શાહીનબાગમાં કલમ 144 લાગુ, વિરોધપ્રદર્શન યથાવત્ : TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી પોલીસે શાહીનબાગમાં કલમ 144 લાગુ કરી દીધી છે. અહીં હવે પાંચથી વધુ લોકોને ભેગા થવા પર મનાઈ છે.
હિંદુ સેનાએ એક માર્ચ કરીને શાહીનબાગ પહોંચીને પ્રદર્શન ખતમ કરવાનું એલાન કર્યું હતું.
જોકે કાલે જ હિંદુ સેનાએ પોતાનું એલાન પરત ખેંચી લીધું હતું.
આથી દિલ્હી પોલીસે શાહીનબાગ અને તેની આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી છે.
જોકે નાગરિકતા સંશોધન કાયદા સામેનું વિરોધપ્રદર્શન હજુ પણ યથાવત્ છે.
આ અઠવાડિયે જ ઉત્તર-પૂર્વીય દિલ્હીના ઘણા વિસ્તારોમાં થયેલાં તોફાનમાં 42 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા.

દિલ્હી હિંસા મામલે ઇમરાન ખાનનું ફરી નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દિલ્હીમાં થયેલાં સાંપ્રદાયિક તોફાનોને રાજ્યથી પ્રેરિત ગણાવ્યાં છે.
ઇમરાન ખાને કહ્યું કે મુસ્લિમોની સામે થયેલી હિંસાથી ભારતમાં 20 કરોડ મુસ્લિમોની વચ્ચે અંતિમવાદને પ્રોત્સાહન મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે ભારતમાં મુસ્લિમોની વચ્ચે અંતિમવાદ એ જ રીતે વધશે જે રીતે કાશ્મીરના યુવાઓની વચ્ચે છે.
ઇમરાન ખાને પોતાના ટ્વીટમાં કહ્યું, "મને શંકા છે કે જો વિશ્વ સમુદાય ભારતમાં જે ચાલી રહ્યું છે તેમાં હસ્તક્ષેપ નહીં કરે તો પરિણામ ન માત્ર આ વિસ્તાર માટે પણ આખી દુનિયા માટે વિનાશકારી સાબિત થશે."
આ અઠવાડિયામાં બીજી વખત ઇમરાન ખાને દિલ્હીમાં થયેલી હિંસા પર નિવેદન આપ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે દિલ્હીમાં થયેલી હિંસામાં હાલ સુધી 42 લોકો મૃત્યુ પામ્યા છે.
બાંગ્લાદેશમાં તો દિલ્હીમાં થયેલી હિંસાને લઈને વિરોધપ્રદર્શન પણ થઈ રહ્યું છે.
બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદ-ઉઝ-ઝમાં ખાને કહ્યું કે દેશમાં સાંપ્રદાયિકને કોઈ સ્થાન નથી.
શનિવારે બાંગ્લાદેશના પશ્વિમી જિલ્લા ચૌદંગામાં દર્શના પોલીસ સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે ખાને કહ્યું, "ભારતની રાજધાની દિલ્હીમાં થયેલી સાંપ્રદાયિક હિંસાની અસર બાંગ્લાદેશમાં બિલકુલ નહીં થાય. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની દેખરેખ રાખતી એજન્સી સંપૂર્ણ રીતે તૈયાર છે."
ઢાકામાં આ પ્રદર્શન દરમિયાન ઇસ્લામિક પાર્ટીઓએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શેખ મુજીબર રહેમાનની 100મી જન્મજયંતી પર આપવામાં આવેલા આમંત્રણને રદ્દ કરવાની માગ કરી છે.
શેખ મુજીબર રહેમાનની 100મી જયંતી પર અનેક મોટાં આયોજન માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ થઈ રહ્યાં છે.

'સરકારનું ધ્યાન અર્થવ્યવસ્થા પર નહીં'

ઇમેજ સ્રોત, Getty Images
ધ વાયરના અહેવાલ અનુસાર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને કહ્યું, "આર્થિક વિકાસમાં મંદીનું કારણ એ છે કે હાલની સરકાર અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવાની જગ્યાએ પોતાના રાજકીય અને સામાજિક ઍજન્ડા પર ધ્યાન આપી રહી છે."
તેમણે કહ્યું કે ભારત મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપીને સુસ્ત પડેલા આર્થિક વિકાસને પાટા પર લાવી શકે છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતના આર્થિક વિકાસને કઈ વસ્તુ રોકી રહી છે તો તેમણે કહ્યું કે, "આ દુઃખદ કહાણી છે, મને લાગે છે કે રાજકારણ રોકી રહ્યું છે."
બ્લૂમબર્ગ ટીવીને આપેલી મુલાકાતમાં રાજને કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ રીતે હાલની સરકારને સામાન્ય ચૂંટણીમાં મળેલી મોટી જીત પછી પણ આર્થિક વિકાસ પર ધ્યાન આપવાની જગ્યાએ પોતાના સામાજિક અને રાજકીય ઍજન્ડા પૂર્ણ કરવા પર વધારે જોર આપી રહી છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે કમનસીબે આ પ્રવૃત્તિને કારણે વિકાસની ઝડપ ધીમી થઈ છે. આનું કારણ સરકાર દ્વારા શરૂઆતમાં ઉઠાવવામાં આવેલા નોટબંધી અને ખરાબ રીતે અમલ કરવામાં આવેલ જીએસટી જેવા સુધારાનાં પગલાં છે.

ગુજરાતમાં દરરોજ નોંધાય છે પાંચ ઍટ્રોસિટીના કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વર્ષ 2019માં ગુજરાતમાં પ્રતિદિન દલિત-આદિવાસી અત્યાચારના પાંચ કેસ નોંધાય છે.
અહેવાલ અનુસાર ગુજરાતમાં વર્ષ 2019માં ઍટ્રોસિટીના કુલ 1500 કેસ નોંધાયા છે.
આ કેસમાં 32 હત્યાના, 81 હુમલાના અને 97 દુષ્કર્મના કેસનો સમાવેશ થાય છે. આની સરેરાશ કાઢીએ તો દરરોજ પાંચ જેટલા કેસ ગત વર્ષે નોંધાયા છે.
2018ની સરખામણીએ 2019માં એટ્રોસિટીના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જે માત્ર 45 કેસનો જ છે. વર્ષ 2018માં 1545 કેસ નોંધાયા હતા આ વખતે 1500 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 164 કેસ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. જ્યારે બીજા ક્રમે જૂનાગઢ છે જ્યાં 102 કેસ નોંધાયા છે.

મેઘાલયમાં સીએએ વિરોધી પ્રદર્શનમાં હિંસા, 2નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, DAVID/BBC
મેઘાલયની રાજધાની શિલોંગમાં નાગરિકતા સંશોધન કાયદા સામેના વિરોધપ્રદર્શનમાં ઘર્ષણ થતાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને છ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના પછી આ પછી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવાયો છે.
શનિવાર સવારે શિલોંગના બડા બજાર વિસ્તારમાં ખાસી વિદ્યાર્થી સંઘ(કેએસયૂ)ના સભ્યો અને ગેરઆદિવાસી સમૂહોની વચ્ચે ઘર્ષણ થતાં બે વ્યક્તિ મૃત્યુ પામી છે. જેમાં એક મૃતક ખાસી યુનિયનના નેતા છે.
આ ઘર્ષણ દરમિયાન છરાબાજીમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ પણ થયા હતા. હાલમાં સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે.
મેઘાલયના મુખ્ય મંત્રી કૉનરાડ સંગમાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું, "નાગરિકતા સંશોધન કાયદા(સીએએ) અને ઇનર લાઇન પરમિટને લઈને ઇચામાટીમાં એક બેઠક ચાલી રહી હતી. બેઠક પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ઉપદ્રવી લોકો ત્યાં આવ્યા અને કેએસયૂના સભ્યો પર હુમલો કર્યો. આ દરમિયાન ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













