ભારત-પાકિસ્તાન સીઝફાયર : જ્યારે ઇંદિરા ગાંધીએ અમેરિકાને કહ્યું - એ દિવસો ગયા જ્યારે કોઈ દેશ ભારતે શું કરવું એ જણાવતો

ઇમેજ સ્રોત, INCINDIA/X
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેની સાંજે સંઘર્ષવિરામ પર સંમતિ સધાયાની જાહેરાત કરાઈ.
બંને દેશો વચ્ચે ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. ભારત અને પાકિસ્તાનનાં સૈન્યોએ એકબીજાના હુમલા નાકામ કર્યાની વાત કરી હતી.
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ભારતીય સૈન્યની કાર્યવાહી 'ઑપરેશન સિંદૂર' અને બાદમાં પાકિસ્તાની ગોળીબારથી બંને દેશો વચ્ચે સંઘર્ષ વધતો જઈ રહ્યો હતો.
ત્યારે જ 10 મેની સાંજે લગભગ પાંચ વાગ્યે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, "અમેરિકાની મધ્યસ્થીમાં થયેલી લાંબી વાતચીત બાદ, મને એ જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે ભારત અને પાકિસ્તાને પૂર્ણ અને તાત્કાલિક સીઝફાયરની વાત પર સંમતિ વ્યક્ત કરી છે."
ટ્રમ્પે આ વાત લખ્યા બાદ ભારત અને પાકિસ્તાની સરકારોએ પણ આ વિશે જાહેરાત કરી.
આ પહેલાં 7 મેની સવારે ભારતીય સૈન્યે કહ્યું હતું કે 'ઑપરેશન સિંદૂર' અંતર્ગત તેણે છ-સાત મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘણાં સ્થળોએ હુમલા કર્યા હતા. એ બાદથી તણાવ વધવા લાગ્યો હતો.
આવી સ્થિતિમાં ચાર દિવસની અંદર જ્યારે સીઝફાયર થયું ત્યારે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
કૉંગ્રેસ, કૉંગ્રેસ સમર્થકો અને કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ આ પ્રસંગે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીનો ઉલ્લેખ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંદિરા ગાંધી અંગે કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, NIXON LIBRARY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસના આધિકારિક ઍક્સ હૅન્ડલથી ઇંદિરા ગાંધી અને ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની તસવીર શૅર કરાઈ છે.
આ તસવીર સાથે કૉંગ્રેસે લખ્યું છે, "ઇંદિરા ગાંધીએ નિક્સનને કહ્યું હતું - અમારી કરોડરજ્જુ સીધી છે. અમારી પાસે ઇચ્છાશક્તિ અને સંસાધન છે જેથી અમે દરેક અત્યાચારનો સામનો કરી શકીએ છીએ. એ સમય જતો રહ્યો કે જ્યારે કોઈ દેશ ત્રણ-ચાર હજાર માઇલ દૂર બેસીને ભારતીયોને તેમના પ્રમાણે ચાલવાના આદેશ આપે."
કૉંગ્રેસે ટ્વીટમાં લખ્યું, "આ હિમ્મત હતી, આ જ હતું ભારત માટે મજબૂતીથી ઊભા રહેવું અને દેશની ગરિમા સાથે સમાધાન ન કરવું."
કૉંગ્રેસ સહિત કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ યુપીએસસી કોચિંગ સાથે જોડાયેલા શિક્ષક વિકાસ દિવ્યકીર્તિનો એક જૂનો વીડિયો શૅર કરી રહ્યાં છે.
આ વીડિયોમાં વિકાસ દિવ્યકીર્તિ કહે છે કે, "એક મહિલા વડાં પ્રધાન બન્યાં અને તેમણે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું. અન્ય લોકો કહેતા રહે છે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી દઈશ. તેમણે કહ્યું નહીં, બે કરી દીધા."
જોકે, કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે 1971 અને 2025ની સરખામણી કરવું એ યોગ્ય નથી.
1971માં જ્યારે પાકિસ્તાન યુદ્ધ બાદ બાંગ્લાદેશ બન્યું હતું, ત્યારે સોવિયેત સંઘ હતો, પરંતુ 1991માં તેનું વિઘટન થઈ ગયું અને પછી રશિયા બન્યું.
રશિયા પાસે એ શક્તિ નથી બચી કે જે સોવિયેત સંઘ પાસે હતી અને તેને ભારત માટે પણ એક ફટકા સ્વરૂપે જોવામાં આવ્યું.
એક તરફ સોવિયેત સંઘે ભારતનો સાથ આપ્યો હતો, તો બીજી તરફ એ સમયે પાકિસ્તાન પરમાણુ શક્તિસંપન્ન દેશ નહોતો.
સોશિયલ મીડિયા પર હંસરાજ મીણાએ લખ્યું, "અમેરિકાની ધમકીઓ હતી. વાસ્તવિકતા મુશ્કેલ હતી, પરંતુ ઇંદિરા ગાંધી ન ગભરાયાં. 1971માં તેમણે ન માત્ર ભારતની ગરિમા બચાવી, પરંતુ પાકિસ્તાનના બે ટુકડા કરીને એક નવો દેશ બનાવડાવી ઇતિહાસ રચી દીધો. તેઓ માત્ર વડાં પ્રધાન નહોતાં. તેઓ જજબો હતાં, એક ઇરાદો હતાં."
તેમજ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે લખ્યું, "જબ તક તોડા નહીં, તબ તક છોડા નહીં."
પત્રકાર રોહિણીસિંહે લખ્યું, "ચૂંટણી લડવા અને યુદ્ધ લડવામાં ઘણો ફરક હોય છે. કોઈ આમ જ ઇંદિરા ગાંધી નથી બની જતું."
કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પત્ર સોશિયલ મીડિયા પર શૅર કર્યો, "12 ડિસેમ્બર 1971ના રોજ ઇંદિરા ગાંધીએ આ પત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ નિક્સનને લખ્યો હતો. ચાર દિવસ બાદ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી લીધી."
આ અંગે ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયે લખ્યું, "1971નું યુદ્ધ પાકિસ્તાની સૈન્યના આત્મસમર્પણ સાથે ખતમ થયું હતું. જોકે, એ બાદ થયેલું શિમલા સમાધાન રશિયા અને અમેરિકા બંનેના દબાણમાં તૈયાર થયું હતું. બારતે 99 હજાર યુદ્ધબંદીઓને કોઈ પણ જાતના વ્યૂહરચનાત્મક લાભ વિના જ છોડી મૂક્યા. ના તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ખાલી કરાવવાની કોઈ શરત મુકાઈ. ના સીમાને ઔપચારિકપણે નક્કી કરવામાં આવી. ના યુદ્ધ કે ભારત પર લાદવામાં આવેલા શરણાર્થી સંકટ માટે કોઈ વળતર મગાયું. ત્યારે ઇંદિરા ગાંધી વડાં પ્રધાન હતાં. સુવિધા પ્રમાણે વાતો જણાવવાનું બંધ કરો."
1971, નિક્સન અને ઇંદિરા ગાંધી : આખો મામલો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન અને ઇંદિરા ગાંધી વચ્ચે રહેલું અંતર કોઈનાથી છુપાયેલું ન હતું.
1967માં નિક્સન જ્યારે ઇંદિરા ગાંધીને દિલ્હીમાં મળ્યા તો 20 મિનિટમાં જ તેઓ એટલાં કંટાળી ગયાં કે તેમણે નિક્સન સાથે આવેલા ભારતીય વિદેશમંત્રાલયના એક અધિકારીને હિંદીમાં પૂછ્યું, "મારે આમને કેટલી વાર સુધી ઝેલવા પડશે?" આવી માહિતી ઇંદિરા ગાંધી પર લખાયેલાં પુસ્તકોમાં મળે છે.
બંનેના સંબંધો 1971 સુધી આવા જ રહ્યા.
નવેમ્બર, 1971માં ઇંદિરા ગાંધી પૂર્વ પાકિસ્તાનમાં થઈ રહેલા અત્યાચાર પ્રત્યે વિશ્વનું ધ્યાન ખેંચવા માટે અમેરિકા ગયા. નિક્સને ઇંદિરા ગાંધીને બેઠક પહેલાં 45 મિનિટ સુધી રાહ જોવડાવી.
વ્હાઇટ હાઉસમાં સ્વાગત ભાષણમાં નિક્સને બિહારના પૂરપીડિતો પ્રત્યે તો પોતાની સહાનુભૂતિ દાખવી, પરંતુ પૂર્વ પાકિસ્તાનનું નામ પણ ન લીધું.
ભારતીય વિદેશ સેવાના એક મોટા અધિકારી મહારાજ કૃષ્ણ રસ્ગોત્રા સાથે બીબીસીના રેહાન ફઝલે અમુક વર્ષો પહેલાં વાત કરી હતી.
ત્યારે રસ્ગોત્રાએ બીબીસીને કહ્યું હતું, "હું એ સમયે ત્યાં જ હતો. નિક્સનનો હેતુ હતો કે ઇંદિરા ગાંધીને તેમની જગ્યા બતાવવામાં આવે. તેઓ ઇંદિરા ગાંધીનું અપમાન કરવા માગતા હતા. શરૂઆતથી જ વાતચીત સારી રીતે નહોતી ચાલી રહી."
રસ્ગોત્રાએ કહ્યું, "ભારતમાં એ સમયે આવેલા એક કરોડ બંગાળી શરણાર્થી અમારા પર બોજો બની ગયા હતા, અને ભૂખ્યા મરી રહ્યા હતા. નિક્સને તેમના વિશે હરફેય ન ઉચ્ચાર્યો. કદાચ તેમને શંકા હતી કે અમે જંગની જાહેરાત કરવા માટે આવ્યા છીએ. તેમણે જાણીજોઈને ઇંદિરા ગાંધી સાથે ગેરવર્તન કર્યું."
ઇંદિરા ગાંધી વિશે રસ્ગોત્રાએ કહ્યું હતું, "તેમણે આ વાતને અવગણી. તેઓ ખૂબ ગરિમાપૂર્ણ મહિલા હતાં. તેમણે નિક્સનને જે કહેવાનું હતું, એ કહી દીધું. તેનો અર્થ એ હતો કે પૂર્વ પાકિસ્તાનમાં જે ખૂનામરકી ચાલી રહી છે, તેને તમે બંધ કરાવો અને જે શરણાર્થી અમારા દેશમાં આવી ગયા છે, એ પાછા પાકિસ્તાન જશે. અમારા દેશમાં તેમના માટે જગ્યા નથી."
અમેરિકન ફ્લીટ અને 1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, NANDA FAMILY
1971ના યુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતાની નેવીનો એક બેડો બંગાળની ખાડી તરફ મોકલ્યો હતો.
ઇંદિરા ગાંધીએ બાદમાં ઇટાલિયન પત્રકાર ઓરિયાના ફલાચીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "જો અમેરિકનોએ એકેય ગોળી ચલાવી હોતો કે અમેરિકનોએ બંગાળની ખાડીમાં બેઠા રહેવા સિવાય બીજું કંઈ પણ કર્યું હોત તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની સંભાવના હતી. પરંતુ તમને સાચું કહું તો મારા મગજમાં એક વાર પણ આ વાતની બીક ન આવી."
ઍડમિરલ એસ.એમ. નંદાએ પોતાની આત્મકથા 'ધ મૅન હુ બૉમ્બ્ડ કરાચી'માં લખ્યું હતું, "ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ સોવિયેત સંઘનું એક વિધ્વંસક અને માઇન્સસ્વીપર મલક્કાની ખાડીમાંથી આ વિસ્તારમાં આવી ચૂક્યો હતો. સોવિયેત બેડો એ સમય સુધી અમેરિકન બેડાનો પીછો કરતો રહ્યો, જ્યાં સુધી એ જાન્યુઆરી, 1972ના પ્રથમ સપ્તાહમાં ત્યાંથી જતો ન રહ્યો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












