એ UPના પોલીસ ઑફિસર જેમણે નિયમ અવગણી જાનના જોખમે દિલ્હીના લોકોને બચાવ્યા

નીરજ જડાઉં કહે છે, તેઓ તેમની ફરજ બજાવી રહ્યા હતા

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

ઇમેજ કૅપ્શન, નીરજ જડાઉં કહે છે, તેઓ તેમની ફરજ બજાવી રહ્યા હતા

રાજધાની નવી દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન એક પોલીસ અધિકારીએ જીવના જોખમે અનેક પરિવારોને હુલ્લડખોરોથી બચાવ્યા હતા.

23 ફેબ્રુઆરીએ ફાટી નીકળેલી હિંસામાં 40 લોકો મૃત્યુ પામ્યા છે અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

ઉત્તર પ્રદેશમાં સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા નીરજ જડાઉંએ બીબીસીના વિકાસ પાંડેને જણાવ્યું હતું કે તેઓ 25 ફેબ્રુઆરીએ એક બૉર્ડર ચેકપોઈન્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે દિલ્હીના કરવાલ નગર વિસ્તારમાંથી ગોળીબારનો અવાજ તેમણે સાંભળ્યો હતો.

કરવાલ નગર એ ચેકપોઈન્ટથી માત્ર 200 મિટર દૂર આવેલું છે.

તેમણે જોયું કે 40થી 50 લોકોનું એક ટોળું વાહનોને આગ ચાંપી રહ્યું હતું ત્યારે એ ટોળામાંની એક વ્યક્તિ પેટ્રોલ બૉમ્બ સાથે કુદીને એક ઘરમાં ઘૂસી ગઈ હતી.

News image
line

એ સમયે નીરજ જડાઉંએ પરંપરાગત પોલીસ પ્રોટોકોલના ઉલ્લંઘનનો નિર્ણય કર્યો હતો અને સ્ટેટ બૉર્ડર ક્રોસ કરીને દિલ્હીમાં પ્રવેશ્યા હતા.

નિયમ પ્રમાણે દેશમાં પોલીસ અધિકારીઓએ સ્ટેટ બૉર્ડર ક્રોસ કરવા માટે ઉપરી અધિકારીની પરવાનગી લેવી પડે છે.

નીરજ જડાઉંએ કહ્યું હતું, "મેં બૉર્ડર ક્રોસ કરવાનું પસંદ કર્યું. હું જોખમથી વાકેફ હતો અને એ મારા કાર્યક્ષેત્રની બહાર છે એ પણ જાણતો હતો છતાં હું ત્યાં જવા તૈયાર હતો."

"એ મારા જીવનની સૌથી ભયાનક 15 સેકંડ હતી. સદનસીબે, મારી ટીમ મારી પાછળ આવી હતી અને બાદમાં ઘટનાની જાણ કરી ત્યારે મારા ઉપરી અધિકારીઓએ પણ મને ટેકો આપ્યો હતો."

તેમણે ઉમેર્યું હતું, "એ જોખમી હતું કારણ કે અમારી સંખ્યા ઓછી હતી અને હુલ્લડખોરો શસ્ત્રસજ્જ હતા. પહેલાં અમે તેમની સાથે વાતચીત કરીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો."

"તેમાં નિષ્ફળ ગયા ત્યારે તેમને ચેતવણી આપી હતી કે પોલીસ ગોળીબાર કરશે. થોડીવાર માટે તેઓ પાછા હઠી ગયા હતા, પણ પછી તેમણે અમારા પર પથ્થરમારો કર્યો હતો. અમે ગોળીબારનો અવાજ પણ સાંભળ્યો હતો."

line
સ્ટેટ બૉર્ડર ક્રોસ કરીને હિંસક ટોળાને રોકવાનો નિર્ણય નીરજ જડાઉંએ પળવારમાં લીધો હતો
ઇમેજ કૅપ્શન, સ્ટેટ બૉર્ડર ક્રોસ કરીને હિંસક ટોળાને રોકવાનો નિર્ણય નીરજ જડાઉંએ પળવારમાં લીધો હતો

અલબત, નીરજ જડાઉં અને તેમની ટીમે પોઝિશન્સ જાળવી રાખી હતી તથા હુલ્લડખોરો પાછા ગયા નહીં ત્યાં સુધી તેમનો સામનો કર્યો હતો.

હિન્દી દૈનિક અમર ઊજાલાના સંવાદદાતા રિચિ કુમારે નીરજ જડાઉંના નિર્ણયને બહાદુરીભર્યો ગણાવ્યો હતો.

રિચિ કુમારે બીબીસીને કહ્યું હતું, "પરિસ્થિતિ અત્યંત જોખમી હતી. હુલ્લડખોરો શસ્ત્રસજ્જ હતા અને તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. હું તો એમ કહીશ કે તેઓ લોહી તરસ્યા હતા."

"તેઓ પોલીસ પર પથ્થરમારો કરતા હતા, પણ નીરજ જડાઉં પાછા ન હઠયા. હુલ્લડખોરો પોલીસ પર ગોળીબાર કરે એવું જોખમ પણ હતું."

