બોફોર્સથી રફાલ : સંરક્ષણ સોદાઓમાં વચેટિયા કેટલા રૂપિયા કમાય છે?

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
- લેેખક, બ્રજેશ મિશ્ર
- પદ, બીબીસી સંવાદદાતા
રફાલ ડીલની બાબતે ભારતમાં ગત એક વર્ષથી રાજકીય ખેંચતાણ ચાલુ છે.
રફાલ સોદામાં કેન્દ્રની મોદી સરકાર ઉપર એક કંપનીને લાભ કરાવવાનો આરોપ છે.
આરોપ-પ્રત્યારોપની વચ્ચે પહેલા થયેલા સુરક્ષા સોદાઓમાં વચેટિયાઓ સામેલ હોવા ઉપર પણ ઘણો ઉહાપોહ થયો છે.
દુનિયાની બીજી સૌથી મોટી સેના રાખનારા ભારત દેશમાં ઘણાં દસકાઓથી કદાચ જ એવો કોઈ મોટો સુરક્ષા સોદો હશે જે વિવાદોમાં ન સપડાયો હોય.
બોફોર્સથી માંડીને રફાલ સુધી સેનાની તાકાત વધારવા માટે થનારા આવા સોદાઓ ઉપર અને સરકારો ઉપર પણ સવાલ ઉઠ્યા.
હકીકતમાં, રક્ષા સોદા ત્રણ પ્રકારે થાય છે. પહેલો ઑરિજીનલ ઇક્વિપમેન્ટ મૅન્યુફેક્ચરર(OEM) અને બીજો ગવર્નમેન્ટ ટૂ ગવર્નમેન્ટ (G to G) અને ત્રીજો ફૉરેન મિલિટ્રી સેલ (FMS).
ઑરિજનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર સોદામાં તમે સીધા કંપની પાસેથી ખરીદી કરો છો.
બીજી સરકારથી સરકારની ડીલ જેમ કે ભારત સરકારે ફ્રાંસની સરકાર સાથે રફાલનો સોદો નક્કી કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાની સાથે ભારતના રક્ષા સોદા, ફૉરેન મિલિટ્રી સેલ અંતર્ગત થાય છે.
એ પણ સરકારથી સરકારની જ ડીલ હોય છે. આમાં કોઈ એજન્ટ અથવા એજન્સી નથી હોતી.
પરંતુ એવું કયું કારણ છે કે ભારતમાં થનારા દરેક સુરક્ષા સોદા વિવાદોમાં સપડાઈ જાય છે?

દલાલી અથવા વચેટિયાઓને કમિશન

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલના જવાબમાં સુરક્ષા નિષ્ણાત અને ભૂતપૂર્વ મેજર જનરલ અશોક મહેતા કહે છે, "પાયાની વાત એ છે કે દરેક સોદામાં મોટા પાયે પૈસા રોકાયેલા હોય છે."
"એમાં વચેટિયા અથવા મિડલમેન ચોક્કસ હોય છે, તમે યુરોપ, અમેરિકા અથવા બીજા દેશોમાં જોશો તો ત્યાં પણ તમને એ જોવા મળશે."
"આવા સોદાઓમાં મિડલમેનની ભૂમિકા કાયમ હોય છે. એમને આપ કોઈ પણ નામથી સંબોધી શકો છો."
સુરક્ષા બાબતોના જાણકાર અને ઇન્ડિયન એક્સપ્રેસના ડેપ્યુટી એડિટર સુશાંત સિંહ આને માટે સરકારી નીતિઓ અને ભારતમાં હથિયાર નહીં બનાવવાને જવાબદાર ગણે છે.
તેઓ કહે છે, "સુરક્ષા સોદાઓ વિવાદોમાં એટલા માટે રહે છે કારણ કે સુરક્ષાનો સામાન ભારત પોતે નથી બનાવતું, બહારથી મંગાવે છે."
"સામાન આયાત કરે ત્યારે તેમાં હંમેશાં દલાલી અથવા વચેટિયાઓને કમિશન આપવા, ફેવરીઝમ હોવાની વાતો બહાર આવી અને અહીંથી જ વિવાદો શરૂ થઈ જાય છે."

તમે આ વાંચ્યું કે નહીં?

કેમ વચેટિયા સામેલ હોય છે?
જોકે, વચેટિયાઓ વગર આવા સોદા કરવા સરળ નથી. એવું સુરક્ષા નિષ્ણાત રાહુલ બેદીનું માનવું છે.
તેઓ કહે છે, "વચેટીયાઓને આવા સોદાઓમાંથી કાઢી શકાતા નથી. તેઓ ખૂબ અગત્યના હોય છે."
"હિન્દુસ્તાનની સરકારે વચેટિયાઓને રેગ્યુલર કરવા માટે સ્કીમ બહાર પાડી હતી."
"વાજપેયી સરકારના સમયમાં અને જ્યારે પર્રિકર રક્ષા મંત્રી હતા ત્યારે પણ વચેટિયાઓને કાયમી કરવાની પહેલ કરવામાં આવી હતી."
"જોકે, નિયમો એટલા કડક હતા કે કોઈ પણ વ્યક્તિએ નોંધણી કરાવી નહીં."

અસલ ફાયદો કોને થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
સુરક્ષા સોદાઓમાં વચેટિયાઓના સામેલ થવા અને એ મુદ્દે ઉપસ્થિત થનારા વિવાદોને કારણે લગભગ દરેક વખતે સેનાને હથિયાર અથવા જરૂરિયાતનો બીજો સામાન મળવામાં મોડું થયું છે.
સવાલ એ છે કે જે વચેટિયાઓને કારણે સોદા વિવાદોમાં ફસાય છે, તેમને મળે શું છે?
હકીકતમાં, વચેટિયાઓને સોદાના આધારે કેટલોક હિસ્સો મળે છે.
વિદેશોમાં આ ઍક્સ્પર્ટ અથવા કન્સલ્ટન્સી સર્વિસના નામ ઉપર બિઝનેસ ચલાવે છે પરંતુ કામ મિડલમેનનું કરે છે.
તેઓ સોદાઓ વિશે જણાવે છે અને કંપનીઓ પણ એજન્ટ રાખે છે.
કેટલાક સોદાઓમાં તેમને એકથી બે ટકા હિસ્સો મળે છે તો કેટલાંકમાં ચારથી સાત ટકા હિસ્સો મળે છે.
રાહુલ બેદી જણાવે છે, "એજન્સીના કમિશન વગર સોદા સંભવ નથી."
"રશિયા સાથે થનારી ડીલ જી ટૂ જી હોય છે, અમે તેમની સાથે ડીલ કરીએ છીએ, તેઓ ઑરિજીનલ મૅન્યુફેક્ચરર સાથે ડીલ કરે છે."
"તેમની જે એજન્સી છે તે 12થી 14 ટકાનું માર્જિંન લઈને ચાલે છે."
"એટલે કે 100 રૂપિયાની ડીલ 114 રૂપિયામાં થાય છે અને પછીથી એ નફો પરસ્પર વહેંચાઈ જાય છે."
અશોક મહેતાનું માનવું છે કે બોફોર્સના પહેલા વચેટિયા ક્યારેય ખુલીને સામે નથી આવ્યા પરંતુ ત્યારની સરકારોની પાસે ચૂંટણીઓ માટે પૈસા ક્યાંથી આવતા હતા?
તેઓ કહે છે, "આ વણ-લખેલી વાત છે પરંતુ એ જમાનામાં પૈસા આવી રીતે જ આવતા હતા."
"અત્યારના સમયમાં બિઝનેસમેન પાર્ટીઓને ફાળો આપે છે પરંતુ પહેલાં આવા જ તમામ સોદાઓમાંથી પૈસા આવતા હતા."


કોઈ નેતાનું નામ કેમ નથી આવતું?

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં જ અગસ્તા વેસ્ટલૅન્ડ સોદામાં કથિત મિડલમેનની ભૂમિકા ભજવનારા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યા.
યૂપીએ સરકારમાં થયેલા આ સોદામાં ગોટાળાના આરોપ મુકાયા છે.
આ કિસ્સામાં સેનાના અધિકારી પણ ફસાયા છે. જોકે, મિશેલે હજુ સુધી કોઈ ખાસ જાણકારી આપી નથી.
આ સોદાઓમાં કોઈ નેતાને સજા નહીં થવાના સવાલ ઉપર ભૂતપૂર્વ મેજર જનરલ અશોક મહેતા કહે છે, "સરકારોએ શીખ લીધી છે. આ સોદામાં જે પૈસાની લેણ-દેણ થાય છે તે મની ટ્રેલ ના ખુલવી જોઈએ."
"બોફોર્સમાં પણ આ જ થયું. અગસ્તા સોદામાં પણ આ જ થયું. કોઈ મની ટ્રેલ નથી."
"ભલે સરકાર મિશેલને લઈ આવી હોય અને તેમના નિવેદનના આધારે દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહી હોય પરંતુ સાડા ચાર વર્ષમાં તે મની ટ્રેલ સાબિત કરી શકી નથી."
આ સવાલ ઉપર રાહુલ બેદી જણાવે છે, "બરાક મિસાઇલ ડીલ પણ વિવાદોમાં રહી. એમાં પણ વચેટિયાઓને પૈસા આપવાની વાત બહાર આવી."
"એમાં એડમિરલ સુશીલ કુમારનું નામ પણ બહાર આવ્યું પરંતુ તે કેસ પણ બંધ થઈ ગયો."
"સીબીઆઈની પાસે એટલી કાબેલિયત નથી કે તે આવા કેસોનો નિકાલ લાવી શકે. હવે આપણે બરાક મિસાઈલ લઈ રહ્યા છીએ, એ સોદો આગળ વધી રહ્યો છે."

ક્યારથી સક્રિય છે આ વચેટિયાઓ?

ઇમેજ સ્રોત, Getty Images
પહેલી વાર બોફોર્સ કૌભાંડમાં વચેટિયાઓના સામેલ હોવાની વાત ખુલીને બહાર આવી.
આ કેસ સ્વીડિશ હથિયાર કંપની એ બી બોફોર્સની તરફથી ભારતીય સેનાઓને 410 તોપોના વેચાણ સાથે જોડાયેલો છે.
જેમાં 64 કરોડ રૂપિયાની લાંચ અપાયાનો આરોપ મુકાયો હતો.
આ કિસ્સામાં ઇટાલિયન વેપારી ઓત્તાવિયો ક્વાત્રોચી ઉપર આરોપ હતો કે તેઓ બોફોર્સ તોપની ખરીદીમાં આપવામાં આવેલી 64 કરોડ રૂપિયાની કથિત દલાલીના કેસમાં સામેલ હતાં.
તેમણે તોપો ખરીદવાના બદલામાં ઘણા ભારતીય રાજનેતાઓને લાંચ આપી હતી.
સુરક્ષા નિષ્ણાત રાહુલ બેદીનું માનવું છે કે આ સોદાઓમાં વચેટિયા 60-70 વર્ષોથી સક્રિય છે.
એમના વગર સોદા નથી થઈ શકતા. એ નક્કી છે. પહેલાં તેમને મળનારી રકમ ફિક્સ રહેતી હતી અને દર મહિને એટલા પૈસા તેમને આપવામાં આવતા હતા.
બેદી કહે છે, "બોફોર્સ ડીલ સુરક્ષા સોદાઓમાં કૌભાંડોનો ટર્નીંગ પોઇન્ટ હતો. બોફોર્સમાં લગભગ 400 તોપો ખરીદી હતી."
"86-87માં આ બાબતે ખુબ ઉહાપોહ મચ્યો અને રાજીવ ગાંધી આ જ કારણસર ચૂંટણી હારી ગયા પરંતુ આમાંથી પાઠ ભણીને કૉંગ્રેસ પાર્ટીએ દરેક ડીલમાં ઇન્ટેગ્રીટી પેક્ટ સામેલ કર્યો."
"જેમાં કહેવામાં આવ્યું કે જો જાણમાં આવશે કે કંપનીએ કોઈ એવા વ્યક્તિ અથવા એજન્સીને હાયર કર્યા છે તો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પણ રદ્દ કરવામાં આવી શકે છે અને કંપની ઉપર દંડ પણ ફટકારવામાં આવી શકે છે."
"આ કંપનીની મજબૂરી છે પરંતુ એનડીએની સરકારોએ વચેટીયાઓને રેગ્યુલર કરવા માટે પણ પગલાં લીધાં."


સેનાના અધિકારીઓની શું ભૂમિકા છે?

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
સરકાર એ જ વસ્તુઓ માટે કંપનીઓ અથવા અન્ય દેશો સાથે સોદા કરે છે જે સેના, ઍરફોર્સ અને નેવી તેને જણાવે છે.
હથિયાર, યુદ્ધ વિમાન અને સબમરીનની ડીલ પણ સેનાની જરૂરિયાતોના આધારે નક્કી થાય છે. એટલે કે પ્રોડક્ટ કેવી હોય, એની ખાસિયત શું હોય.
જેમ અગસ્ટા વેસ્ટલૅન્ડ ડીલની વાત કરીએ તો તમને કેવું હેલિકૉપ્ટર જોઈએ, કેવાં ફીચર્સ હશે, કેટલી ઊંચાઈએ ઉડી શકે છે, એ તમામ ફીચર્સ નક્કી કરવામાં આવે છે.
આવું જ અન્ય સોદાઓમાં પણ સેના, ઍરફોર્સ, અને નેવીના અધિકારી ટેકનિકલ ટ્રાયલમાં સામેલ થાય છે, ફંક્શન નક્કી થાય છે.
અશોક મહેતા કહે છે, "સેનાના અધિકારી ટ્રાયલ અને ફંક્શનિંગ નક્કી કરવા સુધી તો હોય છે પરંતુ કોન્ટ્રાક્ટનો વારો આવે ત્યારે તો એ નેતા દેખાય છે."
"આ સ્થિતિમાં તેમની પાસે નાનકડી રકમ તો આવે છે પરંતુ મોટી રકમ નેતાઓની પાસે જાય છે. કોન્ટ્રાક્ટ સ્તરની વાત સેક્રેટરી નક્કી કરે છે."
આ વિષયમાં સુશાંત સિંહ કહે છે, "ટોપ આર્મી ઑફિશિયલ હોય કે બ્યૂરોક્રસી હોય, તે સિસ્ટમથી કામ કરે છે."
"કોઈ એકના કહેવાથી કંઈ નથી થતું, આખી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ડીલ થાય છે."
"ઘણીવાર વસ્તુ સારી હોય છે પરંતુ વિવાદ પેદા થઈ જાય છે. જેમ બોફોર્સ છે, વિવાદ જરૂર થયો પરંતુ એ જ બોફોર્સના દમ ઉપર આપણે કારગીલ જીત્યા."
તેઓ કહે છે, અત્યારે રફાલનો મુદ્દો તેજ થયો છે. પરંતુ રફાલ ડીલ કોઈ વચેટિયાને કારણે ચર્ચામાં નથી આવી.
આમાં તો સરકાર ઉપર એક કંપનીને લાભ પહોંચાડવાનો આરોપ છે.

વચેટિયાઓને કોણ મેનેજ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા સુરક્ષા નિષ્ણાતો માને છે કે દરેક સોદામાં વચેટિયાઓની ભૂમિકા હોય છે.
પરંતુ આ વચેટિયા કામ કેવી રીતે કરે છે અને તેમને કોણ મેનેજ કરે છે?
આ સવાલના જવાબમાં રાહુલ બેદી કહે છે, "દલાલ કોઈના નથી હોતા. તેઓ ઘણાં કામ કરે છે."
"તેઓ સંસદમાં સવાલ ઉઠાવવા માટે સાંસદોને પૈસા પણ આપે છે, ઉહાપોહ કરાવે છે, તેમનું જૂથ બનેલું છે જે આખી માફિયા નેક્સસ જેવું છે, જે ઑપરેટ કરે છે."
"આમાં નેતાથી માંડીને અફસર અને સર્વિંગ અધિકારી, રિટાયર્ડ અધિકારી સહુ સામેલ છે. આ એવા માફિયા છે જેને તોડવાનું બહુ મુશ્કેલ છે."
આ કિસ્સામાં નોંધવા લાયક વાત એ છે કે સુરક્ષા સોદાઓમાં ફક્ત સેનાના વર્તમાન અધિકારી જ નહીં ભૂતપૂર્વ અધિકારી પણ ક્યાંક ને ક્યાંક સામેલ હોય છે.
પરંતુ મિડલમેન વિના આ પ્રોસેસ સંભવ નથી. કંપનીઓ સાથે થનારી ડીલમાં આ હોવું જરૂરી છે, બીજી વાત એ છે કે બહારના દેશોમાં મિડલમેન રાખવા ખરાબ વાત નથી.


વિવાદથી બચવાની રીત કઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
વારંવાર સુરક્ષા સોદાઓના વિવાદોમાં આવવાથી અને સેનાની પાસે આધુનિક હથિયારોનો અભાવ મોટી ચિંતાનો વિષય છે.
યૂપીએ સરકારના કાર્યકાળમાં જ્યારે જનરલ વી. કે. સિંહ સેના પ્રમુખ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો ભારત ઉપર હુમલો થાય તો સેનાની પાસે ફક્ત ત્રણથી ચાર દિવસના યુદ્ધ માટે હથિયાર છે.
પરંતુ ગત લગભગ પાંચ વર્ષમાં પણ આમાં કોઈ વધારો થયો નથી.
સુશાંત સિંહ કહે છે, "ડિફેન્સ ડીલ બહુ જ મોટી હોય છે. જેમ કે 60 હજાર કરોડની ડીલ છે, એટલી મોટી રકમ સામેલ હોય છે તો હંમેશાં શકની હદ પણ વધે છે."
"અલગ-અલગ રીતના લોકો સામેલ થાય છે. સરકારોએ જૂની ભૂલોમાંથી શીખ લીધી અને કાયદા બદલવામાં આવ્યા છે."
"પ્રક્રિયાઓ બદલાઈ ગઈ છે પરંતુ પ્રક્રિયાને એટલી પણ કડક ના બનાવવી કે તમે સામાન જ ખરીદી ના શકો."
"પ્રક્રિયા એવી હોય કે ઓછા સમયમાં સારી ડીલ લઈને સેનાને અપાય."
આ સાથે જ તેઓ એમ પણ પાને છે કે સુરક્ષા સોદાઓને જો વિવાદો અને કૌભાંડોથી બચાવવા હોય તો ભારતને પોતાનાં વધુમાં વધુ હથિયાર દેશમાં જ બનાવવાં પડશે.
તેઓ કહે છે, "આને અટકાવવાનો ઉપાય એ જ છે કે દેશની અંદર સામાન બનાવવાનો શરૂ કરવામાં આવે. તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે તેજસ બનાવવામાં કોઈ કરપ્શન થયું છે."

શું સેના નબળી પડી રહી છે?
સુરક્ષા સોદાઓમાં કૌભાંડો અને ઘણાં વર્ષો સુધી તેમની માંગણી પૂરી નહીં થવાના પોતાનાં નુકસાન છે.
શું સોદામાં મોડું થવાથી સેના નબળી પડી રહી છે, આ સવાલના જવાબમાં અશોક મહેતા કહે છે, "આર્મ્ડ ફોર્સીઝને 30 વર્ષ સુધી જો નવી ગન નહીં મળે તો શું કરશે."
"એ. કે. એન્ટની રક્ષામંત્રી હતા ત્યારે એટલી નુક્તાચીની કરતા હતા, એટલી સ્ક્રુટિની હતી કે કોઈ કંપની ડીલ માટે ટકી જ નહોતી શકતી."
"તમે કંપનીઓને બ્લેકલિસ્ટ કરી દો છો તો પછી સિંગલ વેન્ડર પરિસ્થિતિમાં આવી જાઓ છો. કોઈ તો હરીફ હોવા જોઈએ."
તેઓ કહે છે, "સેનાની તૈયારી અને ઈમાનદારીની વચ્ચે સંતુલન કરવું એ કોઈ મેજિક ફોર્મ્યુલા નથી, એ સંપૂર્ણપણે પોલીટીકલ બેલેન્સ ઉપર નિર્ભર કરે છે."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














