લાલકૃષ્ણ અડવાણીએ 'ભારત રત્ન' આપવાની જાહેરાત બાદ સૌથી પહેલા શું પ્રતિભાવ આપ્યો?

ઇમેજ સ્રોત, ANI
પૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્નથી સમ્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
લાલકૃષ્ણ અડવાણીએ 'ભારત રત્ન'ને તેમના આદર્શો અને સિદ્ધાંતોનું સન્માન ગણાવ્યું છે.
ભાજપના દિગ્ગજ નેતા અડવાણીએ કહ્યું, "હું 'ભારત રત્ન'ને પૂરી નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. તે માત્ર એક વ્યક્તિ તરીકે મારા માટે સમ્માનની વાત નથી પરંતુ તે આદર્શો અને સિદ્ધાંતોનું પણ સમ્માન છે જેનાથી હું આખું જીવન મારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે સેવા કરવા માટે પ્રેરિત રહ્યો છું."
આ સમાચાર સામે આવ્યા બાદ અડવાણીનાં પુત્રી પ્રતિભા અડવાણીએ કહ્યું કે, "તેમની (લાલકૃષ્ણ અડવાણીની) આંખોમાં આંસુ હતાં."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એવું ભારતરત્ન આપવાની જાહેરાત કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આની જાહેરાત કરી હતી.
તેમણે લખ્યું, “મને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારતરત્નથી સન્માનિત કરાશે. મેં પણ તેમની સાથે વાત કરી અને આ સન્માન વડે સન્માનિત થવા પર તેમને અભિનંદન પાઠવ્યાં.”
“આપણા સમયના સૌથી સન્માનિત નેતાઓ પૈકી એક રહેલા અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમની સફર પાયાથી કામ કરવાથી માંડીને નાયબ વડા પ્રધાન સ્વરૂપે દેશની સેવા કર્યા સુધીની રહી છે. તેમણે ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણમંત્રી સ્વરૂપે પોતાની ઓળખ બનાવી. તેમની સંસદીય સફ અનુકરણીય અને સમૃદ્ધ દૃષ્ટિકોણવાળી રહી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે આજથી લગભગ 10 દિવસ પહેલાં એટલે કે 23 જાન્યુઆરીના રોજ બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાનું એલાન કરાયું હતું.
વડા પ્રધાને બીજું શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP
વડા પ્રધાને પોતાના અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, “સાર્વજનિક જીવનમાં અડવાણીજીની લાંબી સેવાને પારદર્શિતા અને સત્યનિષ્ઠા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા મારફતે ઓળખ મળી છે. જેણે રાજકીય નૈતિકતામાં એક અનુકરણીય માપદંડ સ્થાપિત કર્યો છે.”
“તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધારવાની દિશામાં નોખા પ્રયાસ કર્યા છે. તેમને ભારતરત્ન દ્વારા સન્માનિત કરવા એ મારા માટે અત્યંત ભાવુક ક્ષણ છે. હું એ વાતને હંમેશાં પોતાના સદ્નસીબ ગણીશ કે મને તેમની સાથે ચર્ચા કરવાની અને શીખવાની અગણિત તકો મળી.”
1991થી અડવાણી ગાંધીનગરથી સાંસદ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઉલ્લેખનીય છે કે અડવાણી ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાતા હતા.
જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ટિકિટ નહોતી અપાઈ અને તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ હતી.
હાલ અમિત શાહ ગાંધીનગર લોકસભાના સાંસદ છે.
લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર બેઠકનું આશરે બે દાયકા જેટલા સમય સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું.
સૌપ્રથમ વખત વર્ષ 1991માં અડવાણી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1998, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી સાંસદ બન્યા હતા.
કોણ છે લાલકૃષ્ણ અડવાણી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લાલકૃષ્ણ અડવાણી હવે 96 વર્ષના થઈ ચૂક્યા છે.
તેમનો સમાવેશ ભાજપના એ નેતાઓમાં થાય છે જેમણે 1990ના દાયકામાં શ્રીરામમંદિર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
90ના દાયકામાં વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યા, કાશી અને મથુરાનાં મંદિરોને ‘મુક્ત કરાવવાનું’ અભિયાન ચલાવ્યું અને એ અંતર્ગત લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કરી.
25 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ રથયાત્રા 30 ઑક્ટોબરના રોજ અયોધ્યા પહોંચવાની હતી. જોકે, બિહારના તત્કાલીન મુખ્ય મંત્રી લાલુપ્રસાદ યાદવે સમસ્તીપુર જિલ્લામાં 23 ઑક્ટોબરના રોજ તેમની ધરપકડ કરાવી હતી.
અડવાણી વિરુદ્ધ મસ્જિદને ધ્વસ્ત કરવાનું કાવતરું રચવાનો ગુનાહિત કેસ પણ ચાલ્યો.
તેઓ હાલ ભાજપના માર્ગદર્શકમંડળમાં છે. જોકે, હવે તેઓ સાર્વજનિક જીવનમાં હવે ખાસ સક્રિય દેખાતા નથી.
થોડા દિવસ પહેલાં અયોધ્યામાં શ્રીરામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ અગાઉ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અડવાણી અને મુરલી મનોહર જોશીને કાર્યક્રમનું આમંત્રણ અપાયું છે અને તેમની ઉંમરને જોતાં કાર્યક્રમમાં ન આવવાનો આગ્રહ કરાયો છે, જે બંનેએ સ્વીકાર્યો છે.”
આરએસએસ સાથે નિકટતા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
લાલકૃષ્ણ અડવાણી બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા રહ્યા.
એક વાર રાજસ્થાનના માઉન્ટ આબુમાં બ્રહ્મકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં અડવાણીએ કહ્યું હતું કે, “હું બાળપણથી જે સંગઠન સાથે જોડાયેલો રહ્યો છું તેનું સન્માન કરું છું અને મને એના પર ગર્વ છે અને એ સંગઠન આરએસએસ છે.”
“મેં આરએસએસમાંથી શીખ્યું છે કે આપણે ક્યારેય ખરાબ કામોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. દેશપ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાની શીખ પણ મને આરએસએસ પાસેથી જ મળી.”
તક હતી, પરંતુ વાજપેયી માટે મોકળો કર્યો માર્ગ
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીએ બીબીસીને કહ્યું હતું કે, “રામમંદિરઆંદોલન દરમિયાન દેશમાં સૌથી વધુ લોકપ્રિય નેતા હોવાની સાથોસાથ સંઘ પરિવારનાં આશીર્વાદ હોવા છતાં અડવાણીએ વર્ષ 1995માં વાજપેયીને વડા પ્રધાનપદના દાવેદાર ગણાવીને બધાને આશ્ચરચકિત કરી મૂક્યા.”
ત્રિવેદીએ કહ્યું હતું કે, “એ સમયે અડવાણી વડા પ્રધાન બની શક્યા હોત, પરંતુ તેમણે કહ્યું કે ભાજપમાં વાજપેયી કરતાં મોટો નેતા કોઈ નથી. 50 વર્ષ સુધી તેઓ વાજપેયી સાથે બીજા નંબરે રહ્યા.”
“50 વર્ષ કરતાં વધુ લાંબા રાજકીય જીવન છતાં અડવાણી પર કોઈ ડાઘ નથી રહ્યો અને જ્યારે 1996ની ચૂંટણી પહેલાં કૉંગેસના નરસિંહા રાવે વિપક્ષના મોટા નેતાઓને હવાલા કાંડમાં ફસાવવાની કોશિશ કરી હતી, ત્યારે અડવાણીએ સૌપ્રથમ રાજીનામું આપીને કહ્યું કે તેઓ આ મામલામાં સ્વચ્છ છબિ સાથે બહાર નીકળશે ત્યારે જ ચૂંટણી લડશે અને 1996ની ચૂંટણી બાદ તેઓ આ મામલામાં નિર્દોષ છૂટ્યા. આવી હિંમત દાખવવાનું કામ બધા ન કરી શકે.”
