દિલ્હી હિંસાનું પ્રતીક બનેલી મોહમ્મદ ઝુબૈરની આ તસવીરની આપવીતી

હિંસાનો ભોગ બનેલા યુવકની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, દેબલિન રોય
    • પદ, બીબીસી સંવાદદાતા

સફેદ કુરતા-પાયજામા પર દેખાતાં લોહીનાં છાંટણાં. જમીન પર પોતાનું માથું બચાવવાની મુદ્રામાં પડેલો દેખાતો એક નિ:શસ્ત્ર યુવાન.

તેના માથામાંથી વહેતા લોહીને કારણે બન્ને હથેળીઓ લાલ રંગે રંગાઈ ગઈ છે. એ ચારે તરફથી હુલ્લડખોરોથી ઘેરાયેલો છે. હુલ્લડખોરો લાકડી, ડંડા તથા લોખંડના સળિયા વડે તેને મારી રહ્યા છે.

37 વર્ષના મોહમ્મદ ઝુબૈરનો આ ફોટોગ્રાફ દિલ્હીના લોહિયાળ હુલ્લડની ભયાનકતાનો ચહેરો બની ગયો છે. એ ચહેરો જેના પર પડેલા ઘા અનંતકાળ સુધી તાજા રહેશે. એ ચહેરો જેના પર પડેલા ઘા ક્યારેય નહીં સુકાય.

News image
line

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રહેતા ઝુબૈર તેમના ઘર પાસેની મસ્જિદમાં યોજાયેલા વાર્ષિક કાર્યક્રમમાં સામેલ થવા સોમવારે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમણે વિચાર્યું ન હતું કે તેમની દુનિયા કેવી રીતે બદલાઈ જવાની છે.

મોહમ્મદ ઝુબૈર કહે છે, "સોમવારે દુવામાં સામેલ થવા માટે ઈદગાહ ગયો હતો. દુઆ કર્યા બાદ મેં મારાં ભાઈ-બહેન તથા બાળકો માટે ખાવાની કેટલીક ચીજો ખરીદી હતી."

"દર વર્ષે ઈજ્તમા પછી બાળકો માટે હું હલવો, પરાઠા, દહીંવડા અને નાનખટાઈ ખરીદું છું. એ દિવસે નાનખટાઈ ન મળી એટલે બાળકો માટે સંતરાં ખરીદ્યાં હતાં."

"પહેલાં મેં વિચારેલું કે બહેનને ત્યાં કે કોઈ સગાના ઘરે આંટો મારી આવું. પછી વિચાર્યું હતું કે પહેલાં ઘરે જઈશ તો આશાભરી નજરે બેઠેલાં બાળકો રાજી થશે."

હિંસાનો ભોગ બનેલા યુવકની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

એ દિવસે ઝુબૈર ઘરેથી ઉતાવળે, પોતાનો ફોન સાથે લીધા વિના જ નીકળી ગયા હતા.

એ સંભારતાં મોહમ્મદ ઝુબૈર કહે છે, "ઘરેથી ઈદગાહ જવા નીકળ્યો અને ખજૂરી પાસે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ત્યાં જોરદાર લડાઈ થઈ રહી છે. હિન્દુ-મુસ્લિમ ચાલી રહ્યું છે."

"એ સાંભળીને મેં વિચાર્યું કે ભજનપુરા થઈને સબવેમાંથી નીકળીને ચાંદબાગ પહોંચી જઈશ. હું ભજનપુરા માર્કેટ પહોંચ્યો ત્યારે માર્કેટ બંધ હતી."

"ત્યાં લોકો એકઠા થઈ રહ્યા હતા, ધાંધલ-ધમાલ થઈ રહી હતી. હું ત્યાંથી પણ ચાલી નીકળ્યો. મેં કુરતા-પાયજામા અને ટોપી પહેરી હતી. સંપૂર્ણ મુસ્લિમ વેશ હતો."

"હું ત્યાંથી ચાલતો થયો ત્યારે કોઈએ મને કંઈ કહ્યું ન હતું. હું નીચે ઊતરતો હતો ત્યારે ત્યાં હાજર એક માણસ મને જોઈ રહ્યો હતો. તેણે મને કહ્યું હતું કે તમે નીચે જશો નહીં, ત્યાં જોખમ છે. તમે આગળથી નીકળી જાઓ."

line

"હું કોઈ શિકાર હોઉં એવી રીતે તૂટી પડ્યા"

હિંસાનો ભોગ બનેલા યુવકની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

એ માણસની વાત માનીને ઝુબૈર સબવેમાંથી બહાર નીકળવાને બદલે આગળ તરફ ચાલવા લાગ્યા ત્યારે તેમણે જોયું હતું કે ત્યાં બન્ને તરફથી પથ્થરમારો થઈ રહ્યો છે.

મોહમ્મદ ઝુબૈર કહે છે, "એક તરફ હજારો લોકોની ભીડ હતી. બીજી તરફ કેટલા લોકો હતા એ હું જોઈ શક્યો નહીં, પણ પથ્થરમારો બન્ને તરફથી થઈ રહ્યો હતો."

"એ જોઈને હું ડરી ગયો હતો અને પાછળ હઠતો હતો ત્યારે ભીડમાંના કેટલાક લોકોએ મને જોઈ લીધો. એ પછી એક છોકરો મારી તરફ આવ્યો."

"મેં તેને પૂછ્યું કે મેં તારું શું બગાડ્યું છે? તેના સાથે થોડી જીભાજોડી થઈ. એ પછી અનેક લોકો આવીને મારા પર, હું કોઈ શિકાર હોઉં એમ તૂટી પડ્યા હતા."

મોહમ્મદ ઝુબૈર કહે છે, "મારા માથા પર કોઈ લોખંડનો સળિયો ફટકાર્યો. પછી બીજીવાર, ત્રીજીવાર અને સતત માર પડતો રહ્યો હતો. મારા માથા પર એટલી વખત લોખંડનો સળિયો મારવામાં આવ્યો હતો કે હું ગોઠણભેર બેસી ગયો હતો. હું બેભાન થતો જતો હતો."

"આસપાસના અવાજ સંભળાતા ન હતા ત્યારે કોઈએ મારા માથા પર તલવાર મારી હતી. અલ્લાહની મહેરબાની કે તલવારનો ઘા મારા માથા પર પડવાને બદલે સાઇડમાં પડ્યો. તલવારનો ઘા માથા પર લાગ્યો હોત તો બચવાની કોઈ શક્યતા ન હતી."

હુમલાખોરો ઝુબૈરને મારતા રહ્યા હતા. એટલો માર મારવામાં આવ્યો હતો કે ઝુબૈરે ધારી લીધેલુઃ હવે મરવાનું નક્કી છે.

line

"મેં કહ્યું, અલ્લાહ હવે તારી પાસે આવવું છે..."

ઇજાગ્રસ્ત યુવક

ઇમેજ સ્રોત, Reuters

મોહમ્મદ ઝુબૈર કહે છે, "મેં અલ્લાહને યાદ કરવાનું શરૂ કરી દીધું હતું. મેં મનમાં કહ્યું, અલ્લાહ હવે તારી પાસે આવવું છે. મને લાગે છે કે તેઓ 20-25 લોકો હતા."

"તેઓ થાકી ગયા ત્યાં સુધી મને મારતા રહ્યા હતા. એક પછી એક. ક્યારેક લાઠી, ક્યારેક દંડો, ક્યારેક લોખંડનો સળિયો. એટલો માર પડ્યો છે કે હું કહી શકું તેમ નથી."

મોહમ્મદ ઝુબૈરના જણાવ્યા મુજબ, હુમલાખોરો તેમને માર મારતી વખતે "જય શ્રીરામ" અને "મારો મુલ્લા કો" એવા નારા લગાવતા હતા. જોરદાર ફટકા ખાધા પછી ઝુબૈરને એટલું યાદ છે કે કેટલાક લોકો તેમને ઉઠાવીને લઈ ગયા હતા.

