ગુજરાત સુધી ફેલાયેલી સિંધુ ખીણ સભ્યતાનો અંત સેંકડો વર્ષોના દુષ્કાળને કારણે થયો? શું કહે છે નવું સંશોધન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, સિંધુ સભ્યતા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રારંભિક હડપ્પા કાળ પર આધારિત તાજેતરના 11 પાનાના એક અભ્યાસ અનુસાર, સિંધુ ખીણની સંસ્કૃતિએ ચાર મોટા દુકાળનો સામનો કરવો પડ્યો હતો
    • લેેખક, અવતારસિંહ
    • પદ, બીબીસી

સિંધુ ખીણની સંસ્કૃતિ કેવી રીતે નાશ પામી, તેનું રહસ્ય આજેય અકબંધ છે અને તેને લઈને સમયાંતરે સંખ્યાબંધ અભ્યાસો પણ હાથ ધરાઈ ચૂક્યા છે.

તાજેતરના એક અભ્યાસમાં પ્રગટ થયું હતું કે, 'હડપ્પીય સંસ્કૃતિનું પતન કોઈ એક વિનાશક ઘટનાને લીધે નહીં, બલ્કે સૈકાઓથી ચાલ્યા આવતા વારંવારના અને લાંબા સમયના દુકાળને કારણે થયું હતું.

સિંધુ ખીણની સંસ્કૃતિના અંતને લઈને અગાઉ ઘણી થિયરીઓ રજૂ કરવામાં આવી ચૂકી છે. જેમાં એવાં કારણો રજૂ કરવામાં આવ્યાં છે કે, આ સંસ્કૃતિ યુદ્ધને કારણે નાશ પામી હતી, કાં તો કુદરતી હોનારતો બાદ શહેરો ધ્વસ્ત થઈ ગયાં કે પછી સિંધુ નદીમાં પૂર આવ્યું અને તેના કારણે તેનું વહેણ ફંટાઈ ગયું હોઈ શકે. એક થિયરી એવી પણ છે કે, તે સમયે અન્ય એક નદી - ઘગ્ગર સૂકાઈ ગઈ, જેના કારણે તેની આસપાસ વસવાટ કરી રહેલા લોકોએ સ્થળાંતર કરવું પડ્યું.

આઈઆઈટી ગાંધીનગર અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલું એક સંશોધન કમ્યુનિકેશન્સ અર્થ ઍન્ડ એન્વાયરમેન્ટ નામની નેચર પબ્લિકેશન જર્નલમાં તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસનું શીર્ષક છેઃ 'નદીના દુકાળને કારણે હડપ્પીય સંસ્કૃતિમાં આવેલું પરિવર્તન'.

આ અભ્યાસ પ્રમાણે, સિંધુ નદી પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના વિકાસનું મુખ્ય કેન્દ્ર હતી. ખેતી, વેપાર અને પ્રત્યાયન (કમ્યુનિકેશન) માટે આ નદી સ્થિર જળસ્રોત પૂરો પાડતી હતી. આ સભ્યતા આશરે 5,000 વર્ષ પૂર્વે સિંધુ નદી અને તેની ઉપનદીઓની આસપાસ પાંગરી હતી અને સમય વીતવા સાથે ફૂલી-ફાલી હતી.

હડપ્પા કાળ (આજથી 4500-3900 વર્ષ પૂર્વે) દરમિયાન, સિંધુ ખીણની સંસ્કૃતિ તેનાં આયોજનબદ્ધ શહેરો, સુયોગ્ય જળ વ્યવસ્થાપન પ્રણાલી અને પ્રગતિશીલ લેખન માટે જાણીતી હતી. જોકે, 3900 વર્ષ પૂર્વે સુધીમાં હડપ્પીય સંસ્કૃતિનો અસ્તાચળ શરૂ થયો અને આખરે તે સંસ્કૃતિનો અંત આવ્યો.

આ સંસ્કૃતિના અવશેષો હાલના પાકિસ્તાન તથા ઉત્તરપૂર્વીય ભારતમાં મળી આવ્યા હતા.

દુકાળ પરના સંશોધનમાં શું જાણવા મળ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, સિંધુ સભ્યતા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધન પ્રમાણે, ત્રીજા દુકાળ દરમિયાન વાર્ષિક વરસાદમાં 13 ટકા ઘટાડો થયો હતો

પ્રારંભિક હડપ્પા કાળ પર આધારિત આ 11 પાનાના તાજેતરના અભ્યાસ પ્રમાણે, સિંધુ ખીણની સંસ્કૃતિએ ચાર મોટા દુષ્કાળોનો સામનો કરવો પડ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંશોધન પત્રમાં જણાવ્યા અનુસાર, "અમે હડપ્પીય યુગ તેની ચરમસીમા પર હતો, તે દરમિયાન અને તેના અંતિમ તબક્કા દરમિયાન આવેલા ચાર ભીષણ દુકાળની ઓળખ કરી છે."