વડા પ્રધાન મોદી અડવાણીના સંબંધો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વડા પ્રધાન મોદી એક સમયે અડવાણીની ખૂબ નિકટ મનાતા, પરંતુ વર્ષ 2014માં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદગી બાદથી બંનેના સંબંધોમાં કડવાશ પેદા થઈ.
એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમગ્ર ભારતમાં પ્રભાવ પડતો અને તેમને વડા પ્રધાનપદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા.
અડવાણીએ જ વર્ષ 1984માં બે બેઠકો પર સમેટાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીને તળિયેથી ઉપર ઉઠાવીને ભારતીય રાજકારણના કેન્દ્ર સુધી પહોંચાડી અને બાદમાં 1998માં પ્રથમ વખત સત્તાનો સ્વાદ ચખાડ્યો.
વર્ષ 2004 અને 2009 એમ લોકસભાની સતત બે ચૂંટણીમાં હાર બાદ ‘લૉ ઑફ ડિમિનિશિંગ રિટર્ન્સ’નો સિદ્ધાંત અડવાણી પરેય લાગુ પડ્યો અને એક જમાનામાં તેમની છત્રછાયામાં રહેતા નરેન્દ્ર મોદીએ તેમની જગ્યા લઈ લીધી.
અડવાણીના ટીકાકાર અને આરએસએસ પર પુસ્તક લખનારા એ. જી. નૂરાની કહે છે કે, “1984ની ચૂંટણીમાં જ્યારે ભાજપને માત્ર બે સીટો મળેલી ત્યારે તેઓ ખિન્ન હતા. તેમણે નક્કી કર્યું કે જૂના મતો હાંસલ કરવા હોય તો તે માટેની એક જ રીત એ છે કે હિંદુત્વને પુન:જાગૃત કરાય. 1989માં ભાજપનો પાલનપુર પ્રસ્તાવ પાસ થયો, જેમાં અડવાણીએ ખૂલીને જણાવ્યું કે મને આશા છે કે અમારા આ પ્રયત્નો વોટોમાં તબદીલ થાય.”
તેમના અનુસાર, “1995માં તેમને લાગ્યું કે દેશ તેમને વડા પ્રધાન નહીં બનાવે. તેથી વાજપેયી માટે પદ છોડી દીધું. ઝીણા વિશે તેમણે કહેલી વાત એ પાકિસ્તાનીઓને ખુશ કરવા પૂરતા મર્યાદિત હેતુથી નહોતી કરાઈ, તેઓ ભારતમાં પોતાની ઉદાર છબિ બનાવવા માગતા હતા.”
તેઓ કહે છે કે, “પરંતુ આવું કરીને તેઓ પોતાની જ જાળમાં ફસાઈ ગયા. તેમણે ગુજરાત રમખાણ બાદ જે મોદીને બચાવ્યા હતા, તેમણે જ તેમને બહાર કરી દીધા. તેમની એવી સ્થિતિ થઈ કે ન ખુદા મિલા ન વિસાલ-એ-સનમ ન ઇધર કે હુએ ન ઉધર કે હુએ.”
પરંતુ ભારતીય જનતા પાર્ટીને નિકટથી જોનારા રામબહાદુર રાયનું માનવું છે કે ગુજરાત રમખાણ બાદ અડવાણીએ નહીં, પરંતુ બીજા લોકોએ મોદીને બચાવ્યા હતા.
તેઓ કહે છે કે, “વાજપેયી ઇચ્છતા હતા કે નરેન્દ્ર મોદી રાજીનામું આપે. તેમણે એક નિવેદનમાં રાજધર્મની શીખ પણ આપી, પરંતુ વાજપેયીને ઠંડા પાડવા અને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા સમજાવવા જે બે વ્યક્તિઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી, તેમનું નામ હતું અરુણ જેટલી અને પ્રમોદ મહાજન. વાજપેયી જ્યારે દિલ્હીથી ગોવા પહોંચ્યા ત્યારે તેમના વિમાનમાં આ બે લોકો જ હતા. અડવાણી તો સાથે હતા જ નહીં.”
“આ જ બંને લોકોએ વાજપેયીને રસ્તામાં સમજાવ્યા કે આવું કરવું એ પાર્ટીના હિતમાં નથી અને પણજી આવતાં સુધી વાજપેયી આ વાત માની ગયા. મારું માનવું છે કે અડવાણીમાં વાજપેયીને એવું કહેવાની હિંમત નહોતી કે તેઓ તેમને કહે કે તમે આવું ન કરશો.”
નરેન્દ્ર મોદીને બચાવવામાં અડવાણીનો પ્રત્યક્ષ હાથ ભલે ન હોય, પરંતુ એ વાત મોટા ભાગના લોકો માનશે કે ઓછામાં ઓછું 2012 સુધી નરેન્દ્ર મોદી અડવાણીના લેફ્ટનન્ટ હતા.
કોણ બને છે ભારતરત્ન?

ઇમેજ સ્રોત, Getty Images
1954થી ભારત સરકાર દ્વારા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન આપવામાં આવે છે.
આ નામો માટે વડા પ્રધાન દેશના રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે છે, આ માટે તેમને કોઈ ભલામણની જરૂર નથી રહેતી. નસ્લ, વ્યવસાય, પદ કે લિંગને ધ્યાને લીધા વગર આ પુરસ્કાર આપવામાં આવે છે. દર વર્ષે મહત્તમ ત્રણ વ્યક્તિને આ પુરસ્કાર આપી શકાય છે.
સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહીવાળું પ્રશસ્તિપત્રક અને પદક આપવામાં આવે છે. તેની સાથે કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી. આ પુરસ્કાર મરણોપરાન્ત પણ આપી શકાય છે.
જવાહરલાલ નેહરુ તથા ઇંદિરા ગાંધીને તેમના વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન જ આ પુરસ્કાર મળ્યા હતા, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, બીઆર આંબેડકર, નાનાજી દેશમુખ વગેરેને મૃત્યુનાં અનેક વર્ષો બાદ આ પુરસ્કાર મળ્યા હતા.
રાજકીય જરૂરિયાત તથા મજબૂરીને ધ્યાને લઈને ભારતરત્ન પુરસ્કાર આપવામાં આવતો હોવાના સમયાંતરે આરોપ લાગતા રહે છે.
2011થી ખેલ તથા તમામ માનવયત્ન ક્ષેત્રે આ પુરસ્કાર આપવામાં આવે છે. અગાઉ રાજનીતિ, સંગીત, કળા, નાગરિકસેવા, વિજ્ઞાન જેવા ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રદાન આપનારાઓને જ આ પુરસ્કાર આપવામાં આવતો.
ભારતે નેલ્સન મંડેલા (દક્ષિણ આફ્રિકા), ખાન અબ્દુલ ગફારખાન (પાકિસ્તાન) તથા મધર ટૅરેસાને (મૂળ અલ્બેનિયા) ભારતરત્ન એનાયત કર્યા છે.
વ્યક્તિ નામની સાથે તેને આગળ કે પાછળ ઇલકાબ તરીકે વાપરી નથી શકતી. છતાં પોતાના વિઝિટિંગ કાર્ડ, લેટરહેડ કે અન્ય સામગ્રીમાં ભારતરત્ન વિજેતાનો ઉલ્લેખ કરી શકે છે. રાષ્ટ્રપતિ ઇચ્છે તો કોઈને અપાયેલો ભારતરત્ન પુરસ્કાર પાછો પણ ખેંચી શકે છે.














