મોદી જ્યારે અચાનક પાકિસ્તાન પહોંચી ગયા ત્યારે ખરેખર શું થયું હતું અને કઈ વાતચીત થઈ હતી?

ભારત, પાકિસ્તાન, નરેન્દ્ર મોદી, નવાઝ શરીફ, મોદીની પાકિસ્તાન મુલાકાત, પાકિસ્તાનમાં મોદી, ભારત અને પાકિસ્તાનના સંબંધ, ભારત-પાકિસ્તાન જંગ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25 ડિસેમ્બર, 2015માં પાકિસ્તાનમાં મોદી અને નવાઝ શરીફ વચ્ચે મુલાકાત થઈ હતી
    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક

દસ વર્ષ પહેલાં એટલે 25 ડિસેમ્બર, 2015ની વાત છે. જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ તેમનાં મોટી પૌત્રી મેહરુન્નિસાનાં લગ્ન માટે જાતી ઉમરા (લાહોર) તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનો ફોન રણક્યો. ફોન પર સામે હતા ભારતના નરેન્દ્ર મોદી હતા.

25 ડિસેમ્બરે પાકિસ્તાનમાં નાતાલ અને પાકિસ્તાનના સંસ્થાપક મહમદઅલી ઝીણાના જન્મદિવસની ઉજવણી માટે જાહેર રજા હોય છે. એ દિવસે 2015માં નવાઝ શરીફનો 66મો જન્મદિન પણ હતો.

પાકિસ્તાનના તત્કાલીન વિદેશ સચિવ એજાઝ ચૌધરીના જણાવ્યા અનુસાર, "વડા પ્રધાન મોદીએ પહેલાં તેમને (નવાઝ શરીફ) ફોન પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને પછી પૂછ્યું હતું કે શું તેઓ અફઘાનિસ્તાનની સત્તાવાર મુલાકાતથી દિલ્હી પાછા ફરતી વખતે પાકિસ્તાનમાં રોકાઈ શકે છે?"

વડા પ્રધાન નવાઝ શરીફે જવાબ આપ્યો, "ચોક્કસ, કૃપા કરીને આવો, તમે અમારા મહેમાન છો. આવો અને મારી સાથે ચા પીઓ."

મોદીની પાકિસ્તાન મુલાકાતની યોજના અંગે ભારતમાં લોકોને ત્યારે ખબર ત્યારે પડી જ્યારે તેમણે ટ્વિટર પર (હવે ઍૅક્સ) ખૂબ જ અનૌપચારિક અંદાજમાં લખ્યું, "આજે લાહોરમાં વડા પ્રધાન નવાઝ શરીફને મળવા માટે આતુર છું. દિલ્હી પાછા ફરતી વખતે હું ત્યાં રોકાઈશ."

મુલાકાત પહેલાં એટલો ઓછો સમય હતો કે વિદેશમંત્રી સરતાજ અઝીઝ, વિદેશ બાબતોના સલાહકાર તારિક ફાતમી કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાસિર જંજુઆ સમયસર ઇસ્લામાબાદથી લાહોર પહોંચી શક્યા નહીં.

ભારતીય હાઈકમિશનર સીધા રાયવિંડ પહોંચ્યા

ભારત, પાકિસ્તાન, નરેન્દ્ર મોદી, નવાઝ શરીફ, મોદીની પાકિસ્તાન મુલાકાત, પાકિસ્તાનમાં મોદી, ભારત અને પાકિસ્તાનના સંબંધ, ભારત-પાકિસ્તાન જંગ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે લાહોર ઍરપૉર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું

સરતાજ અઝીઝ તેમના પુસ્તક "બીટવીન ડ્રીમ્સ ઍન્ડ રિયાલિટીઝ"માં લખે છે કે એવું માનવું સંપૂર્ણ ખોટું છે કે નવાઝ શરીફે મોદીને લાહોર આવવાનું આમંત્રણ આપ્યું હતું.

"જો એવું હોત તો હું કે તારિક ફાતમી લાહોર પહોંચી ગયા હોત. આ પ્રવાસ માટે ત્રણ કલાક ખૂબ ઓછા હતા, વિદેશ સચિવ એજાઝ ચૌધરી પહેલાંથી જ લાહોરમાં હતા, તેથી તેઓ બેઠકમાં હાજરી આપી શક્યા."

એજાઝ ચૌધરીના જણાવ્યા મુજબ, તે સમયે તેઓ રજાને કારણે તેમના સંબંધીઓને મળવા માટે લાહોરમાં હતા.

તેમના પુસ્તક "ડિપ્લોમેટિક ફૂટપ્રિન્ટ્સ"માં તેઓ લખે છે કે તેઓ સવારે 11 વાગ્યાની આસપાસ ગોલ્ફ રમવા જઈ રહ્યા હતા, ત્યારે ઇસ્લામાબાદમાં ભારતના હાઈકમિશનર ટીસીએ રાઘવને તેમને ફોન કરીને જાણ કરી કે વડા પ્રધાન મોદીનો દિલ્હી પાછા ફરતી વખતે લાહોરમાં ટૂંકું રોકાણ કરવાનો ઇરાદો છે.

"રાઘવને મને કહ્યું કે તેઓ લાહોર જવા માટે કારમાં બેસી ગયા છે. તેઓ સમયસર ઍરપૉર્ટ પહોંચી શકશે નહીં, તેથી તેઓ સીધા (દક્ષિણ લાહોર) રાયવિંડ (વડા પ્રધાન નવાઝ શરીફનું નિવાસસ્થાન) જશે."

"મેં તાત્કાલિક વડા પ્રધાનના લશ્કરી સચિવને ફોન કર્યો, જેમણે વડા પ્રધાનને પૂછ્યા પછી મને કહ્યું કે મોદી થોડા કલાકોમાં આવી રહ્યા છે અને મને બેઠકમાં હાજરી આપવા કહેવાયું છે."

"મીટિંગ લાહોરમાં હતી અને સમય ઓછો હોવાથી સરતાજ અઝીઝ કે તારિક ફાતમી બંનેમાંથી કોઈ માટે સમયસર પહોંચવું અશક્ય હતું."

નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને ગળે મળ્યા

ભારત, પાકિસ્તાન, નરેન્દ્ર મોદી, નવાઝ શરીફ, મોદીની પાકિસ્તાન મુલાકાત, પાકિસ્તાનમાં મોદી, ભારત અને પાકિસ્તાનના સંબંધ, ભારત-પાકિસ્તાન જંગ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લગભગ ચાર કલાક પછી મોદી લાહોરમાં ઊતર્યા. નવાઝ શરીફે લાહોર ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કર્યું.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ, નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યા.

એજાઝ ચૌધરી લખે છે કે આ કોઈ "ઔપચારિક મુલાકાત નહોતી અને સમય ખૂબ જ ઓછો હતો. અમે ફક્ત રેડ કાર્પેટ પાથરી શક્યા અને ગાર્ડ ઑફ ઑનર પણ ન આપી શક્યા."

રૉયટર્સે વિદેશ મંત્રાલયના એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે નવાઝ શરીફે મોદીને કહ્યું, "તો આખરે તમે આવી પહોંચ્યા."

મોદીએ જવાબ આપ્યો, "હા, બિલકુલ. હું આવી ગયો છું."

બંને હાથમાં હાથ પકડીને હસતાં હસતાં આગળ ચાલ્યા. તેઓ એક હેલિકૉપ્ટરમાં રાયવિંડ ફાર્મહાઉસ તરફ ગયા.

એજાઝ ચૌધરીના જણાવ્યા મુજબ, રાયવિંડ જતાં પહેલાં પ્રતિનિધિમંડળને બે હેલિકૉપ્ટરથી લાહોરનો હવાઈ પ્રવાસ કરાવડાવ્યો, જેમાંથી એકમાં તેઓ બેઠા હતા. "લાહોર સાંજના સમયે સુંદર દેખાતું હતું. પ્રતિનિધિમંડળના કેટલાક સભ્યો એટલા ખુશ હતા કે તેમણે હવાઈ ફોટોગ્રાફ્સ પણ લીધા, ખાસ કરીને લાહોરની દક્ષિણમાં બહરિયા ટાઉનમાં આવેલા ઍફિલ ટાવરના પ્રોટોટાઇપના."

એક દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય વડા પ્રધાનની પાકિસ્તાનની આ પહેલી મુલાકાત હતી.

નવાઝ શરીફનો જન્મદિવસ જ નહીં, પરંતુ તેમના પારિવારિક નિવાસસ્થાનને બીજા દિવસે તેમનાં પૌત્રીનાં લગ્ન માટે લાઇટોથી શણગારાયું હતું.

અજાઝ ચૌધરીના જણાવ્યા મુજબ, પ્રતિનિધિમંડળની મુલાકાત માટે બેઠકરૂમમાં સોફાની ગોઠવણ બદલવામાં આવી. "વડા પ્રધાન (નવાઝ શરીફ) સાથે તેમના બે પુત્રો અને તેમના ભાઈ અને પંજાબના મુખ્ય મંત્રી શહબાઝ શરીફ, તત્કાલીન સંઘીય નાણામંત્રી ઇશાક ડાર અને હું હતા. મોદી સાથે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ જયશંકર અને હાઈકમિશનર રાઘવન પણ હતા, જેઓ પહેલાંથી જ લાહોર પહોંચી ચૂક્યા હતા."

"પ્રથમ બંને વડા પ્રધાનોએ સંબંધોને સામાન્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ સાથે બંનેએ તેમના પ્રતિનિધિમંડળોનો પરિચય કરાવ્યો."

"વડા પ્રધાનના કહેવા પર મેં તેમને દ્વિપક્ષીય સંવાદને બહાલ કરવા તાજેતરના દ્વિપક્ષીય સંપર્કો વિશે માહિતી આપી અને કહ્યું કે તેને ચાલુ રાખવા માટે ચિંતાઓને દૂર કરવા, તણાવ ઘટાડવા અને બંને પક્ષો પર પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાની જરૂર છે."

"જંગને કાટ લાગી ગયો છે"

ભારત, પાકિસ્તાન, નરેન્દ્ર મોદી, નવાઝ શરીફ, મોદીની પાકિસ્તાન મુલાકાત, પાકિસ્તાનમાં મોદી, ભારત અને પાકિસ્તાનના સંબંધ, ભારત-પાકિસ્તાન જંગ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવાઝ શરીફના ઘરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

સરતાજ અઝીઝ તેમના પુસ્તકમાં તે સમયના ઉતારચઢાવવાળા માહોલ વિશે લખ્યું છે, "મે 2014માં મોદીએ પોતાના શપથગ્રહણ સમારોહમાં સામેલ નવાઝ શરીફ સાથે ઑગસ્ટમાં વિદેશ સચિવોની બેઠકનું આયોજન કર્યું હતું, પરંતુ પાકિસ્તાની રાજદૂત દ્વારા નવી દિલ્હીમાં કાશ્મીરી હુર્રિયત નેતાઓ સાથેની બેઠકનો વિરોધ કરતા ભારતે આ બેઠક રદ કરી હતી."

"ત્યાર બાદ જુલાઈ 2015માં રશિયાના ઉફામાં શિખર સંમેલનમાં નિર્ધારિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક પણ રદ કરાઈ હતી."

સરતાજ અઝીઝ લખે છે, "પછી નવેમ્બર 2015માં કદાચ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે મોદીએ પેરિસ જળવાયુ સંમેલનથી અલગ નવાઝ શરીફને કહ્યું, 'ચાલો આપણે એક નવી શરૂઆત કરીએ.'"