"ત્રણ મુખ્ય દુષ્કાળ અનુક્રમે 4445-4358 વર્ષ પૂર્વે, 4122-4021 વર્ષ પૂર્વે અને 3826-3663 વર્ષ પૂર્વે આવ્યા હતા. ચોથો દુકાળ 3531-3418 વર્ષ પૂર્વેના ગાળા દરમિયાન પડ્યો હતો. ત્રણ દુકાળના ફટકાથી 85 ટકા સભ્યતાને ફટકો પડ્યો હતો."

"બીજા અને ત્રીજા દુષ્કાળ ભીષણ હતા, જે અનુક્રમે 102 વર્ષ અને 164 વર્ષ સુધી ચાલ્યા હતા."

"ત્રીજી અનાવૃષ્ટિ દરમિયાન વાર્ષિક વરસાદના પ્રમાણમાં 13 ટકા ઘટાડો થઈ ગયો હતો."

પર્યાવરણીય દૃષ્ટિકોણથી કરવામાં આવેલા આ સંશોધનના મુખ્ય લેખક હિરેન સોલંકી જણાવે છે, "આ અગાઉ ઘણા અભ્યાસો થઈ ચૂક્યા છે. સંશોધકો સાઇટ પર જઈને ત્યાંથી જમીન અને જૂનાં વૃક્ષો જેવા ડેટા એકત્રિત કરે છે. તેના પરથી જાણી શકાય છે કે, ત્યાં વરસાદ ઓછો હતો કે, વધુ. તેના પરથી ગુણવત્તા જાણી શકાય છે, પણ તે સમયે વરસાદ કેટલા ટકા ઘટી ગયો હતો કે પછી દુષ્કાળો પડ્યા, તે સમયગાળો કયો હતો, તેની જાણકારી અમે મેળવી છે."

પીએચડીના વિદ્યાર્થી હિરેન સોલંકીના જણાવ્યા પ્રમાણે, "અગાઉ હડપ્પીય સંસ્કૃતિ પશ્ચિમી પ્રદેશમાં હતી, પણ દુકાળ આવતાં આ સભ્યતા સિંધુ નદીની નિકટ આવી. તે પછી મધ્ય ભાગમાં, અર્થાત્ સિંધુ નદી તરફ પણ દુષ્કાળો પડ્યા. તે પછી લોકો પહેલાં સૌરાષ્ટ્ર (ગુજરાત)માં અને પછી હિમાલયના નીચલા ભાગોમાં ગયા, જ્યાં નદીઓનો પ્રવાહ વહેતો હતો."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, સિંધુ સભ્યતા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિંધુ નદીની સભ્યતા પરનો આ અભ્યાસ પર્યાવરણના દૃષ્ટિકોણથી હાથ ધરાયો છે

સંશોધન પત્રના સહ-લેખક પ્રોફેસર વિમલ મિશ્રા કહે છે, "આ અગાઉની ઘણી થિયરીમાં જણાવવામાં આવ્યું છે કે, સિંધુ ખીણની સંસ્કૃતિ એકસાથે નાશ પામી, પણ અમે આ અભ્યાસમાં દર્શાવ્યું છે કે, તે સાચું નહોતું. બલ્કે, એક પછી એક દુષ્કાળનો માર સેંકડો વર્ષો સુધી પડતો રહ્યો."

"આ દુકાળ ઘણા લાંબા સમય સુધી ચાલતા રહ્યા. એક દુકાળ સરેરાશ 85 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલ્યો હતો. જોકે, કેટલાક દુષ્કાળ સરેરાશ 100 વર્ષ કે 120 વર્ષો સુધી પણ ચાલ્યા હતા."

વિમલ મિશ્રાના જણાવ્યા પ્રમાણે, "અગાઉનાં મોટાભાગનાં સંશોધનો ઓછી સ્પષ્ટતા ધરાવતા ડેટા પર અને ગુફાનાં અવલોકનો પર આધારિત હતાં, પણ સૌપ્રથમ વખત અમે નદીઓના પ્રવાહનો અભ્યાસ કર્યો છે."

"પાણી મળ્યું હોય, એવાં સ્થળોમાં આવેલું પરિવર્તન અમે જોયું. તેની સાથે સ્થળાંતરનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે."

તાપમાન વધવાથી પાણીની સર્જાયેલી અછત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, સિંધુ સભ્યતા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભ્યાસ પ્રમાણે, ચોમાસાના અભાવે તથા નદીનો જળ પ્રવાહ ઘટી જવાને કારણે ખેતીને ગંભીર ફટકો પડ્યો હતો

સિંધુ ખીણની સભ્યતા પરનું આ સંશોધન પર્યાવરણીય દૃષ્ટિકોણથી હાથ ધરાયું છે. આ સંશોધનમાં ટ્રાન્ઝિયન્ટ ક્લાઇમેટ સિમ્યુલેશન્સનું હાઇડ્રોલૉજિકલ મોડલિંગ સાથે સંયોજન કરવામાં આવ્યું છે.

વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે, લાંબા સમયની અનાવૃષ્ટિઓ દરમિયાન તે પ્રદેશનું તાપમાન લગભગ 0.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું, જેના કારણે પાણીની અછત વધુ તીવ્ર બની હતી.

હિરેન સોલંકીના જણાવ્યા પ્રમાણે, "અમે જોયું કે, તે સમયે તાપમાન વધી ગયું હતું. તેના કારણે ગ્લેશિયર ઓગળી ગયાં, પરિણામે નદીમાં પાણીની પ્રાપ્યતા સુનિશ્ચિત થઈ. પાણીની પ્રાપ્યતાને કારણે લોકો હિમાલય તરફ સ્થળાંતર કરી ગયા."

"બીજી તરફ, સૌરાષ્ટ્રની વાટ પકડવા પાછળનું કારણ એ હતું કે, અન્ય પ્રદેશોની તુલનામાં ત્યાં થોડો વધારે વરસાદ પડતો હતો. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં વેપારનું નેટવર્ક પણ જોડાયેલું હતું."

તેમણે જણાવ્યું હતું, "અમે એમ નથી કહેતા કે, તે જગ્યા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ, પણ આબોહવામાં આવેલા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા માટે લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માંડ્યા."

લોકોએ ખેતીકીય પાકો બદલ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, સિંધુ સભ્યતા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિંધુ ખીણની સંસ્કૃતિ તેના સમય પ્રમાણે સારા આયોજન માટે પ્રસિદ્ધ છે

અભ્યાસ અનુસાર, નબળા ચોમાસા અને નદીના પ્રવાહમાં ઘટાડો થવાથી ખેતી ભારે પ્રભાવિત થઈ હતી. 'લોકો ઘઉં અને જવને બદલે બીજા પાક ઉગાડવા લાગ્યા. અર્થાત્, પાણીની અછતને લીધે હડપ્પાના લોકો ઓછું પાણી જોઈતું હોય, એવા પાકોની ખેતી તરફ વળ્યા.

પ્રોફેસર મિશ્રાના જણાવ્યા પ્રમાણે, શિયાળામાં પડતા વરસાદને લીધે હડપ્પા કાળના ઉત્તરાર્ધમાં દુકાળની અસરો ઘણી ઓછી થઈ ગઈ હતી, પણ છેલ્લા-છેલ્લા હડપ્પીય સમયગાળામાં શિયાળુ વરસાદ પણ બંધ થઈ જતાં વચ્ચેના ભાગોમાં ખેતી માટેનો છેલ્લો આશરો પણ પડી ભાંગ્યો.

સોલંકી સમજાવે છે, "લોકો તેમની ખેતી પદ્ધતિ બદલવા માંડ્યા. તેઓ બાજરી ઉગાડવા લાગ્યા. બાજરી એટલે એવો પાક, જે દુકાળમાં પણ ટકી શકે છે."

"પ્રારંભિક દુષ્કાળો દરમિયાન લોકોએ આ પદ્ધતિ અપનાવી હતી. પણ જ્યારે દુષ્કાળની સ્થિતિ ગંભીર થવા લાગી અને પાણી ઘટવા માંડ્યું, ત્યારે આ સ્થળો મોટાં શહેરોમાંથી નાનાં નગરોમાં રૂપાંતરિત થવા માંડ્યાં. અર્થાત્, લોકો નાનાં સ્થળોએ હિજરત કરી ગયા."

વહીવટી તંત્રની ભૂમિકા શું રહી?

સિંધુ ખીણની સંસ્કૃતિ તેના સમય પ્રમાણે સારા આયોજન માટે પ્રસિદ્ધ છે.

પરંતુ, અનાવૃષ્ટિ દરમિયાન વહીવટી તંત્રની શું ભૂમિકા રહી હશે?

આ અંગે સોલંકી કહે છે, "દુકાળ સર્વત્ર હતો, પણ જ્યાં સારી વ્યવસ્થા હતી, ત્યાં લોકો રહી શકતા હતા. પણ જ્યારે ત્રીજો અને ચોથો દુષ્કાળ ત્રાટક્યો, ત્યારે લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા લાગ્યા."

તેઓ આગળ કહે છે, "અમે આ પાસાંઓનો અભ્યાસ કર્યોઃ હડપ્પીય સભ્યતા એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચી? આ સભ્યતા નાશ પામી, તે પાછળ કયાં કારણો જવાબદાર હતાં? પણ સભ્યતાનો અંત આવવા માટે પર્યાવરણ એકમાત્ર જવાબદાર કારણ ન હતું. આ સિવાય પણ ઘણાં કારણો હતાં, કારણ કે, વચ્ચેનાં વર્ષોમાં પણ દુષ્કાળ પડ્યા હતા."

સાઉથ એશિયા નેટવર્ક ઑન ડેમ્સ, રિવર્સ ઍન્ડ પિપલના કોઑર્ડિનેટર હિમાંશુ ઠક્કર જણાવે છે, "આ સંશોધન ઘણા-ઘણા દાયકાઓ દરમિયાન આકાર પામેલી કુદરતી ઘટના તરફ ઇશારો કરે છે."

તેઓ વધુમાં જણાવે છે, "આજે આપણાં ભૂગર્ભ જળ, નદીઓ અને જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યાં છે. તે સમયે જે સ્થિતિ સર્જાઈ, તે કુદરતી હતી, પણ અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે, તે માનવ-સર્જિત છે. તે વધુ ખતરનાક છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન