કૅનેડાના નિયમોમાં થયેલ એ બદલાવ જે ગુજરાતીઓની મુશ્કેલી વધારી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા સરકારે કહ્યું છે કે તે વિદેશી વિદ્યાર્થીઓ માટે એક નિશ્ચિત સીમા નક્કી કરીને બે વર્ષ માટે આપવામાં આવનાર સ્ટડી પરમિટની સંખ્યા ઓછી કરવા જઈ રહી છે.
ભારતમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ કૅનેડા જવાની તૈયારી કરતા હોય છે, ત્યારે આ નિયમોની ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડે તેવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.
નોંધનીય છે કે નવી સીમા લાગુ થયા બાદ એક વર્ષમાં કૅનેડા આવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 ટકા સુધીનો ઘટાડો થશે.
આ નિર્ણય પાછળનું કારણ વિદેશી વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ અને કૅનેડાના પ્રાથમિક માળખા પર પડી રહેલો બોજો મનાય છે.
સરકારે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને ઓછી કરવા માટે અને સ્થિર રાખવાના ઉદ્દેશથી તેણે વર્ષ 2024 માટે લગભગ 3,60,000 સ્ટડી પરમિટ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કૅનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક તાણાવાણાનું એક અભિન્ન અંગ છે.
સરકારનું કહેવું છે કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ ફી વસૂલવા માટે પોતાની સીટો વધારી દીધી છે. પરિણામે ઘણા વિદ્યાર્થીઓ ઍડમિશન માટે જરૂરી લાયકાત વગર જ આવી રહ્યા છે.
કૅનેડાના નવા નિયમોથી કોને અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
નવા નિયમો અનુસાર પ્રત્યેક રાજ્ય અને ક્ષેત્ર વચ્ચે એક નિશ્ચિત સંખ્યામાં વિદ્યાર્થીઓની વહેંચણી કરવામાં આવશે. આ નિશ્ચિત સંખ્યા એ રાજ્ય કે ક્ષેત્રની વસતી અને એ રાજ્યમાં વિદ્યાર્થીઓની વર્તમાન સંખ્યા પર આધારિત રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે બાદ રાજ્ય નક્કી કરશે કે આ પરમિટનું વિભિન્ન યુનિવર્સિટીઓ અને કૉલેજો વચ્ચે કેવી રીતે વિતરણ કરવામાં આવશે.
આ નક્કી થયેલી સીમા ડિપ્લોમા અને ગ્રૅજ્યુએટ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ પર પણ લાગુ થશે. જોકે, જે વિદ્યાર્થીઓની પરમિટ રીન્યૂ થવાની છે તેમને આ નિયમ લાગુ નહીં પડે.
સરકાર તરફથી વધુ એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. હવે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ સંચાલિત કૉલેજોમાંથી ગ્રૅજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરથી વર્ક પરમિટ નહીં આપવામાં આવે.
આ પ્રકારની કૉલેજો ઑન્ટારિયોમાં મોટા પ્રમાણમાં છે. જે વિસ્તારોમાં પહેલેથી જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા અનિયંત્રિતપણે વધી છે, ત્યાં નવી નીતિ હેઠળ સંખ્યામાં અતિશય ઘટાડો કરી દેવાશે.
નવી નીતિ હેઠળ પીએચ. ડી., પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આની અસર એ વિદ્યાર્થીઓ પર નહીં પડે જેમની પાસે સ્ટુડન્ટ પરમિટ છે.
આ નીતિનો અમલ કરવા માટે 22 જાન્યુઆરી, 2024 થી આઇઆરસીસી (કૅનેડાનું ઇમિગ્રેશન, રૅફ્યૂજી ઍન્ડ સિટીઝનશિપ વિભાગ) સુધી પહોંચતી દરેક અરજી સાથે રાજ્ય અથવા પ્રદેશ દ્વારા જાહેર કરાયેલ એક વેરિફિકેશન લેટર પણ જોડવામાં આવશે.
રાજ્યો અને પ્રદેશો વિદ્યાર્થીઓને વેરિફિકેશન લેટર આપવા માટેની નવી સિસ્ટમ ઊભી કરશે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલા આ પત્રો 31 માર્ચ, 2024 પહેલાં જાહેર કરી શકાશે નહીં.
આ નિર્ણયો આગામી બે વર્ષ માટે લાગુ કરવામાં આવશે. જોકે, 2025માં સ્વીકારવામાં આવનારી પરમિટની અરજીઓની સંખ્યા આ વર્ષના અંતે નક્કી કરવામાં આવશે.
ગ્રૅજ્યુએટ વર્ક પરમિટમાં શું બદલાવ થશે?

ઇમેજ સ્રોત, Reuters
1 સપ્ટેમ્બર, 2024 કે તે બાદ કૅનેડામાં ડિગ્રીનો અભ્યાસ શરૂ કરનાર વિદ્યાર્થીઓ કે જેમનો અભ્યાસક્રમ ‘કરિક્યુલમ લાયસન્સિંગ સિસ્ટમ’ હેઠળ આવે છે, તેઓ ગ્રૅજ્યુએશન પછી મળતી વર્ક પરમિટ માટે લાયક નહીં રહે.
‘કરિક્યુલમ લાયસન્સિંગ પ્રોગ્રામ’ હેઠળ ખાનગી કૉલેજો જે તે સરકારી કૉલેજોમાં અભ્યાસક્રમનો અમુક ભાગ ભણાવી શકે છે. વિદ્યાર્થીઓએ તે અમુક ક્લાસ પ્રાઇવેટ કૉલેજમાં જ ભરવાના હોય છે.
આટલાં વર્ષો દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આ પ્રકારના અભ્યાસક્રમોમાં મોટા પ્રમાણમાં ઍડમિશન લીધાં છે. આ પ્રકારના અભ્યાસક્રમો ગ્રૅજ્યુએશન પછી વર્ક પરમિટ અપાવવામાં મદદ કરે છે.
જે વિદ્યાર્થીઓએ તેમની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે અને જેમણે સ્નાતક સ્તરે ટૂંકા ગાળાના કોર્સ પૂર્ણ કર્યા છે તેઓ પણ ત્રણ વર્ષની વર્ક પરમિટ માટે આવેદન કરી શકશે.
હાલની શરતો પ્રમાણે વિદ્યાર્થીઓને કેટલા સમયની પોસ્ટગ્રૅજ્યુએટ વર્ક પરમિટ મળશે એ તેના સ્ટડી-પ્રોગ્રામ પર આધારિત રહેતું હતું.
જોકે, આ નિર્ણયથી એ વિદ્યાર્થીઓને વધુ તકલીફો પડશે કે જેઓ લાંબા ગાળે કાયમી વસવાટના પરવાનાને (પીઆર) ધ્યાનમાં રાખીને માસ્ટર ડિગ્રી કરવા જઈ રહ્યા છે. તેમના માટે કૅનેડામાં કામ અનુભવ જરૂરી હોય છે.
જીવનસાથીને મળનારા વિઝાના નિયમોમાં શું ફેરફાર થયો?

ઇમેજ સ્રોત, Getty Images
આવનારા દિવસોમાં માત્ર એવી વ્યક્તિના જીવનસાથીને જ વિઝા મળશે, જેઓ કૅનેડામાં માસ્ટર્સ અથવા તો ડૉક્ટરલ લેવલનો અભ્યાસ કરતા હશે.
જે લોકો ગ્રૅજ્યુએટ અથવા તો તેનાથી ઓછા લેવલના કોર્સમાં અભ્યાસ કરી રહ્યા હશે, તેઓ તેમના જીવનસાથીને કૅનેડા બોલાવી શકશે નહીં.
આ નિર્ણયની જાહેરાત પણ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા તાજેતરના નિર્ણયો સાથે કરવામાં આવી છે.
આ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
1 જાન્યુઆરી, 2024 ના રોજ કૅનેડામાં ફુગાવાને ધ્યાનમાં રાખીને સ્ટડી પરમિટ મેળવવા માટે જરૂરી ન્યૂનતમ રકમને વધારવામાં આવી હતી.
ડિસેમ્બર, 2023થી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી દરેક પોસ્ટ-સેકન્ડરી સંસ્થાએ પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીની આઇઆરસીસીને જાણ કરવી જરૂરી છે.
આ પગલાથી વિદ્યાર્થીઓની વેરિફિકેશન પ્રોસેસમાં મદદ થશે અને તેમને સંભવિત છેતરપિંડીથી બચાવી શકશે.
આ નિર્ણયોથી એ પણ સુનિશ્ચિત થશે કે સ્ટડી પરમિટ ફક્ત વેરિફાઈ થયેલા વિદ્યાર્થીઓને જ મળે.
કૅને઼ડાએ સ્ટુડન્ટ વિઝાને લગતા જાહેર કરેલા નવા નિયમો વિશે વાત કરતા ઇમિગ્રેશન વકીલ અને અજમેરા લૉ ગ્રૂપના સ્થાપક પ્રશાંત અજમેરાએ જણાવ્યું, “કૅનેડાએ જાહેર કરેલા નવા નિયમોને કૅનેડા ભણવા માટે જવા માંગતા વિદ્યાર્થીઓ પર ચોક્કસપણે અસર થશે, કારણ કે કૅનેડાની સરકારે સ્ટુ઼ડન્ટ વિઝાનો ક્વોટા 35 ટકા ઘટાડીને 3,64,000 કરી દીધો છે. નવા નિયમો પ્રમાણે, અભ્યાસ પૂર્ણ કર્યા પછી મળતી વર્ક પરમિટ મેળવવાનું પણ અત્યંત મુશ્કેલ બનશે. આ ઉપરાંત કૅનેડામાં માસ્ટર અથવા પીએચ. ડી.નો અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીઓ જ વિઝા માટે પાત્ર બનશે. આમ, વિદેશી વિદ્યાર્થીઓ માટે આવનારાં વર્ષમાં કૅનેડામાં અભ્યાસ માટે મળતા સ્ટુ઼ડન્ટ વિઝા મેળવવો પહેલાં કરતા વધારે મુ્શ્કેલ બનશે.”
કૅનેડાના મંત્રીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના આઇઆરસીસી મંત્રી મિલરે કહ્યું, “એવી પરિસ્થિતિ જરા પણ ચલાવી લેવામાં નહીં આવે કે જ્યાં કૉલેજોનાં કૅમ્પસ ઓછી સુવિધાઓ ધરાવતાં હોય અને તેમાં વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવતી હોય. ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધુ હોય.”
“આ નિયમો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કોઈ એક સમૂહને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવ્યા નથી. પરંતુ અમારો હેતુ એ છે કે જે પ્રમાણમાં લોકો પૈસા આપે છે તે પ્રમાણમાં તેમને સારું ભણતર પણ મળે.”
તેમણે એ પણ કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સમુદાયના વિદ્યાર્થીઓ કૅનેડાનું અવિભાજ્ય અંગ છે અને અમે તેમને મદદ કરવા માટે કટિબદ્ધ છીએ.”
જોકે, કૅનેડાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સમુદાય અંગે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી ચિંતાઓ સામે આવી છે.
મિલર કહે છે, “કૅનેડામાં ભારે સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓને કારણે હાઉસિંગ, સ્વાસ્થ્ય અને અન્ય સુવિધાઓ પર ઘણી અસર પડી છે. અમારો પ્રયત્ન એવો છે કે અહીં આવતા વિદ્યાર્થીઓ કોઈ ખરાબ લોકોની માયાજાળમાં ન ફસાય અને કૅનેડાની વસ્તી સસ્ટેનેબલ રીતે વધે.”
માર્ક મિલર કહે છે, “ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ ખૂબ જ આકર્ષક છે અને આ પ્રોગ્રામનું હવે જાણે કે શોષણ થઈ ચૂક્યું છે. પણ હવે બહુ થયું, અમારે તેના પર પગલાં લેવાં જ પડશે.”












