એક પણ સૈનિક ગુમાવ્યા વિના, અમેરિકાએ માત્ર 2 કલાક અને 20 મિનિટમાં માદુરોને કેવી રીતે પકડી લીધા?

ઇમેજ સ્રોત, Donald Trump / TruthSocial
- લેેખક, ગૅરેથ ઇવાન્સ
- પદ, વૉશિંગ્ટન
અમેરિકન જાસૂસો છેલ્લા કેટલાક મહિનાથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની દરેક હિલચાલ ઉપર નજર રાખી રહ્યા હતા.
વેનેઝુએલાના સરકારી ખબરી સહિત એક નાની ટીમ દરેક બાબત પર નજર રાખી રહી હતી.
લશ્કરના મોટા અધિકારીઓએ કહ્યું કે તેઓ બધું મૉનિટર કરી રહ્યા હતા, જેમાં 63 વર્ષીય માદુરો ક્યાં સૂવે છે, શું ખાય છે, શું પહેરે છે, અને તેમનાં પાલતુ પ્રાણીઓ વગેરે બાબતો પણ સામેલ છે.
ત્યાર બાદ, ડિસેમ્બરની શરૂઆતમાં, "ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ" નામના મિશનને મંજૂરી આપવામાં આવી.
આ મિશન મહિનાઓના ઝીણવટભર્યાં આયોજન અને તૈયારીનું પરિણામ છે.
યોજનાના ભાગ રૂપે અમેરિકનાં ઉચ્ચ તાલીમ મેળવેલાં દળોએ કારાકાસમાં માદુરોના સેફ હાઉસ જેવું એક કામચલાઉ ઘર બનાવ્યું અને તેમાં પ્રવેશવાનો અભ્યાસ કર્યો.
આ લૅટિન અમેરિકામાં અસાધારણ યુએસ લશ્કરી હસ્તક્ષેપ માટેની યોજના હતી. શીતયુદ્ધ પછી આવું કંઈ બન્યું ન હતું. આ આખી યોજના અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી.
કૉંગ્રેસને (અમેરિકન સંસદ) જાણ કરવામાં આવી નહોતી. કોઈ મસલત કરવામાં આવી નહોતી. બધી તૈયારીઓ પૂરી થયા બાદ, લશ્કરના ઊંચા હોદા ધરાવતા અધિકારીઓ ઑપરેશન લૉન્ચ કરવા માટે યોગ્ય પરિસ્થિતિઓની રાહ જોઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિકારીઓ પ્રમાણે તેઓ આ ઑપરેશન અભૂતપૂર્વ સ્તરે પાર પડાય એવું ઇચ્છતા હતા. ટ્રમ્પે ચાર દિવસ પહેલાં જ્યારે આ યોજનાની મંજૂરી આપી ત્યારે જ તેઓ આ ઑપરેશન તાત્કાલિક પાર પાડવા માગતા હતા, પરંતુ તેમણે અનુકૂળ હવામાન માટે રાહ જોવી પડી.
રવિવારે સવારે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં દેશના સૈન્યના સર્વોચ્ચ અધિકારીએ જણાવ્યું, "નાતાલ અને નવ વર્ષના અઠવાડિયામાં દરમિયાન પણ અમેરિકન સૈન્યનાં પુરુષો અને મહિલા આ યોજનાને પાર પાડવા ખડેપગ હતાં, તેઓ યોગ્ય સમય અને રાષ્ટ્રપતિના હુકમની ધૈયપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં."
'શુભેચ્છાઓ, યોજના પૂરી થાય એવી આશા'

ઇમેજ સ્રોત, Donald Trump / TruthSocial
શુક્રવારે રાત્રે 10:46 વાગ્યે (ભારતીય સમય મુજબ શનિવારે સવારે 8:16 વાગ્યે) આખરે રાષ્ટ્રપતિ તરફથી મિશન લૉન્ચ કરવાનો આદેશ મળ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે ખાનગી ચેનલ ફોક્સ ન્યૂઝના કાર્યક્રમ 'ફોક્સ ઍન્ડ ફ્રેન્ડ્સ'ને કહ્યું, "અમે આ ઑપરેશન ત્રણ-ચાર દિવસ પહેલાં કરવાના હતા. પરંતુ અચાનક આ તક આવી ગઈ. મેં કહ્યું, 'ચાલો, મંડી પડો.'"
જનરલ કેઇને કહ્યું, "તેમણે અમને ઑપરેશન માટે શુભેચ્છાઓ પાઠવી, અમે તેના માટે આભારી છીએ."
કારાકાસમાં મધ્ય રાત્રિના થોડો સમય પહેલાં ટ્રમ્પના આદેશો આવ્યા, જેના કારણે અંધારામાં ઑપરેશન પાર પાડવાનું શક્ય બન્યું.
એ બાદ જમીન, સમુદ્ર અને હવામાર્ગે બે કલાક 20 મિનિટ લાંબું ઑપરેશન ચલાવાયું. જેણે વૉશિંગટન સહિત આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું.
કાર્યવાહીના કદ અને તેની ચોકસાઈની દૃષ્ટિએ આ ઑપરેશન અભૂતપૂર્વ હતું. આ ઑપરેશનની તરત ઘણા દેશોએ નિંદા પણ કરી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડીસિલ્વાએ કહ્યું કે વેનેઝુએલાના નેતાની આવી હિંસક રીતે થયેલી ધરપકડ "સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અત્યંત ખતરનાક એવું વધુ એક ઉદાહરણ" હતું.
"ટીવી શો જેવો અનુભવ થયો"
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ સિચ્યુએશન રૂમમાંથી મિશનનું નિરીક્ષણ કર્યું નહોતું, તેમણે ફ્લોરિડાના પામ બીચસ્થિત તેમના માર-એ-લાગો ક્લબમાંથી તેમના સલાહકારો સાથે ઑપરેશન લાઇવ જોયું હતું. આ દરમિયાન અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએના (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) ડિરેક્ટર જોન રેટક્લિફ અને સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયો પણ તેમની સાથે હતા.
ટ્રમ્પે કહ્યું, "એ અદ્ભુત હતું."
તેમણે આગળ જણાવ્યું, "જો તમે જે બન્યું એ જોયું હોત તો, મારો મતલબ છે કે, મેં એને ખરેખર એવી રીતે જોયું કે જાણે હું ટેલિવિઝન શો જોઈ રહ્યો હોઉં. જો તમે એ ઝડપ, એ હિંસા જોઈ હોત તો... એ બસ, ખૂબ અદ્ભુત વાત હતી, એ લોકોએ ખૂબ સારું કામ કર્યું."
તાજેતરના મહિનાઓમાં, હજારો યુએસ સૈનિકોને આ પ્રદેશમાં તહેનાત કરવામાં આવ્યા છે. એક વિમાનવાહક જહાજ અને ડઝનબંધ મોટાં યુદ્ધ જહાજો તહેનાત કરવામાં આવ્યાં છે. આ દાયકાઓમાં થયેલી સૌથી મોટી લશ્કરી તહેનાતી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે માદુરો પર ડ્રગ હેરફેર અને નાર્કો-આતંકવાદનો આરોપ લગાવતાં આ પગલાં લીધાં છે. કથિતપણે ડ્રગ્સની હેરફેર કરતી ડઝનબંધ નાની બોટો સળગાવી દેવાઈ છે.
"જ્યાં જુઓ ત્યાં અંધકાર"

ઇમેજ સ્રોત, Getty Images
ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વની પહેલી ઝલક આકાશમાં જોવા મળી હતી. યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઑપરેશન દરમિયાન બૉમ્બર્સ, ફાઇટર જેટ અને રિકોનિસન્સ પ્લેન સહિત 150 થી વધુ વિમાનોને રાતોરાત તહેનાત કરવામાં આવ્યાં હતાં.
ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને જણાવ્યું, "આ ખૂબ જ મુશ્કેલ, ખૂબ જ જટિલ કામગીરી હતી. ઉતરાણ, ફ્લાઇટ્સની સંખ્યા."
તેમણે કહ્યું, "દરેક શક્ય સ્થિતિ માટે અમારી પાસે ફાઇટર જેટ તૈયાર હતાં."
સ્થાનિક સમય મુજબ સવારે બે વાગ્યે કારાકાસમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા. શહેરમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.
રિપોર્ટર એના વેનેસા હેરેરોએ બીબીસીને જણાવ્યું, "મેં એક મોટો અવાજ સાંભળ્યો, ખૂબ જ મોટો અવાજ."
"બધી બારીઓ હચમચી ગઈ. તરત જ ધુમાડાનું એક મોટું વાદળ દેખાયું. ધુમાડો સાફ થયા પછી, ત્યાં કંઈ દેખાતું નહોતું."
એના વેનેસાએ કહ્યું, "શહેરમાં વિમાનો અને હેલિકૉપ્ટર ઊડતાં જોવા મળ્યાં."
સોશિયલ મીડિયા પર આકાશમાં મોટી સંખ્યામાં વિમાનો અને વિસ્ફોટો પછીની ઘટનાઓના વીડિયો વ્યાપકપણે શૅર કરવામાં આવ્યા હતા. એક વીડિયોમાં કારાકાસ ઉપર ઓછી ઊંચાઈએ ઊડતાં હેલિકૉપ્ટરની હાર અને વિસ્ફોટોને કારણે ધુમાડાના ગોટા જોવા મળ્યાં હતાં.
પ્રત્યક્ષદર્શી ડેનિએલાએ બીબીસીને જણાવ્યું, "અમે લગભગ 1:55 વાગ્યે મોટા વિસ્ફોટોના અવાજથી જાગી ગયા. અમને કારાકાસ ઉપર ઊડતાં વિમાનોનો અવાજ સંભળાતો હતો. બધે અંધારું હતું. વિસ્ફોટ વખતે જ અમને પ્રકાશ દેખાતો હતો,"
તેમણે કહ્યું, "ગ્રૂપ ચેટમાં બધા મૅસેજ કરી રહ્યા હતા, તેમને બધાને શું થઈ રહ્યું છે તેની કંઈ ખબર નહોતી. તેઓ બ્લાસ્ટથી ગભરાઈ ગયા હતા."
વીજળી ગુલ થઈ ગઈ

ઇમેજ સ્રોત, US Government
બીબીસી વૅરિફાયે કારાકાસના કયા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે જાણવા માટે વિસ્ફોટો, આગ અને ધુમાડાના અસંખ્ય વીડિયોની તપાસ કરી.
બીબીસી વૅરિફાયે પુષ્ટિ કરી છે કે અત્યાર સુધીમાં પાંચ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં જનરલિસિમો ફ્રાન્સિસ્કો ડી મિરાન્ડા એર બેઝ, લા કાર્લોટા તરીકે ઓળખાતું ઍરપૉર્ટ અને કેરેબિયન સમુદ્રમાં કારાકાસનું મુખ્ય પ્રવેશદ્વાર એવા લા ગુએરા બંદરનો સમાવેશ થાય છે .
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકન હુમલામાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને અન્ય લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે મિશન શરૂ થાય તે પહેલાં કારાકાસમાં વીજળી કાપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમણે એ કેવી રીતે કરવામાં આવ્યું તે જણાવ્યું ન હતું.
તેમણે કહ્યું, "અમારી ખાસ કુશળતાથી, અમે કારાકાસમાં શક્ય તેટલી વધુ લાઇટો બંધ કરી દીધી. બધું અંધકારમય અને નિર્જીવ બની ગયું."
"તેમને ખબર હતી કે અમે આવી રહ્યા છીએ"

ઇમેજ સ્રોત, US Navy/Reuters
કારાકાસની આસપાસ ભારે હુમલાઓ દરમિયાન અમેરિકન દળો શહેરમાં પ્રવેશ્યાં.
અમેરિકામાં બીબીસીના પાર્ટનર સીબીએસને સૂત્રોએ જણાવ્યું હતું કે આ દળમાં યુએસ સૈન્યના ચુનંદા સ્પેશિયલ મિશન યુનિટ, ડેલ્ટા ફોર્સના સભ્યોનો સમાવેશ થતો હતો.
તેઓ ભારે શસ્ત્ર-સંરજામથી સજ્જ હતા અને તેમની પાસે માદુરોના સેફ હાઉસના લોખંડના દરવાજા કાપવા માટે બ્લૉટૉર્ચ પણ હતી.
જનરલ કેઇને જણાવ્યું હતું કે શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 2:01 વાગ્યે હુમલા શરૂ થયાના થોડા સમય પછી દળો માદુરોના ઘરે પહોંચ્યાં હતાં.
ટ્રમ્પે કારાકાસના કેન્દ્રમાં આવેલા માદુરોના ઘરનો ભારે સુરક્ષાવાળા લશ્કરી "ગઢ" તરીકે ઉલ્લેખ કર્યો.
જનરેલ કેઇને કહ્યું, "તેઓ તૈયાર હતા, અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમને અમે આવી રહ્યા છે તેની ખબર હતી."
અમેરિકન દળોને પ્રવેશતાં જોતાં જ માદુરોના સૈન્યે ગોળીબાર શરૂ કરી દીધો. એક અમેરિકન હેલિકૉપ્ટરને નુકસાન થયું હતું, પરંતુ તે સુરક્ષિત રીતે ઉડાન ભરવામાં સફળ રહ્યું.
"માદુરોનો નાસી છૂટવાનો પ્રયાસ"

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જનરલ કેઇને કહ્યું, "સ્પેશિયલ ફોર્સના જવાનો માદુરોના ઘરના પરિસરમાં ઝડપભેર, ચોકસાઈ અને શિસ્તબદ્ધ રીતે પ્રવેશી ગયા."
ટ્રમ્પે કહ્યું, "તેઓ પ્રવેશી ગયા. તેઓ એવા વિસ્તારોમાં પ્રવેશવામાં સફળ રહ્યા જે તેમને અશક્ય લાગતા હતા. તેમણે રક્ષણ તરીકે ગોઠવાયેલા સ્ટીલના દરવાજા પણ તોડી નાખ્યા."
આ કાર્યવાહીના ભાગરૂપે માદુરોનાં પત્ની સિલિયા ફ્લોરેસની પણ અટકાયત કરાઈ હતી. સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ કૉંગ્રેસના સભ્યોને આ ઑપરેશન અંગે માહિતી આપી, જેનાથી કૉંગ્રેસના કેટલાક સભ્યો ગુસ્સે થયા.
સેનેટ ડેમૉક્રૅટિક નેતા ચક શુમરે જણાવ્યું, "આપણે જાણીએ છીએ કે નિકોલસ માદુરો એક ગેરકાયદેસર સરમુખત્યાર છે, પરંતુ કૉંગ્રેસની મંજૂરી વિના અને આગળ શું કરવું તેની સ્પષ્ટ યોજના વિના લશ્કરી કાર્યવાહી શરૂ કરવી એ બેદરકારીભર્યું છે."
રુબિયોએ એક પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે જો કૉંગ્રેસને અગાઉથી જાણ કરવામાં આવી હોત, તો મિશન જોખમમાં મુકાઈ ગયું હોત. ટ્રમ્પે ઉમેર્યું હતું કે 'કૉંગ્રેસને માહિતી લીક કરવાની ટેવ છે, જે ઠીક નથી.
ટ્રમ્પે કહ્યું કે યુએસ દળો કંપાઉન્ડમાં પ્રવેશ્યા પછી માદુરોએ સેફ રૂમમાં જવાનો પ્રયાસ કર્યો.
ટ્રમ્પે કહ્યું, "મહિનાઓથી પોતાની સુરક્ષા માટે ક્યુબન બૉડીગાર્ડ્સ પર આધાર રાખનાર નિકોલસ માદુરોએ સેફ એરિયામાં જવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે સલામત ન હતું. કારણ કે અમે 47 સેકન્ડમાં દરવાજો તોડી નાખ્યો હોત."
"એ દરવાજા પાસે ગયા, પણ તે તેને બંધ કરી શક્યા નહી. અમેરિકન દળો માદુરો તરફ ધસી આવ્યાં. જેથી એ દરવાજો બંધ ન કરી શક્યો."

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
જો માદુરોએ ધરપકડનો પ્રતિકાર કર્યો હોત તો શું તેમની હત્યા થઈ હોત? આના જવાબમાંટ્રમ્પે કહ્યું, "એવું જ થયું હોત."
ટ્રમ્પે કહ્યું કે બે અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. વેનેઝુએલાના અધિકારીઓએ હજુ સુધી મૃતકાંકની પુષ્ટિ કરી નથી.
અમેરિકાએ અગાઉ માદુરોની ધરપકડ માટે મદદરૂપ માહિતી માટે 50 મિલિયન ડૉલરના ઇનામની જાહેરાત કરી હતી.
શનિવારે સ્થાનિક સમય મુજબ સવારે 4:20 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:50 વાગ્યે) માદુરો અને તેમનાં પત્નીને લઈ જતાં હેલિકૉપ્ટર વેનેઝુએલાના હવાઈ ક્ષેત્રમાંથી નીકળ્યાં. બંનેને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં અને ન્યૂયૉર્ક લઈ જવામાં આવ્યાં હતાં. તેમના પર ફોજદારી આરોપો લાગી શકે છે.
ટ્રમ્પે લગભગ એક કલાક પછી માદુરોની ધરપકડની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું, "માદુરો અને તેમની પત્ની પર ટૂંક સમયમાં અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા ખટલો ચલાવાશે."
(ક્રિસટોબાલ વાસકેઝ દ્વારા વધારાનું રિપોર્ટિંગ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