"નવાઝ શરીફ સહમત થયા અને કહ્યું કે તેઓ 9 ડિસેમ્બરે ઇસ્લામાબાદમાં 'હાર્ટ ઑફ એશિયા' કૉન્ફરન્સમાં ભારતીય વિદેશમંત્રી સુષમા સ્વરાજનું સ્વાગત કરશે. મોદીએ કહ્યું કે આ ત્યારે જ શક્ય બનશે જો બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો પહેલાં મળે. બંને દેશોના સલાહકારો 6 ડિસેમ્બરે બૅંગકૉકમાં મળ્યા હતા અને સુષમા સ્વરાજે ઇસ્લામાબાદ કૉન્ફરન્સમાં હાજરી આપી હતી."

સરતાજ અઝીઝના જણાવ્યા મુજબ, ગરમાગરમ ચર્ચા પછી દ્વિપક્ષીય બેઠકમાં "અમે આઠ મુદ્દાઓ હેઠળ તમામ પર વ્યાપક વાટાઘાટ કરવા સંમત થયા. 16 દિવસ પછી જ્યારે વડા પ્રધાન મોદી લાહોરની મુલાકાતે આવ્યા ત્યારે આ મુલાકાતના સકારાત્મક સંકેતો વધુ મજબૂત બન્યા."

અજાઝ ચૌધરી લખે છે કે લાહોરમાં મોદીના પ્રતિનિધિમંડળમાં સામેલ વિદેશ સચિવ એસ. જયશંકર "મારી બ્રીફિંગ સાથે સંમત થયા અને કહ્યું કે તેઓ વાતચીતની પ્રક્રિયા શરૂ કરવા જાન્યુઆરીના મધ્યમાં ઇસ્લામાબાદ આવવા તૈયાર છે."

તેમના મતે, "જ્યારે અમારી બ્રીફિંગ સમાપ્ત થઈ, ત્યારે મોદી બંને પ્રતિનિધિમંડળો વચ્ચેના ટેબલ તરફ જોઈ રહ્યા હતા અને વિચારમાં ખોવાયેલા હતા. પછી તેમણે માથું ઊંચું કર્યું અને અમારી તરફ જોઈને કહ્યું: 'યુદ્ધ કાટમાં ફેરવાઈ ગયું છે, હવે કોઈ યુદ્ધ થશે નહીં.'"

"શહબાઝ શરીફે કહ્યું કે યુદ્ધોએ ગરીબી અને સંસાધનોની બરબાદી સિવાય કશું આપ્યું નથી. નવાઝ શરીફે પણ કહ્યું કે યુદ્ધોથી આપણને કંઈ હાંસલ થયું નથી."

"મોદીએ ડિઝાસ્ટર વ્યવસ્થાપન જેવાં ક્ષેત્રોમાં 'સાર્ક' મંચના અસરકારક ઉપયોગ પર ભાર મૂક્યો. શહબાઝ શરીફે કહ્યું કે આપણે પ્રાદેશિક સહયોગ માટે યુરોપિયન અનુભવમાંથી શીખી શકીએ છીએ."

"મોદીએ પ્રસ્તાવ મૂક્યો કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે 1857ના સ્વતંત્રતા સંગ્રામની વર્ષગાંઠ ઊજવે, જે આ ત્રણેય દેશોએ સાથે મળીને લડ્યો હતો. નવાઝ શરીફે માથું હલાવ્યું, પણ કંઈ કહ્યું નહીં."

"પછી મોદીએ સીધા નવાઝ શરીફ તરફ જોયું અને કહ્યું, 'તમારા પણ વાજપેયીજી સાથે સારા સંબંધો હતા. કેમ, એવું જ છે ને!'"

"નવાઝ શરીફે સંમતિમાં માથું હલાવ્યું અને યાદ કર્યું કે કેવી રીતે 1999ની શરૂઆતમાં વાજપેયીની લાહોરની મુલાકાતે દ્વિપક્ષીય સહયોગ માટે નવી દિશા ખોલી હતી."

નરેન્દ્ર મોદીની મુલાકાત અંગેના ટ્વીટ્સથી ખબર પડી...

ભારત, પાકિસ્તાન, નરેન્દ્ર મોદી, નવાઝ શરીફ, મોદીની પાકિસ્તાન મુલાકાત, પાકિસ્તાનમાં મોદી, ભારત અને પાકિસ્તાનના સંબંધ, ભારત-પાકિસ્તાન જંગ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત પહોંચ્યા પછી વડા પ્રધાન મોદીએ અનેક ટ્વીટમાં લાહોરની 'વાર્મ ઇવનિંગ'ને યાદ કરી હતી

આ પ્રસંગ માટે 'હાઈ ટી' માટેની બધી વ્યવસ્થા કરાઈ હતી.

એજાઝ ચૌધરી લખે છે કે ચા આપતી વખતે નવાઝ શરીફે કહ્યું, "આપણે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે નક્કર અને એવા નિર્ણયો લેવાની જરૂર છે, જેનું કોઈ પરિણામ આવી શકે."

"મોદીએ સંમતિમાં માથું હલાવ્યું અને કહ્યું કે પડોશીઓ વચ્ચેના સંબંધો સામાન્ય થવા જોઈએ. ચાલો આપણે આ હાઇપનો અંત લાવીએ અને લોકો વચ્ચેના જોડાણને પ્રોત્સાહન આપીએ."

"મોદીએ ત્યાર બાદ ચીન સાથે ભારતના સંબંધોનો ઉલ્લેખ કર્યો કહ્યું કે જ્યારે ત્યાં સમસ્યાઓ પણ હતી, પરંતુ વેપારી સંપર્કો પણ વિકસી રહ્યા હતા, પાકિસ્તાન સાથે પણ આવું જ થઈ શકે છે."

એજાઝ ચૌધરીના જણાવ્યા મુજબ, મુલાકાત લગભગ ચાલીસ મિનિટ ચાલી. "બાદમાં મોદી નવાઝ શરીફની પૌત્રીને તેનાં લગ્ન માટે અભિનંદન આપવા માટે બાજુના રૂમમાં ગયા."

"થોડી વાર પછી બધા ફરીથી હેલિકૉપ્ટરમાં બેસીને અલ્લામા ઇકબાલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચ્યા. વડા પ્રધાન મોદીને વિદાય આપ્યા પછી વડા પ્રધાન નવાઝ શરીફે મને મીડિયાને જણાવવા કહ્યું કે આ એક શુભેચ્છા મુલાકાત છે. મેં વાતચીતના મુખ્ય મુદ્દાઓ મીડિયા સમક્ષ રજૂ કર્યા."

"પરંતુ મીડિયાએ પહેલાંથી જ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું કે મોદીની આ મુલાકાત તેમના અને નવાઝ શરીફ વચ્ચેના કોઈ ગુપ્ત કરારનું પરિણામ છે, પરંતુ હું માનું છું કે આ મુલાકાત અચાનક થઈ હતી."

ડૉન અખબાર માટે લખતા મન્સૂર મલિકના અહેવાલ મુજબ, એક પ્રશ્નના જવાબમાં વિદેશ સચિવે એક બ્રીફિંગ દરમિયાન કહ્યું કે પાકિસ્તાનના નાગરિક અને સૈન્ય નેતૃત્વ એક છે અને આતંકવાદ સામેના યુદ્ધમાં નોંધપાત્ર સફળતાઓ હાંસલ કરી છે, જેનો 'હાર્ટ ઑફ એશિયા' કૉન્ફરન્સમાં હાજરી આપનારા 44 પ્રતિનિધિમંડળોએ સર્વાનુમતે સ્વીકાર કર્યો છે.

ભારત પહોંચ્યા પછી વડા પ્રધાન મોદીએ અનેક ટ્વીટમાં લાહોરમાં તે 'વાર્મ ઇવનિંગ'ને યાદ કરી.

તેમના એક ટ્વીટમાં તેમણે લખ્યું કે "વ્યક્તિગત રીતે નવાઝ શરીફના પ્રેમાળ વ્યવહારથી તેઓ પ્રભાવિત થયા હતા, તેમણે લાહોર ઍરપૉર્ટ પર મારું સ્વાગત કર્યું હતું અને પરત ફરતી વખતે મને વિદાય આપવા ઍરપૉર્ટ પર આવ્યા હતા."

ગુલાબી રાજસ્થાની પાઘડી

ભારત, પાકિસ્તાન, નરેન્દ્ર મોદી, નવાઝ શરીફ, મોદીની પાકિસ્તાન મુલાકાત, પાકિસ્તાનમાં મોદી, ભારત અને પાકિસ્તાનના સંબંધ, ભારત-પાકિસ્તાન જંગ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને ગુલાબી રાજસ્થાની પાઘડી ભેટમાં આપી હતી

વિપક્ષ કૉંગ્રેસના પ્રવક્તાએ તેને "દુર્ભાગ્યપૂર્ણ" ગણાવી કે લોકોને આ મુલાકાત અંગે ટ્વીટથી ખબર પડી. તેમણે કહ્યું કે ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો "એટલા મધુર નથી કે કોઈ બીજા દેશથી પાછા ફરતી વખતે ત્યાં રોકાઈ જવાય."

નવી દિલ્હીમાં કૉંગ્રેસના કાર્યકરોએ મોદીની પાકિસ્તાન મુલાકાતનો વિરોધ કર્યો, તેમનાં પોસ્ટરો બાળ્યાં.

પાકિસ્તાનમાં મોટા ભાગના વિરોધ પક્ષોએ મોદીની આ મુલાકાતનું સ્વાગત કર્યું અને આશા રાખી કે તેનાથી સંબંધો સુધરશે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા એતઝાઝ અહસાને ખાનગી ટીવી ચૅનલ જિઓ સાથે વાત કરતા કહ્યું, "આજનો દિવસ પાકિસ્તાન અને ભારત બંને માટે સારો છે."

આ પ્રતીકાત્મક પગલું પરમાણુ સંપન્ન પડોશી દેશો વચ્ચે શરૂઆતની સુલેહ પ્રક્રિયામાં નવો પ્રાણ ફૂંકવાનો પાયો બની શકતું હતું.

વિશ્લેષક સી. રાજા મોહનના મતે, આ મુલાકાતનો હેતુ કાવતરાખોરોને કોઈ તક ન આપવાનો અને વાટાઘાટને રાજકીય ઊર્જા પૂરી પાડવાનો હતો.

નવાઝ શરીફના જન્મદિવસે વડા પ્રધાનને લાહોરની મુલાકાત લેવાનું સુખદ બહાનું મળ્યું. પાકિસ્તાની ધરતી પર ભારતીય વડા પ્રધાનની મુલાકાતો પ્રમાણમાં ઓછી રહી છે. છેલ્લા દાયકાઓમાં આ માત્ર આઠમી તક હતી અને 11 વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનની પહેલી મુલાકાત હતી.

અખબારોના મતે, વડા પ્રધાન નવાઝ શરીફે તેમનાં પૌત્રીનાં લગ્નમાં મોદીએ ભેટ આપેલી ગુલાબી રાજસ્થાની પાઘડી પહેરી હતી. એવું કહેવાયું હતું કે આ પ્રતીકાત્મક પગલું બંને નેતાઓ વચ્ચેની સદ્ભાવના અને વિશ્વાસને દર્શાવે છે.

પરંતુ આશાનું આ વાતાવરણ લાંબા સમય સુધી ટકી ન શક્યું.

સરતાજ અઝીઝ લખે છે, "2 જાન્યુઆરી, 2016ના રોજ પઠાણકોટમાં આતંકવાદી હુમલો થયો અને ભારતે ફરી એક વાર વિદેશ સચિવોની બેઠક રદ કરી. આ બેઠકમાં વ્યાપક વાટાઘાટનું આયોજન કરવાનું હતું."

"પછી 8 જુલાઈ (ભારત પ્રશાસિત કાશ્મીરમાં) કાશ્મીરી નેતા બુરહાન વાણીને સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા, અને ત્યાં એક લાંબું આંદોલન શરૂ થઈ ગયું."

"આ ઘટના અને તે પછીના વર્ષે જાન્યુઆરીમાં ઉરી હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને નવી દુશ્મનાવટના વમળમાં ધકેલી દીધી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન