'થપ્પડ' ફિલ્મે પુરુષોના ભય સામે આંગળી ચીંધી છે

ઇમેજ સ્રોત, T Series
- લેેખક, મનીષા પાંડેય
- પદ, બીબીસી ગુજરાતી માટે
આ 'થપ્પડ' ફિલ્મનો રિવ્યૂ નથી. આ ફિલ્મ નિહાળતી વખતે થયેલા કેટલાક સવાલ છે. એવા સવાલ જે હેરાન કરતા રહ્યા, એવા સવાલ જેના જવાબ ન મળવાથી હૃદયમાં જૂના જખમ બનીને બેસી ગયા. એવા સવાલ, જેને બધાએ એવી રીતે છુપાવ્યા કે જાણે કોઈ સવાલ હતો જ નહીં.
આ લગભગ 22 વર્ષ જૂની વાત છે. મારી કઝીનનાં લગ્ન હતાં. રાતે સંગીતની મહફિલ જામી હતી અને એ મોડી રાત સુધી ચાલતી રહી હતી.
દરમિયાન થયું એવું કે હૉલના ખૂણામાંથી ભાઈ ગુસ્સે થઈને આવ્યા અને તેમણે ભાભીને જોરદાર થપ્પડ મારી દીધી.
સંગીતની ધમાલ વચ્ચે થપ્પડનો અવાજ, ભરી મહફિલમાં કોઈએ ગોળીબાર કર્યો હોય એમ સંભળાયો હતો. અચાનક સન્નાટો છવાઈ ગયો. ગાવાનું બંધ. બધા ચૂપ.
અચાનક કર્ફ્યુની જાહેરાત થઈ હોય એમ બધા દૃશ્યમાંથી ગાયબ.
રાત વીતી ગઈ. બીજા દિવસે સવારે બધું પહેલાં જેવું જ થઈ ગયું. બધા ખુશ હતા. તૈયાર થઈ રહ્યા હતા. બધા લગ્નમાં મગ્ન હતા.
પરિવારનાં વૃદ્ધ મહિલાઓ, યુવા મહિલાઓ, વહુઓ, દીકરીઓ અને પરિવારના પુરુષો બધા. બધાએ પોતાની ખુશીની સ્ક્રિપ્ટમાંથી પેલી થપ્પડને એવી રીતે ડિલીટ કરી નાખી હતી કે જાણે એવું કશું બન્યું જ નહોતું.
અલબત્ત, તેનું નિશાન રહી ગયું હતું. માત્ર હૃદય પર નહીં, તંદુરસ્ત, ગોરા ભાભીના ડાબા ગાલ પર પણ. ભાઈ કદાવર પુરુષ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની થપ્પડથી ભાભીનો ડાબો ગાલ સોજી ગયો હતો. આંખોની નીચેનો ભાગ કાળો થઈ ગયો હતો.

ઇમેજ સ્રોત, Science Photo Library
પછી એવું થયું કે એ બહેનનાં લગ્નના ફોટોગ્રાફ્સમાં ભાભીનો ફોટો ક્યાંય ન હતો. આલબમમાં તેમનો છેલ્લો ફોટો થપ્પડવાળી રાતની કેટલીક મિનિટ પહેલાંનો હતો.
પાછલાં 22 વર્ષમાં દીદીનાં લગ્નનું આલબમ અમે અનેક વાર જોયું હશે, પણ કોઈએ થપ્પડવાળી સાંજનો ઉલ્લેખ ભૂલથી પણ કર્યો હોય એવું મને યાદ નથી.
માએ બસ એટલું કહ્યું હતું કે એ રાતે ભાભી બધાની વચ્ચે જે મજાક-મસ્તી કરતાં હતાં એ ભાઈને ગમ્યું ન હતું.
આટલું કહેતાં એમની આંખો ભીની થઈ ગઈ, પણ થપ્પડ કેમ મારી, થપ્પડ મારવાનો અધિકાર કોણે આપ્યો, એ સવાલ તેમણે પણ કર્યો નહીં.

જૂનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, PA Media
અલબત્ત, દેશના લાખો પરિવારોની માફક અમારા પરિવારમાં પણ થપ્પડનો લાંબો ઈતિહાસ છે. એ કોઈ નવી કે મોટી વાત નથી.
અમારી કથામાં આવી બધી થપ્પડ ઘરની દીવાલો પર શેવાળ અને ફૂગની માફક જામેલી છે, જેને પરિવારની સ્ત્રીઓ તેમની ખામોશી અને સ્મિતના પડદાથી ઢાંકતી રહે છે.
પરિવારની દરેક મહિલાની કહાણીમાં તેને કારણસર કે અકારણ પડેલી થપ્પડનો ઉલ્લેખ છે એ વાત સમજતાં વાર લાગી ન હતી.
દાળમાં વધારે મીઠું પડી ગયું તો થપ્પડ, સ્ત્રીએ સામો જવાબ આપ્યો તો થપ્પડ. પુરુષના મન મુજબનું કંઈક ન થયું તો થપ્પડ.
થપ્પડ ક્યારેય પણ, કોઈ પણ વાતે મારવામાં આવતી હતી. વાત વાજબી કારણની ન હતી, વાત થપ્પડ મારવાના વિશેષાધિકારની હતી.
પુરુષને અધિકાર હતો. તેને એ આપવામાં આવ્યો હતો અને તેણે સંપૂર્ણ હક્ક તથા આત્મવિશ્વાસથી તેને પોતાની પાસે રાખ્યો હતો.
થપ્પડ મારવાવાળા તો સવાલ કરતા જ ન હતા. જેને થપ્પડ મારવામાં આવતી હતી તેમણે પણ સવાલ કર્યો ન હતો. સવાલ કર્યો હોત તો ક્યાં જાત?

મોટો સવાલ

ઇમેજ સ્રોત, Science Photo Library
દરેક ઘરમાં સ્ત્રી પર થપ્પડ પડી હશે, પણ તેના પ્રતિકારરૂપે સ્ત્રી ઘર છોડી દે તો જાય ક્યાં?
નોર્વેના નાટ્યકાર હૅનરિક ઈબ્સનની નૉરાએ તો થપ્પડ ખાધા વિના જ તેના પતિ હેલ્મરનું ઘર છોડી દીધું હતું, કારણ કે એ ઘરમાં પોતાનો દરજ્જો એક ઢીંગલીથી વિશેષ નથી, એવું નૉરાને લાગ્યું હતું.
ઈબ્સને 'ડૉલ્સ હાઉસ' નામનું એ નાટક 1879માં લખ્યું હતું. સમય જતાં નારીવાદી વિચારધારાની પ્રેરણા બની ગયું હતું.
એ જમાનામાં 'ડૉલ્સ હાઉસ' વિશે લોકો એવું માનતા હતા કે પતિ મારતો નથી, તેનું બીજી સ્ત્રી સાથે લફરું નથી, એ જુલમી નથી તો પછી નૉરાને શેની ચિંતા હતી?
બાજુમાં બેઠેલા બે છોકરા 'થપ્પડ'ના ઇન્ટરવલમાં એવી વાતો કરી રહ્યા હતા કે ફિલ્મની નાયિકા કંઈક વધારે પડતો ડ્રામા કરી રહી છે. તેનો હસબન્ડ કેટલો સારો છે. આ વધારે પડતું લાગે છે, યાર.
મજાની વાત એ હતી કે બન્ને છોકરા એકલા ફિલ્મ જોવા આવ્યા હતા. ગર્લફ્રેન્ડ કે પત્નીને સાથે લઈને આવ્યા ન હતા. ફિલ્મ ગર્લફ્રેન્ડને દેખાડવી જોઈએ કે નહીં તેની રૅકી કરવા આવ્યા હશે.
ઈબ્સનની કહાણી તો નૉરાએ ઘર છોડ્યું તેની સાથે ખતમ થઈ ગઈ હતી. એ પછી નૉરાનું શું થયું એ કોઈ જાણતું નથી.
નૉરા ભણેલા-ગણેલા હતાં? કામ-નોકરી કંઈ કરતાં હતાં? નૉરાના પિતાએ પોતાની સંપત્તિમાંથી અર્ધો હિસ્સો નૉરાને આપ્યો હતો? પાછાં જઈ શકે, આજીવિકા રળી શકે એવું તેનું કોઈ ઘર હતું?
મિસ્ટર હૅલ્મર તો અત્યંત સફળ, પૈસાદાર, કુલીન વ્યક્તિ હતી. નૉરાની ઓળખ એટલી જ હતી કે તે મિસિસ હૅલ્મર હતી. એ ઓળખ ત્યાગી દે તો તેની પાસે બાકી શું રહે?
નૉરાની એ પછીની કહાણી 2004ના સાહિત્ય માટેના નોબલ પુરસ્કાર વિજેતા ઑસ્ટ્રિયન લેખિકા ઍલ્ફ્રિડે યૅલેનિકે લખી હતી. 1982માં તેમણે 'વ્હૉટ હૅપન્ડ આફટર નૉરા લેફ્ટ હર હસબન્ડ' નામનું નાટક લખ્યું હતું.

ઇમેજ સ્રોત, YOUTube
યૅલેનિક જણાવે છે કે નૉરાએ તેના પતિનું ઘર જ છોડ્યું ન હતું. તેમણે તેની એકમાત્ર જમીન છોડી હતી, જ્યાં એ ઇજ્જતથી નહીં, પણ સલામતીથી રહી શકતી હતી.
નૉરાએ ઇજ્જતની પસંદગી કરી તો સલામતી જતી રહી. પતિના ઘરને બાદ કરતાં આખી દુનિયામાં એવું કોઈ ઠેકાણું ન હતું, જ્યાં તેમને કામ અને સન્માન મળી શકે.
પિતાનું ઘર પણ નહીં. પિતાની સંપત્તિમાં કોઈ હિસ્સો પણ નહીં.
યૅલેનિકની નૉરા એક ફૅક્ટરી વર્કર તરીકે કામ કર્યા બાદ એક અમીર પુરુષની રખાત બનીને રહી જાય છે.
વાર્તામાં ઘણી આંટીઘૂંટી છે, જેમાં ઠેકઠેકાણે પુરુષપ્રધાન સમાજના પ્રતિનિધિઓ તેને ત્રાંસી નજરે નિહાળે છે.
દરેક પુરુષ, સ્ત્રી એકલી છે એવું જાણીને તક મળે એટલે તરત જ હાથ અજમાવવા ઇચ્છે છે.
દરેકની જબાન પર એક જ સવાલ છેઃ "તું સ્ત્રી છો એ તો ઠીક છે, પણ તું કોઈ પુરુષની પત્ની છો?" જે કોઈ પુરુષની પત્ની ન હોય એ સ્ત્રીને દરેક પુરુષ પોતાના બાપનો માલ સમજે છે.
ઈબ્સને નોરાને ઘરમાંથી કઢાવી તો મૂકી, પણ તેમને પૂછ્યું નહીં કે તું શું કરીશ, ક્યાં જઈશ, કેવી રીતે જીવીશ? યૅલેનિકે જણાવ્યું હતું કે તેની નૉરા ભણેલી નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કામના કોઈ પણ સ્થળે તેમને પુરુષો જેટલો આદર અને સમાન દરજ્જો મળતો નથી.
કોર્ટ-કચેરીના દસ્તાવેજોમાં પુરુષોના નામે નોંધાયેલી અપાર સંપત્તિમાં તેમનો કોઈ ભાગ નથી. એ ક્યાં જશે, શું કરશે? આ સવાલ તેઓ 1982ના ઑસ્ટ્રિયામાં પૂછતાં હતાં.
આ સવાલ હું 2020ના હિન્દુસ્તાનમાં પૂછી રહી છું. એ રાતે થપ્પડ ખાધા પછી મારાં ભાભી ઘર છોડીને ક્યાં જાત? તેમના પિતા સેંકડો એકર જમીનના માલિક હતા, પણ તેમાં ભાભીનો હિસ્સો સોયના ટોચકા જેટલો પણ ન હતો.
મારા ભાઈ પણ સેંકડો એકર જમીનના માલિક છે, પણ દસ્તાવેજોમાં તેમની પત્નીનું નામ નથી. પૈસા છે એટલે સુવિધાઓ ઘણી છે.
સિલ્કની સાડીઓથી માંડીને સોનાનાં ઘરેણાં સુધીના સુખના સામાનની કોઈ કમી નથી, પણ યાદ રહે કે આ બધું તેમને કોઈના પત્ની હોવાને કારણે મળેલું છે.

મહિલાઓ થપ્પડ શા માટે ખાઈ રહી છે?