વિવાદાસ્પદ નાગરિકત્વ કાયદાના મુદ્દે ઉતર-પૂર્વ દિલ્હીમાં કાયદાના સમર્થકો તથા વિરોધીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, પણ બાદમાં એ હિંસાએ કોમી વળાંક લીધો હતો.

અમે જે હુલ્લડખોરોને જોયા હતા તેઓ આગચંપી માટે તૈયાર હતા, એમ જણાવતાં નીરજ જડાઉંએ ઉમેર્યું હતું, "એ વિસ્તારમાંની અનેક દુકાનોમાં વાંસનો મોટો જથ્થો હતો. તેમાં આગ લાગી હોત તો સમગ્ર વિસ્તાર લપેટાઈ ગયો હોત અને એવું થયું હોત તો દિલ્હીમાં મૃત્યુઆંક ઘણો વધારે હોત."

જોકે, પોતાને હીરો ગણાવવામાં આવે છે એ નીરજ જડાઉંને ગમતું નથી. તેમણે કહ્યું હતું, "હું હીરો નથી. મુશ્કેલીમાં ફસાયેલા કોઈ પણ ભારતીયને ઉગારવાની પ્રતિજ્ઞા મેં લીધી છે. હું મારી ફરજ બજાવતો હતો."

"હું લોકોને મારી નજર સામે મરવા દેવા તૈયાર ન હતો. અમે દરમિયાનગીરી કરી શકીએ એવી સ્થિતિમાં હતા અને અમે એ જ કર્યું હતું."

હિન્દુઓ અને મુસ્લિમો એકમેકની પડખે રહ્યા હોય એવી બીજી ઘટનાઓ પણ બહાર આવી રહી છે.

line
દિલ્હીની હિંસામાં 38 લોકો મૃત્યુ પામ્યા છે અને 200થી વધુ લોકો ઘવાયા છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, દિલ્હીની હિંસામાં 38 લોકો મૃત્યુ પામ્યા છે અને 200થી વધુ લોકો ઘવાયા છે

તીવ્ર હિંસાનો ભોગ બનેલા વિસ્તારો પૈકીના એક અશોક નગરના રહેવાસી સુભાષ શર્માનો કિસ્સો જાણવા જેવો છે.

ટોળાંએ એક મસ્જિદને આગ ચાંપી પછી તેઓ કઈ રીતે મદદ કરવા પહોંચ્યા હતા તેની વાત સુભાષ શર્માએ કરી હતી.

તેમણે બીબીસીને કહ્યું હતું, "ટોળામાં હજારો લોકો હતા અને મસ્જિદમાં જૂજ લોકો હતા."

"મસ્જિદને આગ ચાંપવામાં આવી હોવાનું મેં જોયું કે તરત મારા ઘરના વૉટર પમ્પની સ્વિચ ચાલુ કરી, પાઇપને લઈને દોડતો મસ્જિદ પાસે પહોંચ્યો હતો."

અશોક નગરમાં જ રહેતા મુર્તઝાએ જણાવ્યું હતું કે તેઓ અન્યત્ર ભાગી જવા ઈચ્છતા હતા, પણ હિન્દુ પાડોશીઓએ તેમને રોકી લીધા હતા.

મુર્તઝાએ કહ્યું હતું, "તેમણે અમારી સલામતીની ખાતરી આપી હતી."

બીબીસી હિન્દીના ફૈસલ મોહમ્મદે પણ, સૌથી વધુ હિંસાગ્રસ્ત વિસ્તારો પૈકીના એક મૌજપુરના વિજય પાર્કમાં રહેતા બે પાડોશીઓ-એક હિન્દુ અને એક મુસ્લિમ સાથે વાત કરી હતી.

વાહનોને આગ ચાંપી રહેલા અને મકાનોની બારીઓના કાચ તોડી રહેલા ટોળાને પાડોશીઓ સાથે મળીને કઈ રીતે ભગાડ્યું તેની વાત બન્નેએ કરી હતી.

એક પાડોશી જમાલુદ્દિન સૈફીએ કહ્યું હતું, "બીજા દિવસે અમે મેઇન રોડ બંધ કરી દીધો હતો અને પાડોશના લોકો એકઠા થઈને બહાર બેઠા હતા."

નાગરિકોએ હિન્દુ તથા મુસ્લિમ સભ્યો ધરાવતી પીસ કમિટીની રચના પણ કરી છે. એ પીસ કમિટી ઘરેઘરે જઈને અફવાઓ પર ભરોસો નહીં કરવા તથા બાળકોને ઘરમાં જ રાખવા લોકોને સમજાવે છે.

દિલ્હી વિખેરાયેલા ટુકડાને એકત્ર કરવાનો સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આવી સત્યકથાઓ સ્થાનિક રહેવાસીઓને આશા બંધાવી રહી છે કે જીવન ધીમેધીમે સામાન્ય થઈ જશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો