અરવલ્લી : ગુજરાતથી દિલ્હી સુધી પથરાયેલી આ પર્વતમાળા ન હોત તો ખરેખર શું થાત?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ત્રિભુવન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
આ ડિસેમ્બરની સવારે જ્યારે દિલ્હીની અંધારી ધુમ્મસ રસ્તા-લાઇટો અને આખેઆખી આકૃતિઓને જાણે ગળવા લાગે છે અને ગુરુગ્રામના હાઇવે પર કારો અને બીજાં વાહનો ધાતુના બનેલા સાપની માફક સરકતાં દેખાય છે, ત્યાંથી થોડે દૂર કાર્ટઝાઇટની પુરાણી રેખાઓ ઊભરી આવી છે.
કોઈ હિમરેખા નહીં, ના કોઈ પોસ્ટકાર્ડ -શિખર; માત્ર ઘસાયેલી, છોલાયેલી, કોતરાયેલી અને ધ્વસ્ત ટેકરીઓ, જેમ કે, પૃથ્વીએ પોતાની સૌથી પુરાણી હસ્તલિપિ પથ્થર પર જ લખી મૂકી હોય.
અરવલ્લીમાં આવાં પોસ્ટકાર્ડ-શિખર ઓછાં છે, એનો અર્થ એ છે કે આ ટેકરીઓ એટલી બધી નાટકીય ઊંચાઈવાળી નથી દેખાતી; પણ તેનું પર્યાવરણીય કામ ખૂબ મોટું છે. ધૂળને રોકવું, પાણીને રિચાર્જ કરવું, જૈવ વૈવિધ્યનું રક્ષણ કરવું અને પોતાના ખોળે વન્ય જીવોને ઉછેરવાં.
આ જ અરવલ્લી છે. ઉત્તર-પશ્ચિમ ભારતની આ પર્વતમાળા, જેને વૈજ્ઞાનિક સાહિત્ય અને લોકપ્રિય ભૂ-જ્ઞાન બંને 'ભારતની સૌથી પુરાણી ફોલ્ડ-માઉન્ટેન બેલ્ટ' તરીકે ઓળખે છે.
લોકઇતિહાસકાર શ્રીકૃષ્ણ જુગનૂ જણાવે છે, આ એ પર્વતમાળા છે, જેમાં લુણી, બનાસ, સાબરમતી, સાહિબી, બેડચ (આયડ), ખારી, સૂકડી, કોઠારી, સોમ, જાખમી, કમલા નદીઓ અને નક્કી, પુષ્કર, જયસમંદ, માતૃકુંડિયા અને બેણેશ્વર જેવાં તળાવ છે.
ભારતની કરોડરજ્જુ
અરવલ્લી ભારતની કરોડરજ્જુ છે, જે ચાર રાજ્યોમાંથી પસાર થાય છે. એ ઉત્તર-પશ્ચિમ ભારતમાં લગભગ 670 કિમી લાંબી મનાય છે.
આ દિલ્હી પાસેથી શરૂ થઈને દક્ષિણ હરિયાણા અને રાજસ્થાનમાં ઊંડે સુધી જાય છે અને બાદમાં ગુજરાતમાં અમદાવાદની આસપાસ મેદાનો સુધી પહોંચે છે.
તેનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જે લગભગ 1722 મીટર છે અને એ રાજસ્થાનના માઉન્ટ આબુમાં છે. આ શિખર પર તમે ઊભા રહો તો વાદળ તમને અડકીને પસાર થતાં હોય એવું અનુભવાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૂગોળવિદ સીમા જાલાન જણાવે છે કે અરવલ્લી 67 કરોડ વર્ષ પુરાણી ગિરિમાળા છે અને એ ન હોત તો ન જાણે ઉત્તર ભારતની કેટલીય નદીઓનું અસ્તિત્વ સુધ્ધાં ન હોત.
ન જાણે કેટલાં જંગલ, કેટલી વનસ્પતિ, કેટલી કીમતી ધાતુઓ અને કેટલા ઇકૉલૉજિકલ વૈભવનું અસ્તિત્વ ન હોત.
અરવલ્લી સંસ્કૃતના 'અર્બુદાવલિ'થી બન્યું છે. તેને રાજસ્થાનના ઇતિહાસમાં 'આડાવળ' નામથી બોલાવાય છે.
આ પર્વતરેખા એક પ્રકારની રક્ષા-પંક્તિ પણ કરી, જે રણ, ધૂળ અને જળ-અભાવ વિરુદ્ધ મૌન રહીને ઊભી છે.
આ ઉત્તર ભારતની સૌથી જૂની 'ટાઇમ કૅપ્સ્યૂલ' અને સૌથી નાજુક વર્તમાન છે.
અરવલ્લીની પ્રાચીનતાનું વર્ણન ઘણી વાર એક રોમાંચક તથ્યની માફક કરાય છે કે એ 'હિમાલય કરતાં પણ પુરાણી' છે.
પરંતુ આ સરખામણી માત્ર ઉંમર સૂચવે છે; ખતરો નહીં.
ભૂગોળવિદો પ્રમાણે હિમાલય યુવાન છે, વધી રહ્યો છે; જ્યારે અરવલ્લી વૃદ્ધ છે.
ભૂવિજ્ઞાનની ભાષામાં એ પ્રોટેરોઝોઇક અને તેની સાથે સંકળાયલા કાળોના લાંબા ઘટનાક્રમથી બની, જ્યારે ભારતીય પ્લેટ અને પ્રાચીન ક્રસ્ટ-ખંડોએ ટકરાવ, રિફ્ટિંગ, સેડિમેન્ટેશન અને રૂપાંતરણનાં ચક્ર વેઠ્યાં.
આ પ્રક્રિયાને ઘણાં સ્રોત 'અરાવલી-ડેલ્હી ઑર્ગેનિક બેલ્ટ' તરીકે રેખાંકિત કરે છે. એક એવો ભૂ-ખંડ, જે મહાદ્વીપીય ટુકડાની ટક્કર અને ધીરે ધીરે થયેલા પર્વતનિર્માણના પરિણામસ્વરૂપે ઊભર્યો.
એ જણાવે છે કે અરવલ્લીનાં પહાડો અને તેની અંદરની તિરાડો; એક એવા ભૂ-તંત્રનો ભાગ છે, જેનું નિર્માણ જેટલું મુશ્કેલ હતું, તેનું તૂટવું એટલું જ સરળ હોઈ શકે છે; કારણ કે, તૂટવા માટે વિસ્ફોટની જરૂર નથી - માત્ર સતત ખનન, કટિંગ, માર્ગ અને કૉંક્રિટ.
ઉત્તર ભારતની 'ગ્રીન વૉલ'
અરવલ્લીને ઉત્તર ભારતની 'ગ્રીન વૉલ' કહેવામાં આવે છે.
થાર રણ વિસ્તારને પૂર્વ તરફ આગળ વધતો રોકતી કુદરતી દીવાલ. વનસ્પતિ, માટી, ઢાળ અને જળધારણ ક્ષમતાનું એક સંમિલિત તંત્ર છે.
નાગરિક સમૂહો અને કેટલાંક તકનીકી આકલનોમાં અરવલ્લીની અંદર ઘણા 'ગ્રેપ્સ-બીચ'નો ઉલ્લેખ મળે છે. એવા ભાગો જ્યાં ટેકરીઓની નિરંતરતા તૂટી ગઈ છે અને ધૂળ-રેતી માટે રસ્તો ખુલ્લો છે.
આ ફ્રેમમાં દિલ્હી-એનસીઆરની ધૂળ-આંધી માત્ર મોસમી ઘટના નથી, ભૂગોળનો સંકેત બની જાય છે : આ પર્વતમાળામાં છિદ્રો વધી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ એક કઠિન કહાણી છે, કારણ કે આ કારણ 'એક' નથી. ક્યાંક ગેરકાયદેસર ખનન છે, ક્યાંક કાયદેસર ખનનનો વિસ્તાર, ક્યાંક અનિયોજિત શહેરીકરણ, ક્યાંક રોડ-રેલવે જેવા રૈખિક પ્રોજેક્ટ, જે પરિદૃશ્યને કાપીને 'ટુકડા'માં ફેરવી દે છે.
દિલ્હીમાં 'રિઝ', જેને અરવલ્લીની ઉત્તર કડી તરીકે જોવામાં આવે છે, શહેરી ઇકૉલૉજીનો એ ભાગ છે, જેને લોકો પાર્કની માફક જુએ છે, પરંતુ મૂળે એક ભૂ-રક્ષાત્મક સંરચના છે. એ ધૂળ રોકવા, સૂક્ષ્મ જળવાયુ બનાવવા અને જૈવ વૈવિધ્યને ટકાવી રાખનારું સુરક્ષા તંત્ર છે.
અરવલ્લી દૂરથી 'બિનફળદ્રુપ' લાગે છે; પરંતુ એ જ વન્ય જીવોનું ઘર પણ છે. દીપડો, પટ્ટાવાળું ઝરખ, શિયાળ, નીલગાય અને અનેક પક્ષી પ્રજાતિઓ તેમાં વસે છે.
હરિયાણા-દિલ્હી-રાજસ્થાનની સરહદે દીપડાની હાજરીના સમાચાર વારંવાર આવતા રહે છે, અને વન્ય જીવ કૉરિડૉરની પણ ચર્ચા છે.
આ કૉરિડૉરનો સવાલ માત્ર 'પ્રાણી બચાઓ' પૂરતો સીમિત નથી; આ પરિદૃશ્યની અખંડિતતાનો સવાલ છે.
જ્યારે ટેકરીઓ વચ્ચે રસ્તા અને રિયલ-એસ્ટેટ 'કટ-લાઇન' બનાવે છે, તો આવાસ નાના દ્વીપોમાં વહેંચાઈ જાય છે.
નાના દ્વીપોમાં મોટા શિકારી નથી ટકી શકતા અને બાદમાં માનવ-વન્ય જીવ સંઘર્ષ વધે છે અને અંતે 'વન્ય જીવ તો રહ્યા નહીં'નું બહાનું આગળ ધરીને વિકાસના સ્થાને વિનાશ આવી બેસે છે.
અરવલ્લીના દક્ષિણ ભાગ ઉદયપુર-મેવાડ ક્ષેત્રમાં વન્ય જીવનો ઇતિહાસ માત્ર કુદરતી ઇતિહાસ નથી, રાજકીય અને સામાજિક ઇતિહાસ પણ છે.
'ઇતિહાસના ફૉરેન્સિક પુરાવા'
આ સંદર્ભમાં એમકે રણજિતસિંહનો ઉલ્લેખ ખાસ મહત્ત્વનો છે. તેઓ મેવાડમાં વાઘના પતનનું એક કઠોર અવલોકન રજૂ કરે છે, જ્યાં શિકાર, વન-ક્ષરણ અને જંગલી શાકાહારીઓની કમી જેવાં પરિબળોના મિશ્રણે ઇકૉલૉજીની કરોડરજ્જુ ભાંગી નાખી.
રણજિતસિંહ લખે છે કે એક શાસકે 'લગભગ 200 પુખ્ત વાઘ' જાળવી રાખવાની વાત કરીનેય પોતાના શાસનકાળમાં 375 કરતાં વધુ વાઘોનો શિકાર કર્યો.
આના પર ઇકૉલૉજિકલ હિસ્ટૉરિયન ડૉક્ટર ભાનુ કપિલના નિર્દેશનમાં હાલમાં જ ડૉક્ટર ઉમા ભાટીએ રિસર્ચ કર્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર ભાનુ કપિલનું કહેવું છે કે અરવલ્લી પર્વતમાળા ન હોત તો મહારાણા પ્રતાપ નાના સૈન્ય સાથે એ સમયના મુઘલ બાદશાહ અકબરના વિશાળકાય સૈન્યનો સામનો કેવી રીતે કરી શક્યા હોત.
તેમનું કહેવું છે કે મહારાણા કુંભાએ મેવાડના રક્ષણ માટે 32 કિલ્લા બનાવડાવ્યા હતા, જેમને ગ્રીન ફૉર્ટ તરીકે ઐતિહાસિક માનવામાં આવે છે.
આજે વિશ્વનાં સૌથી સુંદર શહેરો પૈકી એક ઉદયપુર અરવલ્લી વિના ન વસી શક્યું હોત. આ એ સમયનું રિંગ ફૅન્સ સિટી હતું, જે દરેક પ્રકારનાં આક્રમણો સામે લોકોનું રક્ષણ કરતું.
અરવલ્લી જ એ પ્રાણ તત્ત્વ છે, જેણે જળ, જંગલ અને જમીનનું દર્શન આપ્યું.
ડૉક્ટર ભાનુ કપિલનું કહેવું છે કે બિજૌલિયાનું ખેડૂત આંદોલન હોય કે ભીલ આંદોલન, અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણના સવાલો સાથે પણ સંકળાયેલાં હતાં. કારણ કે એ સમયે બ્રિટિશ અધિકારીઓએ જંગલોમાં વન્ય જીવોના શિકાર વધારી દીધા હતા.
આ વિસ્તારમાં કેવડા હોય કે ચંદનનાં વૃક્ષોની કતાર કે અન્ય વનસ્પતિઓ, અરવલ્લીના કારણે જ રહી છે. એક સમયે આ વિસ્તાર ચંદન અને સાગનાં વૃક્ષોથી ભરાયેલો હતો.
તેઓ આગળ જણાવે છે કે 1949-1954નાં પાંચ વર્ષોમાં મેવાડે અરવલ્લીના લગભગ 140 વાઘ ગુમાવ્યા એટલે કે સરેરાશ 28 વાધ પ્રતિ વર્ષ. આનો અર્થ એ છે કે 1960ના દાયકા સુધી મેવાડમાં વાઘ વિલુપ્ત થઈ ગયા, સાથે જ જંગલ અને જંગલી શાકાહારી પ્રજાતિઓ પણ લગભગ સમાપ્ત થઈ ગઈ.
આ પ્રકારના તથ્ય અરવલ્લીની આજની કહાણીમાં 'ઇતિહાસના ફૉરેન્સિક પુરાવા' જોડે છે.
વિકાસની કિંમત

ઇમેજ સ્રોત, Getty Images
ઇકૉલૉજીની તૂટવાની પ્રક્રિયા સામાન્યપણે 'ધીમી' હોય છે, પરંતુ જ્યારે એ દેખાવા લાગે છે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.
અરવલ્લીમાંથી વાઘનું ગાયબ થવું એ એક પ્રજાતિનો અંત માત્ર નહોતો; એ જંગલના આખા પિરામિડના ખરી પડવા જેવી ઘટના હતી અને આ ઘટના પાણી, માટી, ખેતી અને સમાજ સુધી ફેલાય છે.
સરકારી તંત્ર અને કોર્ટના આદેશોનાં દ્વંદ્વમાં અરવલ્લીનું ભવિષ્ય ફસાયેલું છે, જ્યાં 'વિકાસ'ની ભાષા ઘણી વાર 'ભૂગોળ'ને મૌન કરી દે છે.
અરવલ્લીના ક્ષીણ થવાની માનવીય કિંમત અકલ્પનીય છે. પશુપાલકો, ખેડૂત અને શહેરના સીમાડે રહેતા લોકો અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.
પરંતુ આજકાલ અરવલ્લી ક્ષેત્રના જૂના પશુપાલકોને એવું લાગે છે કે ગરમી વધુ તીવ્ર બની છે, કારણ કે હરિયાળી ઘટી ગઈ છે. વરસાદનું પાણી જલદી વહી જાય છે, કારણ કે ઢાળનો ઘસારો વધ્યો છે. પશુઓના ચરવા માટેનું ક્ષેત્ર ઘટ્યું છે અને ઘણાં સ્થળોએ 'જંગલ'નો અર્થ હવે સુરક્ષા નહી, અથડામણ બની ગયો છે; કારણ કે આવાસ તૂટતાં વન્ય જીવ અને મનુષ્ય એક જ સાંકડા ભૂ-ભાગમાં આવી જાય છે.
આ માત્ર 'પર્યાવરણ વિરુદ્ધ વિકાસ'ની કહાણી નથી.
આ કઈ કિંમતે વિકાસ અને કોના ભાગમાં કેટલી કિંમત આવે છે એનો સવાલ છે.
જોકે, અરવલ્લી પર એક ભરોસાપાત્ર આશાની કહાણી પણ મોજૂદ છે. જેમ કે, પુન:સ્થાપન.
ગુરુગ્રામના અરવલ્લી બાયૉડાયવર્સિટી પાર્કનું ઉદાહરણ અવારનવાર એ સંદર્ભ માટે અપાય છે કે કેવી રીતે ગંભીરપણે ક્ષતિગ્રસ્ત ભૂ-ભાગનેય નાગરિક પહેલ, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને લાંબા ધૈર્ય વડે ફરીથી જીવિત કરી શકાય છે.
આવા પ્રોજેક્ટ્સ એ સંકેત આપે છે કે ચર્ચા માત્ર 'બચાવ'ની નથી; 'બહાલ કરવા'ની પણ છે.
પરંતુ બહાલનો અર્થ એ માત્ર પાર્ક બનાવી દેવો એવો નથી; આનો અર્થ કૉરિડૉર જોડવું, માઇનિંગ મૅનેજમેન્ટને વધુ પારદર્શી બનાવવું, અને શહેર-યોજનામાં પહાડોને 'લૅન્ડ બૅન્ક'ને સ્થાને 'લાઇફ સપોર્ટ સિસ્ટમ' માનવાનો છે.
પર્યાવરણવિદ ટીઆઇ ખાન જણાવે છે કે 80ના દાયકામાં અરવલ્લીમાં માત્ર 12 ગૅપ હતી, જે હવે અનેક ગણી વધી ગઈ છે અને આ અંગે તત્કાલીન પર્યાવરણ સચિવ ટીએન શેષન અત્યંત ચિંતિત હતા, કારણ કે રણ દિલ્હી તરફ આગળ વધી રહ્યું હતું. તેમણે એ સમયે સૅન્ડ ડ્યૂન એશ્ટેબ્લાઇઝેશન ડિપાર્ટમેન્ટ બનાવડાવ્યો હતો.
એમકે રણજિતસિંહે મેવાડના વાઘોના અંતને સંખ્યામાં નોંધ્યો છે, એ એક ચેતવણી છે કે જંગલનું પતન માત્ર જંગલનું પતન જ નથી હોતું; એ શાસન, સમાજ અને ભવિષ્યનું પણ પતન બની શકે છે.
અરવલ્લી ભારતની ઢાળ છે; કારણ કે એ હવાને રોકે છે, પાણીને ઉતારે છે અને જીવનને જોડે છે.
સવાલ એ નથી કે અરવલ્લી 'કેટલી પુરાણી' છે, સવાલ એ છે કે અમે તેને 'કેટલા સમય સુધી' જીવતી રહેવા દઈશું અને કઈ કિંમતે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












