ગરોળી અચાનક પોતાની પૂંછડી કેમ છૂટી કરી નાખે છે, તે પાછી કેવી રીતે ઊગે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કે. સુભગુનમ
- પદ, બીબીસી તમિલ
ગરોળી એ માનવીની સાથે રહેતો જીવ છે જેને જીવંત ઇકોસિસ્ટમનું પ્રતીક ગણી શકાય. ઘરમાં ગરોળી ન હોય તો જીવજંતુઓની સંખ્યા વધી જાય, ગરોળી તેને નિયંત્રિત રાખવાનું કામ કરે છે.
આપણામાંથી ઘણા લોકો ગરોળીઓને જોઈને ડરી જાય છે. ગરોળી દીવાલો સાથે ચોંટી રહે છે અને જંતુઓનો શિકાર કરે છે. તેની પૂંછડી કપાઈ જાય તો ફરીથી ઊગી આવે છે.
પરંતુ કેટલા લોકો જાણતા હશે કે ગરોળી પોતે ક્યારેક પોતાની પૂંછડી કાપી નાખે છે? તે પોતાના શરીરનો એક ભાગ કેમ ગુમાવે છે? તે અંગ ફરીથી કેવી રીતે ઊગે છે? ચાલો આ પાછળનાં વૈજ્ઞાનિક કારણો પર નજર કરીએ.
ગરોળીનું જીવનચક્ર

ઇમેજ સ્રોત, Getty Images
ગરોળીની ઘણી પ્રજાતિઓ હોય છે. તેમાં ઝાડ પર રહેતી ગરોળીથી લઈને ખડક પરની ગરોળીનો સમાવેશ થાય છે. તેમાંથી એક ગરોળી એ છે જેને આપણે સામાન્ય રીતે ઘરોમાં જોઈએ છીએ.
તે સરિસૃપ વર્ગનું એવું પ્રાણી છે જેણે માનવ નિવાસસ્થાનમાં અસરકારક રીતે અનુકૂલન સાધ્યું છે.
ઠંડા લોહીવાળું પ્રાણી ગરોળી સામાન્ય રીતે ગરમ દીવાલો, છત અને ખૂણા પસંદ કરે છે. તે ઘણીવાર રાત્રે જંતુઓનો શિકાર કરવા માટે બહાર આવે છે. તે ખોરાક માટે વિવિધ પ્રકારના જંતુઓનો શિકાર કરે છે, જેમાં મચ્છર, જીવડાં અને માખીઓનો સમાવેશ થાય છે.
તેણે માનવ વસાહત સાથે અનુકૂલન સાધ્યું છે જેમાં તે ફૂડ ચેઇનમાં જંતુઓની વસ્તી નિયંત્રણ કરવાનું મહત્ત્વનું કામ કરે છે.
ગરોળી કઈ રીતે શિકાર કરે છે

ઇમેજ સ્રોત, Getty Images
આપણે ઘણીવાર રાત્રે દીવાલ પર લૅમ્પ કે ટ્યૂબલાઇટ આસપાસ ગરોળીઓ જોઈ છે. તે કૃત્રિમ પ્રકાશ તરફ આકર્ષિત થતા જંતુઓનો શિકાર કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દીવાલ સાથે ચોંટી રહેવાની ક્ષમતા, તેને છુપાવી રાખતા રંગ અને ઝડપના કારણે તે પોતાના બચાવ માટે અદ્ભુત યુક્તિનો ઉપયોગ કરે છે. તેથી તે જીવલેણ ખતરા વખતે પણ છટકી શકે છે.
અગસ્તિયામલાઈ પીપલ્સ નેચર કન્ઝર્વેશન સેન્ટરના જીવવિજ્ઞાની ડૉ. થાનિગૈવેલ કહે છે કે, "ગરોળી સામાન્ય રીતે શિકારીઓથી જોખમ હોય ત્યારે અથવા તેઓ અન્ય ગરોળીઓ સાથે લડાઈમાં હોય ત્યારે પોતાની પૂંછડી કાપી નાખે છે."
ગરોળીના હર્પેટોલૉજીકલ અભ્યાસો સૂચવે છે કે આ પ્રક્રિયાને 'ઑટોટૉમી' કહેવામાં આવે છે, જેનો અર્થ 'પોતાના શરીરના ભાગને કાપી નાખવાની પ્રક્રિયા' થાય છે.
તેઓ કહે છે, "ગરોળીની પૂંછડી એ તેના શરીરનો જ ભાગ છે, પરંતુ જોખમમાં હોય ત્યારે શિકારીનો ધ્યાનભંગ કરવાનું કામ કરે છે. એકવાર અલગ થઈ ગયા પછી તેની પૂંછડી ઘણી મિનિટો સુધી સતત હલતી રહેશે."
ડૉ. થાનિગાઇવેલ કહે છે, "તે શિકારી અથવા તેના પર હુમલો કરવા આવતા દુશ્મનનું ધ્યાન ભટકાવશે. આ દરમિયાન ગરોળી ભાગી જશે."
આ ઉપરાંત "ગરોળી પોતાની પૂંછડીમાં ઘણું પ્રોટીન અને ચરબી સંગ્રહ કરે છે. તેથી ખોરાકની અછત હોય ત્યારે તે પોતાની પૂંછડીને કાપી નાખીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અથવા બીજી ગરોળી પર હુમલો કરીને તેની પૂંછડી કાપી નાખે છે."
તમે પૂંછડીના કપાયેલા ભાગને નજીકથી જુઓ તો તે ભાગ તૂટેલો દેખાશે. આ અંગ નવા જેવું ફરી ઊગી શકે છે તેથી ગરોળી પોતાના બચાવ માટે આ વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે.
તેઓ કહે છે કે ગરોળીના શરીરની રચના આ યુક્તિનો સારો ઉપયોગ કરવા માટે અનુકૂળ થઈ ગઈ છે.
તેઓ કહે છે, "તેમની પૂંછડીમાં એક એવી સંરચના હોય છે જે શરૂઆતથી છેડા સુધી સરળતાથી તૂટી જાય છે, એક સાંકળની જેમ. પૂંછડીની રચના એવી હોય છે કે તેને કાપી નાખવામાં આવે તો પણ ગરોળીને જીવલેણ ઈજા નહીં થાય."
ગરોળીના શરીરની અનોખી રચના

ઇમેજ સ્રોત, Getty Images
બાયોલૉજી, મેડિસિન અને નૅચરલ પ્રોડક્ટ કેમિસ્ટ્રી જર્નલમાં ગરોળી અંગે 2016નો અભ્યાસ પ્રકાશિત થયો હતો. તેમાં ગરોળીની પૂંછડી કાપવાની પ્રક્રિયાની સમજ અપાઈ છે.
આ અભ્યાસ મુજબ શિકારીના હુમલા વખતે અથવા અચાનક ખલેલ પહોંચાડવામાં આવે ત્યારે ગરોળી પૂંછડી કાપવાની પ્રક્રિયા કરે છે.
વાત માત્ર અહીં સમાપ્ત નથી થતી. તેમની અનોખી પ્રજનન પદ્ધતિ પણ વર્ષોથી સંશોધકોને આકર્ષિત કરે છે.
અભ્યાસ મુજબ ગરોળીમાં રિજનરેશન પ્રક્રિયા ત્રણ તબક્કામાં થાય છે. "પ્રથમ તબક્કામાં ઘા ઝડપથી રૂઝાય છે. બીજા તબક્કામાં, બ્લાસ્ટેમા નામના વિશિષ્ટ કોષોનો સંગ્રહ પૂંછડી કપાઈ હોય તે જગ્યાએ જમા થાય છે. અંતમાં આ કોષ ધીમે ધીમે વધે છે અને નવી પૂંછડી બનાવે છે."
જોકે, અભ્યાસમાં એ પણ જણાવાયું છે કે "નવી પૂંછડી એ કાપવામાં આવેલી મૂળ પૂંછડી જેવી નહીં હોય."
ગરોળીની પ્રાથમિક પૂંછડીમાં "પૂંછડીનાં હાડકાં, તેમાંથી પસાર થતી કરોડરજ્જુ, સ્નાયુઓના સ્તર, ચરબીયુક્ત પેશીઓ, રક્તવાહિનીઓ અને ચેતા હોય છે. આ બધું ભેગું મળીને ગરોળીને સંતુલન અને શક્તિ આપે છે."
આ અદ્ભુત ક્ષમતા ગરોળીને તાત્કાલિક જોખમો સામે બચવામાં મદદ કરે છે. જોકે, અભ્યાસ દર્શાવે છે કે પૂંછડી ગુમાવ્યા પછી પાછી ઊગતી નવી પૂંછડી દેખાવમાં સરખી હોય છે, પરંતુ મૂળ પૂંછડી કરતા ઘણી રીતે અલગ છે.
"જે નવી પૂંછડી ઊગશે તેમાં હાડકાંને બદલે કોમલાસ્થિથી બનેલું લાંબું નળીવાળું માળખું હશે. તેના કરોડરજ્જુમાં ચેતા કોષો વગરની સરળ નર્વસ પેશીઓ હશે. નવી પૂંછડીના સ્નાયુઓ પણ મૂળ કરતાં ઓછા વ્યવસ્થિત હશે."
આ ઉપરાંત સંશોધન પત્ર જણાવે છે કે પૂંછડીનું રિજનરેશન ત્યારે જ શક્ય બનશે જ્યારે એપેન્ડિમલ સેલ્સ તરીકે ઓળખાતો કરોડરજ્જુનો એક ભાગ ગરોળીના શરીરમાં અકબંધ હોય.
નવી પૂંછડી કેટલી વખત ઊગી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
શિકાગો યુનિવર્સિટીના નેચર કૉમ્યુનિકેશન્સ જર્નલમાં 2013માં પ્રકાશિત થયેલા એક લેખમાં જણાવાયા પ્રમાણે ગરોળી પૂંછડી ગુમાવે ત્યારે તેની ગતિશીલતા અને છટકી જવાની ક્ષમતાને અસર પડે છે.
જોકે, ડૉ. થાનિગાઇવેલ કહે છે કે આ પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ સંખ્યાની મર્યાદા નથી.
તેઓ કહે છે, "તેઓ ગમે જેટલી વખત જોખમમાંથી પસાર થાય એટલી વખત પૂંછડી કપાવાની પ્રક્રિયા થાય છે. તે ગરોળીની તંદુરસ્તી અને પરિસ્થિતિ પર આધારિત છે."
યુનિવર્સિટી ઑફ શિકાગોના જર્નલ ઑફ રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ પૂંછડી ભલે ગમે તેટલી વખત કપાઈ ગઈ હોય, છતાં "ઘા રૂઝાવવા, પોષક તત્ત્વોનો ઉપયોગ અને પેશીઓના વિભિન્નીકરણની પ્રક્રિયાને અસર થઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ મુજબ "નવેસરથી ઊગતી પૂંછડી તેના કદ, આકાર અને કાર્ય સહિત ઘણી રીતે બદલાઈ શકે છે. આ એક અસ્તિત્વ ટકાવી રાખવાની વ્યૂહરચના છે છતાં તે શારીરિક તણાવનો સામનો કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પૂંછડીને ફરી ઉગાડવા માટે ઘણી ઊર્જાની જરૂર પડે છે."
તેઓ કહે છે, "ગરોળીએ પોતાના શરીરની વૃદ્ધિ, પ્રજનન અને રોગપ્રતિકારક કાર્યની ઊર્જાને આ કામ તરફ વાળવી પડે છે. આ ઉપરાંત પૂંછડી ફરીથી ઊગી શકે ત્યાં સુધી ગરોળી શિકારીનો સામનો કરવા માટે ઓછી સક્ષમ હોય છે. તેના કારણે શિકાર બની જવાનું જોખમ વધી જાય છે."
ગરોળીએ "દીવાલ કે ઝાડ પર ચઢતી વખતે ઝડપ ઓછી થવી અને સંતુલન ગુમાવવું જેવી અસરોનો પણ સામનો કરવો પડે છે. આનાથી જંગલમાં રહેતી ગરોળીનું આયુષ્ય ઘટી શકે અને ઘણીવાર તે પોતાની પૂંછડી ગુમાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












