મીરા રોડ: 'શું અમે ભારતીય નથી?' દુકાનો પર બુલડોઝર ફેરવાતાં નાગરિકોનો સવાલ

મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા

ઇમેજ સ્રોત, SHARDUL KADAM/BBC

ઇમેજ કૅપ્શન, અલીશા સૈયદ
    • લેેખક, દિપાલી જગતાપ
    • પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ અને મીરા રોડથી

મીરા રોડના નયાનગર વિસ્તારમાં ‘તે દિવસે’ ભયાનક શાંતિ હતી. રહેવાસીઓ તેમના ઘરની બહાર નીકળતા ડરતા હતા. વાલીઓ તેમનાં સંતાનોને શાળાએ મોકલતા ન હતા. ગૃહિણીઓ બજારમાં જવા તૈયાર ન હતી.

મીરા રોડ દેશની આર્થિક રાજધાની મુંબઈથી માત્ર 27 કિલોમીટર દૂર એટલે કે લગભગ દોઢ કલાકના અંતરે આવેલું છે. 2024ની 21 અને 22 જાન્યુઆરીએ મીરા રોડમાં તંગદિલી હતી

22 જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ નયાનગર વિસ્તાર નજીક બે ધાર્મિક સમુદાય વચ્ચે દલીલબાજી થઈ, ઝપાઝપી થઈ. તેના હિંસક પ્રત્યાઘાત પડ્યા હતા. આ કેસમાં પોલીસે દસ દખલપાત્ર અને આઠ બિન-દખલપાત્ર ગુના નોંધ્યા છે. અત્યાર સુધીમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પરિસ્થિતિ થાળે ન પડી ત્યાં 23 જાન્યુઆરીએ મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ નયાનગરમાં 15 અનધિકૃત દુકાનો બુલડોઝર વડે તોડી પાડી હતી.

એ પૈકીની ઘણી દુકાનો સંપૂર્ણપણે ધરાશયી કરવામાં આવી હતી, જ્યારે કેટલીક દુકાનોના વધારાના ભાગ તોડી પાડવામાં આવ્યા હતા.

‘શું અમે હિન્દુસ્તાની નથી?’

વીડિયો કૅપ્શન, Mumbai Mira Road : મીરા રોડ બાદ Mohammad Ali Road પર પણ ફર્યું બુલડોઝર, લોકોએ શું કહ્યું?

નયાનગરના હૈદર ચોકમાં અમે પહોંચ્યા ત્યારે સળંગ આઠ દુકાનોનો કાટમાળ રસ્તા પર પડ્યો હતો.

ગઈ કાલ સુધી ગ્રાહકોથી ભરચક માર્કેટ ગંદકી, ધૂળ અને કાટમાળ નીચે હતું. એક બાજુ ડુંગળી ભરેલી ટોપલીઓ પથરાયેલી હતી, જ્યારે બીજી તરફ ગૅરેજનો માલસામાન હતો. લાકડાનાં કબાટ, પંખા, પૈસાનો ગલ્લો બધું જ માટીની નીચે દટાયેલું હતું.

અહીં અમારી મુલાકાત મોહમ્મદ અબુલ હસન શેખ સાથે થઈ હતી. મહાપાલિકાની કામગીરીમાં તેમનું મોટર ગૅરેજ તોડી પાડવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, તેઓ આ જગ્યાએ 22 વર્ષથી ગૅરેજ ચલાવતા હતા અને દુકાન માટે વીજળીનું બિલ પણ ભરતા હતા.

બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “મારો હાથ પકડીને મને દુકાનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ગૅરેજ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. અમારી વાત સાંભળવામાં આવતી ન હતી. ગૅરેજ ગેરકાયદે છે અને કાર્યવાહી કરવામાં આવશે, એવી કોઈ સૂચના અમને આપવામાં આવી ન હતી. ગૅરેજ શા માટે તોડી પાડ્યું એ પણ ખબર નથી. હું 22 વર્ષથી આ ગૅરેજ ચલાવું છું. આટલાં વર્ષોમાં આવી કાર્યવાહી ક્યારેય કરવામાં આવી નથી.”

મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા

ઇમેજ સ્રોત, SHARDUL KADAM/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ગૅરેજમાં પાંચથી છ કર્મચારીઓ કામ કરતા હતા, એવું તેમણે જણાવ્યું હતું. આ પગલાની પરિવાર પર શું અસર થશે, એવો સવાલ પૂછ્યો ત્યારે તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. તેઓ રડવાનું રોકી શક્યા ન હતા. તેમના કહેવા મુજબ, આવી કાર્યવાહી કરવામાં આવશે તેની કલ્પના પણ ન હતી. વહીવટી તંત્રે આ કાર્યવાહી કરી તેના થોડા કલાક પહેલાંથી જ આ વિસ્તારમાં તંગદિલી હતી. તેથી કાર્યવાહી કરવામાં આવી એ પછી, બંને ઘટનાને એકમેકની સાથે સંબંધ હોવાની ચર્ચા શરૂ થઈ હતી.

એક સ્થાનિક દુકાનદારે કહ્યું હતું, “બોલાચાલી અને ઝઘડો અમારા વિસ્તારમાં થયો ન હતો. અમારામાંથી કોઈને તેની સાથે સંબંધ નથી, પણ અમને હજુ સુધી એ ખબર નથી કે અમારી દુકાનો શા માટે તોડી પાડવામાં આવી.”

દુકાનો તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી. તંગદિલીની પશ્ચાદભૂમાં સીઆરપીએફ, રેપિડ ઍક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ઠેકઠેકાણે મોટી સંખ્યામાં કરવામાં આવ્યો હતો.

આ દુકાનોથી થોડે દૂર આવેલી સ્કાર્ફ અને હિજાબની દુકાન પર અમે પહોંચ્યા હતા. એક ઊંચી ઇમારતમાં આવેલી દુકાનમાં અમારી મુલાકાત અલીશા સૈયદ નામની યુવતી સાથે થઈ હતી.

બિઝનેસમાં માસ્ટર્સની પદવી મેળવ્યા પછી અલીશાએ એક મોટી સંસ્થાની નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેમણે વિવિધ પ્રકારનાં સ્કાર્ફ અને હિજાબ વેચવા એક દુકાન શરૂ કરી હતી. સ્કાર્ફના રંગ ઝળકી ઊઠે એ રીતે દુકાનની બહાર લાઇટિંગ કરવામાં આવ્યું હતું.

મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા
ઇમેજ કૅપ્શન, મોહમ્મદ અબ્દુલ હસન શેખ

દુકાન બિલ્ડિંગની નીચે હોવાથી આખો દિવસ ઉપરથી કચરો પડતો રહે છે. આ કારણે પોતાનો માલ ખરાબ થતો હોવાથી અલીશાએ દુકાન પર છાપરું મુકાવ્યું હતું. છાપરું લગાવવામાં આવ્યું હોવાથી દુકાનનું નામ રસ્તા પરથી દેખાતું ન હતું. તેથી બહાર એક દરવાજો અને બોર્ડ બનાવ્યું હતું. મહાનગરપાલિકાએ દુકાનની બહારના વધારાના બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું હતું.

આ વિશે વાત કરતાં અલીશા સૈયદે કહ્યુ હતું, “આ પગલું લેવામાં આવ્યું તેના 24 કલાક પહેલાં હું સોશિયલ મીડિયા પર કૉમેન્ટ વાંચતી હતી. મીરા રોડમાં બુલડોઝર ચલાવવાનું જણાવતી હજારો કૉમેન્ટ કરવામાં આવી હતી. કશુંક થશે એવું લાગતું હતું, પરંતુ ખરેખર બુલડોઝર ચલાવવામાં આવશે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. અમારો વિચાર કરવામાં આવશે એવું લાગતું હતું.”

“સવાલ એ છે કે એ જ દિવસે કાર્યવાહી શા માટે કરવામાં આવી હતી? થોડા દિવસ પહેલાં કે થોડા દિવસ પછી કાર્યવાહી કરી શકાઈ હોત. અમે તો કશું કર્યું ન હતું. અમે હિન્દુસ્તાની નથી? અમને માઠું નહીં લાગે?,” એવો સવાલ અલીશાએ કર્યો હતો.

અલીશાના કહેવા મુજબ, આ કાર્યવાહીમાં તેની દુકાનને રૂ. 50,000નું નુકસાન થયું છે. અગાઉ આવું ક્યારેય ન થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અલીશાએ કહ્યુ હતું, “મને અહીંના લોકો અને પોલીસ તરફથી અગાઉ ક્યારેય કોઈ તકલીફ પડી નથી. મીરા રોડમાં આવું ક્યારેય બન્યું જ નથી. મારા 90 ટકા મિત્રો હિંદુ છે. તેઓ પણ આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આવું કેમ થયું તે સમજાયું નહીં. મારી દુકાનનો બહારનો ભાગ તોડી પાડવામાં આવ્યો. બોર્ડ તૂટી ગયું, પાર્ટિશન તૂટી ગયું. તેમનો હેતુ શું હતો, એ ખબર નથી.”

વ્યવસ્થાતંત્રનું શું કહેવું છે?

મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા

ઇમેજ સ્રોત, Alishya Sayyed

આ કાર્યવાહી બાબતે અમે મીરા-ભાયંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મારુતિ ગાયકવાડ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, “અમે અનધિકૃત દુકાનો સામે કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ ઍક્ટ મુજબ, રોડ કે ફૂટપાથ પર અનધિકૃત દુકાનો હોય તો તેને તોડી પાડવા માટે નોટિસ આપવી જરૂરી નથી. એ દુકાનો ડીપી રોડની ગટર ઉપર હતી. આવી કાર્યવાહી અમે રોજ કરીએ છીએ અને તેના ભાગરૂપે એ દુકાનો તોડી પાડવામાં આવી હતી. તેમાં કોણે, કેવો ઍન્ગલ લેવો એ તેમની મરજી છે.”

મહાપાલિકાની કાર્યવાહી પછી સાંજે આ વિસ્તાર નજીક કેટલાંક રાજકીય ભાષણો કરવામાં આવ્યાં હતાં. એ પછી સૅક્ટર ત્રણ પાસે કેટલાંક વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. એ હુમલામાં અબ્દુલ હક ચૌધરીના ટેમ્પોને નુકસાન થયું હતું. ટેમ્પોના ડ્રાઇવરને માર મારવામાં આવ્યો હોવાનું પણ અબ્દુલ હક ચૌધરીએ જણાવ્યું હતું.

બીબીસી મરાઠી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “અમે ભાયંદરથી પાછા ફરતા હતા ત્યારે ગાડી પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે અમે હિંદુ છીએ કે મુસ્લિમ. ટેમ્પો પર લખ્યું હતું એટલે હુમલો કરવામાં આવ્યો હતો. અમે દોડીને ભાગ્યા ન હોત તો તેમણે અમને માર્યા હોત, કારણ કે તેમના હાથમાં તલવારો હતી. તેઓ જય શ્રીરામના નારા પોકારતા હતા. માત્ર અમારા ટેમ્પો પર જ નહીં, આજુબાજુનાં અનેક વાહનો પર, રિક્ષા પર હુમલો કરવામાં આવ્યો હતો.”

આ તંગદિલીને કારણે નયાનગર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છે. નયાનગરની એક બિલ્ડિંગમાં રહેતાં નાઝિયા સૈયદને અમે મળ્યા હતા. તેમના કહેવા મુજબ, તેમનાં બે સંતાન છે અને તેમણે પાંચ-છ દિવસથી સંતાનોને શાળાએ મોકલ્યાં નથી.

તેમણે કહ્યું હતું, “અમારા પરિવારમાં લગ્ન છે. એ માટે અમારી ખરીદી કરવાની હતી, પરંતુ અમે માર્કેટમાં જઈ શક્યા નથી. બહાર એવું વાતાવરણ છે કે હજુ પણ ડર લાગે છે. ઘર માટે જરૂરી સામાન પણ અમે ઘણા દિવસ પછી ખરીદીએ છીએ.”

નાઝિયા 15 વર્ષ પહેલાં લગ્ન પછી અહીં રહેવા આવ્યાં હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આટલાં વર્ષોમાં અહીં આવું ક્યારેય બન્યું નથી કે ભયનું વાતાવરણ સર્જાયું નથી.

21 જાન્યુઆરીએ મીરા રોડમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રેલી બાદ બે જૂથો વચ્ચે ઝઘડો થયો હોવાનું બાદમાં બહાર આવ્યું હતું. આ બાબતે વાત કરતાં રેલીના આયોજક વિક્રમ પ્રતાપસિંહે કહ્યું હતું, “અમારી રેલીમાં તમામ જાતિ અને ધર્મના લોકોએ ભાગ લીધો હતો. તેમાં ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકો પણ હતા. મુસ્લિમ સમુદાયના લગભગ 500 લોકો સહિત અંદાજે 10,000 લોકોએ રેલીમાં ભાગ લીધો હતો. સાંજે પાંચ વાગ્યે રેલી પૂર્ણ થઈ હતી.”

તેમણે ઉમેર્યું હતું, “મીરા-ભાયંદરમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી. નયાનગર વિસ્તારના લોકો પણ અમને કાયમ સહકાર આપે છે. આ બહારના લોકોનું કામ છે. પોલીસે તેની તપાસ કરવી જોઈએ.”

‘નોટિસ આપ્યા વિના કાર્યવાહી કરવી અયોગ્ય’

મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા

ઇમેજ સ્રોત, bbc

મીરા રોડના મુસ્લિમ બહુમતી ધરાવતા હૈદર ચોકમાં બુલડોઝર ચલાવ્યાના એક દિવસ પછી 24 જાન્યુઆરીએ મુંબઈ મહાનગરપાલિકાએ દક્ષિણ મુંબઈના મોહમ્મદ અલી રોડ પર લગભગ 35 દુકાનો, ફેરિયાઓ અને સ્ટૉલ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

મુંબઈના અપમાર્કેટ વિસ્તાર મોહમ્મદ અલી રોડ પર મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો ખરીદી કરવા આવે છે. આ વિસ્તારમાં ખાણીપીણીની અનેક દુકાનો છે, જેને ખાઉ ગલી કહેવામાં આવે છે.

મુંબઈ મહાનગરપાલિકાની કાર્યવાહી પછી અમે તે વિસ્તારમાં ગયા ત્યારે માર્કેટમાં સામાન્ય કરતાં ઓછી ભીડ હતી. મુંબઈ મહાનગરપાલિકાએ જે દુકાનોમાં કાર્યવાહી કરી હતી તેમાં અમે ગયા હતા. તેમાં સુલેમાન મીઠાઈવાલાની દુકાનનો પણ સમાવેશ થાય છે.

આ દુકાન 1936થી મોહમ્મદ અલી સ્ટ્રીટ પર ચાલુ છે. અમે દુકાનના માલિક ચાંદ મોહમ્મદને મળ્યા હતા. મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા વિના કાર્યવાહી કરી તે ખોટું છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “દુકાનો બંધ હતી. વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે નોટિસ આપ્યા વિના કાર્યવાહી કરી હતી. નોટિસ આપી હોત તો અમે અમારો સામાન બચાવી લીધો હોત. મહાનગરપાલિકાના લોકો સમયાંતરે અહીં આવતા રહે છે. તેમને કોઈ સમસ્યા ન હતી. તેઓ તેમનું કામ કરે છે, પરંતુ આ વખતે નોટિસ આપ્યા વિના તેમણે કાર્યવાહી કરી હતી. આ વધારે પડતું છે. મને રૂ. બે લાખનું નુકસાન થયું છે.”

આ દુકાનની બાજુમાં આવેલી નુરાની મિલ્ક સેન્ટર નામની દુકાન 88 વર્ષથી ચાલે છે. મહાનગરપાલિકાએ દુકાનની બહાર રાખેલો સામાન અને દુકાનની છત તોડી પાડી હતી. દુકાનદાર હુસૈન નુરાની માને છે કે મીરા રોડમાં બનેલી ઘટનાના 24 કલાકમાં જ મોહમ્મદ અલી રોડ પર આ કાર્યવાહી કરવામાં આવી હોવાથી બંનેને એકમેકની સાથે સંબંધ છે.

તેમણે કહ્યું હતું, “મહાનગરપાલિકાના લોકો સવારે અચાનક આવ્યા હતા. ઘણી દુકાનો ખૂલી ન હતી. કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. દુકાનનુ છાપરું તોડી પાડ્યું હતું. અમારી મિઠાઈની દુકાન છે. તેની ગ્રાહકો પર અસર થઈ હતી. કેટલાક ચોક્કસ લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવી હતી. તેનું કારણ ખબર નથી. મીરા રોડની ઘટના પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી તેનો અર્થ એ થાય કે આ કાર્યવાહીને તેની સાથે સંબંધ છે. અહીં આટલાં વર્ષોમાં આવું ક્યારેય બન્યું નથી.”

કાયદો શું કહે છે?

મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા

ઇમેજ સ્રોત, SHARDUL KADAM/BBC

મહાનગરપાલિકાના એક અધિકારીએ તેમનું નામ જાહેર ન કરવાની શરતે આ કાર્યવાહી બાબતે અમારી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, “અમે ડીપ ક્લીન ડ્રાઇવ માટે તે વિસ્તારમાં ગયા હતા અને રસ્તા પરના ફેરિયા, સ્ટૉલ સામે કાર્યવાહી કરી હતી. દુકાનો કે બાંધકામ તોડવામાં આવ્યાં નથી. દુકાનોના છાપરા તોડવામાં આવ્યાં છે, કારણ કે પરવાનગી વિના લગાવવામાં આવ્યાં હતાં. તેનાથી વાહનવ્યવહારમાં અવરોધ સર્જાતો હતો. બીજા કારણસર કાર્યવાહી કરી હોત તો કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોત.”

તેમના કહેવા મુજબ, “અસ્થાયી છાપરું તોડવા કે ફૂટપાથ પરના સામાન માટે નોટિસ આપવાની જરૂર હોતી નથી. 33-35 ઠેકાણે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં મહાનગરપાલિકાની પરવાનગી વિના કામ કરવામાં આવ્યું છે તે અમારા રેકૉર્ડ પર નથી. તેથી અમે તેમને નોટિસ કેવી રીતે આપી શકીએ?”

તેમણે ઉમેર્યું હતું, “આ કાર્યવાહીને મીરા રોડની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. રેલવેના કામમાં નડતરરૂપ શિવમંદિર પણ અમે 18 જાન્યુઆરીએ તોડી પાડ્યું હતું. એ પછી નિયમાનુસાર કાર્યવાહી ચાલી રહી છે.”

સુધરાઈની હદમાં અનધિકૃત બાંધકામ કે ફેરિયા સામે મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓનું કહેવું છે કે રસ્તા, નાળા કે ફૂટપાથ પરના સામાન સામે કાર્યવાહી કરવા માટે નોટિસ આપવી જરૂરી નથી.

મ્યુનિસિપલ અધિકારીઓ ભલે આવું કહે, પરંતુ નોટિસ આપ્યા વિના ડિમોલિશન કરી શકાતું નથી, એવું વરિષ્ઠ નિવૃત્ત અધિકારી ગોવિંદ રાઘો ખેરનારે બીબીસી મરાઠીને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “ફૂટપાથ પરનાં રહેણાક અને કોમર્શિયલ બાંધકામને પણ નોટિસ દીધા વિના દૂર કરી શકાતાં નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નવીન સ્ટ્રક્ચર રસ્તા પર હોય તો જાહેર સ્થળે નોટિસ લગાવવી જોઈએ, પરંતુ જે સેટલ્ડ છે, બે-ચાર મહિના થઈ ગયા છે તેવા પ્રત્યેકને નોટિસ આપવી જરૂરી છે.”

તેમણે ઉમેર્યું હતું, “કાયદા મુજબ, સાત દિવસની મુદ્દતની નોટિસ આપવી પડે છે. એ પછી સાત દિવસનો સમય આપીને જવાબ અપેક્ષિત હોય છે. રાજકીય નેતાઓ કાર્યવાહી ન કરવાનું પણ કહેતા હોય છે. લાઇટ હોય કે ન હોય, અનધિકૃત બાંધકામ તોડી શકાય નહીં. લાઇટ દેવાનો અર્થ એ છે કે તેની એક પ્રકારે નોંધ કરવામાં આવી છે. પ્રોપર નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના કમિશનરને પણ તેમાં વિશેષાધિકાર નથી. નાતજાત, ધર્મને ધ્યાનમાં લીધા વિના કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે.”

વેપાર પર અસર

મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા

ઇમેજ સ્રોત, SHARDUL KADAM/BBC

ઇમેજ કૅપ્શન,

દુકાનદારોનું કહેવું છે કે આ કાર્યવાહી અને તેના વીડિયો વાઇરલ થવાને કારણે મીરા રોડ તથા મોહમ્મદ અલી રોડ બંને વિસ્તારના લોકોમાં ભય અને તણાવનું વાતાવરણ છે, જેની સીધી અસર બિઝનેસ પર પડી રહી છે.

દુકાનદારોના જણાવ્યા મુજબ, આ ઘટના અને વિવિધ ચર્ચાઓને કારણે છેલ્લા કેટલાક દિવસથી અહીં ગ્રાહકોની સંખ્યા ઘટી છે.

હુસૈન નુરાનીએ કહ્યું હતું, “બે-ત્રણ દિવસથી લોકો આ વિસ્તારમાં આવ્યા નથી. અહીં ફૂડ સ્ટ્રીટ છે. દક્ષિણ મુંબઈ અને ઉપનગરોમાંથી ગ્રાહકો અહીં આવે છે. ખરીદી માટે પણ ભીડ થાય છે, પરંતુ હવે ગ્રાહકો ઓછા થયા છે. તેની બિઝનેસ પર અસર થઈ રહી છે.”

મીરા રોડનાં અલીશા પણ કહે છે કે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું, “બહુ નુકસાન થયું છે. દુકાનમાં માલ લાવવા માટે મારે રૂ. 5,000ની જરૂર હતી. મેં વિચાર્યું હતું કે ગ્રાહકો આવશે અને કમાણી થશે પછી હું માલ ખરીદી લાવીશ, પણ એ જ દિવસે દુકાનનો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. હજુ પણ એટલા પૈસા એકઠા કરી શકાયા નથી, કારણ કે ગ્રાહકો ઘરની બહાર ન નીકળતા હોય તેવું લાગે છે. થોડા દિવસ પછી પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જશે.”

‘બંને સમુદાયના લોકોએ સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ’

મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા

ઇમેજ સ્રોત, SHARDUL KADAM/BBC

ઇમેજ કૅપ્શન, મીરા ભાયંદર રોડ મુંબઈ હિંસા

મીરા રોડના નયાનગરમાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવ્યાના બીજા જ દિવસે મોહમ્મદ અલી રોડ પરની અનધિકૃત દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. માત્ર મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જ કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે, તેવો સવાલ વિરોધ પક્ષો અને સામાજિક કાર્યકરોએ ઉઠાવી રહ્યા છે.

સામાજિક કાર્યકર ફિરોઝ મીઠીબોરવાલાએ કહ્યું હતું, “આવી કાર્યવાહી દ્વારા એવો સંદેશ આપવામાં આવે છે કે તમે જવાબ આપશો તો તમારી દુકાનો તોડી નાખીશું. ગરીબોની દુકાનો તોડવામાં આવી હતી. કામ કરીને રોજીરોટી કમાતા હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારની કાર્યવાહી થતી આપણે જોઈ છે. મહારાષ્ટ્રમાં પણ એવું કરવાના પ્રયત્ન થાય છે.”

મીઠીબોરવાલાએ ઉમેર્યું હતું, “આ પ્રકારની કાર્યવાહીથી મુસ્લિમ સમુદાય પર દબાણ વધે છે. તેથી હિંદુ સમાજ પણ ગભરાય છે અને મુસ્લિમ સમાજ પણ. બંને એકમેકથી ડરે છે. તેમાંથી નફરત જન્મે છે અને નફરતથી હિંસા થાય છે. તેનો એકમાત્ર ઉકેલ બંને સમુદાયના લોકોએ એકત્ર થવાનો છે.”

મીરા રોડમાં સામાજિક સ્તરે કામ કરતા સાદિક બાશા પણ આવું જ માને છે. મીરા રોડમાં અશાંતિ સર્જાઈ ત્યારે તેઓ એ જ વિસ્તારમાં હતા.

તેમણે કહ્યુ હતું, “રાજકીય ભાષણોથી વાતાવરણ બગડ્યું હતું. આ પૂર્વે ઉત્તરપ્રદેશમાં આપણે બુલડોઝર ચલાવવાની કાર્યવાહી જોઈ છે. એવી જ કાર્યવાહી અહીં કરવામાં આવી હતી. તેમાં સ્થાનિક રાજકારણ પણ છે. આગામી ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો એકમેક પર દોષારોપણ કરતા જોવા મળે છે.”

દરમિયાન, મીરા રોડમાં બનેલી ઘટના સંદર્ભે પોલીસ સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ વીડિયો દ્વારા પુરાવા એકત્રિત કરી રહી છે. આવા કોઈ વીડિયો કે મૅસેજ વાઇરલ ન કરવાની સલાહ પોલીસે આપી છે.

બુલડોઝર કાર્યવાહી ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી. તેમને ‘બુલડોઝર બાબા’ પણ કહેવામાં આવે છે. એ પછી શિવરાજસિંહ ચૌહાણ સરકારે મધ્યપ્રદેશમાં બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. તેને કારણે વિવાદ સર્જાયો હતો.

આવી ઘટનાઓમાં મોટાભાગે મુસલમાનો નિશાન બન્યા હતા અને બુલડોઝરને એક ધર્મ વિરુદ્ધની કાર્યવાહી કરવાનું સાધન માનવાનું શરૂ થયું હતું. દરમિયાન સરકાર કહેતી રહી છે કે આ કાર્યવાહી માત્ર અનધિકૃત બાંધકામો સામે જ કરવામાં આવે છે.