જ્યારે નાતાલ માટે પ્રથમ વિશ્વ યુદ્ધ થોભાવવામાં આવ્યું, સ્વયંભૂ યુદ્ધવિરામની અસાધારણ કથા

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, માયલ્સ બર્ક
પ્રથમ વિશ્વ યુદ્ધ ચાલુ હતું. 1914ના શિયાળાની કડકડતી ઠંડી, કાદવ, રક્ત અને યુદ્ધની અંધાધૂંધી વચ્ચે પશ્ચિમી મોરચા પર સ્વયંભૂ યુદ્ધવિરામની એક વિલક્ષણ ઘટના બની હતી.
નાતાલની એ અદભૂત ક્ષણોમાં હથિયારો હેઠાં મૂકવાનો નિર્ણય લેનારા કેટલાક સૈનિકોના ઇન્ટરવ્યૂ બીબીસીએ 1960ના દાયકામાં કર્યા હતા.
રાઇફલમૅન ગ્રેહામ વિલિયમ્સ પાંચમી લંડન રાઇફલ બ્રિગેડમાં કાર્યરત હતા. 1914ની નાતાલની પૂર્વસંધ્યાએ તેઓ પહેરો ભરવાની ફરજ બજાવી રહ્યા હતા.
એ વેળાએ તેઓ નો-મૅન્સ લૅન્ડ (સીમા પરનો એ વિસ્તાર, જેના પર કોઈનું નિયંત્રણ હોતું નથી તેમજ જ્યાં કોઈ સૈનિક કે વ્યક્તિ હોતી નથી) પરથી જર્મન પ્રદેશ તરફ ચિંતાભરી નજર નાખી રહ્યા હતા.
તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધની લાક્ષણિકતા જેવી ક્રૂર હિંસા, રક્તપાત અને વિનાશનો અનુભવ મહિનાઓથી કરી રહ્યા હતા.
બરાબર એ જ સમયે કંઈક અસાધારણ બન્યું હતું.
'સૈનિકોએ અચાનક ગાવાનું શરૂ કર્યું'

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી રેડિયોના વિટનેસ હિસ્ટ્રી કાર્યક્રમમાં એ ઘટનાને યાદ કરતાં ગ્રેહામ વિલિયમ્સે કહ્યું હતું, "જર્મન પ્રદેશમાં અચાનક લાઇટ્સ દેખાવા લાગી હતી. મને લાગ્યું કે કંઈક રમૂજી હશે. એ પછી જર્મન સૈનિકોએ 'સ્ટિલ નાખ્ત, હીલિંગ નાખ્ત' ગીત ગાવાનું શરૂ કર્યું હતું."
"મારા સહિતના અન્ય સૈનિકો પણ સતર્ક થઈ ગયા હતા. તેમણે અન્ય લોકોને સાવધ કરી, શું ચાલી રહ્યું છે તે જોવા માટે બોલાવ્યા હતા. ત્યાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ તેઓ કરતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નો-મૅન્સ લૅન્ડમાં રહેવાને કારણે અનુભવાતી એકલતા, પીડા, ઉદાસી અને નિરાશાજનક વાતાવરણમાં એ અવાજ પડઘાતો હતો.
પરિચિત ગીતે બંને બાજુ પરના ભાષાના અવરોધને તોડી નાખ્યો હતો. સંગીત બંને બાજુ માણસાઈની યાદ અપાવતું હતું.
ગ્રેહામે કહ્યું હતું, "તેમણે ક્રિસમસ કૅરોલ ગાવાનું પૂર્ણ કર્યું અને અમે તાળીઓ પાડી. તેમને દાદ આપી. પછી અમે વિચાર્યું કે અમારે પણ તેમને એ જ રીતે પ્રતિસાદ આપવો જોઈએ. તેથી અમે 'ધ ફર્સ્ટ નૉએલ' ગીત ગાયું."
1914ની ક્રિસમસ પર યુદ્ધવિરામનું મૂળ શું હતું એ જાણવું મુશ્કેલ છે. પશ્ચિમી મોરચા પર ઘણી જગ્યાએ સ્વયંભૂ યુદ્ધવિરામ થયો હતો. યુદ્ધનાં તમામ સ્થળે કોઈ સમાન યુદ્ધવિરામ ન હતો. યુદ્ધવિરામ અલગ અલગ સ્થળોએ અલગ અલગ સ્વરૂપે થયો હતો.
ખાઈમાં રહેલા સૈનિકો માટે એ કેટલાક કલાકો સુધી ચાલ્યો હતો. કેટલાંક સ્થળોએ તે બૉક્સિંગ ડે એટલે કે નાતાલના આગલા દિવસ સુધી ચાલ્યો હતો. કેટલાક દુર્ગમ વિસ્તારોમાં તે નવા વર્ષના પ્રારંભ સુધી ચાલ્યો હતો.
ધુમ્મસ વિખેરાયું અને માનવતા ઊભરી આવી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પશ્ચિમી મોરચાના કેટલાક ભાગોમાં યુદ્ધવિરામ ક્યારેય થયો જ ન હતો. 1914માં નાતાલના દિવસોમાં થયેલી લડાઈમાં 77 બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હતા.
કર્નલ સ્કૉટ શેફર્ડ એ સમયે જુનિયર ઑફિસર હતા. તેઓ ઉત્તરી ફ્રાન્સના આર્મેન્ટિયર્સ શહેર નજીક લડી રહ્યા હતા. તેમના માટે યુદ્ધવિરામ આકસ્મિક રીતે શરૂ થયો હતો. નાતાલના દિવસોમાં નો મૅન્સ લૅન્ડ પર ધુમ્મસ છવાયેલું હતું.
કર્નલ શેફર્ડે એ સમયના ધુમ્મસનું વર્ણન કરતાં બીબીસીને કહ્યું હતું, "ધુમ્મસ એટલું ગાઢ હતું કે મારો લંબાવેલો હાથ સુદ્ધાં જોઈ શકાતો ન હતો."
પ્રગાઢ ધુમ્મસને કારણે મળેલા આવરણનો લાભ લઈને તેમણે બંકર્સનું સમારકામ કરવાનું નક્કી કર્યું હતું. અલબત, સૈનિકો રેતીના કોથળા ભરી રહ્યા હતા અને બંકર્સની દિવાલોનું સમારકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધુમ્મસ વિખેરાવા લાગ્યું હતું.
એ સમયે રાઇફલ બ્રિગેડનું નેતૃત્વ કરી રહેલા જનરલ વૉલ્ટરે, નાતાલના દિવસે શું બન્યું હતું એ તેમનાં પત્નીને લખી જણાવ્યું હતું.
તેમણે લખ્યું હતું, "આશ્ચર્યજનક રીતે ધુમ્મસ ઝડપભેર સાફ થઈ ગયું હતું. અમે જોયું તો જર્મનો પણ અમારી જેમ જ બંકર્સનું સમારકામ કરી રહ્યા હતા. થોડો સમય અમે એકમેકને જોતા રહ્યા હતા."
"પછી અમારા એક-બે સૈનિકો તેમની પાસે ગયા. હાથ મિલાવ્યા. સિગારેટની આપ-લે કરી અને વાતો કરવા લાગ્યા. એ ક્ષણોમાં મહાયુદ્ધ જાણે કે થંભી ગયું હતું."
'સૈનિકોએ કહ્યું, એક દિવસ માટે યુદ્ધવિરામ થવો જોઈએ'
જનરલ વૉલ્ટરે આ યુદ્ધવિરામનું વર્ણન "એક અસામાન્ય પરિસ્થિતિ" તરીકે કર્યું હતું, કારણ કે બન્ને તરફના સૈનિકોના બંકર્સ એટલા નજીક હતા કે સૈનિકો એકમેકને શુભેચ્છા પાઠવી શકતા હતા. તેઓ એકમેકની સાથે વાતો કરી શકતા હતા.
જનરલ વોલ્ટરે તેમનાં પત્નીને લખ્યું હતું, "એક જર્મન સૈનિકે બૂમ પાડીને કહ્યું હતું કે તેમને એક દિવસનો યુદ્ધવિરામ જોઈએ છે અને એ બંકરમાંથી બહાર આવશે તો અમારામાંથી કોઈ બહાર આવશે કે કેમ."
તેમણે આગળ લખ્યું હતું, "અમારા પૈકીનો એક સૈનિક ખૂબ જ સાવધાનીપૂર્વક બંકર પર ચડ્યો અને તેણે જોયું તો એક જર્મન સૈનિક પણ એ રીતે બહાર આવ્યો હતો. પછી બંને બહાર આવ્યા હતા."
"એ પછી વધુ સૈનિકો બંકરમાંથી બહાર આવ્યા હતા. તેઓ આખો દિવસ એકમેકની સાથે રહ્યા હતા. એકમેકને સિગાર આપતા હતા અને સાથે ગીતો ગાઈ રહ્યા હતા."
યુદ્ધવિરામથી સૈનિકોને થોડી રાહત મળી હતી. યુદ્ધવિરામને કારણે તેઓ નો મૅન્સ લૅન્ડમાંથી તેમના મૃત સાથી સૈનિકોના મૃતદેહો પાછા લાવી શક્યા હતા. શહીદ સાથી સૈનિકોને યોગ્ય રીતે દફનાવી શક્યા હતા.
ફૂટબૉલ મૅચ
જે સૈનિકો થોડા કલાકો પહેલાં એકમેકને મારવાના પ્રયાસ કરતા હતા, એકમેકનો જીવ લેવાના પ્રયાસ કરતા હતા તેઓ હવે સિગારેટની આપ-લે કરી રહ્યા હતા.
એકમેકને ખાવાની વસ્તુઓ અને ઘરેથી લાવેલી વસ્તુઓ આપતા હતા. એ દિવસે બંકર્સ વચ્ચેની ખુલ્લી જગ્યામાં સૈનિકો ફૂટબૉલ મૅચ રમ્યા હોવાની માહિતી પણ છે.
કર્નલ જૉહાન્સ નિમૅન એ સમયે 33મી સેક્શન રેજિમેન્ટમાં સેકન્ડ લેફટનનન્ટ હતા અને ફૂટબૉલ મૅચ રમેલા સૈનિકો પૈકીના એક હતા.
"એક બ્રિટીશ સૈનિક અચાનક ફૂટબૉલ લઈને આવ્યો હતો અને પછી ફૂટબૉલ મૅચ શરૂ થઈ હતી. અમારી હેલ્મેટ્સનો ઉપયોગ કરીને અમે ગોલપોસ્ટ બનાવી હતી. બ્રિટીશ સૈનિકોએ પણ એવું કર્યું હતું. પછી અમે ખૂબ ફૂટબૉલ રમ્યા હતા. અંતે જર્મનોએ તે મૅચ 3-2થી જીતી લીધી હતી."
ફરી યુદ્ધ શરૂ

ઇમેજ સ્રોત, HENRY GUTTMANN / STRINGER
પ્રથમ વિશ્વ યુદ્ધની અંધાધૂંધીમાં અગાઉ આવો કોઈ યુદ્ધવિરામ થયો ન હતો. તેથી વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને ચિંતા થવા લાગી હતી.
એ સ્વયંભૂ યુદ્ધવિરામ અને એ સમય દરમિયાન બંને પક્ષોના સૈનિકો વચ્ચે વિકસેલી અણધારી દોસ્તીથી લશ્કરી અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને ડર લાગ્યો હતો કે આમ થવાથી તેમના સૈનિકોની લડવાની ઇચ્છા નબળી પડી જશે અને તેની માઠી અસર યુદ્ધ પર થશે.
ત્યાર બાદ બન્ને તરફથી આદેશ આપવામાં આવ્યો હતો. "દુશ્મનો સાથેની શાંતિ" પર પૂર્ણવિરામ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે સૈનિકો હુકમનું પાલન નહીં કરે તેમને કોર્ટ માર્શલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
બંકર નજીક આવતા દુશ્મન સૈનિકો પર ગોળીબાર કરવાનો આદેશ અધિકારીઓને આપવામાં આવ્યો હતો.
પરિણામે, સમગ્ર યુદ્ધ મોરચે ધીમે ધીમે ફરી ગોળીબાર શરૂ થયો. યુદ્ધની ક્રૂરતા, યુદ્ધની ભયાનકતા વધતી ગઈ. વિરોધી દેશો વચ્ચેની કડવાશમાં વધારો થતો રહ્યો.
એ પછીનાં વર્ષોમાં ક્રિસમસ વેળાએ આવું ચિત્ર જોવા મળ્યું ન હતું, કારણ કે ક્રિસમસ કૅરોલના કોઈ પણ અવાજને દબાવી દેવાના હેતુસર મશીનગન્સથી એ જ સમયે ધાણીફૂટ ગોળીબાર કરવામાં આવતો હતો.
'માનવતા દર્શાવતી ક્ષણ'
1914ના સ્વયંભૂ યુદ્ધવિરામથી પ્રથમ વિશ્વયુદ્ધનો માર્ગ બદલાયો ન હતો, પરંતુ ઇતિહાસકાર ડેન સ્નોએ બીબીસીના વોઇસીસ ઑફ ધ ફર્સ્ટ વર્લ્ડ વૉર પોડકાસ્ટમાં કહ્યું હતું તેમ, એવું ખરેખર બન્યું હતું એ ચમત્કાર છે.
તેમણે કહ્યું હતું, "નોકરશાહી, મશીનરી અને વિનાશક વિસ્ફોટકોના ભીષણ યુદ્ધમાં તે માનવતાની એક નાની પણ ખૂબ જ અસરકારક ક્ષણ હતી."
કર્નલ સ્કૉટ શેફર્ડ જેવા એ ક્ષણ અનુભવનારા સૈનિકો પર તેની ઊંડી અસર થઈ હતી. બંને બાજુ પરના સૈનિકો એક ક્ષણ માટે એકમેકને પોતાના પિતા, ભાઈ અને પુત્ર તરીકે જોવા લાગ્યા હતા.
એ સૈનિકો ચહેરા વિનાના દુશ્મન બનીને મારવાને બદલે પોતાના ઘરે પાછા ફરવા અને તેમના પ્રિયજનોને મળવા આતુર હતા.
"એ પૈકીના અનેક સૈનિકો અંગ્રેજી બોલતા હતા. તેમણે સમગ્ર યુદ્ધ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ આક્રામક તો બિલકુલ ન હતા."
તેમણે ઉમેર્યું હતું, "એ પૈકીના કેટલાકે કહ્યું હતું કે તેઓ લંડન, ઇંગ્લૅન્ડ ગયા હતા. હકીકતમાં તેમણે અમને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો."
(આ લેખ બીબીસીની 'ઇન હિસ્ટ્રી' શ્રેણીમાંથી લેવામાં આવ્યો છે. આ શ્રેણી અર્થપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓની શોધ કરે છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












