સ્ટેચ્યૂ ઑફ યુનિટી જ્યાં ઊભું છે ત્યાં એક પણ સરકારી નોકરી અપાઈ નહીં?

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત સરકારે શુક્રવારના રોજ વિધાનસભામાં રજુ કરેલા આંકડા પ્રમાણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યાં બનાવવામાં આવેલી છે, તે નર્મદા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં એક પણ સરકારી નોકરી અપાઈ નથી.

ખાનગી રોજગારીની વાત કરીએ તો ૧૦,૦૦૦થી પણ ઓછા લોકોને નર્મદા જિલ્લામાં ખાનગી નોકરી મળી છે તેવું સરકારનું કહેવું છે.

'લાઇવમિન્ટ'ના એક અહેવાલ મુજબ જાન્યુઆરી 2020માં કેન્દ્રીય રેલમંત્રી પીયૂષ ગોયલે એવું કહ્યું હતું કે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી થકી દેશમાં 1 લાખ કરોડ આર્થિક 'ઇકૉસિસ્ટમ' ઊભી થશે.

ઉલ્લેખનીય છે કે સ્ટૅચ્યૂ ઑફ યુનિટીનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઑક્ટોબર 2018ના રોજ કર્યું હતું.

News image
line

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'ડ્રીમ પ્રોજેક્ટ' ગણાતાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના નિર્માણની શરૂઆતથી સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન થશે એવા દાવાઓ કરાઈ રહ્યા છે. જોકે, સરકારે પોતે આપેલો આંકડો એ વાતને ખરી ઠેરવી રહ્યો નથી.

ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલા આંકડાઓ પ્રમાણે ગુજરાતમા 4.58 લાખ નોંધાયેલા બેરોજગારો પૈકી છેલ્લાં બે વર્ષમાં માત્ર 2,223 લોકોને સરકારી નોકરી મળી છે.

જોકે, જે 2,223 લોકોને નોકરી મળી એમાં નર્મદા સહિત 14 જિલ્લા એવા છે, જેમાં એક પણ સરકારી નોકરી નથી અપાઈ.

જ્યાં છેલ્લાં બે વર્ષમાં સરકારી નોકરી આપવાનો આંક શૂન્ય છે તેમાં નર્મદા ઉપરાંત તાપી, ભરૂચ, નવસારી, દાહોદ, ડાંગ, વડોદરા, મહિસાગર વગેરે આદિવાસીઓની બહુમતી ધરાવતા જિલ્લા સામેલ છે.

અન્ય જિલ્લામાં ખેડા, જામનગર અને સુરતનો સમાવેશ થાય છે, તો ગુજરાતના મુખ્ય મંત્રી જ્યાંથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે તે રાજકોટમાં રોજગારકચેરી દ્વારા સરકારી નોકરી આપવાનો આંક શૂન્ય જ છે.

line

કેવડિયામાં લોકો બેરોજગારીથી પરેશાન

અગાઉ સ્થાનિકોએ નોકરીની માગ સાથે વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં

ઇમેજ સ્રોત, MAHESH TADVI

ઇમેજ કૅપ્શન, અગાઉ સ્થાનિકોએ નોકરીની માગ સાથે વિરોધપ્રદર્શનો કર્યાં હતાં

નર્મદા જિલ્લામાં એક તરફ એક પણ સરકારી નોકરીનું સર્જન નથી થયું ત્યાં બીજી તરફ સરકારી આંકડા પ્રમાણે એ જિલ્લામાં 9,876 લોકોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળી છે.

30 વર્ષના રણજિત તડવીને પણ ખાનગી ક્ષેત્રે એક ચોકીદારનું કામ મળ્યું છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "મે MA સુધીનો અભ્યાસ કર્યો છે. સરકારી કચેરીમાં અનેક વખત નોકરી માટે વાત કરી. ઉપરીઅધિકારીઓને પણ મળ્યો પરંતુ કોઈ નોકરી મળી નહીં. આખરે 11 મહિનાના કૉન્ટ્રેક્ટ પર મને એક ચોકીદારની નોકરી મળી."

"હાલમાં મને નવ હજાર રૂપિયાનો પગાર મળે છે, પરંતુ મને ખબર નથી કે મને ક્યાં સુધી નોકરી પર રાખશે. ગમે ત્યારે મારી નોકરી જઈ શકે છે, કારણ કે આવું અહીં ઘણા લોકો સાથે થયું છે."

સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી સ્થાનિક લોકોને નોકરીઓ મળશે એવી સરકારની વાત પર ઘણા આદિવાસીઓ આશા સેવીને બેઠા હતા. જોકે, એ આશા ફળી નથી.

સ્ટેચ્યૂના નિર્માણ સમયે જે આદિવાસીઓને મજૂરીનું કામ મળ્યું હતું તે તમામ લોકો પણ હવે બેરોજગાર થઈને ઘરે બેઠા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ વિશે વાત કરતા સ્થાનિક આદિવાસી નેતા પ્રફુલ વસાવાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે સ્ટેચ્યૂના નિર્માણ વખતે કહેવામાં આવ્યું હતું કે અહીં કામ મળશે પરંતુ એવું નહોતું કહેવામાં આવ્યું કે અહીં માત્ર મજૂરીનું કામ જ મળશે.

તેઓ કહે છે, "ખાનગી કૉન્ટ્રેક્ટરો દ્વારા અહીંના લોકોને હાઉસકિપિંગ અને સિક્યૉરિટી સિવાય અન્ય કોઈ કામ અપાતું નથી. હાઉસકિપિંગમાં અહીનાં આદિવાસીઓને પોતાની જ જમીનો પર બનેલાં ભવનોમાં કચરા-પોતાં કરવાનાં હોય છે,"

વસાવા એવું પણ જણાવે છે કે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નનું સ્ટેચ્યૂ ઑફ યુનિટી ઊભું હોય ત્યાં તેમની સરકાર એક પણ સરકારી નોકરી ન આપી શકે તો એ સરકાર માટે અને તેમના માટે પણ શરમની વાત છે.

નર્મદા જિલ્લામાં લોકોને ખાનગી નોકરીઓ મળી છે પરંતુ આ નોકરીઓ લોકોમાં સુરક્ષાની ભાવના ઊભી કરી શકી નથી.

આ વિશે વાત કરતા વાઘોડિયા ગામનાં સરપંચ ગોવિંદ તડવી કહે છે કે કૉન્ટ્રેક્ટની નોકરીમાં લોકોને સાત હજારથી પંદર હજાર રૂપિયા સુધીનો પગાર મળે છે, પણ એ કોઈ બાંહેધરી હોતી નથી.

નર્મદા જિલ્લાની આ બેરોજગારી વિશે વાત કરતા વરિષ્ઠ પત્રકાર અને જાહેરજીવનના અગ્રણી પ્રકાશ શાહ કહે છે કે આ આંકડાઓથી પુરવાર થાય છે કે સરકારનો અગ્રતાક્રમ ખોટો છે.

તેઓ જણાવે છે, " સરકારને મોટી જાહેરાતો કરવી છે પરંતુ પ્રજાની ઉત્પાદનશીલતા પર કોઈ જ ધ્યાન આપવું નથી."

પ્રકાશ શાહ માનવું છે કે લોકો બેરોજગારી જેવા પાયાના પ્રશ્ન પરત્વે બેધ્યાન રહે તે માટે સરકાર મોટા ખર્ચાઓ કરીને તેમને ઉજવણીઓમાં વ્યસ્ત રાખે છે.

line

વિજય રૂપાણીનો રોજગારીમાં નંબર વન હોવાનો દાવો

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, FACEBOOK/VIJAY RUPANI

ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં રોજગારીનું સર્જન કરવામાં ગુજરાત મોખરે છે.

જોકે તેમના આ દાવાનો અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવેએ અસ્વીકાર કર્યો હતો અને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આર્થિક મંદીને કારણે ગુજરાત સહિત, દેશભરમાં બેરોજગારી ખૂબ વધી રહી છે.

બીબીસી ગુજરાતીનાં જ એક બીજા અહેવાલમાં NSSO (નેશનલ સૅમ્પલ સર્વે ઑફિસ)ને ટાંકીને નોંધવામાં આવ્યું છે કે 2011-12માં ગુજરાતમાં 0.5 ટકા બેરોજગારી હતી, જે 2017-18માં વધીને 4.8 ટકા થઈ ગઈ હતી. આ વધતી બેરોજગારીનું મુખ્ય કારણ ટેકસ્ટાઇલ, ડાયમંડ, વગેરે ક્ષેત્રોમાં આવેલી મંદીને માનવામાં આવે છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ ગુજરાત સહિત દેશમાં બેરોજગારી અને મંદી માટે નરેન્દ્ર મોદીની સરકારે કરેલી નોટબંધીને પણ જવાબદાર ઠેરવે છે.

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ થયું ત્યારે પણ બેરોજગારીને મુદ્દે સરકારની ટીકા થઈ હતી.

ગુજરાતના બજેટ પર પ્રતિક્રિયા આપતા વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે બેરોજગારીએ જ્યારે 45 વર્ષનો રૅકર્ડ તોડ્યો છે ત્યારે ગુજરાતના બજેટમાં 1 ટકા લોકોને પણ રોજગારી આપવાની વાત કરાઈ નથી.

તેમણે કહ્યું, "સરકાર 7,000 વર્ગખંડો તો બનાવવાની વાત કરે છે, પરંતુ તેમાં ભણાવવા માટે શિક્ષકોની ભરતી ક્યારે અને કેટલી થશે તે વિશે કંઈ જ કહેતી નથી."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો