ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને સુપ્રીમ કોર્ટમાંથી જામીન ન મળ્યા

ઉમર ખાલિદ સુપ્રીમ કોર્ટ ભારત યુએપીએ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે દિલ્હી હિંસા કેસમાં પાંચ આરોપીને જામીન આપી દીધા છે, જ્યારે ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામની જામીન અરજી નકારી કાઢી છે.

અદાલતે જેમને જામીન આપ્યા છે, તેમાં ગુલફિશા ફાતિમા, મીરાન હૈદર, શીફા-ઉર-રહમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાહદાબ અહમદનો સમાવેશ થાય છે. તેમના પર 12 શરતો લાદવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે અવલોક્યું હતું કે પ્રથમદર્શીય જોતા ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામની ભૂમિકા અન્ય લોકોની સરખામણીમાં અલગ હતી. તેમણે હુલ્લડની યોજના ઘડી તથા તેને વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

અદાલતે અવલોક્યું હતું કે આ આદેશના એક વર્ષ બાદ અથવા તો સંરક્ષિત સાહેદોનાં નિવેદનો નોંધાયાં બાદ બંને આરોપી ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.

અદાલતે અવલોક્યું હતું કે મુક્ત રીતે કેસ ચાલી શકે તે માટે તેમને જેલમાં બંધ રાખવા જરૂરી નથી. જોકે, અદાલતનો લેખિત આદેશ હજુ ઉપલબ્ધ નથી બન્યો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદકુમાર તથા જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચ આ કેસ પર સુનાવણી કરી હતી.

આરોપીઓ છે કે તેમણે વર્ષ 2019માં સીએએ (નાગરિકતા સંશોધન કાયદા) વિરુદ્ધ પ્રદર્શનોની આડમાં ફેબ્રુઆરી-2020માં દિલ્હીમાં કોમી હિંસા ફેલાવવાનું કાવતરું ઘડ્યું.

આરોપીઓની દલીલ હતી કે આ આરોપીઓ પાંચ વર્ષથી જેલમાં બંધ છે છતાં ટ્રાયલ શરૂ નથી થઈ. તેમનું કહેવું છે કે આ કેસમાં અનેક આરોપીઓને જામીન મળી ગયા છે, એટલે ઉપરોક્ત આરોપીઓને પણ જામીન આપી દેવા જોઈએ.

આ પહેલાં દિલ્હી હાઇકોર્ટે તમામ સાત આરોપીઓની જામીન અરજી નકારી કાઢી હતી.

વર્ષ 2023માં ઉમર ખાલિદની અરજી પર એક વાર પણ સુનાવણી થઈ ન હતી. જાન્યુઆરી-2024માં સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ કહ્યું હતું કે આ કેસને વધુ ટાળવામાં ન આવે.

ઉમર ખાલિદ પર આરોપો શું છે?

ઉમર ખાલિદ સુપ્રીમ કોર્ટ ભારત યુએપીએ

ઇમેજ સ્રોત, Getty Images

નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) સામે ડિસેમ્બર 2019માં વ્યાપક આંદોલન થયાં હતાં. આ સંશોધન પછી મુસ્લિમોને બાદ કરતાં હિન્દુ અને જૈનો જેવાં સમુદાયોને નાગરિકતા આપવાની વાત હતી. ઉમર ખાલિદ આ વિરોધપ્રદર્શનોમાં સામેલ હતા. આ દેખાવો લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યા હતા.

ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જેમાં 53 લોકોનાં મોત થયાં હતાં. તેમાંથી મોટા ભાગના મુસ્લિમો હતા. ફરિયાદ પક્ષનો આરોપ છે કે ઉમર ખાલિદે અન્ય લોકો સાથે પ્રદર્શન દરમિયાન હિંસા આચરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેના કારણે રમખાણો થયાં.

ઉમર ખાલિદ વિરુદ્ધ બે એફઆઇઆર નોંધવામાં આવી હતી. એફઆઇઆર નંબર 101/2020 નોર્થ ઇસ્ટ દિલ્હીમાં 24 ફેબ્રુઆરી 2020ના રોજ નોંધવામાં આવ્યો હતો. જેમાં ઉમર પર રમખાણો, પથ્થરમારો અને બૉમ્બ ધડાકા, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવી, પોલીસ પર હુમલો કરવો, સરકારી સંપત્તિને નુકસાન કરવું વગેરે આરોપ છે.

આ કેસમાં ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં એક મોટા કાવતરાને કારણે રમખાણો થયાં હતાં. આરોપીઓ પર સીએએ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો અને રસ્તા રોકવાનો પણ આરોપ છે.