તેમને જેમણે ઉઠાવ્યા હતા એ લોકો પણ એવું કહેતા હતા, "ગલીની બહાર લઈ જાઓ, જલદી લઈ જાઓ."

એ પછી ઝુબૈર એમ્બ્યુલન્સમાં અને હોસ્પિટલમાં હતા ત્યારે થોડા ભાનમાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું પોતાનું કોઈ ન હતું.

તેમણે આસપાસના લોકોને ફોન નંબર આપીને તેમના ઘરવાળાઓને બોલાવી આપવાની વિનંતિ કરી હતી.

એ સમયને સંભારતાં મોહમ્મદ ઝુબૈર કહે છે, "એ સમયે ડૉક્ટરો કદાચ મારા પર વધારે ધ્યાન આપી શકતા ન હતા. મારા માથામાં બહુ પીડા થઈ રહી હતી. મારી સામે જે પુરુષ હતો તેના બન્ને હાથ કપાયેલા હતા."

"મેં ડોક્ટરોને એવું કહેતા સાંભળ્યા હતા કે બન્ને હાથ કાપી નાખવા પડશે. મને લાગ્યું કે અહીં બીજું કોઈ મારાથી પણ વધારે તકલીફમાં છે."

line

વૃદ્ધ મા સતત રડ્યા કરે છે

યુવાનના માતા

ઇમેજ સ્રોત, BBC /DEBALIN ROY

પોતાના માથા પર ટાંકા ક્યારે લેવામાં આવ્યા એ ઝુબૈરને યાદ નથી. તેમના માથામાં 25-30 ટાંકા લેવામાં આવ્યા છે. ઝુબૈરને એ વાતનું દુઃખ છે કે સરકાર તરફથી તેમને કોઈ પૂછવા આવ્યું નથી કે કોઈ મદદ મળી નથી.

ઝુબૈર હજુ સુધી એફઆઈઆર પણ નોંધાવી શક્યા નથી, કારણ કે તેઓ કે તેમના પરિવારજનો એવું કરવાની હાલતમાં નથી. એફઆઈઆર માટે મહત્ત્વપૂર્ણ એમએલસી પણ તેમને હૉસ્પિટલ પાસેથી મળ્યું નથી.

ઝુબૈરનાં બાળકો અને પરિવારજનો પણ તેમને ઘટનાના ચાર દિવસ પછી મળી શક્યાં હતાં. ઝુબૈરનો ફોટોગ્રાફ જોઈને તેમના પરિવારજનોને લાગ્યું હતું કે તેઓ બચશે નહીં.

ઝુબૈરનાં વૃદ્ધ માતાએ પણ દીકરાને ચાર દિવસ પછી જોયો હતો. રડી-રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. તેઓ મીડિયા સાથે વાત પણ નથી કરતાં કે વધુ બોલતાં પણ નથી.

રડતાં-રડતાં એટલું કહે છે, "અમારે કોઈ પાસેથી કશું જોઈતું નથી. સરકાર પાસેથી પણ કશું ન જોઈએ. અલ્લાહનો આભાર કે મારો દીકરો બચી ગયો. હવે અમને એકલા છોડી દો."

line

"મને માર પડતો હતો ત્યારે પોલીસ ત્યાં જ હતી"

હિંસાનો ભોગ બનેલા યુવકની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

તમે સરકારને કંઈ કહેવા ઇચ્છો છે, એ પ્રશ્નના જવાબમાં મોહમ્મદ ઝુબૈર કહે છે, "મને માર મારવામાં આવતો હતો ત્યારે પોલીસવાળા ત્યાં આસપાસ જ આંટા મારતા હતા."

"તેમ છતાં હુલ્લડખોરોને કોઈનો ડર ન હતો. કોઈ મેળો ચાલતો હોય અને તેમને કંઈ પણ કરવાની ખુલ્લી છૂટ હોય એવું લાગતું હતું."

"મારા શરીર પર ફટકા પડતા હતા ત્યારે પોલીસ કર્મચારીઓ ત્યાં એવી રીતે ટહેલતા હતા, જાણે ત્યાં જે થઈ રહ્યું હતું તેની સાથે તેમને કોઈ લેવાદેવા ન હોય."

અગાઉ કોઈ સાથે ઝઘડો કે બોલાચાલી ન થઈ હોવાનું જણાવતાં મોહમ્મદ ઝુબૈર કહે છે, "એ પહેલાં મેં કોઈને તું કહીને બોલાવ્યો ન હતો અને કોઈએ મને તુંકારો કર્યો ન હતો."

ઝુબૈરના શરીરનો કોઈ ભાગ એવો નથી, જ્યાં માર ન પડ્યો હોય. આખું શરીર વાદળી રંગનું થઈ ગયું છે. આટલી ઈજા થઈ હોવા છતાં તેઓ સ્થાનિક ડૉક્ટર પાસે જ ઇલાજ કરાવી રહ્યા છે.

મોહમ્મદ ઝુબૈરને પરિસ્થિતિ વણસવાનો ડર છે એટલે મોટા ડૉક્ટર પાસે થોડા દિવસ પછી જશે. વાતચીત દરમિયાન વચ્ચે-વચ્ચે તેઓ પીડાથી કણસતા રહે છે.

line

"હું તેમને હિંદુ ન કહી શકું..."

યુવાન

ઇમેજ સ્રોત, BBC /DEBALIN ROY

શું તમને ડર લાગે છે, શું તમે રોષે ભરાયેલા છો, એવા સવાલના જવાબમાં મોહમ્મદ ઝુબૈર જણાવે છે કે હુલ્લડખોરો તેમને મારી રહ્યા હતા ત્યારે પણ તેમને ડર લાગ્યો ન હતો.

તેઓ કહે છે, "કેટલાક હિંસાખોર લોકો વધુમાં વધુ તમારો જીવ લઈ શકે. એનાથી વધુ કંઈ ન કરી શકે. હું ત્યારે પણ ડરતો ન હતો. આજે પણ નહીં અને ક્યારેય ડરીશ નહીં."

"જુલમથી ડરવું એ નિર્બળતાની મોટા નિશાની છે. તમે કોઈ ગુનો કે ગંદુ કામ કરતા હો ત્યારે ડર હોય. મેં તો એવું કંઈ કર્યું જ ન હતું, પછી ડર શેનો? ડર તો એમને હોવો જોઈએ, જેઓ એક નિ:શસ્ત્ર માણસને માર મારતા હતા."

ઝુબૈરના જણાવ્યા મુજબ, દેશની રાજધાનીમાં પોતે આવી ઘટનાનો ભોગ બનવું પડશે એવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું.

વાત કરતાં ઝુબૈર થોડા ભાવુક થઈ જાય છે.

વાત કરતાં અટકી જાય છે. પછી કહે છે, "હું એક મૅસેજ આપવા ઇચ્છું છુઃ હિન્દુ, ઇસ્લામ, ઈસાઈ...કોઈપણ ધર્મ ક્યારેય ખોટા આચરણનો ઉપદેશ આપતો નથી."

"જેમણે મારી સાથે આવું કર્યું, પોતાનાં બાળકોની ખુશી માટે ભોજનસામગ્રી લઈને ઘરે જતાં એક નિ:શસ્ત્ર માણસને લાકડી, દંડા, લોખંડના સળિયા વડે માર માર્યો તેમને માનવતાના દુશ્મન અને રાક્ષસ જ કહેવામાં આવશે."

"તેમને કોઈ ધર્મ સાથે જોડવાનું મને યોગ્ય નથી લાગતું. હિંદુઓએ મારી સાથે આવું કર્યું એવું હું કહી ન શકું. આવું કરવાવાળા હિન્દુ પણ ન હોય કે મુસલમાન પણ. દરેક ધર્મ પ્રેમ અને શાંતિનો સંદેશો આપે છે.."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો