યાં મોકલી ત્યાં જ નોકરીએ લગાવી આપ્યો હતો."

મેશ્વ વધુમાં જણાવ્યું, "જોકે, તેઓ અમેરિકા નહોતા મોકલી રહ્યા. લિજન્ડ ચાર્ટડ ફ્લાઈટમાં 300 ભારતીયો સવાર હતા તેમાં બેસાડી દીધો હતો પરંતુ આ ફ્લાઈટ ફ્રાંસમાં અટકાવી દેવાઈ હતી."

આ પછી મેશ્વને પણ ડીપોર્ટ કરી દેવાયા હતા.

પોલીસ અનુસાર આ અંગે આરોપી એજન્ટની પૂછપરછમાં જાણવા મળ્યું કે , "આરોપી ફાલ્ગુની રાવલે BCA (બીસીએ) સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે તેમના પતિ પુષ્પક રાવલ તેમની સાથે કૉલેજમાં ભણતા હતા. આ બંને વચ્ચે પ્રેમ થતા તેમણે લગ્ન કરી લીધાં હતાં."

"તેઓ છેલ્લાં એક વર્ષથી મહેસાણામાં ઑફિસ ભાડે રાખી વિઝા કાન્સલ્ટન્સીનું કામ કરતાં હતાં. તેઓ આર્થિક રીતે સક્ષમ હોય તેવા અને અમેરિકા જવાની ઘેલછાં ધરાવતા યુવાનોની શોધમાં રહેતાં હતાં."

"આ પ્રકારના યુવકો મળે પછી તેઓ તેમના પરિવારનો વારંવાર સંપર્ક કરીને તેમને અમેરિકા મોકલી આપવાના સપનાં દેખાડતા હતા. જો કોઈક કિસ્સામાં પરિવાર રૂપિયા ખર્ચવા તૈયાર ન હોત તેવા કિસ્સામાં અમેરિકા જવાના અને રૂપિયા કમાવવાના ફાયદા ગણાવી તેઓને જવા માટે તૈયાર કરી દેતાં હતાં."

પોલીસ હાલ શું કરી રહી છે?

સીઆઈડી

ઇમેજ સ્રોત, @cid_crime

ઇમેજ કૅપ્શન, સીઆઈડી

હાલ તો સીઆઈડી ક્રાઇમ આરોપી દંપતીની પૂછપરછ કરી રહી છે.

તેમણે મેશ્વ પટેલ સિવાય અન્ય કેટલા લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલી અપાયા છે પોલીસે તેની વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું છે.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ એક ફ્લાઇટ ડિપોર્ટ થઈ તે પહેલાં આ પ્રકારે ત્રણ ફલાઇટમાં 900 લોકોને ગેરકાયદેસર મોકલવામાં આવ્યા હોવાનું અનુમાન છે.

આ કબૂતરબાજી રૅકેટમાં મુખ્ય ચાર એજન્ટ જોગિંદર ઉર્ફે જગ્ગી, જોગિંદર સિંઘ માનસ રામ, સલીમ દૂબઇ તથા સેમ પાજીને મુખ્ય સૂત્રધાર માની રહી છે.

આ તમામ એજન્ટોનો પ્લાન એવો હતો કે સેન્ટ્રલ અમેરિકાના વિવિધ દેશોના ઑન એરાઇવલ વિઝા હોય છે.

આથી મુસાફરો આ દેશ સુધી પહોંચે તે એજન્ટોનું મુખ્ય કામ હતું પછી અમેરિકન સિન્ડીકેટના એજન્ટો પંજાબ તથા ગુજરાતથી આવેલા મુસાફરોને ઉઝબેકિસ્તાન, યુરોપ, મૅક્સિકોના માર્ગે અમેરિકાની બૉર્ડરમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા હતા.

સીઆઈડી ક્રાઈમે કબુતરબાજીના 14 એજન્ટો સામે ગુનો નોંધેલો છે. આરોપી એજન્ટનાં નામ આ મુજબ છે.

1. જોગિન્દર ઉર્ફે જગ્ગી પાજી (દિલ્હી)

2. જોગિન્દરસિંઘ માનસરામ (દિલ્હી)

3. સલીમ (દુબઈ)

4. સેમ પાજી (દિલ્હી)

5. ચંદ્રેશ પટેલ (મહેસાણા)

6. કિરણ જયંતિભાઈ પટેલ (મહેસાણા)

7. ભાર્ગવ રાજેન્દ્રભાઈ દરજી (ન્યુ રાણીપ, અમદાવાદ)

8. સંદીપ જયંતિભાઈ પટેલ( કલોલ, ગાંધીનગર)

9. રાજ પંચાલ (મુંબઈ)

10. પિયુષભાઈ બારોટ (કલોલ, ગાંધીનગર)

11. અર્પિતસિંહ ઝાલા ( કલોલ, ગાંધીનગર)

12. રાજાભાઈ (મુંબઈ)

13. બીરેન ગીરીશભાઈ પટેલ (કલોલ, ગાંધીનગર)

14. જયેશ પટેલ (વલસાડ)

બીબીસી
બીબીસી