તેમનું કહેવું છે કે એક સાક્ષીએ ઉમર ખાલિદની ઓળખ પણ કરી છે, જે અનુસાર તેઓ આ ષડ્યંત્રના આરોપીઓને મળી રહ્યા હતા.

ખાલિદના વકીલનું કહેવું છે કે પથ્થરમારાના સમયે તે ત્યાં હાજર ન હતો. તેમનો આરોપ છે કે ઉમર ખાલિદની ધરપકડ વિરોધના અવાજને દબાવવાનું રાજકીય કાવતરું છે.

ઉમર ખાલિદ હિંસા સમયે ત્યાં હાજર ન હતા અને હિંસામાં તેમની સંડોવણી સાબિત કરી શકાય એવા કોઈ પુરાવા તેની સામે ન હોવાની વાત ધ્યાનમાં રાખીને કોર્ટે તેને જામીન આપ્યા હતા.

જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે, "આ કેસમાં ઉમર ખાલિદને આ પ્રકારની અધૂરી માહિતીના આધારે જેલના સળિયા પાછળ રાખવાની મંજૂરી આપી શકાય નહીં." જોકે, કોર્ટે એમ પણ કહ્યું કે ઉમર ખાલિદ સામે પેન્ડિંગ બીજા કેસ મુદ્દે તે કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી.

એફઆઇઆર ક્રમાંક 59

ઉમર ખાલિદ સુપ્રીમ કોર્ટ ભારત યુએપીએ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રથમ કેસમાં જામીન મળ્યા બાદ પણ ઉમર ખાલિદ હજુ પણ જેલમાં છે, કારણ કે તેમના વિરુદ્ધ એક બીજી એફઆઇઆર નોંધાયેલી છે. એફઆઇઆર નં. 59/2020માં ઉમર ખાલિદ અને અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

તેમના વિરુદ્ધ અન્ય કલમો ઉપરાંત ઉગ્રવાદ, ષડ્યંત્ર રચવું, યુએપીએ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આઇપીસીની કલમો હેઠળ રમખાણ ફેલાવવાના આરોપો મૂકવામાં આવ્યા છે.

સરકારનું કહેવું છે કે ‘પિંજરા તોડ’ અને ‘સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ જેવાં સંગઠનોએ સીએએ વિરુદ્ધ આંદોલનનું કાવતરું રચ્યું. તેમાં “પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો, કોમી હિંસા, બિનમુસ્લિમો પર હુમલો અને સરકારી તથા ખાનગી સંપત્તિને નુકસાન કરવાના” આરોપો સામેલ છે.

સરકારે ઉમર ખાલિદને રમખાણોનો માસ્ટરમાઇન્ડ અને દૂરથી પર્યવેક્ષણ કરનાર ગણાવ્યા છે.

આ માટે સરકારે અનામી સાક્ષીઓનાં નિવેદનો, ઉમર ખાલિદ જે વૉટ્સઍપ ગ્રૂપોમાં જોડાયેલા હતા, તેમને કરવામાં આવેલા ફોન કૉલ અને વિરોધપ્રદર્શન માટે આયોજિત બેઠકોમાં તેમની હાજરીને આધાર બનાવ્યા છે.

જ્યારે દિલ્હીમાં રમખાણો થયાં તે સમયે ઉમર ખાલિદ દિલ્હીમાં હાજર ન હતા. તેમની દલીલ છે કે તેમણે લોકોની ઉશ્કેરણી કરતું કોઈ ભાષણ નથી આપ્યું અને કોઈ હિંસા શરૂ થાય તેવું કોઈ કૃત્ય નથી કર્યું. તેમનું કહેવું છે કે ફરિયાદી પક્ષના પુરાવા કોઈ પણ આરોપને સાબિત કરી શકે તેમ નથી. તેમના વકીલે એમ પણ કહ્યું છે કે ઉમર ખાલિદની માનસિક સ્થિતિનો અંદાજ તેમણે ઝારખંડમાં આદિવાસીઓના કલ્યાણના વિષય પર લખેલી પીએચ. ડી.ની થીસિસથી લગાવી શકાય છે.

અદાલતનો તર્ક શું છે?

ઉમર ખાલિદ સુપ્રીમ કોર્ટ ભારત યુએપીએ

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીની કડકડડૂમા ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટે ઉમર ખાલિદની જામીન અરજીને નકારી દીધી છે. બંને અદાલતોનું કહેવું છે કે ઉમર સામેના આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા છે. અન્ય તથ્યો સિવાય કોર્ટે આ તથ્યો પર ભરોસો કર્યો.

  • ઉમર ખાલિદ અનેક વૉટ્સઍપ ગ્રૂપના સભ્ય હતા, જેમાં રમખાણોના અન્ય ષડ્યંત્રકર્તાઓ પણ હતા, જેમણે રસ્તા બંધ કરવા માટેની ચર્ચા કરી હતી.
  • રમખાણો શરૂ થયા બાદ અન્ય આરોપીઓએ ઉમરને અનેક ફોન કર્યા હતા. જેના કારણે રમખાણોમાં તેમની સામેલગીરીનો સંકેત મળે છે.
  • અનેક સાક્ષીઓ કે જેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી, તેમણે પણ ઉમર સામે અનેક આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ખાલિદે રસ્તા રોકવાની પ્રવૃત્તિનું સમર્થન કર્યું હતું અને સરકારને ઉખાડી ફેંકવાની અપીલ કરતું ઉશ્કેરણીજનક ભાષણ પણ આપ્યું હતું.
  • ખાલિદે મહારાષ્ટ્રમાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની યાત્રાનો ઉલ્લેખ કરતું એક ભાષણ આપ્યું હતું. એક સાક્ષી અનુસાર તેમણે લોકોને રસ્તાઓ પર ઊતરવા કહ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે એવું પણ કહ્યું છે કે ઉમર ખાલિદે ક્રાંતિની અપીલ કરી હતી. જે સંદર્ભે તેમનું માનવું હતું કે તેની અસર એ લોકો પર પણ પડી શકે છે કે જેઓ ત્યાં હાજર ન હતા અને એ જરૂરી નથી કે એ વાત માની લેવામાં આવે કે આ ક્રાંતિ રક્તહીન જ હોય.

જામીન માટેનો કાયદો શું છે?

ઉમર ખાલિદ સુપ્રીમ કોર્ટ ભારત યુએપીએ

ઇમેજ સ્રોત, Getty Images

આરોપીને જામીન આપતી વખતે કોર્ટે ત્રણ પ્રાથમિક વસ્તુઓનો ખ્યાલ રાખવાનો હોય છે. પહેલી વાત એ છે કે આરોપી આગળની તપાસ અને કેસ માટે ઉપલબ્ધ હશે કે નહીં. શું એ ફરાર થઈ શકે તેમ છે કે નહીં અથવા તો એ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે કેમ, સાક્ષીઓને ડરાવી-ધમકાવી શકે છે કે કેમ?

યુએપીએના મામલામાં કોર્ટને એ આશ્વાસન આપવાનું હોય છે કે આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ આરોપ ખોટા છે. એટલા માટે સામાન્ય રીતે જામીન માટેના પહેલા ચરણમાં જે એક મિનિ ટ્રાયલ થઈ જાય છે. કોર્ટ એ જુએ છે કે પહેલી નજરે આરોપી દોષિત જણાઈ રહ્યો છે કે નહીં.

વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે કોર્ટ જામીન પર નિર્ણય કરતી વખતે પુરાવાઓની તપાસ કરી શકે નહીં. તેથી જો ફરિયાદ પક્ષ એ પુરાવા પર આધાર રાખતો હોય કે જે કોર્ટમાં અસ્વીકાર્ય હોય, તો જામીનના તબક્કે તેને ધ્યાનમાં લઈ શકાય નહીં. સુપ્રીમ કોર્ટના તે પછીના નિર્ણયોમાં તેને ઘટાડીને યુએપીએ હેઠળ જામીન આપ્યા છે, પરંતુ આ કાયદા હેઠળ જામીન મળવા ખૂબ જ મુશ્કેલ છે.

તેમ છતાં ઘણા કાયદાકીય નિષ્ણાતો દલીલ કરે છે કે ઉમર ખાલિદ વિરુદ્ધ પુરાવા અસ્પષ્ટ છે. તેથી કોર્ટે તેને જામીન આપવી જોઈતા હતા. તેઓ એવી પણ દલીલ કરે છે કે તેમની સામેના પુરાવા યુએપીએ કાયદો લાગુ કરવા પૂરતા નથી. તેઓ કહે છે કે માત્ર વૉટ્સઍપ ગ્રૂપનો સભ્ય હોવું એ ગુનો નથી અને રસ્તા બંધ કરવા એ રાજકીય પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાતા વિરોધનું કાયદેસર સ્વરૂપ છે.

તેમનું કહેવું છે કે કેટલાક સાક્ષીઓનાં નિવેદનો વિરોધાભાસી હતાં, જેમાં કહેવાયું હતું કે ઉમર ખાલિદે હિંસાની ઉશ્કેરણી માટે કોઈ ભાષણ આપ્યું ન હતું.

આ સિવાય ઘણા લોકો એવું પણ કહે છે કે હિંસા ફાટી નીકળી તે પહેલાં ભાજપના ઘણા નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં, પરંતુ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.

મામલાના કોર્ટમાં લિસ્ટિંગમાં પણ કોઈ ખામી છે?

ઉમર ખાલિદ સુપ્રીમ કોર્ટ ભારત યુએપીએ પ્રશાંત ભૂષણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉમર ખાલિદ મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ કરી રહેલા પ્રશાંત ભૂષણ

ઉમર ખાલિદને જામીન ન આપવા સિવાય તેમની અરજીનું કોર્ટમાં જે રીતે લિસ્ટિંગ થયું તેની પણ ટીકા થઈ હતી.

ઉમર ખાલિદની અરજી પહેલી વાર મે 2023માં સૂચિબદ્ધ કરાઈ હતી. તેના પર સરકારને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ આ મામલો સતત ટળી રહ્યો છે.

પહેલાં આ મામલે સુનાવણી એટલે ન થઈ કારણ કે દિલ્હી પોલીસ વધારે સમય માંગી રહી હતી. ત્યાર બાદ એક જજે પોતાને આ મામલાથી અલગ કરી લીધા હતા. આ સિવાય બંને પક્ષોના વકીલ પણ ઘણી વાર ઉપસ્થિત રહ્યા ન હતા, કારણ કે તેઓ અન્ય બંધારણીય મામલાની સુનાવણીમાં વ્યસ્ત હતા.

ઑક્ટોબરમાં ઉમર ખાલિદના વકીલે કહ્યું હતું કે તેમને એ સાબિત કરવામાં માત્ર 20 મિનિટ લાગશે કે ઉમર ખાલિદ સામે કોઈ કેસ બનતો જ નથી.

યુએપીએની બંધારણીય સ્થિતિને પડકારતી કેટલીક અરજીઓ સાથે ઉમર ખાલિદની જામીન અરજીની સુનાવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું.

તેના પર તેમના વકીલોએ કહ્યું કે આ અરજીની અલાયદી સુનાવણી થવી જઈએ.

યુએપીએની બંધારણીય સ્થિતિને પડકારતાં કેસ સાથે સંકળાયેલા વકીલોમાંના એક એવા પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખીને લિસ્ટિંગમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો.

6 ડિસેમ્બરે વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કેટલાક કેસ એ બેન્ચોને ફાળવવામાં આવ્યા છે જે લિસ્ટિંગ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. જોકે, દવેએ એ સ્પષ્ટ કર્યું ન હતું કે કયા કેસોની ખોટી રીતે ફાળવણી કરવામાં આવી હતી.

ઉમર ખાલિદની જામીન અરજીનો મામલો હવે ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીની અધ્યક્ષતાવાળી બેન્ચ સામે સૂચિબદ્ધ છે. અગાઉ જસ્ટિસ ત્રિવેદી જુનિયર જજ હતાં, જે ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરી રહ્યાં હતાં. અન્ય કેટલાક વરિષ્ઠ ન્યાયાધીશો સાથે તેઓ બેન્ચનું નેતૃત્ત્વ કરી રહ્યાં હતાં. જોકે, હવે તેઓ આ બેન્ચની અધ્યક્ષતા કરી રહ્યાં છે.

વેબસાઇટ ‘આર્ટિકલ 14’ પર છપાયેલા એક લેખ અનુસાર આ વાત મામલાની ફાળવણી અંગે સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન છે. આ મામલો વરિષ્ઠ ન્યાયાધીશને આપવામાં આવવો જોઈતો હતો.

આ લેખમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજકીય રીતે સંવેદનશીલ અનેક અન્ય મામલા પણ તેમની બેન્ચને આપવામાં આવ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે સમાચાર એજન્સી પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ તમામ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા લિસ્ટિંગની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે.

આ પહેલાં પણ ટ્રાયલ કોર્ટ ઉમર ખાલિદને જામીન આપવાનો ઇનકાર કરનાર ટ્રાયલ કોર્ટે પોતાનો આદેશ સંભળાવવાનું ત્રણ વખત ટાળી દીધું હતું. આ એક અસામાન્ય ઘટના હતી.