ઇમેજ સ્રોત, Science Photo Library
પત્ની તરીકેનો દરજ્જો છીનવાઈ જાય તો રસ્તા પર ફેંકાઈ જવામાં વાર નથી લાગતી.
એ પણ યાદ રહે કે પતિનો મૂડ બગડે તો થપ્પડ-આખા પરિવારની સામે કે ભરી મહફિલમાં- ગમે ત્યારે પડી શકે છે. ગાલ સોજી જશે, પણ થોડો બરફ ઘસી લેજો બધું ઠીક થઈ જશે.
તેથી અસલી સવાલ એ નથી કે સ્ત્રીઓ થપ્પડ શા માટે ખાઈ રહી છે. અસલી સવાલ એ છે કે સ્ત્રીઓ થપ્પડને શા માટે સહન કરી રહી છે?
થપ્પડ ન પડે એ માટે સ્ત્રીએ શું કરવું જોઈએ? શું કરે કે ડરે નહીં, બીજાને બચાવતાં પહેલાં ખુદને બચાવે? બીજા કોઈને આદર આપતાં પહેલાં પોતાને આદર આપે?
આ સવાલોના જવાબ પણ ફિલ્મમાં છે. ટ્રેલર કે પ્રમોશન જોતાં લાગે છે કે આ ફિલ્મ વાસ્તવમાં અમૃતા નામની સ્ત્રીની કે તેમના ગાલ પર એક રાતે પડેલી થપ્પડની નથી.
આ ફિલ્મ તો તેમના પિતા વિશે છે. આ ફિલ્મ અમૃતા જ્યાં જન્મી હતી, ઉછરી હતી એ ઘર વિશેની છે. જે રીતે તેમણે તેમના પિતાને જોયા, માની નજરે પિતાને જોયા એ વિશેની છે.
કોઈ પણ છોકરીના જીવનમાં પિતા માત્ર પિતા નથી હોતા. પિતા તેના જીવનમાં આવેલા પહેલા પુરુષ હોય છે. પુરુષ ક્રોધી હોય છે કે દયાળુ એ પિતા જ શિખવાડે છે.
પુરુષ આદેશ આપે છે કે મદદરૂપ થાય છે? પુરુષ પોતાના અધિકારનો આગ્રહી હોય છે કે ન્યોછાવર થતો હોય છે? પુરુષ સ્ત્રી પર હાથ ઉઠાવતો હોય છે કે તેને હાથ પકડીને સધિયારો આપતો હોય છે? આ બધું પિતા જ તેને શિખવાડે છે.
પુરુષના ઘરમાં પ્રવેશતાંની સાથે જ બધા ભયભીત ઉંદરડાની માફક દરમાં ઘૂસી જાય છે કે પછી તેના ખોળામાં બેસીને લાડ કરે છે?
એ પોતાના ફેંસલા સંભળાવે છે કે તમારા નિર્ણયમાં તમારી સાથે ઊભો રહે છે? એ પ્રેમ છે કે અહંકાર, એ ધમકી છે કે સહારો એ આશા છે કે ડર?
દીકરીઓ ભરોસો પણ પિતા પાસેથી મળે છે અને ભય પણ.

ઇમેજ સ્રોત, TSeries
અમૃતા પણ એ ભરોસો તેમના પિતા પાસેથી પામી છે. એ લડી શકે છે, કારણ કે એ ઈબ્સનની નૉરા નથી.
બીજા બધા લોકો ત્રાંસી નજરે જોઈ રહ્યા છે, વાંકા સવાલ કરી રહ્યા છે, ડરાવી રહ્યા છે, સહન કરવાના પાઠ ભણાવી રહ્યા છે ત્યારે અમૃતાના પિતા તેમની સાથે ઊભા છે.
એક પિતા જ છે, જે અમૃતાની બાજુમાં તેમનો હાથ મજબૂત રીતે પકડીને ઊભા છે.
વાસ્તવમાં આ ફિલ્મ ઘરેલુ હિંસા વિશેની છે જ નહીં. આ ફિલ્મ એક પિતા અને પુત્રીના સંબંધ વિશેની છે.
આ હાલ અભ્યાસ કરી રહેલી તમારી દીકરી વિશેની છે. આ ફિલ્મ એ દીકરી વિશેની છે, જેમના પિતા, તમે સદનસીબ હશો તો બની શકશો.
સિનેમાઘરમાં ફિલ્મ જોવા આવેલા લોકો પૈકીના મોટા ભાગના, મારી બાજુમાં બેઠેલા છોકરાઓની માફક જોડીમાં આવ્યા ન હતા.
છોકરીઓ ગ્રૂપમાં હતી કે છોકરાઓ. બૉયફ્રેન્ડ તેમની ગર્લફ્રેન્ડ સાથે આવ્યા ન હતા. પતિ તેમનાં પત્ની સાથે ન હતા. તમારા ડરની મને ખબર છે. ફિલ્મનું ટ્રેલર જ ડરાવવા માટે પૂરતું છે. "હા. એક થપ્પડની જ વાત છે, પણ મારી ન શકે."
હવે માત્ર એક થપ્પડને કારણે છોકરીઓ સંબંધ તોડવા માંડશે તો દેશમાં ભાગ્યે કોઈ સંબંધ સાબૂત રહેશે. તમને પણ આ જ ડર છે. એ દુખતી નસ પર આ ફિલ્મે હળવેથી આંગળી મૂકી દીધી છે અને તમે ફફડી રહ્યા છો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













