મુલાયમસિંહ યાદવ : એ ગેસ્ટહાઉસકાંડ, જેણે માયાવતી-મુલાયમને દુશ્મન બનાવી દીધાં

માયાવતી અને મુલાયમસિંહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images / PTI

    • લેેખક, ભરત શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે.

ત્યારે વાંચો 2019ની ચૂંટણીમાં જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શનિવારે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ગઠબંધનનું એલાન હતું. ત્યારે બસપા સુપ્રિમો માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે આ ગઠબંધન માત્ર 2019ની ચૂંટણીઓ માટે નથી તે લાંબુ ચાલશે અને સ્થિર છે.

બંને દળોએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં યૂપીની 38-38 બેઠકો પર ચૂંટણી લડશે. પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા માયાવતી ગેસ્ટહાઉસકાંડનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યાં ન હતાં.

માયાવતીએ કહ્યું, "1993 વિધાનસભા ચૂંટણીમાં પણ બંને દળો વચ્ચે ગઠબંધન થયું હતું અને ત્યારે સપા-બસપાએ સરકાર બનાવી હતી."

"જોકે, આ ગઠબંધન કેટલાંક ગંભીર કારણોને લીધે લાંબું ચાલી શક્યું ન હતું."

"દેશહિત અને જનહિતને 1995માં બનેલા ગેસ્ટહાઉસકાંડથી ઉપર રાખતાં રાજકીય તાલમેલ સાધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."

line

કડવાશનું કારણ

માયાવતીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હવે સવાલ એ છે કે લખનૌના ગેસ્ટહાઉસમાં એવું શું થયું હતું કે બંને પાર્ટીઓની દોસ્તી અચાનક દુશ્મનીમાં બદલી ગઈ હતી?

તેને સમજવા માટે લગભગ 23 વરસ પહેલાંના એ સમયને ફરી યાદ કરવો પડશે.

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં 1995નું વર્ષ અને ગેસ્ટહાઉસકાંડ બંને ખૂબ જ મહત્ત્વનાં છે.

એ દિવસે એવું કંઈક થયું તેણે માયાવતી અને મુલાયમ વચ્ચે એવી ખાઈ ખોદી હતી, જે વરસો સુધી ભરી શકાઈ ન હતી.

વાસ્તવમાં, 1992માં મુલાયમ સિંહ યાદવે સમાજવાદી પાર્ટી બનાવી અને તેના આગળનાં વર્ષે ભાજપને શાસનમાં આવતા રોકવા માટે રાજકીય ભાગીદારી રૂપે બહુજન સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યો હતો.

શું છે ગેસ્ટહાઉસકાંડ?

ગેસ્ટ હાઉસની તસવીર

ઇમેજ સ્રોત, Mahendi Hassan

સપા અને બસપાએ 256 અને 164 બેઠકો પર મળીને ચૂંટણી લડી.

સપા 109 બેઠકો અને બસપા માત્ર 67 બેઠકો જીતી શકી હતી. જોકે, બંનેનીએ મિત્રતા લાંબો સમય ચાલી શકી નહીં.

1995ની ગરમી બંને પક્ષો માટે સંબંધો ખતમ કરવાનો સમય લઈને આવી હતી, જેમાં મુખ્ય રોલમાં ગેસ્ટહાઉસકાંડનો છે.

એ દિવસે જે ઘટના બની તેનાથી બસપાએ સરકારમાંથી સમર્થન પરત ખેંચી લીધું અને મુલાયમસિંહની સરકાર લઘુમતીમાં આવી ગઈ.

ભાજપ માયાવતી માટે સહારો બનીને આવ્યો અને કેટલાક દિવસોમાં તત્કાલીન રાજ્યપાલ મોતીલાલ વોરાને એ ચિઠ્ઠી સોંપવામાં આવી કે જો બસપા સરકાર બનાવવાનો દાવો રજૂ કરે તો ભાજપ તેના સમર્થનમાં છે.

વરિષ્ઠ પત્રકાર અને એ દિવસે ગેસ્ટહાઉસમાં હાજર રહેલા શરત પ્રધાને બીબીસીને જણાવ્યું કે એ સમય હતો જ્યારે મુલાયમ યાદવની સરકાર હતી અને બસપાએ સમર્થન કર્યું હતું.

જોકે, તે સરકારમાં સામેલ થઈ ન હતી.

વર્ષ સુધી ગઠબંધન ચાલ્યું અને બાદમાં માયાવતીના ભાજપ સાથેના તાલમેલના સમાચાર આવ્યા જેનો ખુલાસો આગળ જઈને થયો હતો.

થોડા જ સમયમાં માયાવતીએ પોતાનો નિર્ણય સમાજવાદી પાર્ટીને જણાવી દીધો હતો.

line

ગેસ્ટહાઉસમાં ચાલી રહી હતી બસપાની બેઠક

માયાવતી તથા કાશીરામની તસવીર

ઇમેજ સ્રોત, COURTESY BADRINARAYAN

ઇમેજ કૅપ્શન, માયાવતી અને કાશીરામે મળીને બસપવાની સ્થાપના કરી

શરત પ્રધાને કહ્યું, "આ નિર્ણય બાદ માયાવતીએ ગેસ્ટહાઉસમાં પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી."

"સપાના લોકોને કોઈ રીતે આ બેઠકની જાણકારી મળી ગઈ કે બસપા અને ભાજપની સાંઠગાંઠ થઈ ગઈ છે અને બસપા હવે સરકાર સાથે છેડો ફાડશે."

પ્રધાને કહ્યું, "જાણકારી મળ્યા બાદ મોટી સંખ્યામાં સપાના લોકો ગેસ્ટહાઉસની બહાર એકઠા થવા લાગ્યા."

"થોડી જ વારમાં ગેસ્ટહાઉસની અંદરના રૂમમાં જ્યાં બેઠક ચાલી રહી હતી, ત્યાં હાજર બસપાના લોકોને મારવાની શરૂઆત કરી દેવામાં આવી, આ અમે અમારી આંખોથી જોયું છે."

"ત્યારે માયાવતી જલ્દીથી જઈને એક રૂમમાં સંતાઈ ગયાં અને અંદરથી તેને બંધ કરી દીધો. તેમની સાથે અન્ય બે લોકો પણ હતા."

"જેમાંના એક સિકંદર રિઝવી હતા. એ જમાનો પેજરનો હતો. રિઝવીએ મને જણાવ્યું હતું કે પેજર પર મને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ સંજોગોમાં દરવાજો ખોલવો નહીં."

"દરવાજો તોડવાની કોશિશ કરવામાં આવી રહી હતી અને બસપાના અનેક લોકોને માર મારવામાં આવ્યો હતો. તેમાંથી કેટલાક લોહીલોહાણ થયા અને કેટલાક ભાગવામાં સફળ રહ્યા."

પ્રધાનના જણાવ્યા પ્રમાણે, બસપાના નેતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ફોન કરીને બોલાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ત્યારે કોઈએ ફોન ઉઠાવ્યો નહીં.

line

જ્યારે માયાવતી રૂમમાં સંતાયાં

માયાવતીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રધાનને જણાવ્યું, "આ વચ્ચે માયાવતી જે રૂમમાં સંતાયાં હતાં, સપાના લોકો તેને ખોલવાની કોશિશ કરતા હતા અને બચવા માટે અંદર રહેલા લોકો દરવાજાની આડે સોફા અને ટેબલને મૂકી દીધાં હતાં."

"જેથી નકૂચો તૂટ્યા બાદ પણ દરવાજો ખૂલી શકે નહીં."

વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી ઉત્તર પ્રદેશમાં ખેલવામાં આવેલા આ રાજકીય ડ્રામાના તાર દિલ્હી સાથે જોડે છે.

ત્રિપાઠીનું કહેવું છે કે વર્ષ 1992માં જ્યારે બાબરી મસ્જિદ તોડવામાં આવી તો મોટો ઝટકો લાગ્યો હતો.

ત્રિપાઠીએ કહ્યું, "તે બાદ સપા-બસપાએ ભાજપને રોકવા માટે હાથ મિલાવ્યા હતા અને પોતાની પહેલી ભાગીદારી સાથેની સરકાર બનાવી હતી. જેમાં મુલાયમસિંહ મુખ્ય મંત્રી બન્યા હતા."

"એ વખતે દિલ્હીમાં નરસિંહા રાવની સરકાર હતી અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી હતા."

"દિલ્હીમાં એ વાતની ચિંતા થવા લાગી હતી કે લખનૌમાં ભાગીદારી ટકી ગઈ તો આગળ જઈને ખૂબ મુશ્કેલીઓ ઊભી થશે."

"આ માટે ભાજપ દ્વારા બસપાને રજૂઆત કરવામાં આવી હતી કે સપા સાથે સંબંધ તોડી લઈને ભાજપને સમર્થનથી તેમના મુખ્ય મંત્રી બનાવવાનો મોકો મળી શકે છે."

"મુલાયમને આ વાતનું અનુમાન થઈ ગયું હતું અને તેઓ ઇચ્છતા હતા કે તેમને સદનમાં બહુમત સાબિત કરવાનો મોકો આપવામાં આવે. જોકે, રાજ્યપાલે આવું કર્યું નહીં."

line

માયાવતીને બચાવવા માટે કોણ આવ્યું?

કાશીરામની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, sANJAY SHARMA

ત્રિપાઠી કહે છે, ''આ ખેંચતાણ વચ્ચે પોતાની પાર્ટીના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે બસપાએ તમામને સ્ટેટ ગેસ્ટહાઉસમાં એકઠા કર્યા હતા. માયાવતી પણ ત્યાં જ હતાં.''

''આ જ સમયે સપાના લોકો નારેબાજી કરતા-કરતા ત્યાં પહોંચ્યા હતા.''

બસપાનો આરોપ છે કે સપાના લોકોએ ત્યારે માયાવતીને ધક્કો દીધો અને ફરિયાદ એવી લખાવી કે એ લોકો તેમને જાનથી મારી નાખવા માગતા હતા. આ કાંડને જ ગેસ્ટહાઉસકાંડ કહેવામાં આવે છે.

એવું પણ કહેવામાં આવે છે કે ભાજપના લોકો માયાવતીને બચાવવા ત્યાં પહોંચ્યા હતા.

જોકે, શરત પ્રધાનનું કહેવું છે કે આ દાવામાં કોઈ દમ નથી કે ભાજપના લોકો માયાવતી અને તેમના સાથીઓને બચાવવા માટે ત્યાં પહોંચ્યા હતા.

તેમણે કહ્યું, "માયાવતીના બચવાનું કારણ મીડિયા હતું. તે સમયે ગેસ્ટહાઉસની બહાર મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ હાજર હતા."

"સપાના લોકો મીડિયાને હટાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એવું થયું નહીં."

"એવા કેટલાક લોકો પણ સપા તરફથી મોકલવામાં આવ્યા હતા કે જે સમજાવીને માયાવતી પાસે દરવાજો ખોલાવી શકે, જોકે, તેમણે એવું કર્યું નહીં."

line

'હત્યા કરવા માગતા હતા'

બહુજન સમાજવાદી પાર્ટી

ઇમેજ સ્રોત, Getty Images

તેના આગલા દિવસે ભાજપના લોકો રાજ્યપાલ પાસે પહોંચી ગયા અને બસપાને સાથ આપીને સરકાર બનાવવાની રજૂઆત કરી.

ત્યારે કાંશીરામે માયાવતીને મુખ્ય મંત્રી પદ પર બેસાડ્યાં અને ત્યાંથી જ માયાવતીની રાજકીય કારકિર્દી સડસડાટ શરૂ થઈ ગઈ.

શું માયાવતીએ ક્યારેય ખુલીને કહ્યું કે એ દિવસે વાસ્તવમાં શું બન્યું હતું?

પ્રધાને કહ્યું, "જી હાં, મને આપેલા ઇન્ટરવ્યૂમાં અથવા પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે ખુદ કહ્યું કે તેમનું સ્પષ્ટ માનવું છે કે એ દિવસે તેમને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી."

"જેથી બસપાને ખત્મ કરી નાખવામાં આવે."

"માયાવતીને સપાથી એટલી નફરત એટલા માટે થઈ ગઈ કે તેમનું માનવું હતું કે ગેસ્ટહાઉસમાં એ દિવસે જે થયું તે તેમનો જીવ લેવાની કોશિશ હતી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન