હરિયાણા હિંસા : એ 'મેવ મુસ્લિમો' જે વિભાજન વખતે બાપુનો આદેશ અનુસરી ભારતમાં જ રહી ગયા

નૂંહ જિલ્લો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

હરિયાણાના નૂહ જિલ્લામાં ગત 31 જુલાઈના રોજ ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં છે.

નૂહથી લઈને ગુરુગ્રામ સુધી હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યા છે.

હરિયાણા પોલીસે નૂહમાં થયેલી હિંસાના મામલામાં 45 એફઆઈઆર કરી છે પરંતુ તેમાં અત્યારે 139 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે ત્રણ તપાસ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.

પરંતુ આ હિંસા નૂહમાં કેમ થઈ? આ સવાલનો જવાબ આ ક્ષેત્રના ઇતિહાસ, ભૂગોળ અને ત્યાંની સામાજિક સંરચનામાં છુપાયેલો છે.

જ્યાં હિંસા થઈ એ નૂહ ક્યાં આવેલું છે?

નૂંહમાં ભડકેલી હિંસા

ઇમેજ સ્રોત, ANI

ભપકાદાર બહુમાળી ઇમારતોથી સૌની આંખો આંજી દેનાર ગુરુગ્રામથી માત્ર 50 કિલોમિટર જ દૂર આવેલા નૂહ જિલ્લામાં મુસલમાનોની વસ્તી 79 ટકાથી વધુ છે.

વર્ષ 2016માં નામ બદલાયા પહેલાં નૂહ એ મેવાતના નામે ઓળખાતું હતું.

અહીં રહેતા મુસલમાનોને ‘મેવ મુસલમાન’ તરીકે ઓળખવામાં આવે છે. તેને કારણે જ આ ક્ષેત્રને મેવાત કહેવામાં આવે છે.

આ ક્ષેત્રમાં આવતા મોટાભાગના વિસ્તારો પછાત છે. પીવાના પાણીથી લઈને શિક્ષણ અને સ્વાસ્થ્યનાં તમામ ધારાધોરણો પર આ ક્ષેત્રો ભારતના બીજા બધા જિલ્લાઓથી પાછળ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હરિયાણાના નૂહ(મેવાત) ની સામાજિક અને આર્થિક હાલત એટલી ખરાબ છે કે વર્ષ 2018માં આવેલ નીતિ આયોગના રિપૉર્ટમાં તેને દેશનો સૌથી પછાત જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.

હરિયાણાને દક્ષિણમાં રાજસ્થાન સાથે અને પૂર્વમાં ઉત્તરપ્રદેશ સાથે જોડતાં આ જિલ્લાની પ્રતિ વ્યક્તિ આવક ગુરુગ્રામની તુલનામાં દસ ટકા પણ નથી.

વર્ષ 2014માં આવેલ હરિયાણા સરકારના એક રિપૉર્ટ અનુસાર ગુરુગ્રામની પ્રતિ વ્યક્તિ આવક 3,16,512 રૂપિયા હતી જ્યારે નૂહની પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 27,791 રૂપિયા હતી. જોકે તે પછીના આંકડાઓ ઉપલબ્ધ નથી.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં નૂહ સાયબર અપરાધોનું એક નવું કેન્દ્ર બનીને ઊભર્યું છે.

એનસીઆરબી ડેટા અનુસાર વર્ષ 2021માં ત્યાં 52,974 કેસો દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 12 ટકા કેસો માત્ર નૂહના છે.

જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું છે કે તેમણે હાલમાં જ 28000 કેસો ઉકેલ્યા છે જેમાં 100 કરોડ રૂપિયાનો સાયબર ફ્રૉડ પણ સામેલ છે.

પરંતુ મેવાત માત્ર એક જિલ્લો જ નથી. તે એક સાંસ્કૃતિક અને ભૌગોલિક ક્ષેત્ર છે, જે હરિયાણાથી લઈને રાજસ્થાનનાં ભરતપુર અને ઉત્તરપ્રદેશનાં મથુરા જિલ્લા સુધી ફેલાયેલું છે.

આ વાત જ આ ક્ષેત્રને ગત સોમવારે થયેલી હિંસા સાથે જોડે છે.

બીબીસી ગુજરાતી

મેવાત: એ ક્ષેત્ર કે જ્યાંથી પસાર થાય છે વ્રજમંડળ યાત્રા

મેવાત

ઇમેજ સ્રોત, Getty Images

ગત રવિવારે વિશ્વ હિંદુ પરિષદના નેતૃત્વમાં નીકળેલી બ્રિજ મંડળ જળાભિષેક યાત્રા ગુરુગ્રામ થઈને મેવાતમાં પૂર્ણ થવાની હતી.

આ યાત્રામાં સામેલ લોકો ગુરુગ્રામથી નીકળે છે અને મેવાત ક્ષેત્રમાં સ્થિત નલ્હારેશ્વર મંદિર પહોંચે છે.

તે પછી યાત્રા આ મંદિરથી 45 કિલોમિટર દૂર આવેલા શૃંગાર ગામમાં પહોંચે છે, જ્યાંથી યાત્રામાં સામેલ લોકો શ્રંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને જળાભિષેકની પ્રક્રિયા પૂર્ણ કરે છે.

પરંતુ નલ્હારેશ્વર મંદિર પાસે હિંસા બાદ આ યાત્રા આગળ વધી શકી નથી.

લગભગ ત્રણ વર્ષ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં શરૂ થયેલી આ યાત્રાનો હેતુ આ વિસ્તારમાં આવેલા હિંદુ મંદિરો અને પવિત્રસ્થળોને સામે લાવવાનો છે જે મહાભારત સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.

વિશ્વ હિન્દુ પરિષદનો દાવો છે કે 20મી સદીની શરૂઆતમાં મેવાતમાં હિંદુઓ બહુમતીમાં હતા પરંતુ ધર્માંતરણને કારણે તે મુસ્લિમ બહુમતીવાળું થઈ ગયું છે અને અહીં હિંદુઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે.

વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લાં કેટલાંક વર્ષોથી એકધારા આ ક્ષેત્રમાં તેનો પ્રભાવ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે હિંસામાં સામેલ દોષીઓને છોડવામાં નહીં આવે.

બીજી તરફ હરિયાણાના ઉપમુખ્ય મંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું છે કે જે લોકોએ ધાર્મિક યાત્રા કાઢી હતી તેમણે અગાઉ જણાવ્યું ન હતું કે તેમાં કેટલા લોકો ભાગ લેશે. ચૌટાલાએ કહ્યું હતું કે યોગ્ય માહિતીના અભાવે સ્થિતિ બેકાબૂ બની હતી.

વરિષ્ઠ પત્રકાર રાધિકા રામશેષન કે જેઓ વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપની રાજનીતિ પર નજર રાખે છે તેઓ આ પ્રયાસોને ધ્રુવીકરણની રાજનીતિ સાથે જોડે છે.

તેઓ કહે છે કે, "હરિયાણામાં ભાજપની સ્થિતિ અત્યારે સારી નથી. આવી સ્થિતિમાં તેઓ ઈચ્છે છે કે કોઈપણ રીતે હિંદુ-મુસ્લિમ વચ્ચે ધ્રુવીકરણ થાય."

"ખેડૂત આંદોલન પછીથી હરિયાણામાં રાજકારણ જાતિના આધારે વહેંચાયેલું છે અને જ્યારે પણ ભાજપને લાગે છે કે ધર્મને બદલે જાતિના આધારે ધ્રુવીકરણ થઈ રહ્યું છે, ત્યારે તે તેને ધર્મના આધારે લાવવાનો પ્રયાસ કરે છે."

પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે મેવાતમાં મુસ્લિમોની વસ્તી 80 ટકા છે તો ભાજપ માટે અહીં કેટલી શક્યતાઓ છે.

આ પ્રશ્નનો જવાબ આપતાં રાધિકા રામાશેષન કહે છે, "મેવાતમાં મુસ્લિમોની વસ્તી 80 ટકા છે. પરંતુ જો તમે યુપીના રામપુરનું ઉદાહરણ જુઓ તો ત્યાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમો છે અને ભાજપે ત્યાં પણ વિશ્વ હિન્દુ પરિષદના બળે પોતાનું સ્થાન બનાવ્યું છે."

“ભાજપ નૂહમાં હિંસાના આધારે બાકીના હરિયાણામાં હિન્દુઓને આકર્ષવાનો પ્રયાસ કરશે. આ પ્રયાસ આગામી સામાન્ય ચૂંટણી સુધી ચાલશે."

"પરંતુ હરિયાણામાં તેમનો આ પ્લાન ક્યાં સુધી કામ કરશે, તે જોવાનું રહ્યું. કારણ કે એક વખત જ્ઞાતિ પર રાજનીતિ શરૂ થઈ જાય પછી તેને ધર્મના આધારે વિભાજિત કરવું થોડું મુશ્કેલ છે."

બીબીસી ગુજરાતી

મેવાતનું ગાંધી કનેક્શન

મેવાતમાં ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

મેવાતમાં રહેતા મુસ્લિમો મેવ મુસ્લિમો તરીકે ઓળખાય છે, જેમને મહાત્મા ગાંધીએ એક સમયે 'ભારતની કરોડરજ્જુ' તરીકે વર્ણવ્યા હતા.

મેવાતના આ ઈતિહાસ અને સામાજિક પૃષ્ઠભૂમિને સમજતા લેખક વિવેક શુક્લા માને છે કે મેવાતના મુસ્લિમો અનેક રીતે વિશેષ છે.

તેઓ કહે છે, "અહીં રહેતા મુસ્લિમો સોએક વર્ષ પહેલાં ધર્મપરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થયા હતા જેના કારણે અહીંનો મુસ્લિમ સમુદાય બાકીના ભારતમાં રહેતા મુસ્લિમ સમુદાયથી અલગ છે."

"આ સમુદાય હજુ પણ હિંદુ ધર્મ સાથે સંબંધિત તમામ માન્યતાઓને માને છે અને તેનું પાલન કરે છે."

"આમાં ગોત્ર જેવી બાબતો પણ મહત્ત્વની છે. હું ઘણા મુસ્લિમોને મળ્યો છું જેઓ ધર્માંતરણ પહેલાંની તેમની હિંદુ જાતિને યાદ કરે છે."

"એટલું જ નહીં, આ મુસ્લિમો પોતાને આહિર અને ભગવાન કૃષ્ણના વંશજ માને છે. આ વિસ્તારને વૃજ વિસ્તાર પણ કહેવામાં આવે છે."

તે સિવાય મેવાતનો ભારતની આઝાદી, ભાગલા અને મહાત્મા ગાંધી સાથે પણ ગાઢ સંબંધ છે.

બીબીસી ગુજરાતી

જ્યારે ગાંધીજીએ તેમને પાકિસ્તાન જતાં રોક્યા

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની આઝાદીની સાથે જ જ્યારે દેશ બે ભાગમાં વહેંચાયો ત્યારે દેશમાં ઘણી જગ્યાએ અચાનક રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

મેવાતમાં રહેતા મેવ મુસ્લિમો પણ રાજસ્થાનના ભરતપુરમાં આ રમખાણોનો શિકાર બન્યા હતા.

વિવેક શુક્લા સમજાવે છે કે, "રાજસ્થાનના ભરતપુરમાં થયેલા મોટા નરસંહારમાં કોઈ રીતે બચી ગયેલા મેવાતીઓના પ્રતિનિધિઓ મહાત્મા ગાંધી પાસે પહોંચ્યા."

"એ જમાનામાં એક નારો લગાવવામાં આવતો હતો – ‘કાં તો નરસંહાર અથવા પાકિસ્તાન’. અને તેનાથી બચવા માટે મેવાતી મુસ્લિમો ન માત્ર પાકિસ્તાન જવા માટે રાજી થયા પરંતુ ઘણા મુસ્લિમો તો સરહદ પર પણ પહોંચી ગયા હતા."

આ સમયે દિલ્હીના શાહદરા, દરિયાગંજ, બેગમપુર, કરોલ બાગ અને પહાડગંજમાં પણ રમખાણો ભડક્યાં હતાં. પરંતુ મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા હાઉસમાં જ હાજર હતા અને રમખાણો રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

વિવેક શુક્લા જણાવે છે, "20 સપ્ટેમ્બર, 1947ના રોજ પ્રાર્થનાસભા દરમિયાન, મેવ નેતા ચૌધરી યાસીન ખાને ગાંધીજીને કહ્યું કે મેવાતના હજારો મુસ્લિમો પાકિસ્તાન જવા માટે તૈયાર છે."

"આ સાંભળીને ગાંધીજી વિચલિત થઈ ગયા. તેમણે પોતે મેવાત જવાનું નક્કી કર્યું જેથી કરીને પાકિસ્તાન જવા માટે તૈયાર થયેલા મુસ્લિમોને સરહદ પાર કરતા અટકાવી શકાય."

યાસીન ખાન સાથેની આ મુલાકાતના થોડા અઠવાડિયા પછી ગાંધીજી મેવાતના ઘસેડા ગામમાં પહોંચ્યા.

ગાંધીજીની મેવાત મુલાકાતનું વર્ણન કરતાં વિવેક શુક્લા કહે છે, "ગાંધીજીને બિરલા હાઉસથી મેવાત પહોંચવામાં લગભગ બે-ત્રણ કલાક લાગ્યા હશે. ધૌલા કુઆન પછી લગભગ સારા રસ્તા નહોતા."

"રાજસ્થાનના અલવર અને ભરતપુરના સેંકડો મુસ્લિમો ઘસેડામાં આવેલા કેમ્પમાં રહેતા હતા."

તેઓ બધા જ પાકિસ્તાન જઈ રહ્યા હતા. ગાંધીજી ઘાસેડા પહોંચ્યા કે તરત જ તેમણે મેવ મુસ્લિમોને આદેશ આપતા સ્વરમાં કહ્યું કે, "તેમણે પાકિસ્તાન જવાની કોઈ જરૂર નથી. ભારત તેમનું છે અને તેઓ ભારતના છે. આ સાંભળીને ત્યાં હાજર મુસ્લિમોએ ઇસ્લામિક પાકિસ્તાન જવાનો ઈરાદો છોડી દીધો."

હરિયાણાના મેવાતનું ઘાસેડા ગામ એક ઉદાહરણ તરીકે આપણી સમક્ષ ઊભું છે.

ઘાસેડા ગામના સૌથી વૃદ્ધ સરદાર ખાને 2014 માં બીબીસી સંવાદદાતા સલમાન રાવીને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ મુસ્લિમોને સંબોધિત કર્યા તે દિવસે તેઓ રેલીમાં હાજર હતા.

ખાને કહ્યું હતું કે, "હું ત્યારે દસ વર્ષનો હતો અને મને તેમણે કહેલી દરેક વાત યાદ છે. તેમના આહ્વાન પછી અમે બધા અહીં જ રોકાઈ ગયા."

ખાને કહ્યું હતું કે, "કોઈપણ રીતે મેવાતના મુસ્લિમો ભાગલાના વિરોધમાં હતા. પરંતુ રમખાણો થઈ રહ્યાં હતાં, વાતાવરણ ખરાબ હતું. ચારેબાજુ ભય અને આશંકાનું વાતાવરણ હતું. પરંતુ અમારા વડવાઓએ અહીં રહેવાનું મન બનાવી લીધું હતું. આજે અમે ખુશ છીએ કે એમણે એ નિર્ણય લીધો."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી